Friday, 16 March 2018

ગીત

બોખ્ખો મગર 

એક બિલાડી જાડી પાડી એ તો પહેરે જીન્સ 
એના બે નાનકડા બચ્ચા બ્લેક એન્ડ વ્હાઇટ ટ્વિન્સ

રોજ સવારે તળાવકાંઠે બધ્ધા ફરવા જાય 
લુચ્ચા મગરભાઈના મોમાં પાણી આવી જાય 

મીઠ્ઠું  મીઠ્ઠું સ્માઇલ આપી એ સૌ ને લલચાવે 
બચ્ચ્ચાને પણ ખબર હતી કે બિલ્લી એને ભાવે 

મોર્ડન બિલ્લી જોઈ મગરનું ચિત્ત ચડે ચકરાવે 
આ તે કેવી બિલ્લી જેને ચક્કર પણ ના આવે !

એક દિવસ તો બિલ્લીબાઈએ મનમાં વાળી ગાંઠ 
ક'દિ ભૂલે નહીં એવો શીખવું મગરભાઈને પાઠ 

કપડાની એક જાડી બિલ્લી બિલ્લીબાઈ લઈ આવ્યા 
સરસ મજાની સાડી ઉપર ગોગલ્સ પણ પહેરાવ્યા 

તળાવ પાળે લઈ જઈ એને તરતી મૂકી દીધી 
ઝપટ લગાવી મગરભાઈએ બિલ્લી ઝડપી લીધી 

કપડાની બિલ્લીમાં પથ્થર સંતાડયા'તા સાત 
તડ તડ તડ તડ તડાક્ તૂટ્યાં મગરભાઈના દાંત 

બિલ્લીબેન ને મગરભાઈનો હિસાબ થઈ ગ્યો ચોખ્ખો 
તળાવમાં તો બધા જ ખીજવે આવ્યો મગર બોખ્ખો . 

કૃષ્ણ દવે.    તા-૧૨.૩.૨૦૧૮

No comments:

Post a Comment