Friday 30 June 2017

ગીત

*ગીત - ચોમાસુ આવ્યું*
*(શ્રી ર.પા.ની છાંયામાં લખાયેલ આ ગીત)*
ચોમાસુ આવ્યું ને, ચોમાસુ જામ્યું ને,
ચોમાસુ થઈ ગ્યું પલાણ તારા શ્વાસમાં,
પછી લીલાં ખેતર થઈ, લીલા જંગલ થઈ,
લીલા ઉભરાણ મારા શ્વાસમાં.

લીલા અજવાસમાં લીલુંછમ્મ તરણું
ઊગી ગયાનું સૌ જાણે,
લીલુછમ્મ સરવર આંખોમાં રમતું ને
તૂટી ગયાનું સૌ જાણે,
છોને આંખોને બંધ કર; આંખો ઉઘાડ તોય
લીલા છવાણ તારા શ્વાસમાં,
પછી લીલા ઉભરાણ મારા શ્વાસમાં.

ભીના વંટોળમાં આખુંએ આભ જઈ
ભીના ગુલાબને સૂંઘે,
ગૂણગૂણના સાદમાં આખું ગુલાબ લઈ
ડાળડાળ ભ્રમરો ગૂંજે,
ઓલી છૂટતી - વછૂતી ભીનેરી મ્હેંકના
લીલા લખાણ તારા શ્વાસમાં,
પછી ભીના ઉભરાણ મારા શ્વાસમાં.
- મુકેશ દવે

Thursday 29 June 2017

૬, ગઝલ

ગઝલ

ચિત્તને ચાનક ચડી કે આપણે પણ સાંઈ થાવું.
આપણે પણ આભલાને આંબતી ઊંચાઈ થાવું.

ગંજ ખડકી ને થયા પર્વત તો તેમાં શી નવાઈ,
છે મજાનું વાટકી વ્યવહારની આ રાઈ થાવું.

એમ ભીતરમાં જઈને હું બન્યો છું જીવ તારો,
પણ બહુ મુશ્કેલ છે આ બ્હારથી પરછાંઈ થાવું.

ને સુગંધો એ રીતે ભળતી ગઈ સોના મહીં,
આ પીડાની પોઠ વચ્ચે આપણું શરણાઈ થાવું.

તું કહે તો હુંય રામાયણ લખું તુલસી બનીને,
શે'ર તો જાણે જ છે કેવી રીતે ચોપાઈ થાવું !

- સ્નેહલ જોષી

*અભાવ ( ગઝલ )*

તારા  વિરહમાં સાંજને જીરવી ગયો છું હું.
તારા  વિરહમાં એક પળ અટકી ગયો છું હું.

તારા  વિરહમાં શ્વાસને આવી છે તીવ્રતા,
તારા  વિરહમાં જિંદગી સમજી ગયો છું હું.

તારા  વિરહમાં યાદ નથી હું મને રહ્યો,
તારા  વિરહમાં કેટલું ભૂલી ગયો છું હું.

તારા  વિરહમાં સૂર્ય બન્યો છું સવારથી,
તારા  વિરહમાં ડૂબતા શીખી ગયો છું હું.

તારા  વિરહમાં શબ્દ અહીં બોલતા નથી.
તારા  વિરહમાં શાયરી પામી ગયો છું હું.

- સ્નેહલ જોષી

ગઝલ

આમ તું પ્યારમાં ન છોડી જા.
સાવ મઝધારમાં ન છોડી જા.

પુષ્પ કરતાય સાવ હળવો છું,
તું  મને  ભારમાં  ન  છોડી જા.

જ્યાં ગુમાવ્યું હતું હ્રદય આખું,
એજ  વિસ્તારમાં ન છોડી જા.

સ્હેજ  પણ  દૂર થાઉં તારાથી,
એવા વ્યવહારમાં ન છોડી જા.

ને  પડી  જાઉં  આંખથી એવા,
કોઈ  અધિકારમાં ન છોડી જા.

સ્પષ્ટ કર આપણા આ સંબંધો,
આમ અણસારમાં ન છોડી જા.

ખુબ  ગહેરાઈથી જ જીવ્યો છું,
ખીણની  ધારમાં  ન  છોડી  જા.

- સ્નેહલ જોષી

વરસાદ ( ગઝલ )

ભલે ને ગામમાં ચારે તરફ ગારો કરી ગયો
મને વરસાદ આજે દિલથી તમારો કરી ગયો !

બીજું તો શું કરીને જાય તમારા શ્હેરમાં મિત્રો,
ક્ષણોમાં જિંદગીનો પૂર્ણ સથવારો કરી ગયો.

નર્યા અમૃત નિતરતા છાંટણા વરસ્યા છે ખેતરમાં
ઉગેલો પાક શમણાંનો બહુ સારો કરી ગયો.

મળી'તી ચાર આંખો પ્રેમપૂર્વક ઝીણી ઝરમરમાં
ભરી ભરપુર ભીતર ભીનો મુંઝારો કરી ગયો.

હ્રદયના સાવ ભીના ભાવ સાથે ખુબ ઝીલ્યો છે
વધારે શું, સફળ આખોય જન્મારો કરી ગયો.

- સ્નેહલ જોષી

ગઝલ

એક તારી યાદમાં સઘળું ગુમાવ્યું છે અમે,
જિંદગીભર તોય ક્યાં તુજને બતાવ્યું છે અમે ?

પર્વતોના પર્વતો ઊંચકી લીધા પાંપણ ઉપર,
એક પાંપણ શું નમી, મસ્તક ઝુકાવ્યું છે અમે.

ગાલ ઉપર જે કદીયે પહોંચવા પામ્યું નથી,
આંખમાંથી એક આંસુ એમ સાર્યું છે અમે.

ખૂબ ઊંડે સાચવી છે, વાસ્તવિકતાની મહેક,
સાવ ઉપર સત્યનું અત્તર લગાવ્યું છે અમે.

સામસામે કાચ જેવું ગોઠવી દીધા પછી,
જાત એમાં શોધવા માટે વિચાર્યું છે અમે.

- સ્નેહલ જોષી

આંખો ( ગઝલ )

નજર સ્હેજ મળતા નમી જાય આંખો.
અને એક પળમાં ગમી જાય આંખો !

નિતરતી,નિખાલસ અને સાદગી આ;
રહસ્યો ઘણાયે કહી જાય આંખો !

સતત જાતનું પણ સમર્પણ કરીને;
હ્રદયના બધા દર્દ પી જાય આંખો !

છતા લાગણીઓ જો વરસી પડે તો;
બધા બંધ તોડી છલી જાય આંખો !

રહ્યા સાવ નિષ્ફળ બધા પૂર્વજન્મો;
હવે આ જનમમાં મળી જાય આંખો ?!

- સ્નેહલ જોષી

ગઝલ

ને પછી એવું થયું કે રાત વરસાદી હતી,
ને પછી રસ્તા માં એક પલળેલી શેહઝાદી હતી...
                                                                                                                                                                                                                 ને પછી એવું થયું કે બંને સપના માં મળ્યા,
એ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી...
                                                                                                                                                                                                               ચંદ્ર ને પણ છત ઉપર ઉતરી જવા નું મન થયું,
ચાંદની રાતે અગાશી કેવી ઉન્માદી હતી...
                                                                                                                                                                                                                    હાર પેહરાવા જતા ઓચિંતી આંખ ઉઘડી ગઈ,
એ પછી સ્વપ્ના એ કીધું, રાત તકલાદી હતી.
                                                                                                                                                                                                           આત્મ-હત્યા નો ગુનો દાખલ થયો દીવા ઉપર,
ને પછી જાણ્યું હવા પોતે જ ફરિયાદી હતી.
                                                                                                                                                                                                                         ને ખલીલ, એવું થયું, લયલા કશે પરણી ગઈ,
ને પછી બીજે દિવસ મજનૂ ની પણ શાદી હતી.

- શ્રી ખલિલ ધનતેજવી સાહેબ

ગીત

થઈ થઈ ને શું થવાનું
આજ નહિ કાલે જવાનું તો જવાનું .

ક્યાં સુધી મનમાં મૂંજાવાનું
આમ એકલા  અટૂલા ફરવાનું
મન સદાએ  મક્કમ રાખવાનું
આજ નહિ તો કાલ જવાનું તો જવાનું .....

રમત જો રમ્યા જિંદગી ની
બાજી અવળી પણ પડવાની
તે છતાં  પાછા ન કદી  પડવાનું
આજ નહિ તો કાલ જવાનું તો  જવાનું......

માણસની  તું શક્તિમાન   જાત છે
આ અવની પર તું બુદ્ધિમાન  જાત છે
ક્યાં સુધી સ્વંયથી અજ્ઞાન રહેવાનું.....

_ મેવાડા ભાનુ " શ્વેત

ગઝલ

મજા પડી ગઇ

પડયો જયાં વર્ષાનો પહેલો છાંટો, વસુંધરાને મજા પડી ગઇ,
કળીએ એની સુગંધ વેરી અને હવાને મજા પડી ગઇ.

બસ આ જ વાતાવરણની વચ્ચે હયાતિ સાબિત કરી શકાશે,
સહેજ અંધારું જો છવાયું,તો આગિયાને મજા પણી ગઇ.

હું આજ ખુદની નજીક બેઠો, મેં આજ ખુદને મજા કરાવી,
મજા મને બસ એ વાતે આવી કે ખુદ મજાને મજા પડી ગઇ.

આ શીશી વચ્ચે પડી પડીને મરી જવાની હતી પરંતુ,
તમે જખમને ઉઘાડી આપ્યો અને દવાને મજા પડી ગઇ.

સભા આ કંટાળી ગઇ‘તી આખી, અમારી સિદ્ધિ સુણી સુણીને ,
અમે અમારી ઊણપ બતાવી પછી ઘણાંને મજા પડી ગઇ.

– કિરણસિંહ ચૌહાણ

ગઝલ

જન્મદિન મુબારક..🌹

ખાલી બેડલું વાટ જુવે  છે,  વ્હોરનારું કોઈ આવે,
ભવના તરસ્યા પંડને કોઈ , કંઠ લગી છલકાવે.

નેહના છલકે નીર છલોછલ,  વાટ એ જોઈ રહેલું,
હળવે હાથે અળગું મેલે , બેડલું તૈડ પડેલું.

પીંડ માટીનો ચાકડે ચડતો , ધરતો જુદા ઘાટ,
પાકતો અગનઝાળમાં એને વેચવા મેલ્યો હાટ.

અણગમતાને કોઈ અડે નહીં , ગમતું શોધે સહુ,
ભાવ પૂછે કોઈ ભાવ ન પૂછે આવતું ઓછું બહુ.

એક નિંભાડો , એક છે માટી , ઘડનારો છે એક,
ઘાટ ઘડે છે જૂજવા તોયે ધ્યાનમાં છે  પ્રત્યેક.

પાક્યા મેલે તોય રહે છે  કોઈ પાકા કોઈ કાચા,
માણસ , મોતી ,માટલા સહુ મા કોઈ ખોટાં કોઈ સાચાં.

આજ છે ખાલી , કાલ ભરાશે કોઈ મોડું કોઈ વહેલું,
ગૂંચવો તો ના ઉકલે એવું , સમજો તો છે સહેલું.

ક્યું બેડુ છે ભાગમાં કોના, કોણ ભરે, કોણ પીવે ?
કેટલો છે અંધકાર ને કેટલું અજવાળું છે દીવે ?

વ્હોરનારાએ ઘડનારા પર રાખવાનો  વિશ્વાસ,
જીવનારાઓ કંઈ ન જાણે , કેટલા, કોના શ્વાસ  ?

- તુષાર શુક્લ

ગઝલ

નયનથી અજાણે શરારત થવાની,
નજર એક દીવસ ઈબાદત થવાની.

હતો રાહમાં હું બગીચો સજાવી
કળીઓ હૃદયની અમાનત થવાની.

અધીરી હથેળી ભરી કંકુ ચોખા
હવે જિંદગીમાં નજાકત થવાની.

દરદને ભગાવી બન્યો છું છબીલો,
હઠીલી પિડાની મરામત થવાની.

લખે છે લખાણો હરખનાં નઝૂમી
'કજલ'ના કરમની કરામત થવાની.

કશ્યપ લંગાળિયા "કજલ"

ગઝલ

મહોબ્બત પણ ક્યારેક તરસી થવાની,
નફરત ની આગ એટલી અઘરી થવાની.
ઉપાડુ ફક્ત કદમ ને પહોંચી જાઉં તરત,
મંઝિલ પણ એટલી નજદીક થવાની.
ચાંદનીની શીતળતા પણ દઝાડી જશે,
ચાંદની ની એટલી બધી વર્ષા થવાની.
તારો હાથ મારા હાથો માં આવશે એક 'દિ,
ખુદા ની એટલી તો મહેરબાની થવાની.
આ જવાની, આ દીવાની, આ અંગો ની રવાની,
ભરી મહેફિલ માં એની તો ચર્ચાઓ થવાની.
આંખો થી વરસેલી વેદનાઓ જોઈ ને,
હદય તારી થોડી ઘણી દવાઓ થવાની.
સહેજ માટે છોડી તું દે સાથ મારો જ તેથી,
મૌન રહી ને ખુદ થી જ એની ફરિયાદો થવાની.
અધૂરી મારી પ્રીત ની અધૂરી ઈચ્છાઓ ની જેમ,
દ્વારે તારા જ મારા શ્વાસો ની હરાજી થવાની.
પ્રણય છે જ ગાંડો એ દેખાય છે જ હવે તને,
આશિકો માં તારા આગવી મારી ગણના થવાની.
છોડી હું દઈશ આ દુનિયા એટલે જ ' ધર્મ',
તું આ જનમ માં નથી કોઈ રીતે મારી થવાની.
                                   ~ધર્મેન્દ્ર સોલંકી. 
                                   ૦૧:૪૫, ૨૯/૦૬/૧૭

ગીત

આઘો જઉં તો છોરી ઓરી રે આવતી
ને ઓરો જઉં તો જાય આઘી
મને છોકરીઓ ના રે સમજાતી –

પૂછું તો લજ્જાથી લાલ થાય ગાલ
ને ના પૂછું તો ગુસ્સાથી રાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

મળવા આવે છે રોજ મોડી
ને કહેતી કે અરીસાએ રાખી’તી રોકી
‘દુપટ્ટો ભૂલીને દોડી ક્યાં જાય’
એવું કહી દીધું હળવેથી ટોકી

આયના સંગાથે વાતો કરે ને
મારી સામે એ મૂંગા મલકાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

હળવા મથો ને થોડું ભળવા મથો
જો તમે કળવા મથો તો પડો ખોટા
હૈયામાં રહેનારી છોકરીના રાખવાના
હોય નહીં પાકીટમાં ફોટા –

ડૉલરનો દરવાજો હળવે હડસેલીને
દલડામાં આવી સમાતી
મને છોકરીઓ ના રે સમજાતી –

– તુષાર શુક્લ

ગીત

જો રે સખી ! આજ રૂડો અવસર આંગણિયે આવ્યો રે !
આભે ચમક્યો ચાંદલિયો રેશમી અંબરનું અંગ ઝળકે રે !

               તાળી ઝાંઝર ઝાલર વાગે
               નાચે નારી નાથને સંગે રે!
               અધરે મધુરી વેણું વાગે
               મોહન મોહિની રાસ રમાડે રે!

આભે ચમક્યો ચાંદલિયો રેશમી અંબરનું અંગ ઝળકે રે !  
       
                પીળું પીતાંબર રાધાને પેહરાવી
                શ્યામે શ્યામલ સાડી ઓઢી રે !
                નર મટી તે નારી બન્યો
                એણે લિંગ ભેદ સૌ તોડ્યા રે !

આભે ચમક્યો ચાંદલિયો રેશમી અંબરનું અંગ ઝળકે રે !

                મધરાતે આ સ્વપ્ન સંચરે
                તનમન ઝબકી ઝબકી જાગે રે !
                સકલ અસ્તિત્વ લોલ વિલોલ
               અભિલાષી મન તૃપ્ત થાય રે !

જો રે સખી ! આજ રૂડો અવસર આંગણિયે આવ્યો રે !
આભે ચમક્યો ચાંદલિયો રેશમી અંબરનું અંગ ઝળકે રે !

અસ્મિતા

ગીત

એક છોકરાએ એક છોકરાને કહ્યું પેલી  તારી સામે તાકે,
ને આ સાંભળતા બિચારો  છોકરો  પાંપણો કેમ ઢાંકે ?

ડોળા કાઢી પ્રોફેસર  રૂમને મૌન રાખે ,
પેલો  બિચારો છોકરો દિલપર આંગળી કેમ  કરી રાખે ?
એક છોકરાએ એક છોકરાને કહ્યું પેલી  તારી સામે તાકે.

સામે ચાલે લેક્ચર ને સમણાઓમાં ડૂબે
કાળુ પાટીયું શૂન્ય  બ્રહ્મણાઓમાં ડૂબે
પ્રેમની ફૂટી પાંખો એ  નીચું કેમ તાકે ?
એક છોકરાએ એક છોકરાને કહ્યું પેલી  તારી
સામે તાકે .

 કાગળનો કરી ડૂચો    છોકરી પર નાખે
છોકરી ગુલાબી હોઠે i love you જો  રાગે
એ પહેલા છોકરો તો સમણામાંથી જાગે
એક છોકરાએ એક છોકરાને કહ્યું પેલી તારી સામે તાકે ..

મેવાડા ભાનુ " શ્વેત"

ગઝલ

સાદ વાદળને કરું,આકાશ આવી જાય છે.
હાથ આપુ સ્હેજ તો ભીનાશ આવી જાય છે.

વાત વાદળને કરી મેં કે ,"હવે તો તું  વરસ",
ભેજ ભરતા ક્યાંક તો નરમાશ આવી જાય છે.

એ મને વાદળ કહે ,"હું રોજ તો વરસી જઉં",
આભ નીચે પાપની આડાશ આવી જાય છે.

રોજ ચાંપે આગ સૂરજ, ધગધગે આખી ધરા,
યાદ તારી માત્ર થી ટાઢાશ આવી જાય છે.

વાદળા મેં આજ ચિતર્યા રંગપીંછીથી "વિવેક",
પણ પછી એ હાથમાં કાળાશ આવી જાય છે.

~વિવેક ચુડાસમા.

ગઝલ

નબીરા
્્્્.      ્્્્     ્્્
ડૉ . સત્યમ બારોટ

પ્રેમલોને પ્રેમલી  તો  .,
ભોગને નામે નબીરા .

પ્રેમનો ધંધો  તજી દે .,
ચોરના કામે નબીરા .

ભૂખ આગળ પ્રેમ નાનો .,
રોટલો ધામે નબીરા .

જિંદગી        તું  વેડફીને ,.
બોલ શું પામે નબીરા .

જેમ આપો તેમ  પામો ,.
છે બધું  દામે  નબીરા .

શ્વાસ  કોના કેટલા છે ,.
લેખના કરમે નબીરા .

આ ખુદા કાઈ નથી ,  જો,.
છે બધું  ભરમે  નબીરા .

છોડ માનવ દેવની રઢ ,.
ઠામનુ ઠામે  નબીરા .

કર નશો જો રામનો , તો .,
તાગ તું પામે નબીરા .

દેખ જીવનમાં  નબીરા ,.
મોત છે  સામે  નબીરા .
્્્     ્્્.    ્્્

ડૉ . સત્યમ બારોટ

ગઝલ

એક નગર ફૂલો સા હો
ખુશ્બૂ જૈસે ઊસૂલો સા હો

રંગોકી યે નાજુક ગલિયોમેં
કાન્હા ખુદ ફૈલા નૂરો સા હો

જજ્બા બસ જીને કા હો
ઔર હોંસલા ઝુલો સા હો

કાંટે ભી હો સલામત જહાઁ
ઔર અરમાન ફૂલો સા હો

ઉત્સવ ખુદ જહાઁ મહેકે
ગુલાલ ઊડતી ધૂલો સા હો

યે મ્હેકતા"પરમ" આશિયાં
ઔર મન"પાગલ"ફૂલો સા હો

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

ગઝલ

ઊઠી રહ્યો વિશ્વાસ એના પ્રેમ પર થી,
કિંમત કરી આજે તો બીજાની નજર થી.

શાયદ આ બદનામી મિત્રોની છે કૃપાથી,
આખર મને છેટો કરો મારા નગર થી.

બેસી ગયો મંઝિલની સામે હસીને,
લોકો બધા ઊઠી ગયા આજે કબર થી.

તારી દુઆ ફોગટ ગઈ આ મોત કાજે,
જીવી રહ્યો છું હું દવાની એ અસર થી.

રોકી ન શક્યું જિંદગીને હાથ પકડી,
કોઈ જતું જોઈ રહ્યું નારાજ ઘર થી.

- *આભાસ*

ગઝલ

આવ્યા ઝળહળ અક્ષર આવ્યા
લઈને   તેજ    સમંદર    આવ્યા

આ  બાજુથી  આવ્યા  પૂષ્પો
તે   બાજુથી  પથ્થર  આવ્યા

ગેબ ગુફા ખૂલી ભીતરની
જાણે કો જોગંદર આવ્યા

જીવીબેનનુ  દળણું  થોડું
એમાં  ઝાઝા કસ્તર આવ્યા

મનની   માયાવી   નગરીમાં
ગોરખ ચેત મછંદર આવ્યા

           ભરત ભટ્ટ

ગઝલ

શુભ સવાર... જય ભોલે...☀☀☀

આંધળી દોડ...

ચાલતા ક્યાં આવડતું મને, દોડની રમત જીતતો ગયો..
હારેલી જ હતી જીવન રેસ, મેડલોની હાર કરતો ગયો...

મંજીલને પામવા છેટ, આકાશને આરપાર પહોંચ્યો..
એક એક ક્ષિતીજની બારીઓ ખખડાવી શોધતો ગયો...

જગદીશની પ્રત્યેક બનાવટથી લઇ એક એક કણમાં..
દરિયાના ઉંડાણે અટક્યા, જરાક આગળ હું ખોદતો ગયો...

વારસદાર હતો, ઋષિ અને કૃષિ સંસ્કૃતિનો હકદાર..
જંગલો મટાડ્યા, જંગલોની ઇમારતો ચણતો ગયો...

હતીજ આંધળી દોડ મારી આ જગતની ઝંજાળોની,,
જીવનનો રંગ ભૂલી બેરંગ દુનિયામાં દોડતો ગયો...jn

ગઝલ

કદી અગ્નિથી જળ દઝાડીને જોયું,
કદી આગ જળમાં લગાડીને જોયું.

હું મારી જ અંદર સમાયો નહીં,
ઉપરથી નીચે કદ ઘટાડીને જોયું.

ન એણે સૂણ્યુ કોઈનું કંઈ કશું, તો,
એના  કાનમાં  બૂમ  પાડીને  જોયું.

તું હારીને જીતે હું જીતીને હારું,
અમસ્થુ અમસ્થુ રમાડીને જોયું.

તમે ને ગઝલ સામસામે ઊભા હો,
ને ,મેં  છેદ  ત્યારે  ઉડાડીને  જોયું.

           ભરત ભટ્ટ

ગઝલ

શું મજા આવે?

રહી  કિનારે  ડૂબવાની  શું   મજા  આવે,  કહો!
ને  શિખર  જઈ  કૂદવાની શું  મજા આવે, કહો!

હું  હતો નિર્દોષ  પણ  પૂરવાર  કરવું  શી  રીતે?
દે તું જો  ખોટી  જુબાની, શું મજા આવે, કહો!

કેટલા    નરસા   અને   સારા   પ્રસંગોને   સહી
જે  લખ્યું  એ ભૂંસવાની  શું મજા  આવે, કહો!

ઝાંઝવાથી  છે ભરેલા  રણ સમી  આ જિંદગી!
અમથું  અમથું  ઝૂઝવાની  શું મજા આવે, કહો!

છે ચિતા  તૈયાર પણ  મિત્રો હજુ આવ્યા નથી!
લાંબા થઈ જઈને સુવાની શું મજા આવે, કહો!

- હરિહર શુક્લ
૩૦-૦૬-૨૦૧૭

ગઝલ

તા.૨૪-૦૪-૨૦૦૧

કિનારા બધા પામવાની મથામણ,
સમંદર  હવે  લાંઘવાની મથામણ.

સમંદર નયનમાં છલકતો નિહાળી,
પુલો પાંપણે બાંધવાની મથામણ.

તરસતો નિહાળી મને એ જુઓ તો !
છલકવા હવે ઝાંઝવાની મથામણ.

પહેલા સગાઈ બધી તોડવાની,
પછી સગપણો સાધવાની મથામણ.

બધા જૂઠ પર જૂઠ ખુલ્લા કરીને,
સદા સાચને ઢાંકવાની મથામણ.

રહી જાય ના એકલા એજ માટે,
બધાની ઉપર ભાગવાની મથામણ.

તને આપનારા નથી કૈ એ "જયલા"
બધાની જ બસ માંગવાની મથામણ.

@"જયલા"

ગઝલ

રાખ તારા કંઈ નથી નિષ્ફળ પ્રયાસો આગ છે
એ તને લઈને જશે મંજિલ સુધી સુરાગ છે

ઘાટ ધારેલો ઘડાશે માર તું થાક્યા વગર
એક તો લોઢુ ગરમ એમાં ય પાછો લાગ છે

ડાળ કાંટાળી છે એ પણ ફૂલ દેશે આખરે
રેડ પરસેવો આ તારી જિંદગાની બાગ છે

ક્યારની બેઠી છે દિલમાં સાચવી સાચો મણી
ચાહને છંછેડ તારી ચાહ કાળો નાગ છે

એટલે મારી હસી સુહાગણી થઈ ગઈ સદા
આ જખમ "ગોપાલ" મારા તે જ નો સુહાગ છે

કોટક ધાર્મિક "ગોપાલ"

રાધા- કાન ગીત

સંવાદ  -  કાવ્ય 

કાનજી  : ---

તારા  અત્તર   ભીની   સુગંધનાં   છાંટા  વાગે  રે  લોલ ,
તારા  કામણગારા  કાતીલ  રૂપનાં  કાંટા  વાગે  રે  લોલ

રાધા  : ---

તારી    આંટાળી   પાઘડીનાં    આંટા   વાગે  રે  લોલ ,
તારી   કડિયાળી   ડાંગનાં   સુસવાટા   વાગે  રે  લોલ .

શરમની  મારી  મારી  ચુંદડી થઇ  જાય  લાલમલાલ ,
મારી   છાતીની  ભીતર   ચાલે  રોજ   કશી   ધમાલ ,
એના  એક  એક  ધબકારે   ઊભરાય  કોઇનું  વહાલ ,
તારી  વાંકલડી મુછોને  'લ્યા આટલો  ના  વળ આલ ,
તારી  આંખોનાં    ઊલાળા   અમને   વાગે   રે  લોલ ,
તારી   કડિયાળી   ડાંગનાં   સુસવાટા   વાગે  રે  લોલ .
તારી    આંટાળી   પાઘડીનાં    આંટા   વાગે  રે  લોલ ,

જુએ   રોજ   દૂરથી  પણ   પાસ  કદી  ના  આવતો ,
ખબર  ન  પડે  એમ ચોરી  છૂપીથી  રોજ નિહાળતો , 
કહીએ   મળવાનું   તો  ખોટા  બહાનાં એ  બતાવતો  ,
સપનામાં  આવીને  અમથા  અમથા  લાડ   લડાવતો ,
તારા   આવા  ચેનચાળા  હવે  અમને  વાગે  રે  લોલ ,
તારી   કડિયાળી  ડાંગનાં   સુસવાટા    વાગે  રે  લોલ .
તારી    આંટાળી   પાઘડીનાં    આંટા    વાગે  રે  લોલ ,

કાનજી : ---

ગયો  છું   થાકી   હવે   તારા   નખરાંથી   નીતનવા ,
લાવું  ક્યાંથી હવે  એવા  મેઘધનુષિ   રંગો  અવનવા ,
ગયાં  છે  હવ ખુટી  શબ્દો  'જશ'  તને  અભિનંદવા ,
તારા  રૂસણાનાં   અબોલા  અમને   વાગે   રે   લોલ .
તારા   અત્તર   ભીની  સુગંધનાં   છાંટા  વાગે  રે  લોલ ,
તારા  કામણગારા  કાતીલ  રૂપનાં  કાંટા  વાગે  રે  લોલ

રાધા : ---

તારી   આંટાળી    પાઘડીનાં   આંટા   વાગે  રે  લોલ ,
તારી   કડિયાળી   ડાંગનાં   સુસવાટા   વાગે  રે  લોલ .

કાનજી : ---

તારા  અત્તર   ભીની   સુગંધનાં   છાંટા  વાગે  રે  લોલ ,
તારા  કામણગારા  કાતીલ  રૂપનાં  કાંટા  વાગે  રે  લોલ

                         જશુ  પટેલ
                      ૨૯-૦૬-૨૦૧૭
                    બોસ્ટન , અમેરીકા

ગઝલ

ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું;
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું.

છાપરું શ્વાસ રૂંધી ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું,
ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બારીએ બારીએ ઘરના ટુકડાઓ બેસીને જોતા રહ્યા,
સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બેક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા,
શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી કોઈ ચાલ્યું ગયું.....

– રમેશ પારેખ.

ગઝલ

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.

તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.

ગઝલ

ઢળતી રહી છે આંખડી મયના ખુમારથી ,
હૈયે મચલતી લાગણી લયના ખુમારથી.

આગળ ભરીને બે કદમ પાછા વળાય ના,
પગલાં ડરેલાં લાગતાં ભયના ખુમારથી.

નજરો નજરના કામણો ઘેલા કરી જતાં,
નાચી રહેલું મન થતાં જયના ખુમારથી.

આંખે વસેલી રુપ ની હસતી નજાકતો,
રમતી જવાની જોશમાં વયના ખુમારથી.

શાયદ મિલનની આરજુ રમતી હ્રદયમહી,
જુમી રહેલી જિંદગી લયના ખુમારથી.

ખુશ્બુ લચકતા બાગની માસૂમ નશા ભરી,
રંગત ચમનની ફોરતી શયના ખુમારથી.

                માસૂમ મોડાસવી

હઝલ

*હઝલ :- "બૈરી મારી અમરીશ પુરી"*

બૈરી  મારી   મોઢે   લાગે  અમરીશ  પુરી,
ગુસ્સામાં  તો  જાણે જાગે અમરીશ પુરી,

વીલન  સામે  હીરો  ખાતો   ફટકાં   કેવાં!!
ઝાડું  લઈને  પાછળ ભાગે અમરીશ પુરી,

વાસણ   ધોતો   કેવાં  કેવાં  સાબૂ  લઈને,
આરસનો  ચમકારો  માંગે  અમરીશ પુરી,

બ્યુટીપાર્લર   જાણે   એનું   ઘર  પોતાનું,
માથા  ઊપર  ચશ્માં  ટાંગે અમરીશ પુરી,

સા રે ગા મા  ગાતાં  શીખે  કોયલ  માની,
તોયે  ખોખરી  જાણે  રાગે અમરીશ પુરી,

ચાહે  જેવી  હોય 'અકલ્પિત' તોયે મારી,
વ્હાલી વ્હાલી સ્વીટી લાગે અમરીશ પુરી.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

ગઝલ


તેં હાથ મારો હાથમાં લીધો હતો અને,
લાગ્યું મને કે થઈ ગઈ મુલાકાત ગઝલની.

ચહેરેથી હટાવી હતી તેં ઝુલ્ફ રેશમી,
આમ જ થતી હશે ને શરૂઆત ગઝલની.

કંપી ઉઠેલા હોઠ હથેલી ઉપર મૂક્યા,
આથી સરસ હોય શું રજૂઆત ગઝલની.

દીવો થઈને ઝળહળ્યાં તારી ગઝલનાં શેર,
આંખોમાં રોશનીએ રચી ભાત ગઝલની.

– તુષાર શુક્લ

ગઝલ

તા.28-2-2001

શ્વાસમાં સામેલ તારો શ્વાસ હો,
જિંદગીમાં વાત તો કૈ ખાસ હો.

જો બને ક્યારેક જકડાવા સમું,
શ્રુંખલાં તારી જ બાહુપાશ હો.

પીવડાવે નજરના આ જામ તો,
ઝાંઝવા પી જાઉ એવી પ્યાસ હો.

સાથ તારો જો મળે અમને સનમ,
તો ઘણા લાંબા જીવન પ્રવાસ હો.

કંટકો આ રાહના અમને મળે,
આપનો બસ હૃદય બાગે વાસ હો.

@@@ જયલા

ગઝલ

નામ પર તારા શિલાઓ પણ તરે,
તું ખુદા છે, સાવ ધાર્યું પણ કરે.

આમ કાં રડવું પડે છે એ ક્ષણે,
આભ જ્યારે ચાંદનીને પાથરે.

કોણ જાણે આજ દિલને શું થયું?
શ્વાસ કાઢેલા બધા પાછા ભરે.

ડર નથી શેતાનનો અમને હવે,
ડર હવે છે માણસોથી જો અરે.

રોજ હડસેલું સ્મરણ એના પછી,
રોજ રાતે સપનામાં પાછા ફરે.

2001 @જયલા