તપી, તૂટી, તણાઈ સોનું સાબિત થાય
બધી સ્થિતિ વટાવી હોવું સાબિત થાય
જરા ઓગળતા ઓળખ મ્હોરું સાબિત થાય
ને મ્હોરા એકઠાં થઈ ટોળું સાબિત થાય
તણખલા જેવડું એક તથ્ય પણ ક્યારેક
ઘરોબો કેળવી મસમોટું સાબિત થાય
કદી કાપડનો અમથો ટુકડો ધારે-
થવા વરણાંગી તો ઘરચોળું સાબિત થાય
સુરીલું વાગવાની કામના લઈને –
હું નમણી ફૂંક મારું, પોલું સાબિત થાય
હજારો વાહ.. વાહ.. કહીને ગયા, ‘ને તું
રહીને ચૂપ રસનું ઘોયું સાબિત થાય
એને પત્રબોમ્બની ક્યાં જાણ છે સ્હેજે ?
કબૂતર ભોળું છે ‘ને ભોળું સાબિત થાય
પૂરા પૂર્ણત્વને પામી જાવા કરતાં
ભલેને એ ય અરધું-પોણું સાબિત થાય
—સંજુ વાળા
Thursday, 14 June 2018
ગઝલ
Labels:
સંજુ વાળા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment