કોઈ રીતે એ તને રંજાડશે જયલા હવે !
ગમ ઘણા તારી તરફ એ વાળશે જયલા હવે !
કઈ અચાનક આવશે તારા ઉપર તો ઓળમાં,
સત્ય તારૂ કોણ જ્યારે ભાળશે જયલા હવે !
છે શિકાયત એટલી બસ કેમ તરછોડ્યો મને,
જિંદગી કોના સહારે ગાળશે જયલા હવે !
"મા" વગર લાગે મને ખાલી રસોઈ - ઓરડો,
કોણ તારા ઢોલિયાને ઢાળશે જયલા હવે !
"મા" નથી, "બાપા" નથી, કોઈ સ્વજન પણ ક્યાં હવે?
કોણ તારા ઘાવને પંપાળશે જયલા હવે !
જીવતો રાખી મને તે પણ ખુદા ભારે કરી !
યાદની જ્વાળા મને બસ બાળશે જયલા હવે !
જાત સામે જાતને ઊભી કરી છે આજ મેં,
બેઉં વચ્ચે ચારણી શું ચાળશે જયલા હવે?
ગમ બધા છો આવતા મારા ઘરે એ સામટા,
કૃષ્ણ જેવા દોસ્ત એને ખાળશે જયલા હવે !
હું ભરોષો ના કરું ભગવાન પર "જયલા" કદી,
જાત મારી જાતને સંભળાશે જયલા હવે !
જયલા
No comments:
Post a Comment