જે શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે ?
નૌકાને વળી લંગર કેવું ? સાગરને કિનારો શા માટે ?
સેકાઈ ચૂકયું છે કૈંક સમે સૌંદર્યથી ઉષ્માથી જીવન,
આંખોને ફરી આકર્ષે છે રંગીન બહારો શા માટે ?
મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી,
તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે ?
પ્રત્યક્ષ સુણી છે આ ચર્ચા મેં તારલિયાની ટોળીમાં :
રાત્રિએ અવિરત જાગે છે આ એક બિચારો શા માટે ?
મૃત્યુ એ વધારી દીધી છે સાચે જ મહત્તા જીવનની,
અંધાર ન હો જ્યાં રજનીનો ,પૂજાય સવારો શા માટે ?
અપમાન કરીને ઓચિંતા મહેફિલથી ઉઠાડી દેનારા !
મહેફિલમાં પ્રથમ તેં રાખ્યો’તો અવકાશ અમારો શા માટે ?
તોફાન તો મનમાન્યું કરશે પણ એક વિમાસણ છે મોટી :
નૌકાને ડુબાડી સર્જે છે મઝધાર કિનારો શા માટે ?
વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે ?
– ‘ગની’ દહીંવાળા
No comments:
Post a Comment