Sunday 24 June 2018

ગીત

હડી કાઢતું આભ  આખું, ઉતરી આવ્યું હેઠું રે...
હવે  નક્કી ચોમાસું બેઠું રે.

નેવા નવતર રાગે ગાતા, ફાટું ભરીને ફળિયા નહાતા.
કમ્ખે કૂવો ઉગ્યો રે ... છાંટો લોહી લગ પૂગ્યો રે.
ચાતક મારી આંખડીયુમાં, હળવે હળવે પેઠુ રે..
હવે  નક્કી ચોમાસું બેઠું રે.

જળના તોરણ બાંધ્યા દ્વાર, ઝાંપો ડેલી ત્યાં મૂશળધાર,.
હાથે દરિયા ફાટયા રે... મે સેંથી કુમકુમ છાંટયા રે.
હોઠોનું પરવાળુ ચુમીને, એણે જીવતર કીધું એંઠું રે.
હવે  નક્કી ચોમાસું બેઠું રે.

જળના જીલ્યા લથબથ ભાર, જળના ગુંથ્યા છે મે હાર.
કાંટો જળનો વાગ્યો રે... છાતીએ ટ્હુંકો જાગ્યો  રે.
ભીનપની  આ મીઠી વેદના હું કેમ કરીને વેઠું રે.
હવે  નક્કી ચોમાસું બેઠું રે.

હડી કાઢતું આભ  આખું, ઉતરી આવ્યું હેઠું રે...
હવે  નક્કી ચોમાસું બેઠું રે.

શૈલેષ પંડ્યા...... નિશેષ

ગીત

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાઈ નહીં !

– ભગવતીકુમાર શર્મા

ગીરીશ જોશી

લખે સૌ થોકના ભાવે ગઝલ આવી બજારમાં
અમે દસ બારમાં વેંચી તમે વેંચી હજારમાં

તને જોયા વગર સો ગીત મેં લખ્યા હતા કદી
તને જોયા પછી આવી ગઝલ મારા વિચારમાં

સુઝે ઝટ ભાવ શબ્દોમાં વળી લાવે લગાવ પણ
ઘણી નિખરી ગઝલ જ્યારે લખી છે ઈંતજારમાં

પ્રિયા ગાલિબ દુલારી મીર ને સાકી મરીઝની
વધીએ શૂન્યથી, બેફામ ઘાયલની પુકારમાં

ઉગે તો ચાંદ સી ઉજ્જવળ, ખીલે તો ગુલાબ સી
બઝે ઝાંઝર બની પગનું, સરગમી કો સિતારમાં

ગિરીશ જોશી

ગઝલ

बात जो दिल में थी वो बता ना सके,
था बहोत कुछ जिसे हम जता ना सके;

अब ये आलम है, तन्हा है कुछ इस कदर,
नींद आ जाती है, ख्वाब आ ना सके!

दिल ने दिल से किये थे तो वादे बहोत,
बस ये गम है उन्हें हम निभा ना सके;

कुछ न तुम छोड़ पाये अपनी वो जिद्द,
और कुछ हम तेरे पास आ ना सके!

कल अचानक जो यूँ सामने आ गये;
क्या हुआ क्यूँ नजर हम मिला ना सके?

कौन शिकवा करे और किसे दोष दे?
भूल जाये वो सब जो भूला ना सके!

: हिमल पंड्या

ગીત

વર્ષાનાં વધામણાં... મિત્રો 😊

મેઘ કરતો ધીંગાણું મધરાતમાં....
મેઘ વરસે છે રજવાડી ઠાઠમાં....

હું તો શમણાંમાં શમણું થઈ હરખી પડી,
પ્રીત જનમોની હૈયેથી છલકી પડી
દર્દ વધતું ગયું ને ઘેન ચડતું ગયું,
પછી આંસુના રેલે હું મલકી પડી
કોઈ ધોધમાર બેઠું'તુ આંખમાં
મેઘ વરસે છે રજવાડી ઠાઠમાં

પીડ ઉપડી'તી અણધારી રાતે સખી,
સાદ વાંસળીના સુર જેમ વાગે સખી,
હું તો સાનભાન ભૂલીને ભીંજાતી ગઈ
જાત ઓગળતી, વેરાતી લાગે સખી
હું તો મોરપીંછ ચીતરું આકાશમાં
મેઘ વરસે છે રજવાડી ઠાઠમાં

મારી આંખોમાં દરિયાએ લીધું'તું ઘર
પછી પાંપણીયે બાઝ્યુ'તું તોફાની જળ
કોઈ તાણી ના જાય મારું ગમતું વહાણ
મેઘ! એથી તો તારોયે લાગે છે ડર
મારું સગપણ છે વરસાદી નાતમાં
મેઘ વરસે છે રજવાડી ઠાઠમાં
..... વર્ષા પ્રજાપતિ ઝરમર

ગઝલ

કહેતા હો તો ગણતરી દુશ્મનોની હમણાં જ કરાવી દઉં
ને પછી જ સદા શાંતિ  માટેનું યુદ્ધ છેલ્લું આરંભ કરી દઉં

મૌન સામે ચીસો ને ચિત્કારો આખરે થાકી ને હારી ગયા
હવે હળવેકથી ની:શબ્દ ને શબ્દ માં આજે કહી  જ દઉં

કસોટી તો રણ અને ગુલાબ–બંને ની એક સરખી જ હતી
ફરિયાદની આ વાત અસ્તિત્વના કાનમાં આજે કરી જ દઉં

શુકન અને અપ-શુકન બંને રહે છે ખુબ  જ  છેટા મુજ થકી
કર્મના હવન માં હજી યે સ્વેચ્છાથી સ્વને સમર્પિત કરી લઉં

આળસ ના ઓશીકે સુતેલું છે  સોડ તાણીને  નસીબ - ત્યાં
આવડત અને અનુભવ  ને હમણા જ  કામે લગાડી દઉં

અભિમાન અને અહંકાર  એની રાજ-રમત શરુ કરે ઈ પહેલા
શરીર ના મેદાન માં નિયમ - શરતો સજાગતા ના મૂકી દઉં

તારા"પરમ"પવિત્ર પગલાનો અણસાર મને મળે ઈ પહેલા
"પાગલ"થઇને આજ અનંતની અંતિમ તૈયારી કરી લઉં

--ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

ગઝલ

કેટલા દર્દો સહું છું એકલો,
ભીડમાં પણ હું ફરું છું એકલો.

ભૂલમાં પણ કોઈનું દિલ ના દુઃખે,
એટલે બસ હું રહું છું એકલો.

કોઈને ફુરસદ નથી તો શું થયું!
વાત સૌ ખુદને કહું છું એકલો.

આયના સામે હસી લઉં છું કદી,
ને કદી એમજ રડું છું એકલો.

એમના સપને કદી આવી ચડું,
એમ હું રાતે ફરું છું એકલો.

બે કદમ આ જીંદગી પાછળ કરે,
બે કદમ આગળ વધું છું એકલો.

લાગણી ને દર્દ પ્હોંચે દિલ સુધી,
શું ગઝલ એવી કહું છું એકલો!!

ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'

ગઝલ

खेत से बिछड़ने की सजा पा रहा हूँ
राशन की लाइन में नजर आ रहा हूँ

ख्वाईशें बेच दी चंद टुकड़ो के लिये
मौत आने से पहले मरा जा रहा हूँ

जिंदगी को यूँ ही न गवारा कर देना
मैं समझा नही तुम्हे समझा रहा हूँ

साँसे भी जिस्म को कबका छोड़ गई
अपने न होने का मैं पता बता रहा हूँ

सुबहो शाम दर्द को जीता रहता हूँ मैं
न पूछो कैसे मैं रूह को चला रहा हूँ

ख्वाईशें रोज नया झूठ बोल देती है
अब बच्चो को खाली पेट सुला रहा हूँ

लगता है खुदा भी मुफ़लिस हो गया
दुवा में रोज मौत को भी मना रहा हूँ

जीते जी कभी माँ का सौदा न करना
सुन "मनु" इंसा होने पर पछता रहा हूँ

*मनुराज*

ગઝલ

નયનના ઈશારામાં સમજી જવાનું,
પ્રણયમાં નથી સઘળું સમજાવવાનું!

બધું સહેલું ક્યાં યાદ તો રાખવાનું?
ને અઘરું છે કંઈ પણ કદી ભૂલવાનું!

એ જાણે છે મેળવવું જીવનમાં, દોસ્તો!
ન શીખ્યો છે માણસ કશું છોડવાનું!

ન તું માની લે આવડી સૌ ગયું છે!
ઘણું છે હજી બાકી જો, શીખવાનું!

સતત દોડવામાં ભુલી જાય છે એ,
સરસ રીતે જીવન અહીં માણવાનું!

નમાવી નહીં શકશે મરજી મુજબ તું!
આ મસ્તક નથી જાણતું ઝૂકવાનું!

કહી દેશે આંખો બધી વાત દિલની,
પ્રણયને તો છે અઘરું છુપાવવાનું!

- હેમંત મદ્રાસી

૩, ગઝલ

ભરોસો   હો   ભરપૂર  શું   માપવાનું?
ચલે   જા   ફકીરા,   ધપે    રાખવાનું

દરદ   મીઠ્ઠડું  છે  જે   મમળાવવાનું,
નથી   કોઇને  પણ   એ   પરખાવવાનું.

છે  મનસા  પ્રભૂ  બસ  તને  ઝાંખવાની,
જરી   દૂરથી    જોઇને    પામવાનું

કે  મનડું  છે  મર્કટ  સમું  જો  ન  માને,
ધરી    ધીરતા   એને   સમજાવવાનું

ને  અણસાર એકાદ  દેજે   અબુધને,
ગતાગમ  નથી  કાંઇ,  શું   માનવાનું!

બિછાવ્યાં  નયન  એક  ઝપકી ન લીધી,
ચઢી   ચાનકી   છે   તને  જાપવાનું!

-----------હેમા ઠક્કર "મસ્ત "

લગનમાં  મગન  થઇને  આરાધવાનું
ટકોરા   એ   દેશે   હરિ,    જાગવાનું

જુઓ  કંટકોમાં   સુમન   પાંગરે   છે
સુકર્મી     સુવાસે   સદા   વ્યાપવાનું

જરી   સૂર્યને  પણ  ભનક  દે  ન  વાદળ
અચાનક   ગગનફાડ   વરસી  જવાનું

મનોહર  સ્વરૂપો  ધરેલી  છે  કુદરત
ભરી   આંખમાં,   શ્વાસમાં,   જીવવાનું

અલખઓટલો   લાગે  સંસાર  આખ્ખો ,
ગમે   હર  જનમમાં   અહીં   આવવાનું

-----------હેમા ઠક્કર "મસ્ત "

અહીં   ગાન   છેડીને   આલાપવાનું
પછી   મુક્ત  મનથી   જરા  નાચવાનું

ફકીરી,  અમીરી,  બધું  એકરસ છે
નથી  જેને  પરવા   કે   શું  પામવાનું

કરમરેખને   પણ  ફરાવી   શકો   છો
ખડેપગ   રહી   હીરને    તાગવાનું

વહેતી  મુકો   સૌ   વ્યથાઓ, જથાઓ
હરિનામમાં   રત  થઇ    ફાગવાનું

સદા  ભૂખ  મટશે   બધા  ભોગની,  હા
ભભૂતિને   ચપટીક   લઇ   ફાકવાનું

-------------------હેમા ઠક્કર "મસ્ત"

ગીત

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાં-નું પૂર આવવું

ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

- રમેશ પારેખ

ગઝલ

ફરી એવી કોઈ ગઝલ જો નિકળે
ઘાવ અંદરનો છતાં સ્મિત નિકળે

હો જખ્મો ઘણેરા ઊભા તાકીને
અંદર આગ છતાં લગાવ નિકળે

બનીને લાગ દાવનો ફેંકો હજારો
હો મરહમ ના છતાં દુઆ નિકળે

કાયમ કોણે દીઠી છે અહીં કાલને
રજની બને એવી કે સવાર નિકળે

હો ન સમયની કોઇ દ્વારે પાબંદી
જિંદગી એવી જે લગાતાર નિકળે

વિરમ ગઢવી

અછાંદસ

अमृता प्रीतम

अपने पूरे होश-ओ-हवास में
लिख रही हूँ आज... मैं
वसीयत ..अपनी
मेरे मरने के बाद
खंगालना.. मेरा कमरा
टटोलना.. हर एक चीज़
घर भर में ..बिन ताले के
मेरा सामान.. बिखरा पड़ा है

दे देना... मेरे खवाब
उन तमाम.. स्त्रियों को
जो किचेन से बेडरूम
तक सिमट गयी ..अपनी दुनिया में
गुम गयी हैं
वे भूल चुकी हैं सालों पहले
खवाब देखना

बाँट देना.. मेरे ठहाके
वृद्धाश्रम के.. उन बूढों में
जिनके बच्चे
अमरीका के जगमगाते शहरों में
लापता हो गए हैं

टेबल पर.. मेरे देखना
कुछ रंग पड़े होंगे
इस रंग से ..रंग देना उस बेवा की साड़ी
जिसके आदमी के खून से
बोर्डर... रंगा हुआ है
तिरंगे में लिपटकर
वो कल शाम सो गया है

आंसू मेरे दे देना
तमाम शायरों को
हर बूँद से
होगी ग़ज़ल पैदा
मेरा वादा है

मेरा मान , मेरी आबरु
उस वैश्या के नाम है
बेचती है जिस्म जो
बेटी को पढ़ाने के लिए

इस देश के एक-एक युवक को
पकड़ के
लगा देना इंजेक्शन
मेरे आक्रोश का
पड़ेगी इसकी ज़रुरत
क्रांति के दिन उन्हें

दीवानगी मेरी
हिस्से में है
उस सूफी के
निकला है जो
सब छोड़कर
खुदा की तलाश में

बस !
बाक़ी बची
मेरी ईर्ष्या
मेरा लालच
मेरा क्रोध
मेरा झूठ
मेरा स्वार्थ
तो
ऐसा करना
उन्हें मेरे संग ही जला देना...

ગઝલ

*વરસાદ ( ગઝલ )*

ભલે ને ગામમાં ચારે તરફ ગારો કરી ગયો
મને વરસાદ આજે દિલથી તમારો કરી ગયો !

બીજું તો શું કરીને જાય તમારા શ્હેરમાં મિત્રો,
ક્ષણોમાં જિંદગીનો પૂર્ણ સથવારો કરી ગયો.

નર્યા અમૃત નિતરતા છાંટણા વરસ્યા છે ખેતરમાં
ઉગેલો પાક શમણાંનો બહુ સારો કરી ગયો.

મળી'તી ચાર આંખો પ્રેમપૂર્વક ઝીણી ઝરમરમાં
ભરી ભરપુર ભીતર ભીનો મુંઝારો કરી ગયો.

હ્રદયના સાવ ભીના ભાવ સાથે ખુબ ઝીલ્યો છે
વધારે શું, સફળ આખોય જન્મારો કરી ગયો.

*- સ્નેહલ જોષી*

ગઝલ

ભીનપવરણો આવ્યો અવસર, મેઘ-મુબારક !
ભીંજવતો એ બાહર-ભીતર, મેઘ-મુબારક !

છાંટો પડતાં એક સામટા મ્હોરી ઊઠ્યાં,
ડેલી, આંગણ ને આખું ઘર, મેઘ-મુબારક !

કાલ હતાં જે સાવ સૂના ને અવાવરું એ ,
જીવતાં થાશે હમણાં પાદર, મેઘ-મુબારક !

નખરાળી નદીયું ઉભરાતી પૂર આવતાં,
અંદર પણ ઊછળતાં સમદર, મેઘ-મુબારક !

ગોરંભાતું આભ ઊતરતું આખેઆખું,
છલકાતાં હૈયાનાં સરવર, મેઘ-મુબારક !

મનના મોર કરે છે નર્તન ટહુકા સાથે ,
જળના વાગે ઝીણાં ઝાંઝર, મેઘ-મુબારક !

વીજ અને વરસાદ વીંઝતાં તલવારો ને –
બુઠ્ઠાં બનતાં સઘળાં બખ્તર, મેઘ-મુબારક !

મોલ પછી લહેરાશે એમાં અઢળક અઢળક,
પલળે છે આખુંયે જીવતર, મેઘ-મુબારક !

કોઈ અગોચર ખૂણે બેસી કાન માંડીએ,
વાગે ઝીણું ઝીણું જંતર, મેઘ-મુબારક !

ડાળી થૈ ઝૂકો, હું ઊઘડું ફૂલ થઈને –
સાથે કરીએ હિસાબ સરભર, મેઘ-મુબારક !

– નીતિન વડગામા

ગઝલ

હરિયાને

ક્યાં તું જુએ છે જે છે જોવાનું હરિયા?
મારે તો કાયમનું છે રોવાનું હરિયા!

મૂકી માથાકૂટ મને મેળવવાની મેં!
શાને મેળવવું જે છે ખોવાનું હરિયા?

પાંપણના તોરણ પર લટકેલાં મોતીને
છેદ કર્યા પણ રહી ગયું પ્રોવાનું હરિયા!

ફાટેલું પ્હેરણ કાઢી, પાછું પહેરું છું!
રોજ રોજ ઉઠી જઇને ધોવાનું હરિયા!

હું તો સાચ્ચેસાચ ઉભો છું તારી સામે!
દે પ્રમાણ મુજને તારા હોવાનું હરિયા!

- હરિહર શુક્લ
  ૧૨-૦૮-૨૦૧૭ (બસમાં)

ગીત

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા !  આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે , થોડીક નથી નોટ ,
એમાં તો શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?

ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો , આપણા જેવો સાથ,
સુખ દુ:ખોની વારતા કે'તા બાથમાં ભીડી બાથ.

ખુલ્લા ખેતર અડખે પડખે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢીયા માટે દોડતાં એમાં જીવતાં જો ને, પ્રેત !

માનવી ભાળી અમથું- અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !

                     -- મકરન્દ દવે

ગીત

*મેઘની રાહ જોવાય છે*
    *- ધવલ ભિમાણી 'અંદાજ'*

માટીની સુગંધ પણ કાન ઘેલી થાય છે
ગોકુળની ગલીઓમાં મેઘની રાહ જોવાય છે

ભીંજાવા મારી સંગ માધવને આમંત્રણ આપું
લાગણીઓના રસ્તે ચાલીને પંથ મારો કાપું
વરસાદી રાતના સપનામાં રાધા કેવી ખોવાય છે
ગોકુળની ગલીઓમાં મેઘની રાહ જોવાય છે

શ્યામના રટણની સાથે કોયલને સાંભળતી મીરાં
રમવા માધવને સંગ સૌ કોઈ કેટલા અધીરાં
મેઘના આગમનની આજ કેવી તૈયારી થાય છે
ગોકુળની ગલીઓમાં મેઘની રાહ જોવાય છે

મેઘરાજા હવે બસ તમે જલ્દીથી આવોને
માધવ તમારું માનસે તમે જ મનાવોને
ગોપીઓથી બસ આટલું જ બોલાય છે
ગોકુળની ગલીઓમાં મેઘની રાહ જોવાય છે

ધરા પણ તરસી છે હવે પ્રેમ જોવા અમારો
અમારા આંગણે આજ આશરો તમારો
'અંદાજ' ની વાત કવિતામાં જો રોપાય છે
ગોકુળની ગલીઓમાં મેઘની રાહ જોવાય છે

માટીની સુગંધ પણ કાન ઘેલી થાય છે
ગોકુળની ગલીઓમાં મેઘની રાહ જોવાય છે.

ગીત

વરસાદ મૂવો છાંટાથી કહે મને – છટ્
ઘડીઘડી પડીપડી ટીપેટીપે મારા પર પાડે છે પોતાનો વટ્ટ…

કાંટો વાગે તો લોહી નીકળે છે એમ મૂવો છાંટો વાગે તો શું થાય ?
લોહીને બદલે નિસાસાઓ નીકળે ને એનું ખાબોચિયું ભરાય,
છાંટા નહીં,  મારા પર પડયું હોત છાપરું તો પાટા હું બંધાવત ઝટ્ટ…

એકલાં પલળવાના કાયદા નથી –  એ વરસાદને જો માહિતી હોત,
તો તો એ છાંટા સંકેલીને ટગરટગર મારું આ ટળવળવું જોત,
કહું છું વરસાદને – જા, એને પલાળ જેના નામની રટું છું હું રટ…

🌹 રમેશ પારેખ🌹

Sunday 17 June 2018

ગઝલ

🌳🌳🌳પિતા🌳🌳🌳
ડૉ.સત્યમબારોટ
ગાલગાગા ગાલગાગા ગાલગા

જિંદગીના ઝેરનું મારણ પિતા,.
છે બધાએ શ્વાસનું સગપણ પિતા.

મોક્ષ માટેનું ખરું આંગણ પિતા,.
ને પછી ગંગા બની તારણ પિતા.

મોભ ઘરનો એ અડીખમ થઇ ઊભા,.
લાગતા સુખ,દુખ મહી ગળપણ પિતા.

દર્દ આવે કેટલાં ઘરને છતાં,.
એકલા ઊપાડતા ભારણ પિતા.

એ રમાડે છે મને રોજે રમત,.
દેખતા મારા મહી બચપણ પિતા.

આંગળી પકડીને જીવન દોરતાં,.
આપતા રસ્તાઓનું ડ્હાપણ પિતા.

ભૂલ નાની હોય કે મોટી ભલે,.
મૂળમાં જઇ શોધતાં કારણ પિતા.

થાય મારી ભૂલ તો એ જાળવી,.
પીઠ થાપી આપતા સમજણ પિતા.

પ્રેમ છે એ માતાના શૃંગારનો,.
જે બન્યા છે પ્રેમનું વળગણ પિતા.

ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Thursday 14 June 2018

લોકગીત

અમે મહિયારા રે… ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મહિયારા રે… ગોકુળ ગામનાં

મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવા, નઇ લેવા, મહિયારા રે… ગોકુળ ગામના

યમુનાને તીર વ્હાલો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘથી જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું. મહિયારા રે… ગોકુળ ગામનાં

માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવા, નઇ કહેવા, મહિયારા રે… ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા, મહિયારા રે… ગોકુળ ગામનાં
નરસિંહ મહેતા ...સુપ્રભાત  ..

ગઝલ

ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો
ક્યારેક સૂની યાદના દીવા બળી ગયાં

એકેય રંગ આપણે પ્હેરી શક્યા નહીં,
સો વાર પેલા મોરનાં પીંછા મળી ગયાં

આંસુની હર દીવાલે હજુ એના ડાઘ છે
કૈં કેટલાંય મીણનાં પૂતળાં ગળી ગયાં

શોધું છું બારમાસીની ડાળીને ક્યારનો
કોને ખબર છે ફૂલના દિવસો ઢળી ગયાં

બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી,
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં

– શ્યામ સાધુ

દુ:ખની દીવાલે મોર સમયના મૂંગા હતા;
લાગે છે એટલે જ આ આંસુ ઊનાં હતાં !

હોવાનો અર્થ આ રીતે અહીંયાં જટિલ છે,
છે દ્વાર ક્યાં ? છતાંય કહે છે : ખૂલાં હતાં !

પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.

કૃપા કરીને ખુશબો અલગ તારવો નહીં,
ફૂલોની વચ્ચે થાકીને રંગો સૂતા હતા !

દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !

– શ્યામ સાધુ

અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા!

એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા!

મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા!

ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે અંધાર બની જા!

આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા!

હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા!

– શ્યામ સાધુ

વસ્ત્ર ભીનાં હો, નીતારી નાખીએ
પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ?

એક પળ બસ એક પળ આપી જુઓઃ
કેવું જીવનને મઠારી નાખીએ!

ફૂલ મહેક્યા જેવી થઇ છે લાગણી
ચાલો, તમને પણ વિચારી નાખીએ

સાવ ઝાંખા છે પરિચયના દીવા
રાતવાસો ક્યાં ગુજારી નાખીએ?

– શ્યામ સાધુ

અછાંદસ

ટૂંકા પડેલા અરીસામાં
વૃક્ષોની કવિતા નથી મળી આવતી !
મને અરીસામાં ટૂંકું પડે છે
એટલે મને
વેંઢારવાં પડે છે ગણી ન શકાય એટલાં
અનિશ્ચિતતાનાં વર્ષો !
આ પછી પણ
ટૂંકા પડેલા અરીસામાં તે છતાં
વૃક્ષોની કવિતાનાં મૂળ સુધ્ધાં નથી હોતાં !
શું હું માની શકું,
ટૂંકા પડેલા અરીસા
કોઈ ઘેરી ઉદાસ એકલતાનું નામ છે ?
શું કોઈ અચાનક
તૂટી ગયેલી નાનકડી
ડાળીની ચીસ છે ?
એ જો હો તે,
આ તો ટૂંકા પડેલા અરીસામાં
તમને ઝીલી ના શક્યો એટલે
આ મન તમારા સુધી ફેલાવ્યું
અને
પહોંચાડી છે આ કવિતા…

-શ્યામ સાધુ

ગઝલ

ટૂંકી બહરની એક ગઝલ...

પૂછો નહીં, શું વાત છે;
દેખાય એવી જાત છે.

મુજ હાથની રેખા ખુદા,
સુંદર-મજાની ભાત છે.

ફાવે નહીં તારું ગણિત -
ઘાતાંક શું ? શું ઘાત છે ?

જે કૈં મળે એને વધાવ :
ઈશ્વર તણી સોગાત છે.

સૌંદર્યની જો દૃષ્ટિ હો,
લાગે, જગત રળિયાત છે.

હું આમ તો ક્યાંથી તરું ?
વચમાં સમંદર સાત છે.

હમણાં ગઝલમાં છું નવો,
માનો અહીં શરૂઆત છે.

બુઝતો નહીં તું ઓ 'પ્રદીપ',
અંધારી-કાળી રાત છે.

— પ્રદીપ સમૌચા
તા. ૩૦-૦૧-૨૦૧૬/શનિવાર

ગીત

હું તો ગોતવાને નીકળી છું નંદ રે કુવરને.....2
કે એને છેતરી છે ગોમની ગોપીઓને

યમુનાને તીરે અમે નાહવા રે ગ્યા તા,
કાનૂડે પહેરણ ચોર્યા હો રાજ.....
હું તો ગોતવાને નીકળી તી નંદ રે કુંવરને ...

યશોદા જી રે તમારો લાલ કુંવર ક્યાં ગયો ?
દે વો છે ઠપકો રે લાલ કુંવર ક્યાં ગયો ?

યમુનાના તીરે અમે પાણીડારે ગ્યા તા
તારા કુંવરે મટકી ફોડી રે ...યશોદા જી
હું તો ગોતવાને નીકળી છું નંદ રે કુંવરને...

આખા ગોકુળના ગોવાળ કર્યા ભેગા...
ભેગા કરીને માખણ ચોર્યા યશોદા જી
હું તો ગોતવાને નીકળી છું નંદ રે કુંવરને.....

યશોદાજી બોલ્યા મારો લાલ કુંવર આ રહ્યો
આંખો રે ચોળી એ તો શું છે માં બોલ્યો !

હું તો સવારનો અહીં જ પોઢયો રે માવલડી
નથી મેં કોઈ ને કશું કર્યું રે માવલડી......

હું તો ગોતવાને નીકળી છું નંદ રે કુવરને.....2
કે એને છેતરી છે ગોમની ગોપીઓને....

અંશ ખીમતવી...

ગઝલ

તપી, તૂટી, તણાઈ સોનું સાબિત થાય
બધી સ્થિતિ વટાવી હોવું સાબિત થાય

જરા ઓગળતા ઓળખ મ્હોરું સાબિત થાય
ને મ્હોરા એકઠાં થઈ ટોળું સાબિત થાય

તણખલા જેવડું એક તથ્ય પણ ક્યારેક
ઘરોબો કેળવી મસમોટું સાબિત થાય

કદી કાપડનો અમથો ટુકડો ધારે-
થવા વરણાંગી તો ઘરચોળું સાબિત થાય

સુરીલું વાગવાની કામના લઈને –
હું નમણી ફૂંક મારું, પોલું સાબિત થાય

હજારો વાહ.. વાહ.. કહીને ગયા, ‘ને તું
રહીને ચૂપ રસનું ઘોયું સાબિત થાય

એને પત્રબોમ્બની ક્યાં જાણ છે સ્હેજે ?
કબૂતર ભોળું છે ‘ને ભોળું સાબિત થાય

પૂરા પૂર્ણત્વને પામી જાવા કરતાં
ભલેને એ ય અરધું-પોણું સાબિત થાય

—સંજુ વાળા

ગઝલ

તુષ્ટ શબ્દ

ઇષ્ટ શબ્દ અપનાવી દઉં હું!
ક્લિષ્ટ શબ્દ અમળાવી દઉં હું!

જેલ તણા સળિયાઓ પાછળ
ધૃષ્ટ શબ્દ પૂરાવી દઉં હું!

સાંભળવા શાને કાજે કે
દુષ્ટ શબ્દ સળગાવી દઉં હું!

શિસ્તબદ્ધ ગોઠવીને લયમાં
મિષ્ટ શબ્દ મમળાવી દઉં હું!

થઈ પ્રસન્ન હરિ જો રીઝે તો!
તુષ્ટ શબ્દ પીરસાવી દઉં હું!

- હરિહર શુક્લ
  ૧૭ ૦૯-૨૦૧૬ / ૦૮-૦૮-૨૦૧૭

ગઝલ

તું એક ગુલાબી સપનું છે
હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની
તે માટે હું પણ તત્પર છું.

ગોતી જો શકે તો લે ગોતી
મોતીના સ્વરૂપે છે જ્યોતિ
ઓ હંસ બનીને ઊડનારા
હું તારું માનસરોવર છું.

શાંત અને ગંભીર ભલે
શરમાળ છે મારાં નીર ભલે
ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા
હું એ જ છલકતો સાગર છું.

કૈલાસનો સચવાયે વૈભવ
ગંગાનું વધી જાશે ગૌરવ
તું આવ ઉમાનું રૂપ ધરી
ને જો કે હું કેવો સુંદર છું.

સંવાદ નથી શોભા એની છે
મૌન પ્રતિષ્ઠા બન્નેની
તું પ્રશ્ન છે મારે પ્રીતિનો
હું તારા રૂપનો ઉત્તર છું.

– શેખાદમ આબુવાલા