મન મુરાદો સાવ ખાલી થૈ ગઈ,
જીંદગી એવી નિરાલી થૈ ગઈ!
એમ મનસાને બધી અળગી કરી,
ને ફકીરો શી જલાલી થૈ ગઈ!
એ અનાયાસે મળ્યો જો દીપ સમ,
આમ જો હું તો કમાલી થૈ ગઈ!
રંગ લાગ્યો અલખ કેરા નામનો,
હુંય આખ્ખી લે, ગુલાલી થૈ ગઈ!
એક બસ એની ઝલક જોવા મળી,
આંગણે જાહોજલાલી થૈ ગઈ!
એ નશો ઝળહળ હવે એવો ચડ્યો,
પિંડ પણ આ મોજ પ્યાલી થૈ ગઈ!
સાંજ લોબાની જરી ફોરી અહો!
ચહુ દિશે તારી જ લાલી થૈ ગઈ!
શ્રી મુખે ભાળ્યું જરી કૈં તેજ શું ,
ને ભવોભવની બહાલી થૈ ગઈ!
-------------હેમા ઠક્કર "મસ્ત "----------4-4-2017
No comments:
Post a Comment