Thursday 30 March 2017

ગઝલ ૪

આંખોની ભીની થઇ કિનારી છે
ફરી પાછી આવી યાદ તમારી છે

હું એકલોજ છું દુઃખી પ્રેમ કરીને
કે પસંદગી આ માટે થઇ મારી છે

કે'તો હતો ત્યારે માનતા નહોતા
કે પ્રેમ એક જીવલેણ બીમારી છે

હસતા હસતા મૌત સ્વીકારી લે
આશિકોની જબરી હોય ખુમારી છે

પ્રેમની સાબિતી કેટલી આપું કે મને
જિંદગી બસ તારા નામે ગુજારી છે

પ્રષ્ન કાશ્મીર જેટલો જ વિકટ છે
ખબર છે મૈં સમસ્યા કેમ નિવારી છે
હિમાંશુ મેકવાન

સમજદારીની કેડી પર ચાલીને જોયું છે ;
સપનું આજે એક આંખો ખોલીને જોયું છે .

મૌન સમજવા જેવા કાબિલ જ ક્યાં હતા ?
એટલે આજે બધે બધું બોલીને જોયું છે !

સમજાતું નથી ક્યાં સંતાઇ જાય આવીને ,
યાદો, દિલને મેં પાછું વલોવીને જોયું છે !

જિંદગીભર જેની બીકે ડરાવતા રહ્યા મને ,
એ મોતને મેં આજે સામે ચાલીને જોયું છે .

ભાર એણે આજીવન ઇચ્છાનો જ ઉઠાવ્યો,
સાવ હલકું હતું ' શબ 'તોલીને જોયું છે !

હિમાંશુ મેકવાન

ઞઝલ
ઞાલઞાઞા ઞાલઞાઞા
+++
તું નથી તો આશ પણ ક્યાં?
દેહને જો, શ્વાસ પણ ક્યાં!

જીવવું છે મન ભરીને,
કોઈને વિશ્વાસ પણ ક્યાં?

લઇ અલઞ અંદાજ ભેગો,
હું ફરું ત્યાં, હાશ પણ ક્યાં!

એ કણે કણમાં સમાયો,
એટલે આભાસ પણ ક્યાં?

અંધારે મળતાં રહીને,
આપતાં અજવાસ, પણ ક્યાં?

હિમાંશુ મેકવાન

થઇ ઘણી ઉપાધિ બધું જાણી લીધા પછી
આવ્યો છું હોશમાં હવે થોડું પીધા પછી

બહુ નડે છે શરમ જો સાદામાં રહું તો
ચડે થોડું ને શબ્દ નીકળે સીધેસીધા પછી

મદિરાનો નથી વાંક ખોટું તો ના બોલો
જખમો ઉતરે ઊંડા ખોતરી લીધા પછી

બહુ બધું બોલી ને મૈં જોઈ લીધું છે
મૌન વ્રત લીધુંછે, બધું કહી દીધા પછી

ફરક પડે છે શું ગમે તેટલું સાચવો
લાશ થઈ ગયો શ્વાશ છોડી દીધા પછી

જામ અથડાવામાં ડર એજ લાગે છે
ઢોળીના દે બુંદ બહુ સાચવી લીધા પછી
હિમાંશુ મેકવાન
૨૯.૩.૧૭

કાવ્ય

સહુને વિશ્વ રંગમંચ દિવસની હાર્દિક શુભેચ્છાઓ ..
અછાંદસ

શું છે તારા હાથમાં

ના જન્મ તારી મરજીથી ,
ના મરણ છે તારા હાથમાં .
થોડી ઘણી તકદીરની રેખા
આપી દીધી તારા હાથમાં !
પાત્ર તારું નક્કી પહેલેથી ,
કેમ ભજવવું ?તારા હાથમાં;
પળમાં પડદો પડી જશે ત્યાં
દાદ મેળવવી તારા હાથમાં !
ભરી ભરીને કેટલું ક ભરીશ
સાવ નાનકડા તારા હાથમાં ,
જગ જીત્યા પછી ય શું રહ્યું
બોલ સિકંદર તારા હાથમાં ?

ઉષા પંડ્યા

ગઝલ

છંદ : રમલ
બંધારણ : ગાલગાગા *૩ ગાલગા
ભારે પડી....
પ્રેમ કેરી તમ કને થી માગણી ભારે પડી,
અંતરે ઊગી પલાશી ફાગણી ભારે પડી.
ના શરત ના ગમ, રમત ના કો કપટ, છળ, કારસા,
ભાવના માં સ્નેહ કેરી વાદળી ભારે પડી.
ના બંદગી, ના ઇબાદત, ના ભજન ના રાસડા,
તરબતર હૈયે જુઓને શ્રાવણી ભારે પડી.
સેતુ બાંધ્યો હેત થી મારા તમારા દિલ લગી,
જીદ ને ઈર્ષા ની જો ને છાવણી ભારે પડી.
આશ ના કોઈ લગીરે, પ્રેમ વાંછુ નિસ્પૃહી,
ચાહના ની એક ઊંડી લાગણી ભારે પડી.
                ડો. જિજ્ઞાસા છાયા ઓઝા.

અછાંદસ

####અછાંદસ###'

##કાવ્યાસ્વાદ##

શબ્દોને સાંકળે બાંધી
અર્થના આંતર નીચોવી
સુકાતી જતી નસો જેવી
ભાવનાઓને બાળી,
આસુંના ધુમાડાની મુઠ્ઠી ભરી,
સપનાના મધપૂડામાંથી
ઝરતા મધને ચાટવા આતુર
ભાલુ જેવો,
ચકોરની માફમ અદૃશ્ય
વિચારોના ચાંદને તાક્યા કરે,
ચાતકની જેમ કલ્પનાઓના
વરસાદની રાહમાં મોં ફાડી ઉભેલો ...,
અસમંજસમાં પડેલો...
આ એની વેદના છે કે
ઉઝરડામાંથી ટપકતું પરૂ ?
શબ્દોમાં ન વાસનાની દુર્ગંધ
ન પ્રેમની સુવાસ,
ફક્ત સ્વાદ છે
એમાં
પણ
સવાલ છે: કયો   ?

-સંદીપ ભાટીયા"કવિ"

ગઝલ

દર્દો બધા હદયનાં અનામત કરો હવે
થોડીક તો તમેય શરાફત કરો હવે

તોડી હદય ભલે ગયા  આ દર્દ આપીને
થોડો ઘણો પ્રણય તો  યથાવત કરો હવે

ભેટી પડે બધી જ્યાં પરસ્પર આ લાગણી
 એકાદ  એવી કોઈ  કરામત કરો હવે

હું  તો થયો છું  કૈદ પ્રણયની આ જેલમાં
આપી અસહ્ય દર્દ  જમાનત કરો હવે.

બસ કાર્યરત રહે સદા આ ધડકનો બધી
*સર્જક* કહે હદયને  સલામત કરો હવે

                                   *સર્જક*

*મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ*

ગઝલ

માઁ... શુભ સવાર.. જય ભોલે...

સવાર પડતાજ માથે હાથ ફરાવી જગાડે..
બાળગીતો ગાતા પાટલે બેસાડી નવડાવે...

તૈયાર કરી એના મનનો રાજ કુમાર બનાવે..
જગન્નાથ જગદીશ પાસે પ્રાર્થના ગવડાવે...

રમત રમતમાં થાય કોઇ મીઠા ઝગડા તો..
બાળકના ઘડતરના ભાગ રૂપે  ખખડાવે...

સુરજ તપે ને શોધતી એ હાથ જાલી..
સમય થાય એટલે પાસે લઇ ખવડાવે...

જગતથી  અજાણ ને મસ્તીમાં મશગુલ..
બાળવાર્તા કરી માથે હાથ ફરાવી સુવડાવે...Jn

ગઝલ

એની એ હોય નહીં એ સદા ઓર હોય છે,
હું શ્વાસ લઉં છું ત્યારે  હવા ઓર હોય છે !

તારી  સમીપ જોઈ, પૂછે  છે  ખુદાઈ  પણ,
આ  કોણ છે  કે  જેનો ખુદા ઓર હોય છે !

અખબાર જેમ હોય છે ઘટના અલગ અલગ,
ગઈ  કાલની  ને  આજ વ્યથા ઓર હોય છે !

રહીએ  જો  દૂર  દૂર  તો ક્યાંથી ખબર  પડે,
બાજુમાં    બેસવાની   મજા ઓર  હોય  છે !

સૌ     સંકળાયેલાં   જ   મળે    એકમેકથી,
કંઈ  આપણા  સગાના  સગા  ઓર હોય છે !

ઈશ્વર  કદાચ   હોઈ    શકે   એક  આપણો,
સૌ   સૌની  તે  છતાં  ય  પૂજા ઓર હોય છે !

- ભરત વિંઝુડા સર

ગઝલ

...........તાજી ગઝલ........
____જાતને ચાળી લો.____

ઇચ્છાઓ બધી બાળી દો,
પોતાને પછી ગાળી લો.

આખી જિંદગી રોઇશ તું,
એકે તક અગર ટાળી જો.!

વાતો તો કરે સૌં મોટી,
એકાદો નિયમ પાળી જો.

નબળા ખ્યાલ શું કરવા છે?
નખશિખ જાતને ચાળી લો.

દેવળમંદિરોમાં શું છે?
હરિને ભીતરે ભાળી લો.

અમ્મરલોકમાં જાવું છે?
આંતરરિપુ બધા બાળી દો.

સુંદર કામ કોને કેવાય?
સામે બાગમાં માળી જો.

પાછળથી"વિજય"પછતાશો,
જીવનને તું સરવાળી જો.

કવિ વિજયકુમાર જાદવ.....
28:03:2017
11:55
ગાગાગાલગા ગાગાગા

ગઝલ

એક ગઝલ....અર્પણ તખતાને ...
….પડદો પડી ગયો ...
જાગી ઊઠ્યાં ને જાત પર પડદો પડી ગયો
કાલે  જીવ્યાની વાત પર પડદો પડી ગયો !

પડદો હાલ્યો ને ભીંત પરનું ચિત્ર સળવળ્યું ...
પડદાની એક નિરાંત પર પડદો પડી ગયો !

પરદાનશીન થૈ ગયો  મારી સમક્ષ હું ય
મારી બધી મિરાત પર પડદો પડી ગયો !

પડદો  ખૂલ્યો  ને ગૃહમાં અંધારું થૈ ગયું
પ્રત્યેક જણની જાત પર પડદો પડી ગયો !

પડદો પડ્યો  ને ગૃહમાં અજવાળું થૈ ગયું
ખુરશીની કાયનાત પર પડદો પડી ગયો !

સૂરજ ઊગ્યો ને પાત્ર સૌ સન્મુખ થૈ ગયાં...
પડદો પડ્યાં-શી રાત પર પડદો પડી ગયો !

રીહર્સલોની  જેમ  ના  ઘટના  કશી  બની
નાટકની એક વિસાત પર પડદો પડી ગયો !

........લલિત ત્રિવેદી
....અંદર-બહાર એકાકારમાંથી

ગીત

ખુલ્લી છાતીમાં ઝીલ્યા લાખ લાખ દરિયા
છતાં આછેરી ના હું ભીંજાણી;
ઊના ઉજાગરા ને રાતાં તોફાન
મારા આયખાનું હીર ગયાં તાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…

મીંઢળિયા હાથ રોજ સપને આવીને
મારી છંછેડે સૂતેલી લાગણી !
અધરાતે ઊઠીને પગની પાનીએ હવે
મહેંદી મૂકવાની કરે માગણી !
રૂમઝૂમતાં-રૂમઝૂમતાં શેરી વચ્ચેથી
મારે ભરવાં’તાં કોઈનાં પાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…

સોડાની બોટલની ગોલીની જેમ
અમે ભીના થવાનો અર્થ જાણીએ;
દૂર ક્યાંક વાગતી શરણાયું સાંભળીને
સાવ રે અજાણ્યું સુખ માણીએ !
આખું આ શહેર મારા ટેરવાથી નાચે
મેં ટેરવાની ભાષા ન જાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…

– વંચિત કુકમાવાલા

દઝલ

હમણાં હજી મળ્યા અને હૈયા સુધી ગયાં,
તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં!

શબ્દોથી જે શરૂ થયું, શાંતિ મહીં વધ્યું,
સંકેત આપણા જો જમાના સુધી ગયા.

જેણે વમળમાં ધીર ધરી’તી એ પ્રેમીઓ,
કહે છે કે છેવટે તો કિનારા સુધી ગયા.

આંખોનું તેજ, વાળની ખુશ્બૂ, અધરનો રંગ,
વાતો શરીરની કરી આત્મા સુધી ગયા.

સાવ જ અજાણ્યા એક વખત જે હતાં, હવે,
જ્યાં કોઈના ચરણ ન હતા, ત્યાં સુધી ગયાં..

- હરીન્દ્ર દવે

ગઝલ

વણકરે આકાશ ચાદર વણી છે,
એ જ પેલા તારલાનો ધણી છે.

શું કરે છે તારું,મારું ને એનું?
આ ધરાને બાથ ભર આપણી છે.

હું નહીં ભુલુ તને, તું ભુલી જાય,
એટલે તો મેં તને અવગણી છે.

આવશે, ચા પી જશે ઝુંપડીની,
એ ફરીથી આવશે, ચુંટણી છે.

દસ વરસની મંગુને સૌ ધૂણાવે,
એના અંદર આજ મા જોગણી છે.

- વિપુલ અમરાવ

ગઝલ

ગઝલ
    હવે સૌએ

નિયમને તોડવા પડશે,હવે સૌએ
જિગરને જોડવા પડશે,હવે સૌએ.

ફરક તો જ પડવાનો છે,સમજણોમાં;
મગજ ઢંઢોળવા પડશે,હવે સૌએ.

નથી સાચા,સિક્કા ખોટાં ખણખણે છે,
સદા એ છોડવા પડશે,હવે સૌએ.

રહે છે કાચના ઘરમાં,સદા માટે;
ક્ષણોના છોડવા પડશે,હવે સૌએ.

મથામણ હોય,"નટ્વર"પામવાની તો,
નયન પણ ,છોડવા પડશે હવે સૌએ.

@@ નટ્વર ટાંક

ગઝલ

હાં, મનોમન રાચવું ક્યાં?
આંચ સાથે દાઝવું ક્યાં?

ભેજ વાળી પાંપણો છે,
અશ્રુ પાછું ખાળવું ક્યાં?

છે સડક અજ્ઞાત થોડો,
લઈ ચરણને ચાલવું ક્યાં?

મૃત્યુ  માયા  છે  અનેરી,
પણ કફ્નને માંગવું ક્યાં?

જો ઉભો યમ આજ દ્વારે,
મોત દેખી ભાગવું ક્યાં ?

કશ્યપ લંગાળિયા "કજલ"

ગીત

અછાંદસ /મેઘરાજસિંહ પરમાર

આંસુ મહીં ક્યાંક થઈ રહી મોઘમ મીનાકારી
શિલ્પો બની ક્યાંક ઢળી રહી યાદોની બેકરારી
જખ્મો પર જાણે ચાલી રહી કોઈ મીઠી કટારી
આંસુ મહીં ક્યાંક થઈ રહી મોઘમ મીનાકારી

ફૂલો બની મ્હેંકી રહી હવાઓ અેના શ્વાસની
ઘેરી બેઠી ઉદાસી ચાંદને આકાશની
મરુ બની તરસી રહી મ્હેલોની અટારી
આંસુ મહીં ક્યાંક થઈ રહી મોઘમ મીનાકારી

પલકો તળે ક્યાંક કૂદી રહ્યા સાદના દરિયા
મેહુલિયાને યાચતા ક્યાંક સાદ ખૂટે છે ઓ મોરલિયા!
ભૂલો બની કોઈ કાને કબૂલાઈ જાઉં મારી
આંસુ મહીં ક્યાંક થઈ રહી મોઘમ મીનાકારી.....

ગઝસલ

આજ સફળતા મારી, કોઈને હું યાદ આવું,
બંધ આંખમાં હું તારી, કોઈ ને હું યાદ આવું...

સાંધી લીધો સમય ને તું પણ જોડાઈ જા,
સંદેશ મોકલશું હવાની બારી કોઈને હું યાદ આવું...

ક્ષણને પકડી નાસી રહી છું મારા વજુદથી
મારી જાતને જાવ હારી કોઈને હું યાદ આવું..

ઝાકળને મુઠીમાં પકડી કેદ કરી દઈશ
સમય પર હું હવે તો ભારી કોઈને હું યાદ આવું...

શૂન્ય રહી હું તો જીવનમાં પ્રેમના ગણિતમાં
"યશવી" એજ ફરિયાદ મારી કોઈને હું યાદ આવું....

રૂપાલી "યશવી"

ગઝલ

આજે નવ શેરી ગઝલ સાથે ગુરુવારી હાજરી પૂરજો..

કારણ વગર કઈ પણ અહી બનતું નથી,
કારણ બન્યું એવું મને ગમતું નથી.

વિચિત્રતા કેવી હશે એ બાગની ?
ફળ વૃક્ષને આવ્યા છતાં નમતું નથી!

આશ્ચર્યમાં છે પાનખર ને ઝાડ પણ,
પીળું થયું પણ પાંદડું ખરતું નથી!

બાકી હશે શું આખરી ઈચ્છા કશી ?
તો કેમ આ મડદું હજી બળતું નથી?

સમજી ગયો હું તો ઈશારો આપનો,
પણ શું કરું? પાછું હૃદય વળતું નથી.

આ ભીડ ફેંદીને ઘણો થાકી ગયો,
મારું જ સરનામું મને મળતું નથી.

તાકી રહ્યા ઘર, ભીંત, બારી, બારણા,
ખુદ મોભને ઘરથી હવે બનતું નથી!

પર્વતને પણ દુઃખે છે આજે પેટમાં,
પરગટ થયું ઝરણું છતાં ઝરતું નથી.

ક્યાં જીંદગી અટવાઈ? મારો હાથ જો,
રેખાઓમાં ‘મંથન’ નસીબ જડતું નથી!
== મંથન ડીસાકર (સુરત)
તમે હજુ *કાવ્યમંથન* ગ્રુપમાં ના જોડાયા હો તો આ લીંક પર જઈ *JOIN* પર ક્લિક કરો...
https://www.facebook.com/groups/Kavymanthan/?ref=bookmarks
તમારા પ્રતિભાવની રાહ જોઉં છું.

અછાંદસ

*અછાંદશ*
*શીર્ષક -મૃગજળ ની પ્યાસ*

હાંફતી ભાગતી તરસી..
મૃગજળ જેવી આશાઓ,
અંત વિહિન પથ પર દોડતી..
ઝાંઝવાના નીર પાછળ સરકતી,
મૃગજળના જળની પ્યાસી..
ઇચ્છાઓ ના વન માં લપસતી..
મૃગતૃષ્ણા માં ફસાતી..
અર્થ વિહિન જીવાતી..
શું આમજ પુરુ થશે?
કે...
મળશે કોઇ ધ્યેય?
મંજિલ?
રાહ તુંજ સુધી પોહચવાની?
હાંફતી...છુટતી..
તુટતી શ્ર્વાસોને સમેટતી.
મૃગજળ જેવી પ્યાસ લઈ ,
તુંજ માં ઓગળવા મથતી..
એકલી અટુલી.. તારી... જિંદગી...

"કાજલ"
કિરણ પિયુષ શાહ
28/03/17

અછાંદસ

દર્શન !
હું અને મારી પૌત્રી
પ્રભુ દર્શનની રાહ જોઈને ઊભા હતા,
સ્વામીનારાયણ મંદિરમાં !
સાત વર્ષની મારી લાડોએ પૂછ્યું
'દાદા ભગવાન કયાં છે?'
'બેટા પેલા બંધ દરવાજાની પાછળ !'
મેં કહ્યું !
થોડીવારમાં દ્વાર ખૂલ્યા,
ભક્તો દર્શન માટે ઈશ સમક્ષ જવા લાગ્યા !
હું પણ મારી ક્રિષ્નાની (કૃષ્ણ) આંગળી
પકડી આગળ વધ્યો,દરવાન ઉવાચ્ય :
'સ્ત્રીઓને અહીં થી દર્શન કરવાની મનાઈ છે.
તમારે જવું હોય તો જઈ શકો છો !'
પણ,હું મારા લાડોને છોડીને
કેમ જાઉં ???'
અમે બન્ને દૂરથી નારાયણને જોતા રહ્યા
ક્રિષ્નાનો અવાજ મારા કાનમાં
ભોંકાતો રહ્યો,'દાદા,મને પણ ભગવાનને
બરાબર જોવા છે.ત્યાં આગળ લઈ ચાલોને !'
હું એને કહી ન શક્યો કે બેટા તું સ્ત્રી છે !
તને પ્રભુ સમક્ષ જવાનો અધિકાર નથી !
મને એ પણ ભય હતો કે,એ મને પૂછે કે,
રાધાજી પણ સ્ત્રી છે તો એ કેમ પ્રભુની
બાજુમાં બેઠા છે ???હું શું જવાબ આપું???
ત્યાં તો ઘંટારવ થયો....મારા કાનમાં
પ્રભુ કહેવા લાગ્યા, બેટા !તેં મારી આંગળી
તો પકડી છે....હું તારી સાથેજ છું !
મેં જોયું તો મારી ક્રિષ્ના મંદ મંદ હસતીતી,
મારી સામે એના પરવાળા જેવા હોઠ અને
મધુર હાસ્યમાં મને મારા ઈશ્વરના દર્શન થઇ ગયા !
***
-'કાન્ત'

ગઝલ

નફા કે ખોટ નો ખયાલ ન કર
ફકીર સાથે ભાવતાલ ન કર.

કોક બીજું ય, વસે છે અહિંયાં
અહીંયાં તું,આટલી ધમાલ ન કર.

કેમ કે તું નથી, તારી મિલકત
દોસ્ત તારામાં,ગોલમાલ ન કર.

તું નથી જાણતો  કયાં જાય છે તું
આટલી તેજ તારી ચાલ ન કર.

લોક માલિકને ભુલી બેસે
સંત,તું એટલી કમાલ ન કર!

           *"અદમ" ટંકારવી*💐

ગઝલ

મળ્યા છે હમદર્દ હઠીલા,
નખરા છે કમજર્ફ હઠીલા.

ગઝલો મારી પતવા નહિ દે,
લુચા આ સૌ  ફર્દ હઠીલા.

બાળક માફક વળગી રે છે
  મારા છે સૌ દર્દ હઠીલા.

આ ખૂશામત ખોર જગતમાં
મળશે ક્યાં?એ મર્દ હઠીલા.

અભિનય હસ્યાનો કરશુ પણ
જાશે ક્યાં આ જર્દ હઠીલા.

*પાગલ કોઈન્તિયાલ્વિ*

ગઝલ

*બહરે હઝજ મકબૂઝ મુસમન*

🌺🌺 *નઝમ*🌺🌺

હયાત છે એ વાતને ખરી કરી બતાવ તું,
યુગે યુગે કાં આવતો ?પળે પળે રે આવતું.

કળી નથી શક્યો હજી, આ માનવી છે બેખબર,
હાં જોજનો તું દૂર છે ને આસપાસ સાવ તું.

ફરી વળ્યાં છે ચોતરફ ઉદાસ યાદના વમળ ,
ફરી મને ફરી વળી ,વળી ફરી હસાવ તું.

ઝબક ઝબક જો થાય છે આ દીવડો રે શ્વાસનો,
હવા કરીને તેજ,ના હવે ઘણું સતાવ તું.

ન આવડે તરણ મને, ને નાવ આજ ડગમગે,
ઉતાર પાર નાવને અહીંથી લે ચલાવ તું.

     
         🖋કવિ-જુગલ દરજી
                 *'માસ્તર'*

ગઝલ

ગઝલ

હવાઓના ચમનમાં તું મને મળજે.
સિતારાના ભવનમાં તું મને મળજે.

અદાવતથી રુઠેલો છું વર્ષોથી હું
વફા હો તો,અમનમાં તું મને મળજે.

ક્ષણો વચ્ચે નગર શું આમ વિખરાશે?
અગર હા તો,પતનમાં તું મને મળજે.

જમીં પર જો મિલનની એ જગા ના હો
અનંતે આ ગગનમાં તું મને મળજે.

ટકોરા યાદના તો ‘મેઘ’ જરુરી છે
અમસ્તા એ મનનમાં તું મને મળજે.

-મેઘરાજસિંહ પરમાર

ગઝલ

સમાધાન કર્યું છે

Keywords: ગઝલ

આતમા સાથે મે સમાધાન કર્યું છે;
મનને માયાથી મેં બેધ્યાન કર્યું છે.

બેસુમાર પ્યાર ઉભરાય છે મનમાં;
જ્યારથી સાહેબનું ધ્યાન કર્યું છે.

આ શરીર પણ ઘણું કનડે છે વચ્ચે;
તેથી એને પણ મેં બેભાન કર્યું છે.

આમ તો સંસાર સાવ ક્યાં નર્ક છે?
એનું તો મેં પણ ભલા માન કર્યું છે.

ચક્ષુ નાની રાખવામાં લાગે છે દવ;
તેથી નજરે મોટું મેદાન કર્યું છે.

દીધું છે અઢળક ઇશે આપણ સહુને;
તેથી દિલ ખોલીને મેં દાન કર્યું છે.

છે 'વિજય' તો એક જોગી, શું પડી છે?
એણે તો ભીતરનું સન્માન કર્યું છે.

કવિ વિજયકુમાર જાદવ

ગઝલ

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

કાયમી તો હાથ મારો હાથમાં હું સોંપતી ,
તોય શાને લાગણીઓ ના સમજમાં આવતી ,

ના હિસાબો માંડ ના તું દાખલાઓ કોઈ ગણ ,
પ્રેમની આ ડોર તો જો ત્યાગમાં રે શોભતી ,

મેં કર્યું તારા હવાલે નામ આખું આયખું ,
દેખ તારું નામ મારા નામ પાછળ ટાંગતી ,

વ્હાલ છે ત્યાં હોય ઝઘડાઓય સ્વાભાવિક ગણું ,
જિંદગી ચાલી જશે એને હવે હું રોકતી ,

ના ગુમાવ્યા કર વખત ખોટા વિચારોમાં હવે ,
એક તારા કાજ માથું મંદિરોમાં ટેકતી .

હિના શાહ " મહેંદી "

ગઝલ

તારી લપડાકમાં જ ધાક નથી,
મારી આદતનો કોઈ વાંક નથી.

ઓ ઉદાસી ! તું રોજ બૂમ ન પાડ,
તારો હું કાયમી ઘરાક નથી.

સાફસુતરું નથી લખાતુ દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી?

રોજ દર્પણમાં જોઇ મલકાવું,
આથી સુંદર બીજી મજાક નથી.

ક્યારના આમ કેમ બેઠા છો ?
તમને આરામનો ય થાક નથી.

– ગૌરાંગ ઠાકર

ગઝલ

સોય થઈ તું છોને ભોંકાતો ગયો,
ફૂલ થઈ હું તો ય ગૂંથાતો ગયો.

વિશ્વને ગજવે છે જે અખબાર થઈ,
એ જ તો પસ્તીમાં બંધાતો ગયો.

તે છતાં એ કાળો ને કાળો રહ્યો,
તાપમાં પડછાયો ધોવાતો ગયો.

આજ માણસ પણ બની ગ્યો છે રહસ્ય,
જે અનુભવથી ઉકેલાતો ગયો.

જિંદગીમાં ધાર આવે એટલે,
હુંય પેન્સિલ જેમ છોલાતો ગયો.

રવિ દવે 'પ્રત્યક્ષ'

ગઝલ

પ્રેમનો પાષણ હૈયામાં ય ઉદ્દભવ લાગશે,
એ હશે તણખો, પરંતુ ડુંગરે દવ લાગશે.

એ જ સારું છે હૃદય, કે તું રહે કાંઠા ઉપર,
જો કમળ લેવા જઈશ, થોડો તો કાદવ લાગશે.

રાતદિન શું છે-જુએ એ કોઈ મારી આંખથી,
એક પરદો લાગશે ને એક પાલવ લાગશે.

એમ તો એ એક જીવનનાં યે નથી સાથી બન્યાં,
આમ એનો સાથ જોશો તો ભવોભવ લાગશે.

ભૂલથી પણ કોઈ ના કરશો ખુદાની કલ્પના,
માનવીની દ્રષ્ટીએ તો એય માનવ લાગશે.

થઇ જશે પોતે દિલાસા જિંદગીના દુઃખ બધાં,
આ જગત જે જે સિતમ કરશે,અનુભવ લાગશે.

ફેરવી લે છે નજર બેફામ સૌ એવી રીતે,
કોઈ જો જોશે અમસ્તું,એય ગૌરવ લાગશે.

-બેફામ

ગઝલ

જેને લીધે હું કોઈ બીજાનો નથી રહ્યો,
એનો જ સાથ મારે સદાનો નથી રહ્યો.

સૌ સાંભળે છે વાત અગર સુખની હોય તો,
દુઃખ કહી શકાય એવો જમાનો નથી રહ્યો.

આખા જગતને હક છે-કરે મારા પર પ્રહાર,
હું કઈ હવે તમારી સભાનો નથી રહ્યો.

લૂંટી રહ્યો છે જગની મજાઓ જે માનવી,
એ માનવી જ આજ મજાનો નથી રહ્યો.

મારી ગરીબી જોઈ રડે છે હવે બીજા,
મારે તો આંસુનોય ખજાનો નથી રહ્યો.

શયતાનને ય જેની કસોટીમાં રસ પડે,
ઇન્સાન એવો બંદો ખુદાનો નથી રહ્યો.

એ પણ મદદ કરે છે ફક્ત ખાસ ખાસને,
અલ્લાહ પણ હવે તો બધાનો નથી રહ્યો.

બેફામ જન્મતાં જ કઈ એવું રડ્યો હતો,
વર્ષો થયાં છતાંય એ છાનો નથી રહ્યો.

-બેફામ

અછાંદસ

*અછાંદસ*
*શીર્ષક - લાગણીની વાત*

સલામ તારી તરસને,તારી તડપને,
પામ્યું શું ને શું પામશો...?
પામવું જ જરુરી નથી...
તરસ ને તડપ નું પણ પોતીકું વજુદ છે.
જરુરી આ સ્પંદનો છે.
એકબીજા માટેની આ લાગણી ..
સવારના સૂર્યોદયને સાથે માણવો,
સૂર્યાસ્તની પ્રતિક્ષા કરવી..
એક બીજાની નાની જરુરીઆતોનું ધ્યાન રાખવું ..
સાથે જીવવું કે સહજીવન જ જરુરી નથી...
તારી ચુપી પણ એટલી જ જરુરી જેટલું તારુ બોલવું ને મારું સાંભળવું..
તારી દૂનીયામાં તને ખુશ જોઇ મળતી ખુશી,
તારી સફળતા પોતીકી લાગતી..
તારી પીડા એ  આંખ ભરાતી..
કેટલુ અવ્યકત રહેતું તો પણ સમજાતું ..
તડપ તરસ ?
એતો રહેવાની..અને એજ જીવવા નું બહાનું બનતી.
કાજલ તો તારા નામની  દર્શનની પ્યાસી...
દૂર રહી સતત તારુ જ સાનિધ્ય અનુભવવું ...

"કાજલ"
કિરણ પિયુષ શાહ
27/03/17

ગઝલ

એક પંખી ડાળ પર બેસીને લીલું ગાય છે
કે, પછી એના જ ટહુકા ખીણમાં પડઘાય છે.

એક ઘટના આંગણામાં આજ તાજી થાય છે.
જીંદગીની પાનખરમાં આંખડી ભીંજાય છે!

જ્યારથી મેં સાંભળી છે પાંદડાંની વાતને
એક પંખી ત્યારથી ભીતરમાં ઉડતું જાય છે

સ્વપ્નમાં સૂરજ ઉગીને આથમે છે  જે ક્ષણે,
રાત આખી જાગવાનું એજ કારણ થાય છે.

કોઈ તારા નામનો અક્ષર હથેળીમાં લખે,
ને પછી એ રંગ મહેદીનો બધે ફેલાય છે

Bharat prajapati Adish

અછાંદસ

હા,
તું 
જાગે છે ને
બસ
એટલે જ
અંધારામાં એકલો
સાવ સૂતા સૂતા
હું મલકું
હું છલકું
હું રડું છું...
ને  પછી
કોઈ 
આવીને
મને 
જગાડે છે
હું મને
પાછો રમતો
જોઉં છું
એવો ને એવો
મારામાં
હા હું મારી સાથે જ
રમું છું
હું જાતે જીતું છું ને હારું પણ છું
અંચઈ કરવાની મારી
ટેવ મને હરાવે છે
મારાથી....

                    આકાશ

ગઝલ

*તાજાકલમ માં એ જ કે*.......

ધાર કે દરિયો નદી બાજુ વળે છે,
પણ  નદી તો ચિતરેલી નીકળે છે.

ધાર કે  પીડા બરફનો  ટુકડો  છે,
ને ગઝલના જામ વચ્ચે ઓગળે છે.

ધાર કે આખી સભા છે આંધળાની,
ફક્ત પાસા અટકળોના  ઉછળે છે.

ધાર કે બીનવારસી છે લાશ જાણે,
સ્વપ્ન આંખોના  મસાણોમાં બળે છે.

ધાર કે આ સ્મિતનુ દર્પણ ધરી સાૈ,
એકબીજાના ડૂમાઓને છળે છે.

ધાર કે તું જિંદગીને પ્રેમ કર,-ને
મોત અણધાર્યું તને આવી મળે છે.

                           હર્ષા. દવે.
                          39/3/17

ગીત

તારે શું લેવાદેવા ? : કાવ્ય.શૌર્ય
હું કામ કરું ગમે તેવા,
તારે શું લેવાદેવા?
મારા દીદાર હોય , ભલેને ભૂત જેવા
તારે શું લેવાદેવા?
જમું હું સુકી ભાખરી,કે મેવા
તારે શું લેવાદેવા ?
મહેલ હોય કે , હોય ઝુંપડી રેવા
તારે શું લેવાદેવા?
હું મારું કોઈને ઠુંહા , કે કરું કોઈની સેવા
તારે શું લેવાદેવા ?
અમે આવાજ રેવાના,
કોરા કાગળ જેવા,
ધોયેલા મૂળા જેવા,
ખાલી ડબલા જેવા,
પણ તારે શું લેવાદેવા ?
હું આવું છુ ? કોઈ દિ’ કશુંય તને કેવા
તો ઠાવો રેને,તારે શું લેવાદેવા ?
શૌર્ય પરમાર.

ગઝલ

મારા  સુધી  જ વાત  હો પંડિત થવું નથી,
નાં એમ કોઇના  બળે સ્થાપિત  થવું નથી.

ઉત્તર  દઈ   તડાફડ  કાફિર  થવું  નથી,
સામા  પ્રવાહને  તો ય આધિન થવું નથી.

ને  થઇ  સવાઇ  મારી  સમીક્ષા ય હું કરું,
ખુદના આ  એક હક્કથી વંચિત થવું નથી.
                    ** " નિશિ " **
ઓળખ  ચહું સદા બસ  ખુદના  જ આયને,
અજવાળતો  મને  છતાં નિશ્ચિત થવું નથી.

આકાર  શૂન્યનો  ધરું  જા એ કબૂલ ! પણ
વિંધાઇ  સત્ય  જેમ  કૈ  શાપિત થવું  નથી.

ભેગા  સમયની  દાદ  મળે એમ પણ બને,
હા હામ રાખું !  સાવ જ આશ્રિત થવું નથી.

શાને  ય  છેતરું  વળી મારા ' હું ' ને કદી,
કે  ભીડમાં  વિખાઇને  સાબિત  થવું  નથી.
  ** " નિશિ " ***

ગીત

ઓ કાળી કાળી વાદલડી તું આમ મને તરસાવ નહિ,
મન મુકીને વરસી જા આમ ટીપે ટીપે આવ નહિ .

જાણું છું આ રીત છે તારી તું મને સતાવે છે ,
કરી ગડગડાટી ગગનમાં તું મને બીવડાવે છે
પછી આમ વીજળી ચમકાવી આંખ તું મીચકાર નહિ
મન મૂકી ને વરસી જા આમ ટીપે ટીપે આવ નહિ ..

વરસીસ કે તું નહિ વરસ એ અટકણો અકળાવે છે,
હું ના ભીંજાઉં જયારે ત્યારે જ નીર વરસાવે છે ,
આમ તરસ્યા હૃદયોને તું હવે વધુ તરસાવ નહિ ..
મન મુકીને વરસી જા આમ ટીપે ટીપે આવ નહિ.....

આ વૃક્ષ ને આ વેલીઓ પણ જો તને બોલાવે છે
ચાતક પણ રાહ જોઈ બેઠો ક્યારે વરસાદ લાવે છે ?
થનગનતા આ મોરલિયાને હવે રાહ જોવડાવ નહિ
મન મુકીને વરસી જા આમ ટીપે ટીપે આવ નહિ .

- શબનમ