Monday, 23 October 2017

ગીત

રાખડીનાં રખવાળાં, પાલવનાં જવતલનો અર્થ તમને જ્યારે સમજાય
ત્યારે ભાઇબીજ સાચી ઊજવાય

પૂનમનો ચાંદ અને ચૌદવીંકા ચાંદ એ તો પ્રીતમની આંખમાં સમાતા
બીજના આ ચંદ્રમાની ચાંદનીનાં અમૃત તો બ્હેનીનાં હૈયે છલકાતાં
ભાઇ તણાં હેત આજ બ્હેનીનાં હૈયામાં સ્મરણો બનીને ઊભરાય
ત્યારે ભાઇબીજ સાચી સમજાય
ત્યારે ભાઇબીજ સાચી ઊજવાય

બ્હેનાંની ઉંમર હો નાની કે મોટી
તો ય માતા અંજાય એની આંખે
મોટા કે નાનેરા ભાઇને એ વ્હાલપના પાલવમાં ઢબૂરીને રાખે
બાપૂના તાપ હો કે જીવતરની પીડ
વ્હાલી બ્હેનાની સંગે વિસરાય
ત્યારે ભાઇબીજ સાચી સમજાય.
ત્યારે ભાઇબીજ સાચી ઊજવાય.

બ્હેની હો બોલકી કે બ્હેના હો ઠાવકી
એનાં હૈયે વીરાનું  હોય  હિત
વીરાની આંખડી જ વાંચી શકે છે એની બ્હેનીનાં આંસુ ને સ્મિત .
લેવાનું કાંઇ નહીં, દેવાનું શીખવે છે
આપીને અદકું પમાય .
ત્યારે ભાઇબીજ સાચી સમજાય
ત્યારે ભાઇબીજ સાચી ઊજવાય
                        
-તુષાર શુક્લ

ભાઈબીજ ના પવિત્ર પર્વ ની શુભકામનાઓ સાથ...

No comments:

Post a Comment