Thursday 22 November 2018

અછાંદસ

☘☘☘☘☘☘☘☘☘☘☘

હું- તું

તું અને હું
1+1= 2 નહિ
એક જ
ગૂંથાવું ગમે
મળવું ગમે
જમીન ખોતરતી આંગળિયુંથી આપણું હોવું,
રોમરોમ ફરકતી ફરફરથી
પહેલી તીરછી નજરમાં
પહેલા વરસાદમાં;
છલોછલ સરિતા તટે
તરુવરની ઘેરી છાંયામાં
ઘેરાતી જતી ઘટનામાં અટવાતી,
અકળવિકળ ને
ઊપરથી ટપ દઈને
ખરતાં ગુલ્મહોરના ગુલાબી રંગોમાં  ફેલાવું,
ન હોય કોઈ ત્યાં પણ હયાતિ
હોય એ ક્ષણે;
ફજેતની ટગલી ટોચે પારખું હરફરમાં,
ગુલશન ગલશન રમતી પમરતી લ્હેરોમાં,
હોવું;
સપનામાં લંબાતા હાથની
ચીંધાયેલી અનામિકા તું
ચીંધાવું વીંધાવું રીસાવું મનાવું ગમે
તોય ટેરવે રમે
અન્યોન્ય ગમે,
રથડા આથમણા દોડે
મુખ મોડે
અવળાં પગલાં જોડે
તે છતાંય
તું મને મળી:
અનંતના દોરે વળી
લહરમાં ભળી
ઝરમરમાં કળી
રજકણમાં ને
તપતા તાપે દળી
ખોજ્યા કરવાનું
ફરી ફરી
મળવાનું
ઝૂરવાનું
સ્વપ્નમાં સળવળવાનું....!

ડૉ. ભાવેશ જેતપરિયા

☘☘☘☘☘☘☘☘☘☘☘

Wednesday 21 November 2018

અછાંદસ

હું પણ
હતી
વકીલ
મહોબ્બત
કરવાવાળાની ક્યારેક.....
નજર
તમારી
સાથે
શું મળી
આજે
હું ખુદ
ગીતા પર
હાથ મૂકી
ઊભી છું......
             બીના શાહ.
            ૧૮-૧૧-૨૦૧૫.

ગઝલ

: "બેહદ રામપુરી "
તાલી.  મારી   તાલ   રાખ
હસતા ગુલાબી ગાલ રાખ

પ્રભુ.   માટે.  વ્હાલ  રાખ
ખૂશી       હરહાલ   રાખ

ભજતાં રહેવા રામ રામ
બીજું.   બધું કાલ  રાખ

થોડી થોડી   બચત  કરી
જરા કાલનો ખ્યાલ રાખ

નવું નવું જાણવા 'બેહદ'
સારા  સારા સવાલ રાખ

વિનોદ વાદી બેહદ રામપુરી

ગઝલ

અશ્વ  મનમાં રમે  તો  તમે  શું  કરો?
કોઈ  અમથું  ગમે  તો  તમે  શું  કરો ?

સર્પ  માફક   સરકતા   વિચારો  રહે
માથે સમળી ભમે  તો  તમે  શું  કરો ?

મ્હેકને આંબી શકતાં ન હો એ ક્ષણે
ડાળી  નીચે  નમે  તો  તમે  શું  કરો ?

કોઈને  શોધવા   દર્પણે  જાવ  ને-
આયનામાં  તમે, તો  તમે  શું  કરો ?

વ્યસ્ત છો ને ગઝલ આમ આવી ઊભે
એ  ઘડી ય  ના  ખમે  તો  તમે  શું કરો?

         ભરત ભટ્ટ

અછાંદસ

:: કવિતા ::

તેણે પૂછ્યું ," શું છે કવિતા ?"

મને તો આવું સૂઝ્યું,
'"કવિતા એટલે ગૂંથવું,
ફૂલ , નામ કે સંવેદન,
પરસ્પર સ્નેહનાં તાંતણે."

વળી, એ કંઈ એમ માને ?
કહે ;
" ગૂંથવું નહીં , ચૂંથવુ કહો, જનાબ,
' ને , સંવેદના નહીં ; વેદના,
ચૂંથી ચૂંથી ને બનાવો છો,
રાયનો પર્વત."

મેં કહ્યું,
"હા કબૂલ, પણ જરા સુધારો વડીલ,
ચૂંથવું નહીં ; વાટવું.
વાટયું ઘણું - નરસિંહ , મીરાં 'ને ર.પા એ,
ને હજી ઘણાંય વાટે છે,
પોતાની વેદનાંને ,
મોટી ખરલમાં.
'ને બનાવે છે ,વાટી વાટીને ઔષધ.
સંવેદનને લાગું પડેલ અસાધ્ય રોગને મટાડવા,
'ને સંવેદન
સૌનું રહે યુવાન માટે,
સૌએ પીવું પડશે તેથી,
આ ઔષધ - કવિતા."

ગોપાલકુમાર ધકાણ

ગઝલ

પ્રેમનાં અણસાર નોખા હોય છે,
ને નયનનાં માર નોખા હોય છે.

કેમ એને સાવ પાસે રાખવા?
દોસ્તનાં પણ વાર નોખા હોય છે.

રોજ ચાલાકી નથી ગમતી હવે,
શ્વાસનાં વહેવાર નોખા હોય છે.

એ સહી લે છે બધા અવસર હસી,
આંસુનાં આધાર નોખા હોય છે.

જિંદગી 'આભાસ' પણ જીવી ગયો,
મોતનાં તો તહેવાર નોખા હોય છે.

-આભાસ

અછાંદસ

☘☘☘☘☘☘☘☘☘☘☘

હું- તું

તું અને હું
1+1= 2 નહિ
એક જ
ગૂંથાવું ગમે
મળવું ગમે
જમીન ખોતરતી
આંગળિયુંથી આપણું હોવું,
રોમરોમ ફરકતી ફરફરથી
પહેલી તીરછી નજરમાં
પહેલા વરસાદમાં;
છલોછલ સરિતા તટે
તરુવરની ઘેરી છાંયામાં
ઘેરાતી જતી ઘટનામાં અટવાતી,
અકળવિકળ ને
ઊપરથી ટપ દઈને
ખરતાં ગુલ્મહોરના ગુલાબી રંગોમાં  ફેલાવું,
ન હોય કોઈ ત્યાં પણ હયાતિ
હોય એ ક્ષણે;
ફજેતની ટગલી ટોચે પારખું હરફરમાં,
ગુલશન ગલશન રમતી પમરતી લ્હેરોમાં,
હોવું;
સપનામાં લંબાતા હાથની
ચીંધાયેલી અનામિકા તું
ચીંધાવું વીંધાવું
રીસાવું મનાવું ગમે
તોય ટેરવે રમે
અન્યોન્ય ગમે તોય
રથડા આથમણા દોડે
મુખ મોડે
અવળાં પગલાં જોડે
તે છતાંય
તું મને મળી:
અનંતના દોરે
લહરમાં
ઝરમરમાં
રજકણમાં
તપતા તાપે
ખોજ્યા કરવાનું
ફરી ફરી
મળવાનું
ઝૂરવાનું
સ્વપ્નમાં સળવળવાનું....!

ડૉ. ભાવેશ જેતપરિયા

☘☘☘☘☘☘☘☘☘☘☘

ગઝલ

કર્મનું ફળ નક્કી મળશે જિંદગીથી હાર ના,    
તારી સામે વિશ્વ નમશે જિંદગીથી હાર ના.

વાત તારી કોઇ માને કે ના માને આજ પણ,
વાત કોદી દિલમાં ધરશે જિંદગીથી હાર ના.

ફક્ત તારા મનને તું મજબૂત કાયમ રાખજે,
દર્દ  પણ  તારાથી  ડરશે જિંદગીથી હાર ના.

ખુદમાં તું વિશ્વાસ રાખી માત્ર કાર્યો કર બધા,
સૌ મહેનત તારી ફળશે જિંદગીથી હાર ના.

જિંદગી  તારી  કરી  દેજે  સમર્પણ  લોકને,
સર્વ જય જયકાર કરશે જિંદગીથી હાર ના.

-ઉમેશ તામસે 'ધબકાર',
   વ્યારા (તાપી)

અછાંદસ

લઘુ કાવ્યો 
(૧)
    હું જ્યારે જ્યારે
    અભિવ્યક્ત કરું છું
    મારી અભિવ્યક્તિને
    તુજ સમક્ષ
    ત્યારે સુંદરતા મારી
    ચોપાસ વળગી રહે છે
     કહે છે ...
     હા ! તું સુંદર છે

     અસ્મિતા

(૨)
     અભિવ્યક્તિને
      અભિવ્યક્ત કરવાની
      જરૂર પડે છે
      જયારે જયારે
      એકલતાને પ્રસવ
       પીડા ઉપડે છે .

        અસ્મિતા

(૩)
    ચેહરા પર લીપાઈ
     જાય છે ભાવ
     આંખોની લિપિના
     પણ મન ટપાર્યા
     કરે બસ હવે !

    અસ્મિતા

(૪)
     પવનપાવડી પેહરી
     વસંત કેવો આવી
      પોંહચ્યો
      હવે ,
      સ્મરણોનાં મોરનો
      રોજ
      થનગનાટ.

      અસ્મિતા

(૫)
      પ્રેમ અને ધૃણા
      જીવનના કિનારા
      બે
      નદી બિચારી
      કિનારા લઇ દોડે
      જીવનપર્યંત

      અસ્મિતા

(૬)
    
     મન છે
     આરોહ અવરોહ
     ચાલ્યા કરે છે
     વિચારોની પૃષ્ઠભૂમિ પર
     તો ય
     સંબંધોની રંગોળી
     પૂર્યા કરું છું
     માનવ મેહરામણમાં

     અસ્મિતા

(૭)
     પાંખો છે
     ફેલાવી દો ગગન સુધી
     કંડારી દો
     શબ્દ્શીલ્પ ને
     કવિતાના રંગમાં
     પછી રોજ
     સ્નેહનું ઝાકળ
     ઝરમર ઝરમર ...

      અસ્મિતા

ગઝલ

હાથમાં હાથ લઇ તેં શણગારી હતી લાગણી,
ને પછી હળવેકથી તેમાં તેં મારી ટાંકણી!?

જંપશે નહીં જ્યાં સુધી ચૂસી ન લે રસ આ ભ્રમર,
ફૂલ,માળી સાચવી રાખો હવસ છે ડાકણી.

જીતનો હાંશકારો તેં ભર્યો જ્યાં શ્વાસમાં,
સાચું કહું! ત્યાં મારા હૈયે વેદના થઇ 'તી ઘણી.

ઝેર પ્રસરી ગ્યું છે મારા ઘરની દીવાલો સુધી,
લાગે ભરખી ગઇ છે મારા સુખને કોઈ નાગણી.

ચાલને,સૂની પડેલી સાંજને અજવાળવાં,
વાંસળીમાં તું સુર ભરજે ને હું ગાઉં લાવણી.

*કાજલ કાંજિયા "ફિઝા"*

ગઝલ

મારું હોમવર્ક આજે પત્યું . 🤣🙏🙏

ગાલગાગા,ગાલગાગા,ગાલગા
રદીફ- થાય છે.

દુર્જનોની બોલબાલા થાય છે.
સજ્જનો તો સૌ બિચારા થાય છે.

સાથ દેનારા ખરા સમયે હવે,
આ જગતમાં ક્યાં એ પેદા થાય છે?

સોનું, ચાંદી ને ખજાનો શું કરે?
હેત વરસે, ત્યાં જ ભેગા થાય છે.

શ્વાસનું આવન ને જાવન થાય ત્યાં,
નેત્ર, કર જોડીને યોગા થાય છે.

દુનિયા તો જીતાય છે, પૈસા વડે,
લાગણીઓના જ સોદા થાય છે.

અલ્પા વસા.

ગઝલ

આજ દિલ ઉદાસ છે!
વાત એ તો ખાસ  છે!
કોડિયું જાગે જ  છે!
ઠરેલો અજવાશ છે!
વાત તું એવી ન કર!
અરીસો આભાસ છે!
ચિત્ર આબેહૂબ પણ!
રંગ માં ફિક્કાશ છે!
સુગંધો મૂકી ગયો!
વધેલો સહવાસ છે!
સાચવી લે દિલ ને!
ચોર પણ ચોપાસ છે!
"રશ્મિ"ની અસ્કયામત!
ધરા છે આકાશ  છે!
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"

ગઝલ

આ સમય ચાલ્યો જવાનો જોઇ લેજે,
એ   ફરી  નહિ આવવાનો જોઇ લેજે.

અન્ય  માટે  જિંદગી  તું  જીવી લેજે,
ઈશને   પ્યારો   થવાનો   જોઇ લેજે.

પ્રશ્ન   પૂછે  આયનાને  તું  ભલે  પણ,
નહિ એ ઉત્તર આપવાનો જોઇ લેજે.

જો  અહમને ખુદમાં રાખી  મૂકશે તો,
ખુદને  પણ  તું  મારવાનો જોઇ લેજે.

ખુદને જો ના  જાણશે તું  જિંદગીમાં,
તું  કદી  ના   જીવવાનો   જોઇ લેજે.

-ઉમેશ તામસે 'ધબકાર',
   વ્યારા (તાપી)

૮, હાઈકુ

# થોડાંક હાઇકુ #

૧:
ફૂલ પાંખડી
વરસાવે વાદળ,
ખુશ થઈને ...
૨:
બૂઝવો કોઈ
બળબળતો સૂર્ય:
મૃગજળથી ...
૩:
મોહ ની જાળ:
તૃષ્ણા:રાગ ની આગ:
પાશ દ્વેષ નો!
(ધમ્મપદ માંથી)
૪:
જીભ સાબૂત:
પણ બત્રીસ તાળે
કેદ થયેલી ...
૫:
લડી પડી છે
તૃણની તલવારો:
યાદવાસ્થળી!
૬:
સપનાંઓ નો
સંસાર:બે પાંપણ
વચ્ચે છે કેદ!
૭:
મેઘધનુષી
સાંજ:મીજીલી રાત
નો અણસાર ...
૮:
થઈ સવાર ...
પૂરવ અસવાર
શું આવી ગયો?

- હરિહર શુક્લ "હરિ"

ગજલ

એક કાવ્ય.
હકીકત.
🍓🍓🍓🍓🍓🍓

દેખાય છે જે  નરી આંખે
એ હકીકત માં ન પણ હોય.

માની લઈએ સાપ જેને અંધારે
હકીકતમાં એ દોરડું પણ હોય.

ભાસ થાય છે જળનો જ્યાં
બની શકે ત્યાં ફક્ત ઝાંઝવાં હોય.

નીકળે જ્યારે આંખોથી પાણી
શક્ય છે એ આંશુ ન પણ હોય.

કહેવાય છે કે પ્રેમ આંધળો છે
થાય દેખતાં એ પ્રેમ ન પણ હોય.

ચહેરા પર દેખાય કઠોરતા જેના
એ બાપનું દિલ પાષાણ ન પણ હોય.

દિલીપ ઠક્કર.
આદિપુર.  મો. 9979898664

અછાંદસ

મારા ખેતરના શેઢેથી
‘લ્યા ઊડી ગઈ સારસી !
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
એલે એઈ
બળદને હળે હવે જોતરીશ નંઈ…
મારા ખેતરને શેઢેથી –

-રાવજી પટેલ

ગઝલ

જોયું

દરદ  ઔષધિ  સાથે  વાટીને  જોયું
શરું થઈ તરત ઝણઝણાટી,ને જોયું

ઊભાં અશ્વ ભીતર હણેણાટ કરતાં
હતી  ચોતરફ  હલદીઘાટી ને  જોયું

ન  મારે  કશો  ઘાટ  ઘટમાં  ઘડાયો
મેં  આકાર  અંદર  અઘાટીને  જોયું

ન  તળિયે  જવાયું  ન  ઉપર  અવાયુ
તો,અધવચ કૂવે બોખ ફાટી ને જોયું

મેં જોયું ભીતર એક અચરજ અનોખું
મચી  ત્યારથી  સનસનાટી  ને  જોયું

       ભરત ભટ્ટ

ગઝલ

તાપમાં કોઈની છાયા થઈ શકો!
ને તિમિરમાં જ્યોત જેવા થઈ શકો!

દર્દ દિલના આંખમાં જોવા નથી,
આયનાથી પણ અજાણ્યા થઈ શકો!

પારકા સૌ નામ પોતાના બને,
એમ કંઈ ખુદથી પરાયા થઈ શકો!

દોસતોમાં દુશ્મનોને ઓળખો,
એટલા તો યાર શાણા થઈ શકો!

બેફિકર થઈ જીવવી છે જિંદગી?
બાળકોની જેમ નાના થઈ શકો!

ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'

ગઝલ

તું અગર સમજી શકે પડકાર છે!
હા કહું છું કે હવે તકરાર છે!
મિલન તો સંયોગની થોડી ક્ષણો!
એટલું તો દિલ પણ હકદાર છે!
એટલે  ભટકી રહ્યો છું દર બ દર!
સ્વર્ગ માં ભિક્ષુક ની સરકાર છે!
છે કતલ મંજૂર દો મારી હવે!
આપની આંખો હવે તલવાર છે!
એટલે તો ભય નથી ઘડીયાળ ને!
સમય નો મજબૂત પણ આધાર છે!
શોધવાનું કેન્દ્ર ત્રીજું છે હજી!
હાલ તો સુખ દુખ નો સંસાર છે!
નાદવા તું  બંધ કરજે"રશ્મિ" ની!
કાલથી તો દર્દ પારાવાર છે!
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"

ગઝલ

ન રસ્તાઓ જડે છે શહેરની અંદર,
હરણ ભૂલા પડે છે શહેરની અંદર.

તમારા લગ નજર પહોંચી શકે ક્યાંથી?
મને ભીંતો નડે છે શહેરની અંદર !

ચપોચપ ચાલવાનું હોય છે કિન્તુ,
ઘણા લોકો દડે છે શહેેરની અંદર.

રૂપાંતર થાય છે વૃક્ષો મકાનોમાં,
કબૂતર ફડફડે છે શહેરની અંદર.

સૂતો છે ખાટલો ઢાળી અને માણસ,
બિમારીથી લડે છે શહેરની અંદર.

તમારા નામની કંકોતરી વાંચી,
ગઝલ ડૂસકે ચડે છે શહેરની અંદર.
                                -જિજ્ઞેશ વાળા

ગઝલ

રોજ દિલમાં દીપ ઝળહળ થાય છે,
રોજ દિલમાં આમ ભણતર થાય છે.

વાત  દિલની  મેં  કહી  દીધી બધી,
તે છતાંયે દિલમાં  કળતર  થાય છે.

શું   કર્યું   છે  આપણે  એવું અહીં.
આપણી સૌ વાત હરપળ થાય છે.

કોઇ દી  તો  કામ  સારાં  ના કર્યા.
તેથી આજે હાથ  થરથર થાય છે.

ખુદને સમજી ના શક્યો માનવ કદી,
એટલે  નફરતનું  ચણતર  થાય છે.

-ઉમેશ તામસે 'ધબકાર',
    વ્યારા (તાપી)

ગઝલ

## પલળી જવું છે ##

રંગોની ઊડે છોળ!
ઊગી જા અને કોળ!

કંકુના કરી ઉપડ
લે ધાણા અને ગોળ!

આંખો કરીને કોરી
આંસું મહીં તું બોળ!

સામે જ તો ઊભો છું
ખોવાઉં પછી ખોળ!

પલળી જવું છે મારે
લે કર "હરિ" તરબોળ!

- હરિહર શુક્લ "હરિ"
  ૧૪-૧૧-૧૮ / ૧૫-૧૧-૧૮

ગઝલ

_ઊંડે ઊંડેથી અરધી વાત મારામાં_
_હજી ઘુઘવે સમંદર સાત મારામાં_

_ઘડીભર આવી ને રહેવાત મારામાં_
_તો મારાથી ગઝલ કહેવાત મારામાં_

_લીલાંછમ વૃક્ષ જેવો હોત હું અહીંયા_
_તો પંખીઓ ય ટહુકી જાત મારામાં_

_મથે તનતોડ દિવસ પેટિયું રળવા_
_સૂએ  ટુંટિયુ  વળીને  રાત  મારામાં_

_હું કોઈ શબ્દનો ઉત્તર નથી ક્યારેય_
_નથી  કોઈ જ  પ્રત્યાઘાત  મારામાં_

     _ભરત ભટ્ટ_

3. ગઝલ

બંધાઈ જાવુ છે બસ એક જ ઠરાવમાં
મારાપણું રહે ના મારા સ્વભાવમાં

તારી નજર પડે તો લાગે જીવું છું હું,
છું આખરે હુ પથ્થર, તારા અભાવમાં

આંખો તને જ ઝંખે, હૈયે રહે રટણ
તારું સ્વરૂપ ભાળું નિજ હાવભાવમાં

સંજોગ કે સમય ના બદલી શકે મને
તારે જ શરણે છું હું છેવટ પડાવમાં

અડતું નથી જરા પણ માયાવી આ જગત
પાછા નથી ફસાવું આ આવજાવમાં

વળગી રહે હમેશા તારું સ્મરણ મને
ભૂલી ગઈ છુ ખુદને તારા લગાવમાં
........વર્ષા પ્રજાપતિ ઝરમર

અફસોસ ના રહે કે સમાધાન ના રહે
મનને કહી દીધું છે હવે બાનમાં રહે

ભટકી નથી જવું કે નથી ભૂલવું કશું
જે પણ કરીશુ કર્મ બધું ધ્યાનમાં રહે

મદ,મોહ,લોભ,ક્રોધ બધું આસપાસ છે,
મનની બધી વૃત્તિને કહો મ્યાનમાં રહે

આકારમાંય એ ને નિરાકારમાંય એ
એનું કરો સ્મરણ તો બધું શાનમાં રહે

પામી જવાય પળમાં જરા ધ્યાન જો ધરો,
આ નામ,રૂપ,ગુણ સતત જ્ઞાનમાં રહે

ઉપદેશમાં રહો કે રહો મંત્ર જાપમાં
પણ જીવ જગત શું છે જરા ભાનમાં રહે
.....વર્ષા પ્રજાપતિ ઝરમર
[11/22, 10:28 AM] ‪+91 98250 28131‬: નિરંજન રૂપ છો તોપણ તમારો વ્યાપ ચાલે છે
જગતથી સાવ અલગારી પ્રણય સંતાપ ચાલે છે.

નથી વળગણ કશાનો પણ, સતત આરાધનામાં છું,
અકર્તા છું છતાં સંસાર આપોઆપ ચાલે છે

વગાડો વાંસળી તો હર જનમનો મોક્ષ થઇ જાયે,
અમારા દેહમંદિરમાં તમારા જાપ ચાલે છે.

સતત જોયા કરું રસ્તો હરિ ક્યારે પધારો છો?
તમારી રાહમાં આ શ્વાસના  આલાપ ચાલે છે.

તમે બંધન,તમે મુક્તિ, તમે આદિ,અનાદિ પણ
તમારા પાશમાં ત્રિલોક માપોમાપ ચાલે છે.

બની દ્રષ્ટા બધું જોયા કરું, આકારની દુનિયા,
અહીં સુખ દુઃખની ક્રિડા જુઓ ચુપચાપ ચાલે છે
.......વર્ષા પ્રજાપતિ ઝરમર

નિરંજન રૂપ છો તોપણ તમારો વ્યાપ ચાલે છે
જગતથી સાવ અલગારી પ્રણય સંતાપ ચાલે છે.

નથી વળગણ કશાનું પણ, સતત આરાધનામાં છું,
અકર્તા છું છતાં સંસાર આપોઆપ ચાલે છે

વગાડો વાંસળી તો હર જનમનો મોક્ષ થઇ જાયે,
અમારા દેહમંદિરમાં તમારા જાપ ચાલે છે.

સતત જોયા કરું રસ્તો હરિ ક્યારે પધારો છો?
તમારી રાહમાં આ શ્વાસના  આલાપ ચાલે છે.

તમે બંધન,તમે મુક્તિ, તમે આદિ,અનાદિ પણ
તમારા પાશમાં ત્રિલોક માપોમાપ ચાલે છે.

બની દ્રષ્ટા બધું જોયા કરું, આકારની દુનિયા,
અહીં સુખ દુઃખની ક્રિડા જુઓ ચુપચાપ ચાલે છે
.......વર્ષા પ્રજાપતિ ઝરમર

Friday 9 November 2018

ગઝલ

તજી   પ્રણાલી,  પરંપરા, હું  પટમાં  આવું   છું
સજી શબદ શણગાર નવા ઘટ-ઘટમાં આવું છું

પવન પરાગી,કોમળ લય,લયતાન બની જઈને
ફર-ફર   ફર-ફર  રેશમ-રેશમ લટમાં  આવું  છું

અનહદ  નાદે  ધૂળ  રસ્તાની ભગવો  રંગ   ધરે
પગલે   પગલે   હું   વૈરાગી  વટમાં  આવું    છું

મારી  અંદર  ગોપી  થઈને  મટુકી  કોણ  ભરે !
ગુપત  સરોવર-પનઘટ  પર પરગટમાં  આવું છું

ઝાંઝ નહિ પખવાજ નહિ કરતાલ કશું ક્યાં છે !
મન-મંજીરે   મૌન  બજી  રમઝટમાં  આવું  છું

.. સુરેન્દ્ર કડિયા

ગઝલ

શું નવો સંકલ્પ લઉં હું આવનારાં વર્ષમાં?
એટલું ચાહું, વીતે એ અન્યના ઉત્કર્ષમાં.

પ્રેમ, શ્રદ્ધા, લાગણી, સંવેદના, સંસ્કારિતા,
આટલું ભરચક રહે અસ્તિત્વ કેરા પર્સમાં.

એકસરખી તો દશા કાયમ નથી રહેવાની, પણ-
એકસરખું હો વલણ તકલીફમાં ને હર્ષમાં.

છો ખૂટી જાતું બધું જે કાંઈ છે ભેગું કર્યું,
એક બસ હિમ્મત ખૂટે નહીં આકરા સંઘર્ષમાં.

જિંદગી હારી ચૂકેલાને ફરી બેઠો કરું!
એટલી તાકાત પામું શબ્દમાં ને સ્પર્શમાં.

કૈંક તારું, કૈંક મારું, પણ બધું એનું જ છે;
આ ભરોસો, આ સમજ બસ કેળવું નિષ્કર્ષમાં.

*: હિમલ પંડ્યા*

ગઝલ

ગઝલ કહો !

સાદી ગઝલ મહોબત આકારતી કહો;
પુષ્પો પરાગ સરખી સત્કારતી કહો.

ઝાંખપ વધે એ પહેલાં આલાપતી કહો;
ગરવી ગઝલ ચહેરો મલકાવતી કહો.

આ સાંજ ઊતરી આવી ભીનાં લિબાસમાં--
તો પણ શરાબી આંખો છલકાવતી કહો.

ઝાકળનાં ઝીણાં વસ્ત્રો ધારણ કર્યાં પછી--
ફૂલોની વાતચીતો લલકારતી કહો !

મદમસ્ત મય હશે કે મદમસ્ત આ મિરાત?
દોસ્તો, ગઝલ કો' તરતી ને તારતી કહો !

જામોમીના છલકતાં તારાં અવાજમાં--
પીએ નહીં પરંતું પાતી રતિ કહો !

આવ્યાં છીએ જ રમતાં રમતાં ન રહી જશું--
એ ચીજ છું જ જેને સાચી ગતિ કહો !

21:00    -------ગુણવંત ઉપાધ્યાય
08112018
નવવર્ષારંભ

ગીત

કંગાલિયત - ગીત

ફૂત્કારા દેતી ઓલી કાળઝાળ દૂબળાઈ ભીંસી રહી છે આ કાયા,
કાંચળીની જેમ હવે આયખાના ઓરતાની ઉતરી ગઈ વળગેલી માયા .

પેટમાં પથરાઈ ઊંડી કાળમુખી ખીણો ને
                         માથા પર કાળમીંઢ ડુંગરા,
સરવરના જળ સાવ છલી વહ્યાં ને પછી
                               તબકે છે કોરાં છીપરાં,
કોઠી હારે ધાનનાં બંધાયા વેર, થયા ચૂલાના દેવતા પરાયા.
કાંચળીની જેમ હવે આયખાના ઓરતાની ઉતરી ગઈ વળગેલી માયા .

અધપધ આ ખોરડાંને ઢાંક્યું છે આભ
                             ત્યાં ક્યાંથી હોય શીળી છાંયડી !!
પાઘડીમાં વલખે છે લાચારી બાપની ને
                               ખોળો લઈ વલખે છે માવડી,
આબરુની માને પૈણી ગ્યો શેઠ પછી દીકરીના આણાં ઠેલાયાં.
ફૂત્કારા દેતી ઓલી કાળઝાળ દૂબળાઈ ભીંસી રહી છે આ કાયા,
- મુકેશ દવે 
અમરેલી 

ગઝલ

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે, મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું, લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો, રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું, વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત, ‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.

કૈલાસ પંડિત

ગઝલ

લગાગાગા લગાગાગા લગાગા

________*ચહેરો* _______

અભિવ્યક્તિનો માલિક છે ચહેરો,
જો છળવામાં જ માહિર છે ચહેરો.

ગઝલ માં શેરિયતની વાત જ્યાં હોય,
મરીઝ, આદિલને ગાલિબ છે ચહેરો.

ના હરખા તું અલગ રૂપો કળીને,
અરીસા સામે ખારિજ છે ચહેરો.

સમજના માત્ર તું સૌંદર્ય તારું,
જીવન નૈયાનો નાવિક છે ચહેરો.

ચહેરા પર ચહેરાનો પહેરો,
ઓ માનવ તારો શાપિત છે ચહેરો.

--દિલીપ ચાવડા (દિલુ) ઉચ્છદ

Thursday 8 November 2018

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ઝળહળવું થઈએ

ખૂદની વાટે  ચડતા જઈએ,
દીપ બની ઝળહળતા થઈએ.

દારુગોળો અંદર ભરચક,
અવગુણ બાંધી અઢળક ભર્યો;
તેજ તમાસા છળને ધરતા,
વિઘવિધ ભાતે ચહેરો ધર્યો.
સત્ય સદાચાર સેવા ઘરમી,
કરમી રસ્તે વળતા થઈએ.
દીપ બની ઝળહળતા થઈએ....

ફૂટી જઈએ ધડામ્ તૂટી,
તેજના તણખે ચકમક જોડી;
વછૂટવાનું વાટમાં મુકી,
છળના સાંધા તડાક તોડી.
તાળાં ખોલી તાગી તળિયું
એય લ્હેરમાં રમતા જઈએ.
દીપ બની ઝળહળતા થઈએ.....

કારણ બારણ તારણ મૂકી,
તંતુ લઈ સતની કેડી પર;
સહજ સહજની ક્યારી ઉપર,
ચડવું દશમે મોલ મેડી પર;
રોજ દિવાળી અજર દિવાળી,
અખંડ તેજે તપતા જઈએ.
દીપ બની ઝળહળતા થઈએ......

– ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀