Friday, 29 September 2017

ગઝલ

ના હું તિલક કે ના હું માળા તરફ ગયો છું,
બસ, આજે હું જરા અજવાળા તરફ ગયો છું.

સ્મરણો બરફ થઈ થીજી ગયા છે એથી,
હું એક ડગલું જો ઊનાળા તરફ ગયો છું.

આ જીવ અંતે તો આદમખોર બનશે નક્કી,
થઈ સાપ કોયલોના માળા  તરફ ગયો છું.

આ રક્તમાં ગુલામી એવી ભળી ગઈ કે,
હું સામે ચાલીને જો તાળા  તરફ ગયો છું.

જ્યારે મને થયું મન  દર્શનનું જો તમારા,
મંદિરને છોડી નાની બાળા  તરફ ગયો છું.

શૈલેષ પંડ્યા

No comments:

Post a Comment