Thursday 29 June 2017

ગઝલ

મજા પડી ગઇ

પડયો જયાં વર્ષાનો પહેલો છાંટો, વસુંધરાને મજા પડી ગઇ,
કળીએ એની સુગંધ વેરી અને હવાને મજા પડી ગઇ.

બસ આ જ વાતાવરણની વચ્ચે હયાતિ સાબિત કરી શકાશે,
સહેજ અંધારું જો છવાયું,તો આગિયાને મજા પણી ગઇ.

હું આજ ખુદની નજીક બેઠો, મેં આજ ખુદને મજા કરાવી,
મજા મને બસ એ વાતે આવી કે ખુદ મજાને મજા પડી ગઇ.

આ શીશી વચ્ચે પડી પડીને મરી જવાની હતી પરંતુ,
તમે જખમને ઉઘાડી આપ્યો અને દવાને મજા પડી ગઇ.

સભા આ કંટાળી ગઇ‘તી આખી, અમારી સિદ્ધિ સુણી સુણીને ,
અમે અમારી ઊણપ બતાવી પછી ઘણાંને મજા પડી ગઇ.

– કિરણસિંહ ચૌહાણ

No comments:

Post a Comment