Thursday 20 February 2020

ગઝલ

● વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે..●
■ ગઝલ -  ◆ મારી ભાષા ◆

જુઓ શિશ અદબથી નમે છે,
મને મારી  ભાષા ગમે છે.

જૂઓ મા ને ખોળે મજાથી;
બધા ગુજ્જુ  કેવા  રમે છે !

ગગનમાં બની ધ્રુવ નો તારો
સદા ભાષા આ ટમ ટમે છે.

ફકત ગુર્જરી બોલવાથી,
ઘણા મનથી તાપો શમે છે.

મરણથી જીવન લગ 'દિલીપ' એ;
દિવસ રાત પહેલાં  ક્રમે છે.

દિલીપ વી ઘાસવાલા

Wednesday 12 February 2020

ગીત

☘☘☘☘☘☘☘☘☘☘

ધૂન લઈને ચાલ્યા

હવે અમે આ સહજ સહજની ધૂન લઈને ચાલ્યા રે
રૂનાં પગલે રૂના ઢગલે ચકમક તણખા ઝાલ્યા રે

ભૂલી સ્વ સાનભાન હળવા હાથે ફોરાં ઝીલ્યાં રે
દશદશ દ્વારબંધ કરીને દશેય આંગળીએ ખીલ્યા રે
કેડી તરુવર સીમ સીમાડા ભીનાં સ્મરણ ટાળ્યાં રે
હવે અમે આ સહજ સહજની ધૂન લઈને ચાલ્યા રે

સરવર મૂક્યાં, નદિયું ચૂક્યા, સાતેય સાગર તર્યા રે
અરમાન નીચાં ઊંચાં થઈને ખરખર ખરખર ખર્યા રે
અમથું નાનું બીજ જતન થૈ ગુલાબ પૂરાં ખીલ્યાં રે
હવે અમે આ સહજ સહજની ધૂન લઈને ચાલ્યા રે

ડૉ. ભાવેશ જેતપરિયા

☘☘☘☘☘☘☘☘☘☘

Monday 10 February 2020

ગીત

☘☘☘☘☘☘☘☘☘☘☘

હથેળિયુંમાં કૂક

પછી એને હોંશભેર પૂછવાનું થાય કે તારી વાંસળીમાં સૂર થઈ ફૂંકાતી જાઉ, સાવ કોરી હથેળી લાવ.

અવળ સવળ ગૂંથી હસ્તરેખની વેલ નસનસ જો સીધી સટ દેખાય અમને, એનું શું ?
વળતા જવાબ ઝીલવા રાહી બનતો કાન સૂણે ને આંખો તાકે તગતગ તમને, એનું શું ?
સ્મરણ દોડી જાય પલપલ હાર, મીઠું હું મુંઝાઉ તોય લ્હેર મ્હેર મલકાતી થાઉં.
સાવ કોરી હથેળી લાવ.
પછી એને હોંશભેર પૂછવાનું થાય.....

સપ્ત ઉમંગ સપ્ત રંગી સૂરે સળવળ ગીતડું સરવા લાગે ને રગરગ છલકી જાય ભીંતડું.
રાહ જોઈને ઊભું આંખો ઢાળી ઉંબર બારસાંખે ઉછળી અથરું થઈ ગ્યું ચિતડું.
શ્વાસોના સગપણ વધારી આવન જાવન સપ્ત સૂરની હેલી ઉમટે ને મન ભરીને ગાઉ.
સાવ કોરી હથેળી લાવ.
પછી એને હોશભેર પૂછવાનું થાય.....

ડૉ. ભાવેશ જેતપરિયા

☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘

આ રંગ જુદા છે

નવરંગી નવતાલ લઈને ડોલન લેતાં ફૂલડે રંગત ફાગ પણ આ ફાગ જુદાં  છે !
સપ્તધનુના સરગમ રેલ્યા તાલ ચાલમાં વ્હેંતા રાગ પણ આ રાગ જુદાં  છે !

પરપોટે ઝીલ્યો સૂરજ ભાર સાર લઈ ફરતા રેલમછેલ છલના દોડે;
કણ કણ રેતી ચમકે ધમકે પવન પૂર ગોટમ ગોટ બદરા સાથે જોડે.
ઉછળે કાંઠાભેર સમંદર તળીએ મોતી આંખે દળતાં જળ પણ આ જળ જુદાં છે !
નવરંગી નવતાલ લઈને.....

રગરગ દોડે જોડે ફૂલડાંનો મલ્હાર વાટમાં વેલો ઝુલણ ઝુલતો જાય;
પગલાંને પંપાળી પંથ લંબાતા સપનાં કેરી લીલી પાંખ ફફડતી થાય.
કરવું શું વળી કથવું શું ? ફકત મથવું એ ભાગ જુદા અને આ તાગ જુદા છે.
નવરંગી નવતાલ લઈને.....

ડૉ. ભાવેશ જેતપરિયા

☘☘☘☘☘☘☘☘☘☘☘

Wednesday 5 February 2020

ગીત

☘☘☘☘☘☘☘☘☘☘☘

અવસર ટાણું છેલ્લું

ઘેલું લાગ્યું એવું ધેલું
હું હરિવર સાથે ખેલું
આ અવસર ટાણું છેલ્લું....

ઉંબર ડુંગરા મેલી દીધા
અને શેરિયું સમથળ કીધી;
પાદર ઉીડવા પાંખો ફેલાવી,
ફૂલડે સોડમ બહુ લીધી.
ખેલ ખાંડા ધાર પર ખેલું.
હઆ અવસર ટાણું છેલ્લું...

સહજ સહજમાં થૈ ગ્યો
મટકી પર કાંકરી ચાળો;
હૈયું છલકાય મનડું મલકાય,
ન મળે શોધ્યો તર્ક તાળો.
જામ્યાં ઝાળાં તડાક તૂટ્યાં
હીંચકે હિલ્લોળ પ્હોર પહેલું.
આ અવસર ટાણું છેલ્લું...

ડૉ. ભાવેશ જેતપરિયા

☘☘☘☘☘☘☘☘☘☘☘