ગઝલ :-કૈંક તો થાતું હશે.
-------------------
સૂર્યમાંથી આગ વરસે ,કૈંક તો થાતું હશે.
આટલી એને જલન માં ,કેમ જીવાતું હશે.
આ હ્રદયને આંખ વચ્ચે એક રસ્તો તો હશે ,
યાદને આંસુ જેવું ત્યાં આવતું - જાતું હશે.
લાગણી ને પ્રાર્થનામાં એક છે આ સામ્યતા ,
પ્રેમીજન હો યા ખુદા ,કંઇ છાનું સંભળાતું હશે.
એ નવાઈ છે ઘણી કે શૂન્યવત્ જીવન મહીં,
સમૃદ્ધિની છોળ જેવું કૈંક દેખાતું હશે.
આંસુ ,પીડા ,આહ ,ડૂસકા ,સુર દરદના છે બધાં ,
લાગણીના સાજમાં એ ક્યાંક રેલાતું હશે.
હેત, ગુસ્સો ,રૂસણુંને આ હઁસીની પળ બે પળ ,
પ્રેમનું કંઇ આ રીતે પણ ,રૂપ બદલાતું હશે.
- દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment