Sunday 19 April 2020

ગઝલ

ત્યજી શકતો નથી દરિયો કદી દરિયાપણું,
પછી શાને ત્યજે છે તારું તું સારાપણું.

ધખાવીને ધૂણી હું એટલે બેઠો છું અહીં,
મને મળવા નથી આવ્યું હજી મારાપણું.

કમાડે લાભ ને શુભ એ લખી ચાલ્યું જશે,
વિચારો શ્રી સવા જેવું દરદ છે આપણું.

વળોટી ઉંબરો જ્યાં આયનો ઘરમાં ગયો,
અને ચોટી ગયું છે આયખે તારાપણું

બની અજવાસ એ રોશન કરે છે ઝૂંપડી,
દીવાને તો કશું હોતું નથી ખોવાપણું

હજી હું શૂન્યતા વચ્ચે જ જીવું છું છતાં,
નહીં રાખું તને ઈશ્વર કશું કહેવાપણું.

રથીને આટલું સમજાય છે ઓ સારથી,
સળગતી આગ  જેવું છે ભીતર પણ તાપણું.

ચમકતી ભવ્યતાને પાંદડે જોયા પછી,
કશું બાકી નથી આ ઝાડને જોવાપણું.

પ્રકાશી દિવ્યતા ઘેરી વળી છે જાતને
'અદિશ' સાર્થક કરે છે શ્વાસ પણ હોવાપણું.
*અદિશ*

ગઝલ

જડતાને કર નિ:શેષ, ગઝલ  ત્યાં મળી જશે
પથ્થર  ફરી  ઉલેચ, ગઝલ  ત્યાં મળી  જશે

ભુજાઓ પાણી - પાણી થઈ  જાય તોય શું !
વહેતો  હશે  પ્રસ્વેદ, ગઝલ  ત્યાં મળી જશે

ટપકી  રહ્યાં   છે  બુંદ   એના  કેશથી   હજી
શું  કામ  જાવું  ઠેઠ ? ગઝલ ત્યાં મળી જશે

ગગડાટ  તાળીઓનો  શમી  જાય એ  પછી
વરતારો  છે  વિશેષ, ગઝલ  ત્યાં મળી જશે

નડવામાં     નિરંતર    નડે     બહિર્મુખીપણું
ભીતર ધરી લે ભેખ, ગઝલ  ત્યાં  મળી જશે

.. સુરેન્દ્ર કડિયા

ગઝલ

અજ  અઞાં પણ  સંભરેતો  ધડ઼કલો,
રાતજો    સોણે     અચેતો   ધડ઼કલો.

બાર    જેંનીં    પેટમેં    પોઢ્યો    હુવે,
તેર      નીરાંતેં      ભનેતો      ધડ઼કલો.

ભેદ     કેંનીં     બોંયમેં     ધારે    નતો,
ધી,   પુતર    બીં કે    ગુરેતો   ધડ઼કલો.

જેર    મિલધા   ઘૂડ઼િયો    ને    પાંગરા,
છાટિયેં     ભેરો      મિલેતો    ધડ઼કલો.

ને   જડેં    સમજણ   અચેતી   બારકે,
નિત   નયોં    વાવા   ખપેતો    ધડ઼કલો.

બાર   રૂંધા,   પિંઢ    પણ   રૂએ   વિઠો,
બાર   ખિલધા   ને    ખિલેતો   ધડ઼કલો.

માવડ઼ીજે      કંઠજા     હાલર     સુણી ,
પાંગરેં       ભેરો      નચેતો       ધડ઼કલો.

' પુષ્પ '  અજ પણ જીં વલા  ઐં બારડ઼ા,
તીં     વલો    મૂંકે      લગેતો     ધડ઼કલો.

                       --- પબુ ગઢવી ' પુષ્પ '

ગઝલ

### સૂચનો અપેક્ષિત ###

આંખમાં અચરજનું આંજણ!
હોઠ ના મલકયાનું કારણ!

આંખ ભીંજાઈ રહી છે
મૃગજળે છલકાય છે રણ!

આભમાં ઢોલક બજે, ને
મેઘની સંભળાય રણઝણ!

ખૂબ દેવામાં ડૂબ્યો છું!
જાતને રાખી છે તારણ!

કોણે પીઠ પાછળ કર્યા ઘા?
કોણ લૂઢક્યું મારે આંગણ?

ખૂબ મૂંઝાઈ ગયો છું!
આયનામાં હું કે સાજણ?

હું 'હરિ' હલકો હવે, કે
જીવવાનું છે ન ભારણ!

હરિહર શુક્લ 'હરિ'
૧૦-૦૬-૧૭ / ૧૮-૦૪-૨૦

ગઝલ

જિંદગી...

જિંદગી જ્યાં એક પુર્ણવિરામ મૂકી જાય છે..
ત્યાંજ જાણે આશ્ચર્ય સાથે અર્થ બદલી જાય છે...

પ્રેમની વ્યાખ્યા જીવનભર જાણવી ના હોય તો,,,
આવતા અંકે શરત લાગું લખાઈ જાય છે...

લાગણી ઉભરાય ત્યારે આ જીવન વ્યર્થ બને..
ને પછી તાજા કલમ લખતા ખીલી જાય છે...

હા વિરહ આવે ભરોસો તૂટવા પણ લાગશે,,
ત્યાં હવે જીવન ને અલ્પવિરામ લાગી જાય છે...

શું કહું હું આ જગત આખા ને કાંઇક તો કહું..
તોય પી.ટી.ઓ. કહી આગળ લખાઈ જાય છે...jn

ગીત

यूँही तुम मेरे  साथ साथ  चलना,
      रात ढलते ही सपनोंमें आके मिलना,
यूँ ही तुम मेरे  साथ साथ  चलना ।

तुम्ही  गीत मेरा,  तुम्ही  संगीत मेरा,
तुम्हें क्या खबर है, तुम्ही मनमीत मेरा।
फूलों की  तरह  तुम  हरदम  हँसना,
यूँ  ही तुम  मेरे  साथ साथ  चलना ।

तुम्ही  हो  उमंग,  तुम्ही  मेरी  चाह हो,
तुम्ही मेरी  मंज़िल, तुम्ही मेरी राह  हो ।
न ज़माने से डरना,'जल'मेरे दीलमे रहना,
यूँ  ही तुम  मेरे  साथ  साथ  चलना ।

आओ हम एक होने की कसम खाए,
प्रेम की  डोरी से  हम  साथ  बंध जाए।
तुम मिलके,ना कभी अलविदा कहना,
यूँ  ही   तुम  मेरे  साथ  साथ चलना ।

कवि जलरुप
मोरबी

ગઝલ

જ્યાં કહ્યું એણે હુ સાંજે આવું છું,
સાંજ કાગળમાં હું રોજે વાવું છું.

પ્યાસ મારી આંખની વાંચી કહ્યું,
દોસ્ત, હમણા જ મૃગજળ લાવું છું.

આમ આવીને તું પડછાયા ન પી,
વાદળીને હું ઘણું સમજાવું છું.

તમને મન થઇ જાશે ભણવાનું કદાચ,
સ્વર્ગ આખુ વર્ગમાં સર્જાવું છું.

એ રમે છે રાસ જ્યાં સમજી મશાલ,
હાથ આ મારો હું ત્યાં સળગાવું છું.

તું મૂકી મોટાઈ તારી આવ તો,
હું ય મારા આ 'હું' ને પધરાવુ છું.

કોઇ પૂછે તારું સરનામુ પ્રભુ,
આંખ બાળકની હજી વંચાવું છું.

*શૈલેષ પંડયા.. નિશેષ જામનગર*

🌹🌹🌹🌹

ગઝલ

*શબ્દ-હું અને તું ...*

*વિતાવ્યું બાળપણ સાથ સંગાથે,*
*સાથે ભણ્યા હતા એક  નિશાળે.*

*એક જ હાઈસ્કૂલ એક જ રસ્તો,*
*સંગાથે પહોંચતો આપણો દસ્તો.*

*પહેલેથી છેલ્લે ભણતર સંગાથે,*
*વયસ્ક થયાને પડ્યા માર્ગ વિખૂટે.* 

*યાદ છે તને ? છેલ્લી મુલાકાત ?*
*કયોઁ હતો તે શોરબકોર-વલોપાત.*

*વલોપાત અવિરત તારો ગ્રાહીને,*
*જોડાયાં આપણે સાથે ભવબંધને.*

*ને હવે હું અને તુંવાતો વાગોળીએ,*
*સજોડે જીવન સુખેથી વિતાવીએ.*

*દિનેશ સોની,*
*રાપર,કચ્છ.*
*તા.18/04/20.*

ગઝલ

*શીર્ષક : પ્રેમ છે*
➖️➖️➖️➖️➖️➖➖➖
ભૂલમાં ઉજળી વાત દેખાય છે
જીવને છલકતો આ હવે પ્રેમ છે.

એકલું કાંઇ સૂઝતુ નથી જો હવે
સંગ છે ચમકતો આ હવે પ્રેમ છે.

ચાલ રસ્તે કોઇ પણ જો મજાની રહે
કદમોની સાથ તરતો આ હવે પ્રેમ છે.

જાગવાનું સરળ થાય છે આજમાં
હાલને માણતો આ હવે પ્રેમ છે.

જીવને જીવવાની પળો છે મળી
ક્ષણોમાં જો ને સજતો આ હવે પ્રેમ છે.

રચના: નિલેશ બગથરિયા
               "નીલ"
રાણપર
તા.ભાણવડ
જિ દેવભૂમિ દ્વારકા

કવિત

*હરિગીત*

ચીને ચલાવ્યો રોગ કેવો જગત જો હેરાન છે
સૌ સજીવોમાં ભય ભયો આ માવની પરેશાન છે
અકાળ મૃત્યુને વર્યા એ આંકડો હદપાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

ભરખ્યાં ઘણા ભરડો લઈ નરી આંખથી જડતો નથી
મુંજાય છે આ માનવી ઉપચાર પણ મળતો નથી
કર્યા પ્રયત્નો કેટલા સઘળા ઇ તો બેકાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

મનખો મળ્યો માનવ તણો ઇ જાતને ભૂલી ગયા
ધરીયો નહિ માનવ ધરમ સઘળી મૂકી છે જીવદયા
મહામારીનો આ માર જો કળિકાળનો અણસાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

પડતા મૂકી સૌ કામને હરિ નામ લઈ બેઠા ઘરે
ફફડે બધાયે માનવી આ રોગથી થરથર ડરે
ખાખીધરો ને દાક્તરો વંદન તણા હકદાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

માર્યા અસુરો કેટલા ઘણા દેવને તે ઉગારીયા
સુણી સાદ આજે માવડી થંભીને કાં ઉભા રહ્યા
કહે સિદ્ધ ભારતમાં ખરો કોરોના તણો પડકાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

- *સિદ્ધ ચારણ(વિરવદરકા)*
મો. 9586788806

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

સૂની ડેલી

વળવા જેવું ન હોય તોયે પગલાં વળવા લાગે.
ખખડે આંગણ શમણાં ઊભા બળવા લાગે.

ભારે ડૂસકાં ચીસો ખિસ્સે રેઢી આંખો વરસે,
ભાવભરી વિસ્તરતી લીલા ખાલીપામાં તરસે.
વાવડ લેવા દોડે ઝરણાં ખખળવા લાગે.
વળવા જેવું ન હોય તોયે....

પથ્થરનાં પારેવાં ધૂ ધૂ કરતા આવે પર્વત ટોચે,
ધજાના પડછાયે સમડી આકાશે જઈ પહોંચે.
જેઠી ઝબકે શ્રાવણ હિબકીને ઉછળવા લાગે.
વળવા જેવું ન હોય તોયે....

શ્વાસોનાં શણગાર પહેરી નાવ સાગર નાંગરતી,
રણ વચ્યે ઊગી વેલને ફૂલડે આશપાંગરતી.
સૂની શેરી ચોક ડેલીબંધ સાંકળ ગળવા લાગે.
વળવા જેવું ન હોય તોયે....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ગઝલ

ગઝલ

થયેલા જખમને પ્રથમ છાવરે છે,
પછી જાળ દુઃખની સ્વયં પાથરે છે !

વમળમાં ફસાયું છે મન એટલે તો,
વિચારો મહીં ક્યાં હજી આછરે છે ?

બધી ગેર સમજણ કહેતી ફરે કે -
વિવાદો વિમાસણ સુધી વિસ્તરે છે.

અગર હોય શ્રદ્ધા ડુબાડે ન સાગર,
જુઓ, રામનામેય પથ્થર તરે છે !

અહં ઓગળે, જાત થઈ જાય ખાલી,
પછી બ્રહ્મ રૂપે ગઝલ અવતરે છે !

જિજ્ઞા ત્રિવેદી

ગઝલ

'સાંભરે છે' (ગઝલ)

પ્રણય બસ, વિચાર્યા વિના જે કરે છે,
પીડા સામે ચાલીને એ નોતરે છે!

તમારા ઉપર હૈયું એથી મરે છે,
તમારા આ હોઠોથી ફૂલો ઝરે છે!

ઘણું આમ ભૂલી જવાયું છે દોસ્તો!
ઘણું પાછું એમ જ મને સાંભરે છે!

ઘણી વેળા એવું બને છે જીવનમાં,
કશાથી ન ડરનારો મનથી ડરે છે!

- હેમંત મદ્રાસી

ગઝલ

થાકી ને હારી, બેઠું કબૂતર
ઝંખના મારી, બેઠું કબૂતર

હૂંફ, અજવાશ જ્યાંથી મળ્યા, એ
આગને ઠારી, બેઠું  કબૂતર

ચેતના વિસ્તરી બંધ આંખે
આભને ધારી, બેઠું  કબૂતર

ઝાડ પર સૂર્યની ફૂંટતી કૂંપળ
લઈ હ્રદય બારી, બેઠું કબૂતર

ઘૂઘવે રાત દી' પ્રેમના ગીત
થઈને અલગારી, બેઠું કબૂતર

કિરણ 'રોશન'

ગઝલ

અહીં જાણી જોઈ સહુકો' નડે છે.
ઉકળતાં ચરું જેમ હૈયું બળે છે.

છૂપાવી ચીસોને વળી સાથ ડૂસકાં,
સવારે ને સાંજે પછી ખળભળે છે.

ચીરી નાખતાં આ ઝરણ પથ્થરોને,
સુંવાળી લીલાને કોણ છાવરે છે.

ફરકતી ધજાઓ પવનની દિશામાં,
દિશાની દશામાં પરમ સાંપડે છે.

જરા થોભશે કાફલો શ્વાસનો આ
ધડકશે નહીં દિલ ઘણું કરગરે છે.

     પારુલ બારોટ...

ગઝલ

ઝખ્મ આપી જીગરને એ હવે પૂછે છે કે કુશળ તો છો ને ?!
પછી મલમ આપી આંસુ લૂછી મને પૂછે છે કે કુશળ તો છો ને ?!

પવન દિપજ્યોતિ ઓલવીને થઈ ગયો અળગો સિફતથી,
પછી હળવેથી હવા આવી પૂછે છે હેતથી કે કુશળ તો છો ને ?!

નજરના તીરથી ઘાયલ કરી આવ્યા સનમ ખબર લેવા,
હવે ઝખમ ઉપર ફૂલ મૂકીને કહે છે કે કુશળ તો છો ને ?!

ને સમયે સૌ સ્નેહીઓએ સરળતાથી ચહેરા બદલ્યા છે,
મહોરાઓ સૌ હવે મળીને મને પૂછે છે કે કુશળ તો છો ને ?!

સપનાએ લૂંટી છે છળ કરી વાસ્તવિકતાને આખી રાત,
દિવસ ઉગે છે ને ખુલ્લી આંખ પૂછે છે કે કુશળ તો છો ને?

"પરમ" પ્રકાશ હવે નથી જીરવી શકતા આ ચર્મચક્ષુઓ,
"પાગલ" પડછાયા પૂછી રહ્યા મને કે હવે કુશળ તો છો ને?

*ગોરધનભાઈ વેગડ*
*(પરમ પાગલ)*

*સુરત*

ગીત

કોરોનાભાઇ !

કોરોનાભાઇ ! વાત સીધી સાદી છે સાવ તોય નથી તમને સમજાતી ?
આ તો છે બાવળ ને લીમડાનો દેશ અને ઉપરથી છપ્પનની છાતી.

એમ તો આ મેલેરિયા,ડેંગ્યુને પૂછી લ્યો કેવુંક ઉપજે છે એનું દેશમાં ?
અહિયાં તો આંગણામાં ડૉક્ટર ઉગે છે ભાઇ તુલસી પપૈયાના વેશમાં

એક વાર આદુ ખાઇ પાછળ પડે ને એની મૂળમાંથી ઉખ્ખેડે જાતી.

કોરોનાભાઇ ! વાત સીધી સાદી છે સાવ તોય નથી તમને સમજાતી ?

આવી ગ્યા છો તો હવે એક બાજુ નીરાંતે બેસો ને માથું ખજવાળો
લ્યો પીવો ચૈતરના લીમડાનો મોર અને દાદીના હાથનો ઉકાળો

અહિયાંની માતા તો જન્મેલા બાળકને ધાવણમાં'ય ઓસડિયા પાતી.

કોરોનાભાઇ ! વાત સીધી સાદી છે સાવ તોય નથી તમને સમજાતી ?

કૃષ્ણ દવે.
તા-૧૭-૪-૨૦૨૦

ગઝલ

જે શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે ?
નૌકાને વળી લંગર કેવું ? સાગરને કિનારો શા માટે ?

સેકાઈ ચૂકયું છે કૈંક સમે સૌંદર્યથી ઉષ્માથી જીવન,
આંખોને ફરી આકર્ષે છે રંગીન બહારો શા માટે ?

મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી,
તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે ?

પ્રત્યક્ષ સુણી છે આ ચર્ચા મેં તારલિયાની ટોળીમાં :
રાત્રિએ અવિરત જાગે છે આ એક બિચારો શા માટે ?

મૃત્યુ એ વધારી દીધી છે સાચે જ મહત્તા જીવનની,
અંધાર ન હો જ્યાં રજનીનો ,પૂજાય સવારો શા માટે ?

અપમાન કરીને ઓચિંતા મહેફિલથી ઉઠાડી દેનારા !
મહેફિલમાં પ્રથમ તેં રાખ્યો’તો અવકાશ અમારો શા માટે ?

તોફાન તો મનમાન્યું કરશે પણ એક વિમાસણ છે મોટી :
નૌકાને ડુબાડી સર્જે છે મઝધાર કિનારો શા માટે ?

વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે ?

– ‘ગની’ દહીંવાળા

ગઝલ

મઢૂલી - મારા વિચારો

લગાગા ૪

અતિથિ બનો તો બને છે અમૂલી,
સજાવી સુપેરે મેં મારી મઢૂલી.

કરું જો સ્મરણ આપનું શ્વાસ મહેંકે,
ઉજાણી વિચારોની મેં તો કબૂલી.

નિછાવર થયા એ પછી ખુદ તમે ને!
પ્રણયના ઝૂલામાં કેવી હું તો ઝૂલી!

અમે થઈ ગયાં આપનાં એ દિવાના,
વ્યથાઓ, દશાઓ બધુંયે લો ભૂલી.

હતો બાગ દિલનો બધો શૂળ-શૈયા,
તમારા વિચારે વસંતો છે ખૂલી.

અંજના ગાંધી "મૌનું"
વડોદરા

ગઝલ

ખૂલેલી આંખ છે સાધો!
આ સઘળું રાખ છે સાધો!

ઊડી જાશે જ ઝાકળ થઇ!
સમયને  પાંખ છે  સાધો!

તપાસી જો  તું   શ્વાસોને!
ત્યાં રસ્તા લાખ છે સાધો!

અને જ્યાં હોય મધપુડો!
ત્યાં સઘળે માખ છે સાધો!

સજીવન માછલા કરજો!
થયેલા ખાખ છે સાધો!
                      -જિજ્ઞેશ વાળા

ગઝલ

(ગાx8)

દીવાલોનાં દિલ તૂટે છે,
માણસમાં માણસ ખૂટે છે.

દીવાલોની પીડા જોઈ,
ઊંચી છત માથાં કૂટે છે.

જોઈ આવી અફડાતફડી,
તળિયે પરસેવો છૂટે છે.

નાકે છોડી સઘળી લજ્જા,
કાપ્યું તેવું તે ફૂટે છે.

'સાગર'ના મનમાં છે ચિંતા,
કોને કો' આજે લૂટે છે.

- 'સાગર' રામોલિયા

ગઝલ

### સૂચનો જરૂર કરશો ###

તે તમે છો?

સાંજના રંગોની જાજમ આભમાં આખ્ખાય બિછાવી રહ્યા છો, તે તમે છો?
રાતની તનહાઈઓમાં સૂર રેલાવીને બોલાવી રહ્યા છો, તે તમે છો?

વાંસળી વાગી રહી છે વાંસવનમાં, સાંજના ઝાલર બજે મંદિરમાં, ને
રાતરાણીની સુગંધી પાછલા પહોરે મહેકાવી રહ્યા છો, તે તમે છો?

રાતભર આકાશ શીતળ ચંદ્રની સાખે હતું તારા જડિત, પણ ત્યાં અચાનક
વીજળીના તીરથી વાદળને તાકી ભયને ફેલાવી રહ્યા છો, તે તમે છો?

આંખમાં આંસુનાં તોરણ બાંધીને એકીટશે, ઊભો રહ્યો છું રાહમાં હું
રાહ જોતો કૈંક કલ્પોથી તમારી તે છતાં તાવી રહ્યા છો, તે તમે છો?

આ હું ચાલ્યો ફૂલ ખાંપણ પર સજાવી પાલખીમાં, મિત્રોની ખાંધે ચડીને
ધૂમ્રની સેરોની સાથે વાયરા સાથે વહી આવી રહ્યા છો, તે તમે છો?

હરિહર શુક્લ 'હરિ'
૦૮-૦૬-૧૭ / ૧૭-૦૪-૨૦
છંદ : (ગાલગાગા) × ૬

ગઝલ

🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ
ધર્મમાં ખાના ખરાબી હોય છે.
એજ એની કામયાબી હોય છે.

સત્યને જીવન બનાવી જીવશે,.
એજ માણસ ઇન્કલાબી હોય છે.

આળસુને તું કદીએ પૂછ ના,.
કેમ એ હાજર જવાબી હોય છે.

વાત વાતે જે ફરી જાતો અહીં,.
માનવી એવો શરાબી હોય છે.

ના ખબર પળની પડે તોયે અહીં,.
માનવી આખો નવાબી હોય છે.

રોજ અંધારાથી જે લડતો હશે,.
એજ માણસ આફતાબી હોય છે.

રોજ પૂજા થાય છે જેની સદા,.
તે છતાં ઇશ્વર કિતાબી હોય છે.
ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ગઝલ

ગાલગાગા*3+ગાલગા

*ચાલ*

સાથ તારો હોય સાથી, તો જગતમાં સાર છે
પ્યારમાં ચાહે સવાયું, તો સનમમાં સાર છે

પ્રેમનો પ્યાલો ન પીધો, જે લખેલો ભાગ્યમાં
જો નયનથી જામ પાશે, તો નજરમાં સાર છે

છે વિરહની આ ઘડી પણ, લાગતી મીઠી મને
સાથ આજીવન નિભાવે, તો જનમમાં સાર છે

આખરે છે વાંક મારો, આપ માફી કે સજા
શ્રાપ પણ પાળી શકું તો શરતમાં સાર છે

જો તમે પણ જાવ છોડી, શક નહિ `નિર્મલ' થશે
ચાલ ચાલી ના કહો તો, કેં રમતમાં સાર છે

~નિર્મલ રામોલિયા `દિલ સે'

ગઝલ

ગઝલ 

આજે  કેમ  લાગણીના  પૂર  છે ?
વસંતની   નજાકત  તો  દૂર છે.

પજવે   છે   હવે   એકાંત  પણ,
સમયનો સંગાથ  શાને  ક્રૂર  છે ?

પગ   અકળાઈ  ગયા   બેસીને,
વૉક -વે  ની  સાંજ  મજબૂર  છે.

માન્યું , જાન  છે  તો જહાન  છે,
જીવાતી  ક્ષણોમાં ક્યાં  નૂર  છે ?

આટલો  ઉદાસ ક્યારેય ન્હોતો ,
પવન  અડે , મને બહુ જરૂર છે.

નરેન્દ્રના  વિશ્વાસની  વાત  છે,
એટલે તો  ગઝલ મારી શૂર છે.

'કાન્ત ' ઊભો થઈ, ફરે ઘરમાં,
મક્કમ  મન-તન  ,ભરપૂર  છે.
                 ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

ગઝલ

કોઈ  અજ્ઞાત  ડરમાં  છું, મજામાં છું !
દરેક પળની ખબરમાં છું, મજામાં છું !

પ્રથમ પહેલાં પ્રહરમાં છું, મજામાં છું !
ભીતરમાં છું, સફરમાં છું, મજામાં છું !

અજાણ્યા એક નગરમાં છું, મજામાં છું
હું સંશયગ્રસ્ત,ઘરમાં છું ,મજામાં છું !

હું સપનાઓને કણકણમાં વિખેરીને
તળેટીથી શિખરમાં છું, મજામાં છું !

છે  મારી  આજુબાજુ સેંકડો સંશય
ઉપર  નીચે  ફિકરમાં છું, મજામાં છું !

------------  ભરત ભટ્ટ --------

ગઝલ

*મઢૂલી..*

*હદય-શબ્દોથી શણગારી મઢૂલી,*
*ને વાણીથી કહીને વહાવી મઢૂલી.*  

*અવેજી ગરીબોની પુરે મકાનની,*
*સાથ આપે સૌને સુવાળી મઢૂલી,*

*વિસામો આપે ને સુવાળપ સદાને,*
*મજૂરોનાં હદયે કોતરાયેલી મઢૂલી.*

*શોધખોળ માનવની રહેવા અતીતે,*
*પ્રારંભે જ નિર્માણ પામેલી મઢૂલી.*

*દિનેશ,રહેવાનો આનંદ ઓર એમાં,*
*જો બનાવીએ સુંર મજાની મઢૂલી.*

*દિનેશ સોની,*
*રાપર (કચ્છ)*
*તા.17/04/20.*

ગઝલ

શું  કરું  ?

પ્રીત  બંધન  છે , ખોળી  શું  કરું ?
સારા  સંબંધ  છે,  તોડી   શું  કરું ?

શી  ખબર  કયારે  શું  થશે અહીં,
શબ્દ  અનહદનો  ફોડી   શું  કરું ?

મને  પીડે છે , સૌ  સાથે  મળીને,
માર્ગ  દલદલનો , દોડી  શું  કરું ?

મોતને  શરણે  જવામાં મજા  છે,
મંદિરે  જઈ ,હાથ  જોડી  શું  કરું ?

એ જ તબલાં -ઢોલક-એ જ નાદ,
'કાન્ત' ખુદ  રડે,  તોડી   શું  કરું ?
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
(મક્તાના શેરમાં વપરાયેલ શબ્દ
'તોડી' એક રાગનું નામ છે.જે
કરુણ  રાગ છે.)

ગઝલ

ચિત્ર સ્પર્ધા ક્રમાંક (૫૭)

લગાગા ૪

છળે તો??

સમુંદર સમું જે નજરમાં મળે તો?
સમય આપની આંખમાં ઓગળે તો??

ભરું શ્વાસ મારા હું મારી નસોમાં,
તમારા વિરહમાં પછીથી ઢળે તો??

છબી આપની જે છે મારી નજરમાં,
હૃદય માં કદી  ઊતરી ખળભળે તો?

નજર રંગ ઝેરી, ન તીરો ચલાવો,
પછી ઝેર મારા હૃદયમાં ભળે તો??

હજી ના ઉકેલી શકું ભેદને હું,
નશીલી નજર એ મને જો કળે તો??

અંજના ગાંધી "મૌનું"
વડોદરા

ગઝલ

યાદ આવે છે તું ને નીંદર ઉડી ગઈ છે ,
તું અડોઅડ તો નથી ને તોય અડી ગઈ છે .

ને શક્ય ક્યાં હાથવગું હો સઘળું, ઇચ્છો એ ,
પણ નજર નું શું, એ તો તુજથી લડી ગઈ છે .

છે ગગન આખું, જો પાંખોને પ્રસારે તો ,
પણ છે આદત પીંજરાની, એ નડી ગઈ છે .

પ્રેમ હોવો જોઈએ એવું તો લાગે છે ,
બાથમાં જઈ, વેલ વૃક્ષમાં ગડી ગઈ છે .

પડવું છૂટા, કોઈ મોટી વાત ના કે'વાય ,
જાગરણની તો મને આદત પડી ગઈ છે .

- ઉદયન ગોહિલ

ગઝલ

સૂકાં   ભેગું   લીલું   બળશે ખબર કોને હતી એવી!
હૃદયને  મન   સ્વયં  છળશે ખબર કોને હતી એવી!

તરસ  તો ક્યારનીયે  જઈ  ખૂણામાં  શાંત બેઠી છે,
અહીં તૃપ્તિ  જ  ટળવળશે ખબર કોને હતી એવી!

અમે    તો   આંગણે   સત્કારવા  ધાર્યું   હતું  એને,
મરણ  રસ્તે  જતાં  મળશે  ખબર કોને હતી એવી!

અડીખમ પર્વતો જેવા  કદી  આ  નિશ્ચયો સઘળા,
બરફની  જેમ   ઓગળશે  ખબર કોને હતી એવી!

કર્યાં  કંઈ  કેટલાં  તપ  કે  ફળે એકાદ ઈચ્છા  પણ,
અનિચ્છાઓ જ સૌ ફળશે ખબર કોને હતી એવી!

                              - બાબુલાલ ચાવડા 'આતુર'

ગઝલ

હસ્તી....

ચાલને થોડી મસ્તી કરી લઇએ..
જીંદગીને થોડી હસતી કરી લઇએ...

થકાવશે આ આંધળી દોડધામ..
ટેન્સનની થોડી પસ્તી કરી લઇએ...

ક્યાં સુધી રહીશુ આમ ગુલામ..!
કંટાળાની થોડી વસ્તી કરી લઇએ...

અહંકાર છોડી શબ્દોનો જરીક..
જાતને થોડી સસ્તી કરી લઇએ...

કુતરા બીલાડા બની નથી જીવવું..
જગતમાં થોડી હસ્તી કરી લઇએ...jn

Thursday 16 April 2020

ગઝલ

તમા રાખે વખતસરની નિરાંતે એ જ ઊંઘે છે,
કરે પરવા ન બિસ્તરની નિરાંતે એ જ ઊંઘે છે.

અહીંથી ત્યાં, ઉતારો ક્યાં? નથી ચિન્તા થતી જેને-
હતી ના યાદ પણ ઘરની નિરાંતે એ જ ઊંઘે છે.

ક્ષણો જેવી મળી એવી સહજભાવે જ સ્વીકારી –
પ્રથમની હો કે આખરની, નિરાંતે એ જ ઊંઘે છે.

તમે ઈશ્વર વિશેના વાદમાં જાગ્યા કરો પંડિત!
ખબર રાખી ન ઈશ્વરની, નિરાંતે એ જ ઊંઘે છે.

કબીરે શાળ પર બેસી કહ્યું : મંદિર કે મસ્જિદને –
ગણે જે કેદ પથ્થરની નિરાંતે એ જ ઊંઘે છે.

પ્રશંસા કે પ્રતિષ્ઠાના નથી ઉદગાર બે માગ્યા
મજા જે લે છે અંદરની નિરાંતે એ જ ઊંઘે છે.

–  *મનોહર ત્રિવેદી*

ગઝલ

હવે?

છે નિસરણી વાંદરા પાસે, હવે?
માંકડું બાંધ્યું છતાં નાસે, હવે?

પાક અમરતફળનો લેવાનો હતો
થોર ઊગ્યા છે બધા ચાસે, હવે?

દ્વાર ખોલી રાહ એની જોઉં, ને
આવીને એ દ્વાર બે વાસે, હવે?

આખુંયે આકાશ આવ્યું આંખમાં
ત્યાંજ નંદવાઈ ગયું ભાસે, હવે?

હું 'હરિ' સાથે હતો ખુશહાલ, પણ
એજ મારાથી હવે ત્રાસે: હવે?

હરિહર શુક્લ 'હરિ'
૧૪-૦૬-૧૭ / ૧૫-૦૪-૨૦

ગઝલ

તડકો  !

ઊતરે   છે  આભમાંથી   રોજ   તડકો !
ઝેબ  છે  ખાલી  અને  છે સાવ  કડકો !

ધોમધખતો  તાપ   આપે   છે  ધરાને,
મૃગજળ થૈ એ  બતાવે  લાલ   ભડકો.

પાદરો સૂના  થયા  છે  જણ  વિના ને,
હાંફતી  ને  ભાગતી  આ ગરમ  સડકો.

ભાણ  પણ  છે  ક્રોધમાં ને આગ  ઓકે,
ધારિણીના ઉર  મહીં  તો  આજ ફડકો.

કાંખમાં    ટાઢક   લઈને  સાંજ  આવે,
ભાગતો ને  લાજતો જો  'કાંત 'તડકો.
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

ગઝલ

સ્મરણમાં કોઈની ભીનાશ મારા શ્વાસ સુધી ગઈ,
પછી એ સ્હેજ જો આગળ વધી તો આગ સુધી ગઈ.

અચાનક જો મળ્યો વર્ષો પુરાણો મિત્ર રસ્તામાં,
તો, વાતો છેક બચપણમાં ભણેલા પાઠ સુધી ગઈ.

ફળિયે ડાળ મહોરીને જરા નેવે અડી ગઈ તો,
તરત ઘરમાંથી દોડીને કુહાડી ઝાડ સુધી ગઈ.

પહેલાં માણસો સૌ નીચું જોઈ ચાલતા’તા અહીં,
પછી જો પંખી ઊડતા જોયું, નજરો આભ સુધી ગઈ.

હૃદયનું બીજું પૂછો નામ તો બસસ્ટેન્ડ છે મિત્રો,
તપાસો બસ કઈ, ક્યારે ને કોના ગામ સુધી ગઈ?

~ અનિલ ચાવડા

ગઝલ

*શબ્દ-અંજળ..*

*યાદ કરીશું તો હેડકી આવશે,*
*મલીશું હવે જો અંજળ હશે.*

*બન્યુ છે આયોજન પ્રવાસનું,*
*જઈશું હવે જો અંજળ હશે.*

*કેટલાય ફેરફાર કાર્યક્રમ માટે,*
*કરીશું હવે જો અંજળ હશે.*

*વકતૃત્વ સ્પર્ધા લેવાઈ પાછળ,*
*બોલીશું હવે જો અંજળ હશે.*

*વિઘ્ન આવી રહ્યાં મુકામ ઉપર,*
*પહોચશું હવે જો અંજળ હશે.*

*દિનેશ,અંતરાયો ઘણાં આવે છે,*
*જીવીશું એટલું જ અંજળ હશે.*

*દિનેશ સોની,*
*રાપર કચ્છ,*
*તા.16/04/20.*

મોનોઈમેજ

હું અને તું (મોનોઇમેજ)

૧)
મને શોખ છે સૂર્યોદય માણવાનો..
એને વહેલી સવારના સપના જોવાનો !

૨)
અગ્નિની ચોતરફ
અમે સાથે ફેરા ફરેલા..
હું ઉત્તરમાં વળી,

પ્રશ્નોમાં !

3)
કેટલું સહજ સ્વીકારી લીધું છે,
એણે - મારું ચાહતા રહેવું
મેં - એનું ચાખતા રહેવું !

૪)
હું
એની આંખોમાં
મારું ભાવિ જોયા કરું છું,
એ મારી આંખોમાં
ફંફોસ્યા કરે છે
મારો ભૂતકાળ!

૫)
અમે
એકમેક માટે સૂરજ થઈને ઝળહળવાના
સોગંદ ખાધા ...
મને પોષ માફક આવ્યો ,
એને વૈશાખ !

~~ નેહા પુરોહિત

ગઝલ

ઈ અચીંધા,  તું   અચેજી   તાણ   કર,
રૂભરૂ  મિલધા,   મિલેજી   તાણ   કર.

વાટ   ઓખી   ને   લમીં   હૂંધી   છતાં,
ઠેઠ  પુજધા,   તું   પુજેજી   તાણ  કર.  

હી    ગડા,   હી    રેંકડ઼ા    તોલા  કરી,
જોતરીંધા,     જોતરેજી    તાણ    કર.

ગામમેં     આયા    ત    મૂંકે     ખાતરી,
તો   વટે   વીંધા,   વિઠેજી   તાણ   કર.

હથ   ભલે   કેં   વટ   લમૂં   કંધા  ન'વેં,
તો  વટાં   ગિનધા,  ગિનેજી  તાણ  કર.

રાત   ડીં   વઇ   ઓટલા   જોરીં  જુકો,
ઊ   મિડ઼ે   હલધા,   હલેજી  તાણ  કર.

ભંધ   કર,    તોજો     ઉધારી   વેપલો,
રોકડ઼ા    ડીંધા,    ડિનેજી     તાણ   કર.

લુખ  લગેતી,  નાંય  મોસમ   તાંય પણ,
' પુષ્પ ' જીં ખિલધા, ખિલેજી તાણ કર.

                      --- પબુ ગઢવી ' પુષ્પ '