Wednesday, 19 July 2017

ગઝલ

આજ આછો પાતળો વરસાદ લખ,
તું કલમ,કાગળ વિના ઉન્માદ લખ.

ક્યાં ખબર અક્ષર પૂરા થાશે અઢી? 
વ્હાલથી શું થાય તે અનુવાદ લખ!

ચીસ છે યા ચુપકીદી જાણું નહીં
આપણી ચર્ચાની બસ મરજાદ લખ.

વાદળી વરસે અષાઢી ભીતરે,
હૈયું તોયે કોરું છે, કલનાદ લખ.

આ અહીંથી ત્યાં લગી વિષાદ છે,
એ વિષાદોને હવે આબાદ લખ.

એ હદે સંબંધ આ બગડેલ છે,
બોલ નહીં પણ કાગળે સંવાદ લખ.

કોઈ જાણી જોઈને ભૂલી ગયું,
એ પ્રસંગો પણ કરીને યાદ લખ.

ફૂલની ખૂશ્બુ ભરી છે શબ્દમાં,
આપું શી રીતે તને હું દાદ,લખ.

ના  કશો  સંવાદ  છે  તારી  કને,
આશ એ ફોરમની છે તું સાદ લખ.

             દીપલ ઉપાધ્યાય *ફોરમ*

No comments:

Post a Comment