Thursday, 5 October 2017

ગઝલ

ગઝલ:- કારણ વગર
-------------------

રોશની ઢળતી રહી કારણ વગર .
રાત તો ગળતી રહી કારણ વગર

મુફલિસીના હાલમાં પણ ક્યાંકથી ,
લાગણી મળતી રહી કારણ વગર

કેટલી પીડા પરોણાગત બની ,
દેહમાં કળતી રહી કારણ વગર

આંખમાં મૃગજળ હશે ,જોયું કદી?
જિંદગી છળતી રહી કારણ વગર

જિંદગી આખી અમે બળ્યાં પછી ,
લાશ તો બળતી રહી કારણ વગર

હાં 'ધમલ'ગણ્યાં કરી કે કેટલી ,
ઇચ્છા ટળવળતી રહી કારણ વગર.

           - દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment