Sunday 26 November 2017

ગઝલ

ગઝલ – આવડી જાય છે.

નાળથી જે કપાઈ લડી જાય  છે ;
શ્વાસ લેતા પછી આવડી જાય છે .

સાથ તું હોય  છે એટલે  આ  પવન ;
ભીંતની પીઠને  થાબડી  જાય છે .

બાળપણ જાળવી ના શકાયું  કદી ;
બહાર ખોવાય ભીતર જડી જાય છે.

લક્ષ્મી દ્વારે ઉભી , મોં ન ધોવા જતાં ;
કાળની શુભ મંગળ  ઘડી   જાય  છે.

ફૂલ ઝાકળ    સરીખો  અનુબંધ  છે ;
કે  મળો  ત્યાં તો  છુટા પડી જાય  છે .

દિલીપ વી ઘાસવાલા

Sunday 19 November 2017

અછાંદસ

આજે એને વેંટિલેટર પર લીધો સવારે ,
ખૂબ કપરો સમય હતો ..
જીવન ને મરણની લડાઈ ચાલી..
લાગ્યું બધું થાય છે ખાલી.
ડોકટરો આશા આપતા રહયા..શ્વાસ ને વિશ્વાસ અમે ઝાલતા રહ્યા .
જીવન દોરી સંચાર. લગાતાર..
પણ વિધાતા નો પાસો અચાનક પલટાયો.. કડવું સત્ય સામે આવ્યું
કઈ જ નજરે ન આવ્યું..
બસ એણે  વેન્ટિલેટર પર
મૂક્યા હતા શ્વાસ ને સંબંધ..
શ્વાસ છૂટી ગયા ..
સંબંધ આજે પણ વેન્ટિલેટર પર છે , મરવાને વાંકે જીવતા
રાહ જુએ છે મુક્તિની ,મોક્ષની  પ્રતિપળ ..
અછાંદસ કાવ્ય
દીપ્તિ બુચ
' મોક્ષ' 20 / 11/ 17

ગઝલ

આવી જજે

સૂર્ય  ડૂબ્યો  ને  ઉગી  છે  સાંજ, તું આવી જજે!
આજ  અત્યારે  અને હમણાંજ તું આવી જજે!

મંદિરે  વાગી  રહી   ઝાલર   અને   ઢોલક   બજે
થાપ  દેવાનેય  છે  પખવાજ, તું   આવી   જજે!

પ્હાડની  ટોચે  અને  વાદળની   ઉપરથીય   પણ
કોણ  છે  જે  દે  મને અવ્વાજ, તું આવી જજે!

રાત    અંધારી   અને   રસ્તોય   ભૂલી   આથડું
પ્હોંચવું  ક્યાં  કોઈ ના અંદાજ, તું આવી જજે!

ઝરણ ખળખળતાં રડે, દરિયોય કરતો રોકકળ!
શાંત  બન્નેને  કરીને, આજ   તું   આવી   જજે!

- હરિ શુક્લ
  ૧૦-૧૧-૨૦૧૬ / ૧૨-૧૧-૨૦૧૭

# રિવ્યુ માટે

ગઝલ

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !
આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું !
શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું !
હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું !
કોઇને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું !
-રાજેન્દ્ર શુક્લ

ગીત

હું પણ કાનુડો બનું! (ગીત)

એક વાંસળી મધુરી તું આપી દે કાના,
તો હું પણ કાનુડો બનું!
તારા ગયાને હવે વીત્યા છે જમાના,
તો હું પણ કાનુડો બનું!

મોરપીચ્છનો સુંદર હતો શણગાર,
ડોકમાં મોતીઓની માળા;
દેહ તારો કાળો તોયે કેવી એ મોહિની,
તને મોહતી વ્રજની બાળા!તારા ગુણના સઘળા આપી જા ખજાના,
તો હું પણ કાનુડો બનું!

કદી બન્યો પ્રેમી તો કદી વિનાશક,
દૂર કર્યો દુષ્ટોનો ત્રાસ;
જમાનાની ગાડી ચાલી અવળા પાટે,
એમાં કેમ મળી શકે પ્રાસ!તારા હથિયારો બધાં આપી જા છાનામાનાં,
તો હું પણ કાનુડો બનું!

- 'સાગર' રામોલિયા

ગઝલ

શુભ સવાર..જય ભોલે...

આનંદની તૃપ્તિ એટલે પ્રેમ..

ઝરમર ઝરમર વરસતો વરસાદ એટલે પ્રેમ.
વસંત સાથે નવી કુપણો ડોકીયા કરે એટલે પ્રેમ...

ગોધુલી ઉડે ને બને એ પાંડુરંગ એટલે પ્રેમ..
મીરાની ભક્તિ ને રાધાની પ્રિતી એટલે પ્રેમ...

વિંધાયેલી વાંસ તોય અંતરમાં મીઠાસ એટલે પ્રેમ..
કિનારા છલોછલ ને અંતરમાં પ્યાસ એટલે પ્રેમ...

બંધ આંખે કાનમાં થતું મીઠું ગુંજન એટલે પ્રેમ..
ભરી મેદનીએ તાલબધ્ધ પડતો સૂર એટલે પ્રેમ...

પરમાનંદ નીજાનંદ... આનંદની તૃપ્તિ એટલે પ્રેમ..
"જગત" આખું પ્રેમ કરવા જેવું લાગે, તે એટલે પ્રેમ....jn

ગઝલ

🌻

પાંદડા પડતાં ઉપર ઊભાં છીએ
એટલી જડતાં ઉપર ઊભા છીએ

ખોતરી નાખી ધરા ચારે'કોરથી
છેવટે  તરતા ઉપર ઊભા છીએ

સ્થુળ જ્વાળામૂખ કોરી કાપવા
કેમ ફંટાતાં !ઉપર ઊભા છીએ?

પાનખર ડાળે થતી વાતો ધણી!
મૂળ કે'વાતા ઉપર ઊભા છીએ

ફૂટતી કૂપળ હશે 'અથવા' હતી
કૂળને કરતા ઉપર ઊભા છીએ

ડંખ!ભમરો દાંતને વાળી કહે
ફૂલની ફરતા ઉપર ઊભા છીએ

દાઢમાંથી શબ્દ! જોખાતી હવા!
શુ હવે! રસ્તા ઉપર ઊભા છીએ?

થૈ ગયેલાં તાજ પર !પ્રયોજનો!
પાઠવે! બળતા ઉપર ઊભા છીએ

પણ!પછી!કે'વત!નવાજે યોજના
આગ કર બળતા ઉપર ઉભા છીએ

જાગૃતિ મારુ મહુવા " જાગુ "
તા:-11-11-2017
સમય:-રાત્રે 08:30

ગઝલ

માં જીવનની  નાવ છે.
માં ઉપવનની છાવ છે.

માં  એ ઉગડતા  દ્વાર  છે.
માં જ ઉછળતા વ્હાલ છે.

માં તો  દિવસને રાત છે.
માં જ શ્વાસને વિશ્વાસ છે.

માં એ સ્વર્ગની  વાટ છે.
માં  જ દિવાની  વાટ છે.

માં જ મંથનુ   અમૃત છે.
માં જીવનનુ  આવૃત છે.

માં જ ગીત ને સંગીત છે.
માં જ  ગઝલની રીત છે.

માં જ  શિશુની  જીત  છે
માં જ   વિધિની શીખ છે.

માં સપ્તરંગી ધનુષ્ય છે
માં જ  સાચુ આયુષ્ય છે.

માં શિતળ વૃક્ષ ચંદન છે.
માં  અત્તર  સહ વંદન છે.

માં એ ધરતી નુ  બીજ છે.
માં જ ધરમ ની  ધીજ છે.

માં એજ સકલ સંસાર છે.
માં એજ અસલ કંસાર છે.

માં વગર બૂજેલ  આગ છે.
માં કદર   ઉગેલ   બાગ છે.

માં છે તોજ  આજ -કાલ છે.
માં નહી તો જાત બેહાલ છે.

માં એ આસુ નુ   કારણ  છે.
માં સંતસાધુનુ  ઉદારણ છે.

માં  એજ કલમ ને શાહી છે.
માં   જ    શબ્દ વાહીની છે.

માં આધારે જ આ ભાઇ છે,
નહી તો ખાલી ચારપાઇ છે.

~જયદિપસિંહડાભી
   ~12-11-2017

ગઝલ

ગઝલમાં

રહેશો   કરીને    કેમના    વિરક્ત    ગઝલમાં?
સંતો ને ઓલિયાઓ પણ આસક્ત ગઝલમાં!

રેતીની   જેમ  હાથથી    સરતો   રહ્યો   છતાં
થંભી  ગયો  શબ્દોની  સાથે  વક્ત  ગઝલમાં!

વ્યક્તિને   સમષ્ટિ  સુધી  પહોંચાડતા  શબ્દો!
અવ્યક્તને   કરે  છે  શબ્દ  વ્યક્ત  ગઝલમાં!

છંદો,  રદીફો,   કાફિયા,  મત્લા   અને   મક્તા
બંધાઈ   છે  બંદિશ  પણ  સશક્ત  ગઝલમાં!

મંદિરોમાં,   મસ્જિદોમાં,   ચર્ચોમાં   ના  મળ્યો
હરિયો  મળ્યો  હરિને  આજ ફક્ત  ગઝલમાં!

- હરિ શુક્લ
  ૦૮-૧૧-૨૦૧૬ / ૧૨-૧૧-૨૦૧૭

ગઝલ

तुम भी सुहाने ख्वाब सजाकर डुब गये हो सपनों में,
हमसे मिलना छोड़ के यारा घुल गये क्युं अपनों मे।

कबतक तेरी राह तकें हम मोसम की राअनाइ में,
आकर अबतो साथ निभादो डंसती इस तनहाइ में ,
पल पल गीत सुरीले सुनने आओ बहेते झरनो में ।

देख तुम्हारे अपने हमसा साथ निभा ना पायेंगे,
मतलब से अपनायेंगे पर काम निपटते ठुकरायेंगे,
खेल समज ये सारा अबतो मानलो हमको अपनों मे।

धीरे धीरे बेह निकला है वकत का बढ़ता धारा देख,
तुमने गुजरे वक्त में भोगा होगा गमका मारा देख,
देख बचाले दामन अपना चलती हवाके जडपो में ।

                     मासूम मोडासवी

ગઝલ

રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી

આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી
– શોભિત દેસાઇ

ગઝલ

ઊર્ફે  ધોળે  દિવસે  અંધારું પડ્યું
આપને અજવાળું પણ આછું પડ્યું.

  કેટલો વિનાશ સર્જીને પછી,
તોપનું મોઢું જરા ટાઢું પડ્યું.

શબ્દનો પડઘો થયો તો એ કહે-
પોત  તકલાદી  હતું, પાછું પડ્યું.

આટલો  વરસાદ  વરસે છે છતાં,
આભમાં ક્યારેય ક્યાં કાણું પડ્યું.

એણે અંધારું ભગાડ્યુ એ ક્ષણે,
મુખ દીવાનું  એટલે કાળું પડ્યું.

એમને  ઓરુ પડ્યું ભૂલવું બધું,
વિસ્મરણ એનું મને આઘુ પડ્યું.

હું અરીસામાં જઈ ભૂલો પડ્યો
બિમ્બ એમાં કોનું બીજાનું પડ્યું

           ભરત ભટ્ટ

ગઝલ

બાળ મજૂરી નું ગીત.

નાના નાના પગલાં લઈને, મોટા મોટા કામ કરે છે.
બાળક છે પણ બાળક માફક કોઈ પળે કયાં શ્વાસ ભરે છે

અંધારાની ઓથે ચાલે જાણે કે અજવાળા,
નાના વેઢે કરવા એને મસમોટા સરવાળા

આંખે બાજેલા સપનાઓ રોજ ખરે છે, રોજ મરે છે

હિંમત એનાં બાપની એને લગે કોની બીક,
સાંઢ 'જરૂરત' નામ નો છો ને આવી મારે ઘીક.

ફકત રમે છે એનાં આંસું એ તો કેવળ કામ કરે છે.

આશાઓ સઘળી ફળવાની સઘળું થાશે સારુ.

કાલ ભરાઈ જશે જો જો ખુશીયો તણું તગારું

પાગલ ખુદના ભારથી જાજો શીશ ઉપર શું ભાર ભરે છે.

મહેબૂબ સોનાલીયા

ગઝલ

આજ બેઠો સાંજ ટાળે આથમીને,
તેલ સૂરજનું બધું હું વાપરીને.

જિંદગીને છીનવી લીધી મજાથી,
મોતને રસ્તામાં એવી ચાતરીને.

આપણાં રહ્યા નથી એ આપણાં પણ,
વાત જાણી ઠેશ પ્હોંચી લાગણીને.

આવતા એની ખબર પણ ના થઇ જો,
એ હ્ર્દયમાં આજ આવ્યા સાચવીને.

જીવતા શીખી ગયો 'આભાસ' મારો,
દર્દને એ દિલમાં કેવા છાવરીને?

-આભાસ

ગીત

મને મેળાની લાગે બહુ બીક ,સહિયર મોરી મને મેળાની લાગે બહુ બીક,
ઉમંગોનો દરિયો મેળામાં ઉમટે અને યૌવન હિલોળા ખાય

        બાથે ભરવું મારે વ્હાલમના વ્હાલને ,
         અને  મેળામાં આંખોના જાપ્તા ,
         આંખો રમે મારી ચલક ચલાણું,
         અને વ્હાલમ  રમે સંતાકુકડી

સમજીને થાય નહિ, જગમાં કેહવાય નહિ,વરણાગી વ્હાલમને  શાનમાં સમજાય નહિ

           વિખેરાયેલો અંબોડો કેમે ય ગૂંથાય નહિ,
           મઘમઘતા મોગરાની ફોરમ કળાય નહિ,
            રેશમના ઢાળમાં સરક્યું સરકાય નહિ,
            મૃગજળ થી હવે તરસ છીપાય નહિ ,

ચઢતું જોબનીયું કેમે ય ઝીલાય નહિ વરણાગી વ્હાલમને પાછું કઈ કેહવાય નહિ
હૃદયનો ધબકારો હવે ચૂકાય નહિ,નજરના જામ પી હવે બેહ્કાય નહિ .

અસ્મિતા

ગઝલ

 

કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?
વિચારું છું: કદાચ ઓળખીય જાઉં મને.

વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
અને કદાચ કહીં એ જ ગાનતાન બને.

ગમ્યું છે ખૂબ કહીં જાઉં કોઈ કાન મહીં,
ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને.

સહીશ આંસુ રુદન દોસ્ત બધા હું તારાં,
હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને.

મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું ક્યા વદને !

હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી,
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.

ચાલો,આ વાત વધારી જવામાં માલ નથી,
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.

*સાંઈ મકરંદ દવે*

ગીત

કમાણી / *મકરંદ દવે*

ભોજો ભરવાડ રોજેરોજ છેતરાય,

કિયે : હાલ્યા કરે, હોય;

દલો શેઠ રોજેરોજ બમણું કમાય,

અને કરે હાયવોય.

રાત પડ્યે ભોજો કાં તો ભજન ઉપાડે,

કાં તો ગણ્યા કરે તારા;

ઝીણી વાટે દલો કાં તો ચોપડો ઉઘાડે,

કાં તો ગોખ્યા કરે ધારા.

એક દી ઉલાડિયો કરીને આયખાનો,

સુખે હાલ્યો ગયો ભોજો;

દલા શેઠ માથે પડ્યો એક દી નફાનો

જાણે મણ મણ બોજો.

*મકરંદ દવે* 🌱

પેરોડી

પ્રતિકાવ્ય - આજના રાધા-કાન

(મુર્ધન્ય કવિ શ્રી પ્રિયકાંત મણિયારને પ્રસિદ્ધ રચના " આ નભ ઝૂક્યું તે કાનજી..." પર પ્રતિકાવ્ય દ્વારા વર્તમાન કાન-રાધાની પ્રસ્તુતિનો પ્રયત્ન.)

આજે જૂઓ આ કાનજી ને આધુનિક આ રાધા રે,
સીધોસાદો કાનજી ને ચપ્પટચાલાક રાધા રે.

બિલ ચૂકવે તે કાનજી ને શોપિંગ કરે તે રાધા રે,
વૈતરું કરે તે કાનજી ને મોજ ઉડાવે રાધા રે.....આજે.

પાટલી છે તે કાનજી ને વેલણ ફરે તે રાધા રે,
ખાંડણી રૂપે કાનજી ને દસ્તા રૂપે રાધા રે......આજે.

પોતા મારે તે કાનજી ને પગલાં પાડે તે રાધા રે,
બાબો રમાડે કાનજી ને ટીવી જૂએ રાધા રે....આજે.

ટિફીન ખાતો કાનજી ને હોટલમાં જમે રાધા રે,
ગાડી લૂછે તે કાનજી ને રોફ જમાવે રાધા રે......આજે.

આંખો ઝૂકે તે કાનજી ને આંખો બતાવે રાધા રે,
બેવડ વળી ગ્યો કાનજી ને મોં મચકોડે રાધા રે...આજે.

અંદર સળગે તે કાનજી ને કાંડી ચાંપે રાધા રે,
ટમટમ દીવો કાનજી ને હેલોઝન તે રાધા રે....આજે.

ખળખળ ઝરણું કાનજી ને ધોધ પડે તે રાધા રે,
શાંત સરોવર કાનજી ને ત્સુનામી તે રાધા રે.....આજે.
- મુકેશ દવે

અછાંદસ

##વિધવા સ્ત્રીની એકોક્તિ##

હવે ફરિયાદ કોને કરું?
એની યાદોને હું ક્યાં કૂવામાં જોખું?
ખલખલ વહેતી નદીની જેમ વહ્યો
ફૂલ જેવું મહેકતો,
અરે.... કદાચ આખું એક ઉપવન હતો
એક નવું વિકસતું વિશ્વ હતું એનું!
પતઝડના વૃક્ષ જેવા એના જીવનમાં
વસંતે માંડ બે ડગલાં ભર્યા
ને આ શું!
ભૂકંપ આવ્યો!
ઈચ્છાઓના મહેલો ધારાસાઈ થાય
વાવાઝોડું એક સાથે બધું ઉડાવી ગયું
એના વિશ્વનો સૂરજ બુઝાઈ ગયો
આંસુઓના વરસાદમાં અરમાનો વહી ગયા
લાલ ,લીલો ,પીળો ,ગુલાબી,કેશરી
બધા રંગ ઉડી ગયા
માત્ર કાળો, વાદળી અને સફેદ રંગ પથરાઈ ગયો
કાંટાથી ભરેલા આ વિશ્વમાં
હું એકલી
એના સપનાના દરિયા કિનારે ઉભી છું
એ જ આશે એણે કહ્યું હતું"હું આવું છું!".
જુવોને એ આવ્યો??

-સંદિપ આર ભાટીયા

ગઝલ

સૂર્ય હું આભ હું ને રણ પણ હું
હું જ તરસ્યો અને ઝરણ પણ હું

હું ઊભો છું સમયની બ્હાર અને
એ તરફ જાય છે એ ક્ષણ પણ હું

હું જ ઓગળતો મારી જડતામાં
હું પ્રવાહી અને કઠણ પણ હું

હું જ પથરાયો અંધકાર બની
એમાં ખોવાયેલું કિરણ પણ હું

લક્ષ્યબિંદુ ગતિ દિશા પણ હું જ
હું જ રસ્તો અને ચરણ પણ હું

મારા હોવામાં અંત ને આરંભ
જન્મ પણ હું જ ને મરણ પણ હું

હું મને શોધતો ફરું ‘આદિલ’
હું જ દ્રષ્ટિ ને આવરણ પણ હું

- આદિલ મન્સૂરી

ગઝલ

પ્રભુએ ઘડેલી કળી સાંપડી છે,
મને ખુબ સુરત ઘડી સાંપડી છે.

હ્રદય માં જગાવે દરશ ભાવનાઓ,
ધરી રુપ નોખા પરી સાંપડી છે.

ઘણી રાહ તકતી રહેલી નિગાહો,
ભરી સ્નેહ ભાવે લડી સાંપડી છે.

નિખારે મઢેલાં મળ્યા તન ચમનના,
ધરાની પ્રભાવી ધરી સાંપડી છે.

ચમનછે  હરેલાં ભરેલાં નિરંતર,
કરી ઝાકળે તર નમી સાંપડી છે.

મચલતી હ્રદય માં ખુશીની તરંગો,
ઉમંગો ભરેલી લડી સાંપડી છે.

ફળ્યા આજ તારા ઇરાદાજ માસૂમ,
નવી આશ લાગી સદી સાંપડી છે.

             માસૂમ મોડાસવી

ગીત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊલળતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે,

પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત ,

પૈડું સિંચતા રસ્તો આખો કોલાહલ માં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે,

જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કાંપે,
ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંપે.

અનિલ જોશી

ગીત

પંખીની નાતમાં આવ્યો તહેવાર
જામી હરિફાઈ નર્તન ને ગાનની,
કોણ વધુ રૂપાળું, કોણ ગાય મીઠું
ને કોને સમજાય વાત સાનની ?
સાંભળીને કાગભાઈ થૈ ગ્યા તૈયાર
એણે કમ્મર કસી ચારે કોર….. જાણે કળાયેલ નાચે છે મોર…

છાણ ઘસી ઉજળી કીધી છે કાય
માથે ચૂનાને પાણીએ નાયો,
ખોંખારી ખોંખારી કંઠ કીધો છે સાબદો
જાણે કોકીલનો જાયો,
મોરલાના પીંછડા વીણી વીણીને ગૂંથ્યો
ગજરો ને ખેંચ્યા છે દોર… આજ કળાયેલ નાચે છે મોર…

ચકલાંના પીંછાની કલગી ચોટાડી
ને બગલાના પગ લીધા માગી,
કાગડીને ક્યે કે તું મલપંતી હાલ્ય
તારો લાડો બન્યો છે વરણાગી,
કાબર, લેલાં ને તેતરડા છે ભેળા
સૂર પૂરાવે ગીતડાં કલશોર… આજ કળાયેલ નાચે છે મોર…

જોવા આવેલ નૃત્યઘેલા સૌ મરમી
નિર્ણય લ્યે લાગે ના વાર,
આવું ને આટલું સુંદર નથી રે કોઈ
આયોજન કાચું નૈં લગાર,
સંમત થ્યું બોર્ડ, આની જડશે નૈં જોડ
આને દઈ દ્યો એવોર્ડ,
આમ લાગી પસંદગીની મ્હોર… આજ કળાયેલ નાચે છે મોર…

સાચુકલો મોરલો બેઠો ઉદાસ
ઈ તો થઈ ગ્યો નપાસ
ને પપ્પુ થ્યો પાસ
ઢેલ રિસાણી, ક્યે કે કાગ ચોર,
પણ કળાયલ કાગ થિયો મોર…
ઈ તો નાચ્યો થઈ કળાયેલ મોર… આજ કળાયેલ નાચે છે મોર…

નિરંજન રાજ્યગુરૂ
🍃

છંદ

ll अजो  ll

भूचर केरा भारथै, बदलाया बाबी'ह
शशिवंशी तुं सिंह, एक लड्यो रणमां अजा

हद कोका हालारकी, जोया जाडेजा'ह
एनी मांय अजा'ह, नड्यो नरपतराउत

लग्न तजा पे'ली लजा, फेरे राख रजा'ह
अरजा उपर अजा'ह, ना क्ये नरपतराउत

हरा मुलक हालारमें ,ढौल बज्या धर ध्रोल
टोचे रखियो तोल, अंबर नरपतवत अजा

(सारसी)

वरमाळ छाती सुमधमाती यति ययाती वत पडी
मंगल प्रसंगे सुगम रंगे वर बरंगे कळि खडी
खटकी खबर अरि चड्या निज धर अण सबर सिस लै सजा
अणसहिय भूचर समरमे मर अमर रहियो जग अजा

माता पिता सम धर हितावह सिता सम जळगी सती
जदु जाम वत रघु राम सम तुं शूर त्यागी संपती
हद जोम रोमेरोम फरकत लग्न रख लीधी रजा
अणसहिय भूचर समरमे मर अमर रहियो जग अजा

-धार्मिक जासिल "मयूख"

૩, હાઈકુ

શુભ સવાર..જય ભોલે...

સોળ કળાએ..
શોભે પ્રસન્નભાનું..
ઓસની ઓથે...

લાવી છે આજ..
નવો એ ઉપહાર..
આજની ઘડી...

ખીલ્યા છે આજ..
કાંઈક નવા પુષ્પો..
શુભ સવારે...

કહું છું સૌને..
હ્રદય પૂર્વક હું..
જય શ્રીકૃષ્ણ...jn

ગઝલ

चुपके चुपके रात दिन आसू बहाना याद है
हमको अबतक वो आशिकी का जमाना याद है

बाॅ हजारा इस्तराब, ओ सद हजारा इस्तिराक
तुजसे वो पहले पहले दिल का लगाना याद है

तुजसे मिलते ही वो बेबाक हो जाना मेरा
और तेरा दातो में वो उंगली दबाना याद है

खिंच लेना वो मेरे पर्दे का कोना दफतन
और दुपट्टे से तेरा वो मुह छिपाना याद है

जानकर सोता तुजे वो करूदे पा बोसा मेरा
और तेरा ठुकरा के सर वो मुस्कुराना याद है

तुजको जब तन्हा कभी पाना तो आज राहे लिहाज
हाल-ए- दिल बातो ही बातो में जताना याद है

वो गया गर बस्ल की शब भी कही जिक्रे फिराक
वो तेरा रोरोके मुझको भी रूलाना याद है

दोपहर की धूप में मुजे बुलाने के लिए
वो तेरा नंगे पाँव आना याद है

देखना मुझको जो बरगशता तो सौसौ नाज से
जब मना लेना फिर रूठ जाना याद है

चोरी चोरी हमसे तुम आकर मिले थे जिस जगह
मुद्दते गुजरी पर अब तक वो ठिकाना याद है

  ........... हसरत मोहानी .........

ગઝલ

🌻

પાંદડા પડતાં ઉપર ઊભાં છીએ
એટલી જડતાં ઉપર ઊભા છીએ

ખોતરી નાખી ધરા ચારે'કોરથી
છેવટે  તરતા ઉપર ઊભા છીએ

સ્થુળ જ્વાળામૂખ કોરી કાપવા
કેમ ફંટાતાં !ઉપર ઊભા છીએ?

પાનખર ડાળે થતી વાતો ધણી!
મૂળ કે'વાતા ઉપર ઊભા છીએ

ફૂટતી કૂપળ હશે 'અથવા' હતી
કૂળને કરતા ઉપર ઊભા છીએ

ડંખ!ભમરો દાંતને વાળી કહે
ફૂલની ફરતા ઉપર ઊભા છીએ

દાઢમાંથી શબ્દ! જોખાતી હવા!
શુ હવે! રસ્તા ઉપર ઊભા છીએ?

થૈ ગયેલાં તાજ પર !પ્રયોજનો!
પાઠવે! બળતા ઉપર ઊભા છીએ

પણ!પછી!કે'વત!નવાજે યોજના
આગ કર બળતા ઉપર ઉભા છીએ

જાગૃતિ મારુ મહુવા " જાગુ "
તા:-11-11-2017
સમય:-રાત્રે 08:30

ગઝલ

સરળ શબ્દો તરત હોઠે ચઢી જતા
હોઠો પરથી પ્રેમના ગીત નથી જતા

દોસ્ત કે દુશ્મનની ખબર પડતી નથી
પ્રથમ નજરે તો સહુ કોઈ ગમી જતા

વખત આવે હાથ પણ લંબાવવો પડે
તરસ્યા હંમેશા તળાવે વળી જતા

વેદનાની કશિષ ખબર હોય જેને
વ્યથા પારકી સાંભળી અશ્રુ વહી જતા

ચાહત તો અમારી પણ બેનમૂન છે
રજુઆત કરવામાં પાછા પડી જતા

દિલીપ શાહ

ગઝલ

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

મનોજ ખંડેરિયા

ગઝલ

સૂર્ય હું આભ હું ને રણ પણ હું
હું જ તરસ્યો અને ઝરણ પણ હું

હું ઊભો છું સમયની બ્હાર અને
એ તરફ જાય છે એ ક્ષણ પણ હું

હું જ ઓગળતો મારી જડતામાં
હું પ્રવાહી અને કઠણ પણ હું

હું જ પથરાયો અંધકાર બની
એમાં ખોવાયેલું કિરણ પણ હું

લક્ષ્યબિંદુ ગતિ દિશા પણ હું જ
હું જ રસ્તો અને ચરણ પણ હું

મારા હોવામાં અંત ને આરંભ
જન્મ પણ હું જ ને મરણ પણ હું

હું મને શોધતો ફરું ‘આદિલ’
હું જ દ્રષ્ટિ ને આવરણ પણ હું

- આદિલ મન્સૂરી

ગઝલ

જેમાં પૂરેપૂરો આ સમંદર તણાય છે.
એવો પ્રવાહ પ્રેમનો ક્યાં વહેતો જાય છે?

ચાહું છું  એજ કારણે હું સંગ તારો પણ;
સહવાસમાં ફૂલોની મહેંકી શકાય છે

જે નાની અમથી ઠેસથી ટૂટે ઘડી ઘડી;
કુંભાર દ્વારા શું  આ હદય પણ ઘડાય છે?

સાગર તો આખો હું તરીને બતાઉ છું
ના જાણે કેમ ઝાંઝવે ડૂબી જવાય છે?

અઘરું છે મારે તો ઘણું 'સર્જક'ને પામવું; 
મારાથી સ્વ સુધીય સ્વયં ક્યાં જવાય છે?
-સર્જક

ગીત

.       વાત વાત માં....
       .................

હું હતી વાત માં ત્યાં
મારાથી નવિ વાત કહેવાય ગઇ,
ત્યાં વાત વધી પડી ને મારા થી
એ વાત ભરડાઈ ગઇ,

ને વાત વાત માં એ વાત જ
આખી ચવાઈ  ગઈ,
ને અબઘડી આખા ગામ માં
આ વાત ની અફવા ફેલાઈ ગઈ,

વચે વાત માં કાંકરીચાળો થયો
ને વાત આખી પલટાઈ ગઈ,
મુળ વાત નું તથ્ય દબાઈ ગયું
ને વાત આખી વટલાઈ ગઈ,

ફરી મેં મુળ વાત ઉખેડી તો
હું જ ઊંઘતી ઝડપાઇ ગઈ,
હતી તો સો ટચ ની પણ
આખી વાત જ ફેરવાઈ ગઈ,

મને થયું મુક માથાકૂટ
હવે  વાત જ આખી ફસડાઈ ગઈ....

      શ્યામ"જ્યશ્રી....

ગઝલ

*આ અને અથવા ઉપર ઊભાં છીએ,*
*રેતના રસ્તા ઉપર ઊભાં છીએ.*

*કાફિયા  મત્લા ઉપર ઊભાં છીએ,*
*હે ગઝલ,મક્તા ઉપર ઊભાં છીએ.*

*આ સભા પર મંજરી મ્હોરી શકે,*
*શબ્દના ટહુકા ઉપર ઊભા છીએ.*

*લો,કણસ  મૂકી  દીધી નેપથ્યમાં,*
*આ અમે તખ્તા ઉપર ઊભાં છીએ.*

*પગ  નીચે  એ પાટિયું ,નીચે ફલક,*
*નાની શી ઘટના ઉપર ઊભાં છીએ.*

*આપણી અગ્નિ પરીક્ષા થઈ જશે,*
*આપણે  લંકા ઉપર ઊભાં છીએ !*

*આગ ઉપડી છે હ્રદયમાં, જ્યારથી-*
*એક - બે તણખા ઉપર ઊભાં  છીએ.*

*કોઈ  ઠંડું   સ્મિત  રેલાવો   હવે,*
*ક્યારના લાવા ઉપર ઊભાં છીએ.*

*કૈં વિચારો રોજ ચગદી જાય છે,*
*તોય એ પાટા ઉપર ઊભાં છીએ.*

*કોઈ રીતે પણ વહી શકતાં નથી,*
*आंसुना ટીપાં ઉપર ઊભાં છીએ.*

*પૂર્વગ્રહ છોડી બધાં, જુઓ જરા,*
*આપણે ટપકાં ઉપર ઊભાં છીએ.*

*એટલે થોડા ક ઝળહળીએ છીએ,*
*સ્હેજ અજવાળા ઉપર ઊભાં છીએ.*

*એમ ફરીએ જાણે घांचीनो બળદ-*
*ઘાણીએ, ઘાણા ઉપર ઊભાં છીએ.*

*પૃથ્વીના पींडा ઉપર ઊભાં છીએ,*
*બ્રહ્મનાં લટકા ઉપર ઊભાં છીએ.*

*તેજ નહીં તો તેજના અંશો છીએ,*
*તેજ-લિસોટા ઉપર ઊભાં છીએ.*

*સાત  દરિયાઓ પરસ્પર ઘૂઘવે,*
*પાણીના ઢગલા ઉપર ઊભાં છીએ.*

*આપ જળની જેમ ભીતરમાં વહો,*
*ને,અમે कांठा ઉપર ઊભાં છીએ.*

*कांई  દેખાતું  નથી સમજાય છે,*
*ધૂમ્રના રસ્તા ઉપર ઊભાં  છીએ.* 

*બોલીએ તો ક્યાં કશું પીડા વિષે ?*
*કોના ઈશારા ઉપર ઊભાં છીએ.*

*કેટલાં જન્મોથી સાથે લઈ અમે?*
*પોતાની પીડા ઉપર ઊભાં છીએ.* 

*એટલે અટકી કલમ શકતી નથી,* 
*શબ્દની ધારા ઉપર ઊભાં છીએ.*

        _*ભરત ભટ્ટ*_

ગીત

સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું .
સાજણ, કેમ કરી સંભાળું !
એક અમસ્થી અટકળ લઇને કેમ બધું શણગારું ?
ભીંત,ટોડલો,આંગણ,ઉંબર ને હોવું આ મારું.
ઉજાગરાને આંખે આંજી શમણાં પાછાં વાળું.
સાજણ,કેમ કરી સંભાળું !
ઉભડક જીવે બારસાખ પર સૂક્કાં તોરણ ઝૂલે;
સૂરજનું છેલ્લું કિરણ લઇ ઇચ્છા અઢળક ખૂલે;
પાંગત પર બેસીને ઠાલાં પડછાયાં પંપાળું.
સાજણ,કેમ કરી સંભાળું !

-વિમલ અગ્રાવત
🍃