Thursday 29 June 2017

ગઝલ

જન્મદિન મુબારક..🌹

ખાલી બેડલું વાટ જુવે  છે,  વ્હોરનારું કોઈ આવે,
ભવના તરસ્યા પંડને કોઈ , કંઠ લગી છલકાવે.

નેહના છલકે નીર છલોછલ,  વાટ એ જોઈ રહેલું,
હળવે હાથે અળગું મેલે , બેડલું તૈડ પડેલું.

પીંડ માટીનો ચાકડે ચડતો , ધરતો જુદા ઘાટ,
પાકતો અગનઝાળમાં એને વેચવા મેલ્યો હાટ.

અણગમતાને કોઈ અડે નહીં , ગમતું શોધે સહુ,
ભાવ પૂછે કોઈ ભાવ ન પૂછે આવતું ઓછું બહુ.

એક નિંભાડો , એક છે માટી , ઘડનારો છે એક,
ઘાટ ઘડે છે જૂજવા તોયે ધ્યાનમાં છે  પ્રત્યેક.

પાક્યા મેલે તોય રહે છે  કોઈ પાકા કોઈ કાચા,
માણસ , મોતી ,માટલા સહુ મા કોઈ ખોટાં કોઈ સાચાં.

આજ છે ખાલી , કાલ ભરાશે કોઈ મોડું કોઈ વહેલું,
ગૂંચવો તો ના ઉકલે એવું , સમજો તો છે સહેલું.

ક્યું બેડુ છે ભાગમાં કોના, કોણ ભરે, કોણ પીવે ?
કેટલો છે અંધકાર ને કેટલું અજવાળું છે દીવે ?

વ્હોરનારાએ ઘડનારા પર રાખવાનો  વિશ્વાસ,
જીવનારાઓ કંઈ ન જાણે , કેટલા, કોના શ્વાસ  ?

- તુષાર શુક્લ

No comments:

Post a Comment