Wednesday 22 January 2020

ગઝલ

સભા પાત્રતા

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

– સ્નેહી પરમાર

ગઝલ

ગઝલ ■ શિવમ

સત્યનો સુંદર ગૂંજે છે નાદ શિવમ,
એટલે ધ્વનિ અખિલમ ને મધુરમ.

સુખને દુઃખ માત્ર છે મનની અવસ્થા,
કાળ કૂપે ડૂબશે, એ છે ક્ષણિકમ.

સર્વ ભાષાઓ ભળી છે ગુર્જરીમાં,
ગુજરાતી સુર છે માટે શ્રેષ્ઠતમ.

ના કશું અમને ખપે સિવાય મિત્રો,
કૃષ્ણ સુદામા જેવું આપો એશ્વર્યમ.

શુભ વિચારો મળો ચારે તરફથી,
સુખી થાઓ આ સમગ્ર સૃષ્ટિ જગતમ.

દિલીપ વી ઘાસવાળા

ગઝલ

🌳🌳🌳🌳🌳🌳🌳
ડૉ.સત્યમબારોટ

જાતથી તું જાતને પુરવાર કર.
સત્ય છે તો સત્યને સ્વીકાર કર.

પ્રેમથી આજે નવો નિર્ધાર કર.
કોઇથી ના કોઇદી તકરાર કર.

હાથ પગ મોઢું મળ્યું તો શું થયું,.
માનવી જેવો સદા વેવાર કર.

દેવ જેવી જિંદગી લીધા પછી,.
દેવ જેવો જાતમાં શૃંગાર કર.

ડૂબવાની તું ફિકર ના કર કદી,.
કર્મથી દરિયા બધાએ પાર કર.

છોડ દુનિયાની બધી જંજાળને,.
દેવ જેવી જાતને સરકાર કર.

જિંદગી જીવી જજે એવી અહીં,.
દર્દથી ના કોઇને લાચાર કર.

જૂઠમાં જીવન બધું વીતી જશે,.
ચાલ આજે સત્યનો ઇકરાર કર.

જો દયા જેવું કશુંયે હોય તો,.
જાત પર થોડો ઘણો ઉપકાર કર.

તું વિચારો છોડ તારી જાતના,.
દર વખત બીજાના પણ વિચાર કર.
ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Sunday 19 January 2020

ગઝલ

ગાલગા ગાલગા ગાલગા ગાલગા

ઘોર ક‌ળિયુગ છતાં લાગણી ‌રાખું છું,
જિંદગી‌ આમ સોહામણી રાખું છું

માણસાઈ નઠારી બની એટલે,
માણસો ગાળવા ચાળણી રાખું છું.

આપ શોધી રહ્યા છો ગઝલમાં અને
વાત અંગત હજી આપણી રાખું છું.

હું તો જન્મો જનમથી તમારો જ છું.
બસ હવે હુંય આ માંગણી રાખું છું.

ગટગટાવી શકાયું નહીં શિવ સમું,
એટલે ઝેરની ચાસણી રાખું છું.

શબ્દની મહેફિલો ગોઠવીને પછી,
કાવ્યમય દિલમાં હું લાવણી રાખું છું.

--દિલીપ ચાવડા 'દિલુ'‌ સુરત

Tuesday 7 January 2020

ગઝલ

(૨૨) ગઝલ ■ પતંગ છું.

કોઈ છોરી એ ચગાવેલો પતંગ છું,
ઋજ હાથોએ મુકાયેલો પતંગ છું.

દોર કાચી છે કે પાકી એ અજાણ છું,
બે ફિકર શ્વાસે  ઉડાવેલો પતંગ છું.

પાંખ આપીને, પછી છળથી કાપી છે,
ઉડતાં પહેલા ઘવાયેલો પતંગ છું.

મારશે ગુલાંટ કે એ સ્થિર થાશે ??,
અર્ધ ભાને ઓળખાયેલો પતંગ છું.

એકલો ચગતો રહે ધ્રુવ તારા માફક,
બુદ્ધ ભાવે કેળવાયેલો પતંગ છું.

ના ચગે ના ઉતરે ખુદની ઈચ્છાથી,
જન્મ મૃત્યુથી હું થાકેલો પતંગ છું.

ક્ષણ જીવી આ કાયા કાગળની લીધી છે,
મોજથી લૂંટાવા, જન્મેલો પતંગ છું.

વાલિયો લૂંટારો આવીને વસે છે,
ઋષિ મુનિ શો લૂંટાયેલો પતંગ છું.

બાળકો દેખી મને સૌ પથ્થર મારે,
વિજ તારે હું ફસાયેલો  પતંગ છું.

ભવ્ય આ જાહોજલાલીથી હું જીવ્યો,
ભાગ્યના હાથે કપાયેલો પતંગ છું.

હાથમાંથી દોર છૂટી ગઈ છે  "દિલીપ",
ભેખડેથી ભેરવાયેલો પતંગ છું.

દિલીપ વી ઘાસવાળા