Sunday 4 August 2019

ગઝલ

ગાગાલગા ગાગાલગા ગાગાલગા

આ કોણ હૈયે શબ્દોને ખેડી ગયા?
ને બી ગઝલના કાગળે વાવી ગયા.

ઈર્ષ્યા વ્યથા ને રોષ સૌ હાંફી ગયાં,
જ્યારે પ્રણયની હાજરી પામી ગયા.

ખોટી રમત ખેલી અમે જીત્યા સદા,
આવ્યો કરમનો દાવ ત્યાં હારી ગયા.

બસ એટલી સમજાય ના આ જિંદગી,
કે એ કપાઇ કે સ્વજન કાપી ગયા.

હુંપદ ભળ્યું અજ્ઞાનતામા ને પછી,
બંન્ને મળી સંબંધ ડૂબાડી ગયા.

ઘેરી વળ્યા વાદળ વફાને એ રીતે,
છાંટા પ્રણયના આવતા હાંફી ગયા.

ખેલી હતી બાજી ફતે ખાતર છતાં,
હાર્યો ફકત હું ને તમે ફાવી ગયા.

--દિલીપ ચાવડા (દિલુ) સુરત