Saturday 30 September 2017

ગઝલ

આપણને મારીએ...

કોઈ એ ધાર્યું નથી તે આજ ધારીએ,
તીર રાવણને નહી, આપણને મારીએ .

હાથ ને મસ્તક બધા કાપી શકે છે,
શક્ય હોય તો આભને આખું ઉતારીએ.

સામસામા બેય સમજણ ના કરે તેથી,
ઝઘડતાં આ જોઈ બન્ને પક્ષને વારીએ.

ખુદ રસ્તો જાય થાકી એવા વિચારે ,
આપણાં પર આપણે આજે સવારીએ.

સુખને ધમકાવશું , દુઃખોને બોચીથી,
જિંદગીના બાગની ભાતો વધારીએ.

રોજ આવે છે પરોણાની અદાથી તું,
તક મળે તો ખુદ આવીને પધારીએ.

                    --રાણા બાવાળીયા

ગઝલ

ખંતથી        વર્ષો     સુધી    ખંડેર સાચવતા રહ્યા,
પાળિયા     ખોડી     પુરાણા    વેર સાચવતા રહ્યા.

ટેરવેથી    જીભનાં   તો  મધ  સતત  ટપક્યાં  કર્યું,
તાળવામાં    તોય    કાતિલ    ઝેર સાચવતા રહ્યા.

આપણી ઇચ્છા-અનિચ્છા આપણી જયાં ના રહી,
ગુપ્ત      ઢાંકીને       બધું , જાહેર સાચવતા રહ્યા.

આંખને  એકાદ   સુંદર   દૃશ્ય   જે   જોવા  મળ્યું,
કાળજામાં     એનો      કાળો  કેર સાચવતા રહ્યા.

એ  ક્ષણોને  રાખવી  જીવતી બીજી તો કઇ રીતે ?
લોહી     બાળીને ય     લીલા લ્હેર સાચવતા રહ્યા.

                             - બાબુલાલ ચાવડા 'આતુર '

ગઝલ

ये शख्स दिल खोलकर कभी रोया नहीं,
दोस्त!फिर युँ हुआ कि रातभर सोया नहीं।

क्युँ भला पूछते हो बार-बार निखार का राज़?
ये चेहरा तुमने कभी शराब से धोया नहीं??

आहिस्ता-आहिस्ता दुर गये,दुनिया खो दी,
क्या हुआ?एक मैं हुँ,जो अभी तक खोया नहीं!

बहार आयी तो उज़डे हुए चमन को भूल गए?
कौन सा बोझ था जो तुम्हारे लिए ढोया नहीं?

अगम जरूर कुछ अच्छा होगा तुम्हारे बगैर,
एक जिन्दा ख्वाब है जो आँसूओ से भिगोया नहीं।

-शैलेश चौधरी 'अगम'

ગઝલ

આવે યમ રાજાનો નો ઘોડો,
ક્યારે પડતો ના એ મોડો.

બચકામાં શું બાંધી જાશો,
પૈસાની પાછળ ના દોડો,

શું ઈર્ષા ઈચ્છા ને માયા,
એ લોભી મનને પણ તોડો.

છે છેલ્લું સ્થાનક સ્મશાને,
જગની સઘળી ચિંતા છોડો.

આ છે જળ માટીની કાયા,
એનાં પરપોટાને ફોડો.

કશ્યપ લંગાળિયા "કજલ"

ગઝલ

કોની હતી કોને ખબર
સૂની અગાસી હિબકે ?

सांजे મનાવી પ્રેમથી
માની નહીં રોતી રહી

વેળા કવેળા कांई ના
ઉદાસ તે અંધાર ને

જોઈ નથી ખોબા મહીં
સ્વપ્ન રહ્યાં आंखो મહીં

       प्रग्ना पटेल

ગઝલ

સંધાય ના, કર્મો  તમે વાવી  ગયા!
હાથે કરી, પીડાને સળગાવી ગયા!

છોડે નહીં, મિથ્યા મમત, આ માનવી,
દોષો  ધરે બીજે, કહે,  ફાવી  ગયા!

સંસારની  આ જાળ  એવી  જીવડા,
કહેશે, તમે  આવીને લલચાવી ગયા!

મનને  કરી લૈ શાંત બસ જીવ્યે જવું,
કિસ્મત કદી શું કોઇ બદલાવી ગયા?

ને છેવટે  તો  અગનને  ખોળે  જવું !
અંતરને એવું પંડ સમજાવી  ગયા!

-------------હેમા ઠક્કર "મસ્ત "      30-9-17

ગઝલ

રસ્તા કોઈ જીવનના બદલાવી ગયા,
આ પ્રેમમાં ક્યાં આપણે આવી ગયાં ?

કોઈ બધી વાતે અહીં ફાવી ગયા ,
સંજોગ કોઈને તો તરસાવી ગયા !

ના પ્રેમ એ આપી શક્યાં, કાંઈ નહીં !
સપનામાં આવી પ્રેમ વરસાવી ગયાં !

આવ્યાં ભલેને બે ઘડી માટે તમે,
મારું તો જીવન આખું  મહેકાવી ગયાં !

હા, સાંજ કાયમ છે ઉદાસીથી ભરી !
સૂર્યાસ્ત કોઈ દિલ ત્યાં    બહેલાવી ગયા !

- હેમંત મદ્રાસી

ગઝલ

ગઝલ....

ઈશારો શું તમે સમજી શકો છો? તો તમે ફાવી ગયા.
ભમરમાંથી જરા છટકી શકો છો? તો તમે ફાવી ગયા.

પ્રતિબિંબનું સદાયે આયના પર રાજ છે, જાણે છે સૌ,
ધુમ્મસને ઓઢીને હરખી શકો છો? તો તમે ફાવી ગયા.

બરફની જેમ થીજી જાય જ્યારે લાગણીઓ કેટલીક,
સંબંધો હૂંફના અડકી શકો છો?તો તમે ફાવી ગયા.

હૃદયના ગામમાં દીવા બળે છે યાદના સદીઓથી બસ,
સ્મરણનાં શ્વાસને તરડી શકો છો?
તો તમે ફાવી ગયા.

મને હોવાપણાનાં ભાવથી લાગે છે બીક ક્યારેક તો,
હવાનો હાથ બસ પકડી શકો છો? તો તમે ફાવી ગયા....

       પારુલ બારોટ.

ગઝલ

કંઠે તમારું નામ રોપાવી  ગયા!
જાપો  તમારા શ્રી પ્રભૂ  ફાવી ગયા!

ઠોકર મને  લાગ્યા પછીથી  શામળા,
દર્દો  બધા કૈં પાઠ  સમજાવી ગયા!

હું  ભવરણે  ભૂલી તમારી  પ્રાર્થના
બાળક ગણીને વ્હાલ વરસાવી ગયા!

સાવેય સુક્કી  હું તાપમાં તપતી  ધરા,
વર્ષા  સમાના શીત થૈ  આવી ગયા!

છટપટ કરે આ નયનહરણા  આખરે,
શ્વાસો તણા અશ્વોય  હંફાવી  ગયા!

-----------હેમા ઠક્કર "મસ્ત "      30-9-17

ગઝલ

એકાંતમાં પણ સાદથી જાગી ગયા,
ને મૌન રહીને શબ્દ પણ હાંફી ગયા.

સોદા થયા છે આંખથી જ આંખમાં,
ડૂબ્યા છતાં ઊંડાણને માપી ગયા.

એકાદ વેળા આવશો તો ચાલશે,
એવી શરત રાખી અમે ફાવી ગયા.

સપના કદી સાચા પડે એવું ક્યાં છે?
જાણે તમે આંસુ બની મ્હાલી ગયા.

આજે ય ઊભા એકલા છે બારણે,
જે આંગણે છમ છાપ ને પાડી ગયા.

---અર્ચના પટેલ

ગઝલ

ક્યાં છે દવા મારી,હવે જીવાય ક્યાં છે?
પાલવ તણી ટાઢી હતી,એ છાંય ક્યાં છે?

નાહક સુરા લાવ્યા તમે,આઘા રહો ને;
વીતી ગયા વરસો;હવે એ લ્હાય ક્યાં છે??

ઓલ્યા ઈશારાથી જ બોલાવો હવે તો;
ગાયબ થયો છે કંઠ,હૈયું ગાય ક્યાં છે?

ખત છે ઘણા,ને ફૂલ એ ભીંતે મઢેલું,
અસબાબ તારો ઘર મહીંથી,જાય ક્યાં છે?

મેં પણ મનોમન હાર માની છે ખુદાથી;
એ છે ભલે મંઝિલ,કશે પણ દેખાય ક્યાં છે?

દરદો ય પારાવાર આપો ને મજાથી;
આંખો ય છે સૂકી હવે,ભીંજાય ક્યાં છે?

હૈયા મહીંથી કાઢજો મા હોં 'અગમ' ને;
આ પ્યાર પણ સાચો ફરીથી થાય ક્યાં છે??

-શૈલેષ ચૌધરી 'અગમ'

ગઝલ

ફૂલ જેવું આવરણ ને રૂપ મનહર જોઈએ;
સાથેસાથે ભીતરે સાકાર સગપણ જોઈએ.

રંગ બીજું કંઈ નથી આવકારે સ્નેહવશ;
-તો ભ્રમર કે માળીમાં ના કોઈ અંતર જોઈએ.

છે સુગંધી ફૂલનું હોવું ને તેથી પોતીકાં;
ભીતરે એવાં જ હ્રદયો ભીનાં લથબથ જોઈએ.

શબ્દનો જો સાથ પામ્યા એટલું પૂરતું નથી;
પૂરતા ઇતિહાસનો આંબો ય આંગણ જોઈએ.

કોઈ કારણ જો ગમ્યું તો પોતીકું માની ન લે;
એવું એવું થાય ત્યારે મિત્ર; હાજર  જોઈએ.
17:52    ------ ગુણવંત ઉપાધ્યાય
30092017

ગઝલ

કોઈની લાગવગ ત્યાં ક્યાંય નથી.
મોક્ષ સારા કરમ સિવાય નથી.

હાલ મારા તને તો જાણ હતી,
જાતની પણ મને સહાય નથી.

વેર લીધા પછી શું શાંતી થશે?
શોધ, બીજો કશો ઉપાય નથી?

એની પાસે હવે શું આશ ભલા,
મહેરબાનીમાં જેની ન્યાય નથી.*

એટલે તો જગત જલે છે પ્રશાંત,
આપણી વચ્ચે અંતરાય નથી.

......પ્રશાંત સોમાણી

અછાંદસ

આજ
એક રાવણ
બનશે
પછી
સળગશે
બનવનાર , સળગાવનાર
માણસ
ભીતર
એક દીવાસળી
મૂકે
નિત્ય વસે
જ્યાં એકાદ રાવણ.
......રચના: નિલેશ બગથરીયા
               "નીલ"

અછાંદસ

ભિતરના ઉંબરે એક ક્ષણ લીપી છે,
મારા હોવા પણાની એક વાત લખી છે...
શુ શમણા કે શુ હકીકત, એ ક્યાં સમજાય છે નીત,
રગશીયા ગાડા ખેંચવાની એક રીત લખી છે...
શુ દોસ્તી કે શુ દુશ્મની, એ તો અતીતની પળ છે,
ટહૂકા વહેચવાની એક કલા લખી છે...
શુ સમજવુ કે શુ સમજાવવુ, એ દિવાલ લંઘાઈ ગઈ છે,
ગમતા ગુલાલની એક છાંટ લખી છે...
શુ રસ્તા શુ મંઝીલ, એતો આવતા ભવની વાત છે,
સાત જનમને ફેરાની એક ગાંઠ લખી છે...
....પુનીત સરખેડી

અછાંદસ

 યાદ છે ....

હજીયે આછું આછું પણ યાદ છે
ખેતરમાં માટીનાં ઢેફામાંથી
ટીવી ,  , કેમેરા  , જીપ વગેરે
બનાવતાં,  અને હા પેલી
બોરડી અરરર! બોર બોર કેટલાં
બધાં ! એ રીતે  બોર જમાડતી જાણે માં જમાડે !
 આજે એ નથી રહી !!
નાનું નાનુ કામ કરતાં કરતાં
સૂરજ માથા પર આવી જતો અને
ઘરેથી ભાત આવી જતું
શું મજા હતી જમવાની ! સાચું હો ખેતરમાં
ભાત સ્વાદિષ્ટ અને વધારે મીઠું લાગતું ,
રોટલા મરચા ,ડુંગળીની વાત ન થાય
એટલા મીઠા !
પછી સૂરજ આથમતો લાલ લાલ થતો દાદાને
જોતાં જોતાં ઘર તરફ , અને દોડતા દોડતાં શેરીમાં
આગળ જ રહેતાં , વળી કોઈ ઝાડ આવે તો બેસતાં ,જ્યારે બધાં અમને પહોંચી જતા તો ફરી દોડતાં ,અને વચ્ચે ઢૂલાનુ ઝાડ ત્યાં મામા બાવસી નમન કરતા  આવતા ને જતાં ,
બસ આમજ દોડતા આનંદમા ને આનંદમાં
ઘરના ખોળે આવી પહોચતાં અને સૂરજ દાદા પણ એમના  ઘેર ,
થોડી વાર માં તો બધું અદશ્ય થઈ ગયું !
અને બોલાઈ ગયું હો
 આજે  યાદ છે ....

અંશ ખીંમતવી

ગઝલ

ખડકને જળ પ્રકારે ક્યાં જવું નક્કી નથી હોતું,
નદી નીકળે છે ત્યારે ક્યાં જવું નક્કી નથી હોતું.

કદી યુદ્ધોથી શાંતિમાં કદી શાંતિથી યુદ્ધોમાં ,
સમયની તીક્ષ્ણ ધારે ક્યાં જવું નક્કી નથી હોતું.

તમે નક્કી જ હો છો નાવમાં બેસો છો ત્યારે પણ,
તો,બેસીને કિનારે ક્યાં જવું નક્કી નથી હોતું ?

કશા કારણ વિના કોઈ સ્થળે પ્હોંચી શકો,મિત્રો
અકથ કોઈ વિચારે ક્યાં જવું નક્કી નથી હોતું.

ગઝલ-ધૂણી ધખાવીને અમે બેઠાં છીએ અહીંયા,
આ શબ્દોના તિખારે ક્યાં જવું નક્કી નથી હોતું.

          ભરત ભટ્ટ

ગઝલ

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

-ગૌરાંગ ઠાકર

Friday 29 September 2017

ગઝલ

ના હું તિલક કે ના હું માળા તરફ ગયો છું,
બસ, આજે હું જરા અજવાળા તરફ ગયો છું.

સ્મરણો બરફ થઈ થીજી ગયા છે એથી,
હું એક ડગલું જો ઊનાળા તરફ ગયો છું.

આ જીવ અંતે તો આદમખોર બનશે નક્કી,
થઈ સાપ કોયલોના માળા  તરફ ગયો છું.

આ રક્તમાં ગુલામી એવી ભળી ગઈ કે,
હું સામે ચાલીને જો તાળા  તરફ ગયો છું.

જ્યારે મને થયું મન  દર્શનનું જો તમારા,
મંદિરને છોડી નાની બાળા  તરફ ગયો છું.

શૈલેષ પંડ્યા

ગઝલ

હું ચુક્યો

હું   જઉં   આવવા!
આવતો   એ જવા!

હેમ    નું   હેમ    છે
ઘાટ   છો  જૂજવા!

દર્દ     દીધા     પછી
એ  જ  દે  છે  દવા!

આભ    મેલું    અને
કોઈ   ના   પીંજવા!

રાત    કાળી    ઉગી
આંખમાં   આંજવા!

તોય   જીવી   ગયો!
જળ નહીં, ના હવા!

બારી   બાવન, જશે
કોણ       ઉઘાડવા?

મેં  લખી  છે ગઝલ!
કહી  દઉં  શ્રી સવા?

એ  ઉડ્યો, હું ચુક્યો
બારણું      વાસવા!

- હરિહર શુક્લ
  ૨૩-૦૯-૨૦૧૭

ગીત

*યાદ છે ?*

મારી આંખથી મિલાવી તારી આંખ તું મજાની કેવી વાતો કરતી'તી એ સજની, યાદ છે ?

સ્નેહ સુવાસો લઈને દિલમાં ફૂલ ગુલાબી ખીલ્યાં,
પ્રેમ કરી બન્ને જણ ઊર્મિ બાગ મહીં રે ઝૂમ્યા;
દિલને આંગણે તારાં પગલાંનો નાદ છે !

સર્વ જગા યાદોથી ભીની, તારું સ્મરણ ઝાકળમાં,
મોર ટહુંક્યા સજની, તારી યાદ થઈ વાદળમાં;
તારી યાદનો વરસ્યો દિલમાં વરસાદ છે !

ઝરણું પવનને કહેતું ના કર શોર હવે ઉલ્લાસી,
અને પવન કહેતો કે આ તો ઉમંગ છે સુવાસી;
આપણા સ્નેહનો આ મીઠો સંવાદ છે !

*— પ્રદીપ સમૌચા*

ગઝલ

*સંસ્મરણ*

હા, પ્રેમમાં સમસ્યા એક આ વધુ રહે છે;
ઊંઘું છું હું ને મુજમાં કો જાગતું રહે છે !

નજરો મળે, પ્રણયનાં ત્યાં પુષ્પ પાંગરે કૈંક,
પણ બેવફા બન્યું દિલ, ક્યાં આપણું રહે છે ?

ઊડી ગઈ પછી છત, જ્યાં મોભ ભાંગ્યો ઘરનો;
બાકી દીવાલ, બારી ને બારણું રહે છે.

મુજ આંખથી વહે છે એ રીતે અશ્રુઓ આ,
જે રીતે આભમાં રડતું વાદળું રહે છે !

વીતી ગયો સમય તોપણ સંસ્મરણ ન ભૂલ્યો,
છો પાંગળું થયું મન, પણ દોડતું રહે છે.

સૂરજના શહેરમાં શું મહિમા 'પ્રદીપ'નો હોય ?
હો અંધકાર, તો એની આબરૂ રહે છે.

પ્રદીપ સમૌચા

ગઝલ

નજર ક્યારેય પણ નાખે નહી
અને નાખે પછી કાપે નહીં

કહું મધ-મધ, કહું મધ-મધ તને
છતા તું એ કદી ચાખે નહીં
        
રહું તો શ્વાસમાં, બસ શ્વાસમાં
નહીં ઘરમાં કે આ જાપે નહીં
     
સતત એ બસ મને દીધા કરે છે
કશું પાછું વળી માગે નહીં
        
દિવસ, મહિના , વરસ એને દીધા
કહે છે એ મને આજે નહીં
       --- ધર્મેશ ઉનાગર

ગઝલ

खरी बात का जो निभाना हुवा,
उन्हें  रुठने  का  बहाना  हुवा ।

बनाये  गये  हम फीर अजनबी,
हमें  आज  ऐसा  सताना  हुवा ।

वफा भी खता उनको लगने लगे,
हमारा  बुरा  दिल  लगाना  हुवा ।

उन्हें चाह कर  हम  नहीं पा सके,
कदम दर कदम डगमगाना हुवा ।

बसाने की  खुदको  तमन्ना  रही ,
अधुरा  इस कदर  दोस्ताना रहा ।

बदलते खयालों ने बदला चलन
नया आज अपना फसाना  हुवा ।

जफा उसने मासूम नहीं की कभी
उसे  जानते  इक  जमाना  हुवा ।

                       मासूम मोडासवी

ગઝલ

પાંખમાંથી આખરે પીછું ખર્યું પાછું,
મિત્ર, આપે કેમ પંખી ચિતર્યુ પાછું.

જળ ડહોળાઈ ગયું'તું આંખમાં અટકી,
આપના સ્મરણોથી સરવર આછર્યુ પાછું.

કોઈએ વાઢી મને ઉજ્જડ કર્યો વગડો,
મારી ભીતર વેલ જેવું  પાંગર્યુ પાછું.
   
પગ નીચે કચડી દીધું આપે જે સપનું તે,
એ જ સપનું મેં હથેળીમાં ધર્યું પાછું.

હું  સમેટાઉ  છું  વારંવાર  મીન્ડામા,
ઊર્ફે એનુ એજ  મીન્ડુ વિસ્તર્યું પાછું.

          ભરત ભટ્ટ

ગઝલ

ગમતી પળોને માણવા મનની લગન હતી,
કિંતૂ હ્રદય માં કેટલી બળતી અગન હતી.

સૌમાં ભળીને છીવવા આશા ઘણી કરી,
કેવી સમયની ચાલમાં હસ્તી મગન હતી.

મનની તરંગી તાનમાં જીવી શક્યા નહીં,
આવી પડેલા ફરજની તીખી ચુભન હતી.

આપી કઝાએ આખરી જ્યારે વિદાયતો,
રસ્તે રઝળતી લાશ પણ જો બે કફન હતી.

આખર મિલનની ચાહના રાખી ગયાં છતાં,
જોયું ધરાની ગોદમાં ચાહત દફન હતી.

માસૂમ નસીબી ખેલની જોવી પડી રમત,
સોચી વિચારી ક્યાં કદી આવી જલન હતી.

             માસૂમ મોડાસવી

ગઝલ

આવે યમ રાજાનો નો ઘોડો,
ક્યારે પડતો ના એ મોડો.

બચકામાં શું બાંધી જાશો,
પૈસાની પાછળ ના દોડો,

શું ઈર્ષા ઈચ્છા ને માયા,
એ લોભી મનને પણ તોડો.

છે છેલ્લું સ્થાનક સ્મશાને,
જગની સઘળી ચિંતા છોડો.

આ છે જળ માટીની કાયા,
એનાં પરપોટાને ફોડો.

કશ્યપ લંગાળિયા "કજલ"

સાઈજીકી

સાઇઝીકી...

નવલા નોરતા,
હોંશે રમ્યા,
હવે,
ગરબે ઘુમશું પોર...

માં આદ્યશક્તિ ને,
પ્રેમે ભજયા,
હવે,
ચોક ગજાવશું પોર...

વસમી વેળા, માઁ
ની વિદાય,
હવે,
ફરી પધરાશે પોર....

રાસે રમતા, માઁ
અંબે માડી,
હવે,
ફરી મનાવશું પોર....

શ્યામા'જયશ્રી....

અછાંદસ

હા...
મારામાં છે રામ અને રાવણ બંને
હું મનુષ્ય અવતાર રૂપે છું
સર્વવ્યાપી છું
મારા અસ્તિત્વને વેતરું છું
અંતને આરંભની રેખામાં એક
અવિરત બળ લઈને
ઈચ્છાઓમાં રત રહુ છું
સુખમાં તડપન
દુઃખમાં સ્થિરતા
રૂપાંતરણ અવિરત
સ્થળાંતર થાય 
ક્યારેક સકારાત્મક ઉર્જાઓનું
હારું રોજ
જીતવાની મમત લઈને
હંમેશ અમરત્વ પામું
હું કઈ નથી
હું જ સર્વસ્વ પણ છું
બસ હું જ
મારી પાછળ છું
~ કુણાલ દામોદ્રા
Kunal Damodra

ગીત

વૃક્ષ

નીરખ ત્યાં મરૂથલે સહજ ઊગી શકે વૃક્ષ પણ કોઈના'યે સહારે નહિ
એ મહાપ્રલયના અર્થ ભેદી ઊભું વૃક્ષ છે વૃક્ષ કંઇ એમ હારે નહિ...

ટોચ પર કે પછી ગહન ઊંડાણમાં, મૃદુલ માટી અગર લોહ-પાષાણમાં
બાળના પ્રથમ કો' હાસ્ય જેવું ઊગી વિકસવું તો સ્વયમ્ વૃક્ષના પ્રાણમાં

આપણે ભેદ તોડી શક્યા ના હજુ,   ભેદ તોડી ઊગે વૃક્ષનું એ ગજું
લક્ષ્યની પાર પહોચી જતું તે છતાં એ કદી કોઈ પણ લક્ષ્ય ધારે નહિ

વૃક્ષ છે વૃક્ષ કંઇ એમ હારે નહિ...

બુધ્ધ થઈ એ વળી પર્ણ ત્યાગી શકે, વાદ્ય થઈ કૂંપળે એ જ વાગી શકે
બંધ આંખે નિહાળી વળી વિશ્વને કો' મહર્ષિ સમું એ જ જાગી શકે

આપણે આપણામાં જ શું શોધીએ ? ચાલને વૃક્ષના અર્થ સંશોધીએ
એ વસે, એ શ્વસે સાવ ખુલ્લા મને આપણી જેમ કંઇ બંધ દ્વારે નહિ

વૃક્ષ છે વૃક્ષ કંઇ એમ હારે નહિ...

એક એવો હવે વૃક્ષનો દેશ હો, વૃક્ષના શ્વાસ હો, વૃક્ષનો વેશ હો
પર્ણની ઝાલરે વૃક્ષની આરતી વૃક્ષના મંદિરે વૃક્ષ સંદેશ હો

આપણે આપણી જાત પણ ના સહી વૃક્ષને વૃક્ષની કોઈ સીમા નહિ
આપણે આપણામાં જ આ વૃક્ષને વાવીએ તે પછી કંઇ વધારે નહિ

વૃક્ષ છે વૃક્ષ કંઇ એમ હારે નહિ...

કૃષ્ણ દવે .

ગીત

એક ગીત

સંવેદનને કેમ કહું કે આવોમા,
ઝીણીઝીણી ઘૂઘરિયું સંભળાવોમા.

મસ્ત વાયરે અમથી અમથી ચૂમી લીધી,
કૂણાકૂણા તડકાએ આલિંગી લીધી,
અલકમલકની વાત કરી બહેકાવોમા...
ઝીણીઝીણી ઘૂઘરિયું સંભળાવોમા!
સંવેદનને કેમ કહું કે આવોમા?

નસનસમા ધસમસતી નદીયુ ઉછળી દોડે,
કોણ કહે શું? એ જોવા તું શાને થોભે?
માંડવડેથી જાન હવે ઉઘલાવો, મા !
ઝીણીઝીણી ઘૂઘરિયું સંભળાવો, મા !
સંવેદનને કેમ કહું કે આવોમા!

નેહા પુરોહિત

૨, ગઝલ

પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી

મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી

નદી જેમ ઉંચેથી પટકાઉ પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી

તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી

હતાં સાત પરદા થવા રૂબરુ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી

-ચીનુ મોદી
સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને-
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

હાલરડું

હાલરડું....

નાનો નાનો કાનો મારો હાલી કરી જાય,
મીઠા મીઠા સપના એની આંખોમાં સમાય.

નાની નાની પરીઓથી આંગણ સોહાય,
રમવાને આવી મારા વાલૂડાંની ફાય,
હળવે હળવે નિંદર રાણી આંખોંમાં  સમાય.
       નાનો નાનો કાનો મારો...

ચાંદા મામા આવી તારી હથેળીમાં માય,
ટમટમ કરતા તારાં મીઠા ગીતો રે ગાય,
ઝગમગ ઝગમગ આગિયાની વેણી રે બંધાય.
          નાનો નાનો કાનો મારો...

પતંગિયાની પાંખે બેસી ઝાકળ વીણવા જાય,
ફૂલે ફૂલે ભમરા સાથે સંતાકૂકડી થાય,
ખોબે ખોબે ફોરમ બાગે વેરતોરે જાય.
       નાનો નાનો કાનો મારો

હાર્દિક પંડ્યા 'હાર્દ'

ગઝલ

નજર ક્યારેય પણ નાખે નહી
અને નાખે પછી કાપે નહીં

કહું મધ-મધ, કહું મધ-મધ તને
છતા તું એ કદી ચાખે નહીં
        
રહું તો શ્વાસમાં, બસ શ્વાસમાં
નહીં ઘરમાં કે આ જાપે નહીં
     
સતત એ બસ મને દીધા કરે છે
કશું પાછું વળી માગે નહીં
        
દિવસ, મહિના , વરસ એને દીધા
કહે છે એ મને આજે નહીં
       --- ધર્મેશ ઉનાગર

ગઝલ

નથી.... નથી.... નથી....

આ ક્ષણોનુ મીણ ઓગળતુ નથી,
દીપ માફક સ્વપ્ન પણ બળતું નથી.

સાવ  કોરાકટ  પ્રદેશે  હું  શ્વસુ,
આંખમાં ઝરણું ય ખળખળતુ નથી.

એક એવા માર્ગ પર આવી ઊભા,
જ્યાં કદીએ કોઈ નીકળતું નથી.

ક્યા મુલકમાં છું ખબર પડતી નથી,
સાદ  પાડું   કોઈ   સાંભળતું   નથી.

તું જ તારા શબ્દથી વીંધાય છે,
તીર શબ્દોનું પરત વળતું નથી.

દીપલ ઉપાધ્યાય 'ફોરમ'

ગીત

એક ગરબો .....

       ચુંદડી

ચુંદડી રે, મારી નવરંગી ચુંદડી...

પહેલી ચુંદડી મુને બાપુએ ઓઢાડી,
ગુલાબી કોર ને ફુમતુ ગુલાબી
ઠુમકતી ચાલુ હું, બાપુની ઢીંગલી.
               ચુંદડી રે, મારી નવરંગી ચુંદડી.

બીજી ચુંદડી મુને વીરાએ ઓઢાડી,
જ્યારે હાથે બાંધી મેં રેશમની દોરી,
વીરાની હું તો વહાલી બેનડી.
              ચુંદડી રે, મારી નવરંગી ચુંદડી.

ત્રીજી ચુંદડી મુને માડી એ ઓઢાડી,
સફેદ પાનેતર ને કોર સોનેરી,
ઓવારણ લઈને મુજને વળાવી.
             ચુંદડી રે, મારી નવરંગી ચુંદડી.

ચોથી ચુંદડી મુને પીયુએ ઓઢાડી,
લાલ રંગને ભાત લીલી પીળી,
શરમાતી હું તો જાણે લજામણી.
            ચુંદડી રે, મારી નવરંગી ચુંદડી .

અલ્પા વસા
કાવ્યાલ્પ.

ગઝલ

दीवडी

दीवडी छुं जातने बाळी शकुं
हुं बळीने विश्व अजवाळी शकुं ।

फुंक मारी तुं मने अकळाव ना,
ढीम अंधारा तणुं ढाळी शकुं ।

एकली हुं लाखने अजवाळती,
नावने पण वावथी वाळी शकुं ।

जो तळे हो साव अंधारुं सखी !
टेरवाने टेसथी टाळी शकुं ।

जो मळे तारो सहारो आ जगे,
हुं य 'आहिर' रातडी गाळी शकुं ।

- मावजी एम आहिर
09/06/15 🌱

ગીત

*નાદાર થયેલા સજ્જનનું ગીત :-*
***********************
હું લાચારીની રાંગ માથે સાવ અટૂલો ઊભો એકલવાયો છું,
મને લૂંટો રે, હજુ લૂંટો રે, હું ખૂલ્લેઆમ લૂંટાયો છું.

નેહ નીતરતી વડવાઈએ મેં કંઈક હરખ ઝૂલાવ્યા'તા,
મારી ઘેઘૂર ઘટાની વચ્ચમાં કલબલ માળા બંધાવ્યા'તા,
મારા ફળથી ભડભડ બળતાં ભૂખ્યાં પેટ ધરાયાં,તા,
મારી શીતળતાને રેડી બળબળતાં બહું ઠાર્યા'તા,
તેમ છતાંયે મારી કોઈ એક ડાળના હાથાથી હું કુહાડે કપાયો છું,
મને કાપો રે, હજુ કાપો રે, હું કટકેકટકે કપાયો છું.

મેં ઝલમલ અજવાળાની વચ્ચે અંધારાને તાક્યું'તું
રણઝણતું સંગીત ખોઈને ગીત ઉછીનું ગાયું'તું,
ફૂલ બીછાવેલ મારગ છાંડી અગોચરે ડગ માંડ્યું'તું,
સંબંધોની ગોખેગોખે જઈને ગજવું ઠલવ્યું'તું,
મારી દશેય આંગળના તીણાં ન્હોરે સળંગ આખો પીંખાયો છું,
મને પીંખો રે, હજુ પીંખો રે, હું રુંવેરુંવે  પીંખાયો છું.
- મુકેશ દવે

ગઝલ

સૌરાષ્ટ્રની શાન ફુલછાબના તંત્રી છો,આપ,,
કૌશીક મહેતાની કલમનો આગવો અંદાજ છો,આપ.

પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા વ્યક્તિ છો,આપ,
ઝવેરચંદ મેઘાણીના પંથે ચાલનાર માંડું છો,આપ.

રાગદ્રેષ લેશમાત્ર કોઈ તરફી રાખે નહીં,
સત્ય નિષ્ઠા હૈયે રાખનાર તંત્રી છો,આપ.

પ્રજાભિમુખ પત્રકારિત્વની મિશાલ જલતી રાખજો,
ઓજસ્વિતાની ઓળખાણ છો,આપ.

કૌશિકભાઈ તમારા જન્મદિન દિવસે હું યાચું,
"અઝીઝ"ની કલમયાત્રાના મસીહા છો,આપ.

ભાટી એન "અઝીઝ"

છંદ


દોહો

રુદ્રાણી રુદિયે રહો, ( અને ) માં તું રોમ રોમ રવરાય
આશાપુરી અરજ સુણો, (મા) મારગ બતાવો મોમાય ...

છંદ : ત્રિભંગી

સમરું રુદ્રાણી, વંદુ વાણી, પર્ણે પર્ણે પરમાણી
નજરે ખોડાણી, તું રોકાણી, ડાળે ડાળે ડોકાણી
પ્રગટે તું પાણી, જીભે જાણી, મુખડે મુખડે મલકાણી
દેવી દર્શાણી, તંબૂ તાણી, રુદિયે રુદિયે રુદ્રાણી ...

રગેરગમાં રાતી, થર થર થાતી, વમળ વમળમાં વરતાતી
વાદળ થૈ જાતી, ગોરંભાતી, લહર લહરમાં લહેરાતી
અંબર આખાની, ચાદર થાતી, ચૌદે લોકે ચર્ચાણી
દેવી દર્શાણી, તંબૂ તાણી, રુદિયે રુદિયે રુદ્રાણી...

મહામાય રવેચી, આશાપુરી, કચ્છ ધરાની  કુળદેવી
રહે ના આસૂરી, દેખત દૂરી, ચિંતા સેવે માં જેવી
ચેતે ચાતૂરી, તાતાતૂરી, વેદે શાસ્ત્રે વખણાણી
દેવી દર્શાણી, તંબૂ તાણી, રુદિયે રુદિયે રુદ્રાણી ...

ભક્તોનાં ભેળી, લેતી તેડી, કાયમ બનતી તું કેડી
હજાર હથેળી, લાખ નવેલી, મલક બધાની તું મેડી
માવો કહે માડી, દઇને તાળી, મદદે આવો મર્દાની
દેવી દર્શાણી, તંબૂ તાણી, રુદિયે રુદિયે રુદ્રાણી ...

મા રુદિયે રુદિયે રુદ્રાણી . 

- માવજી એમ આહીર 🌱