Thursday 28 February 2019

ગઝલ

મૌલવીના   ગામ  વચ્ચે  મય પીવાનું મન થયું,
આ   તમારા   પુણ્યને  પડકારવાનું  મન  થયું.

સાવ ચીંથરેહાલ આખી જિંદગી ભટક્યા કર્યું,
આખરી  ક્ષણને  હવે  શણગારવાનું  મન  થયું.

ચાંદ   સૂરજનું   ગ્રહણ   થાતું  રહે છે  એટલે,
તારલાની    જેમ   અમને   જીવવાનું મન થયું.

જોખમી  દાવો   લગાવ્યા  કાળના જુગારમાં,
ને   હવે   જીતેલ  બાજી  હારવાનું  મન  થયું.

આયનામાં ખુદને મળવાની ઘણી ઈચ્છા હતી;
લ્યો, મળ્યા તો કેમ આંસું સારવાનું મન થયું ?
           
           શ્રી ઇકબાલ મોતીવાલા

ગઝલ

कटी  राह  कैसे , पता  ही  कहाँ था,
लगा था  कि कोई  चला ही कहाँ था ।

सभी  के  सभी  खुल  गए  कारवाँ में,
जरा  राज़   बाकी  बचा  ही  कहाँ था ।

अभी  तक   तेरे  साथ  ही चल रहा हूं ,
किसी  ओर से  दिल  लगा ही कहाँ था ।

नशीली    नजरने    मुझे    मार   डाला,
किसी   तीर से   मैं   मरा  ही  कहाँ  था ।

तुझे     इसलिए    तो   नयनमें   बसाया,
कहीं   आशियाना   बना  ही   कहाँ  था ।

दुआ से    मिली    रोशनी    काम   आई,
वहां  'पुष्प '  दीपक  जला  ही   कहाँ  था ।

                        ---पबु गढवी 'पुष्प '

ગઝલ

જ્યાં દિલ ને થાય હાશ, એવું કાશ! ઘર મળે,
શું થાય જો આ શોધ નો છેડો કબર મળે ?!

વિકસી ને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખ માં જીવન વગર મળે.

સચ્ચાઈ ના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાં ને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.

શબ્દો ના રસ્તે ચાલી ને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે.

- વિવેક મનહર ટેલર

ગઝલ

રિક્તતા જયાં ભીતરે પડઘાય છે,
અક્ષરો સૌ મૌનનાં ઘૂંટાય છે

ફોજ યાદોની કદમ માંડે પછી,
આંસુઓનો બંધ તુટી જાય છે

ક્યાંક કોઈ પાંદડું જો સળવળે,
કાન એનાં પગરવે ભરમાય છે

લઇ અજંપો રાત આખી જાગતી,
પારિજાતો પાંપણે કરમાય છે,

આજ પડછાયો સતત પીડે મને,
આયનામાં બિંબ ખુદ ચીરાય છે,

પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'

ગઝલ

હશે સત્ય પણ, કલ્પના પણ હશે,
ખુદા શબ્દ છે તો, ખુદા પણ હશે.

નરક-સ્વર્ગ જેવી જગા પણ હશે,
સજા પણ હશે ને મજા પણ હશે.

અગર મોક્ષ મળશે જો ત્યાં તો પછી,
સુરા પણ હશે, અપ્સરા પણ હશે.

કયામતમાં ઈન્સાફ થાશે પછી,
હશે ક્રૂરતા પણ, દયા પણ હશે.

મટે કેમ ના રોગ, શોધો ભલા,
જો પીડા હશે તો દવા પણ હશે.

કયામતની રાહ એટલે જોઉં છું,
કે ત્યાં તો ‘જલન’ મારી મા પણ હશે.

          – જલન માતરી

Saturday 23 February 2019

ગીત

*આપણી રીતે રહેવું*

આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: 
નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું

મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક:
નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું

લેવું દેવું કાંઈ નહીં:
કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક:
નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

–ડો.સુરેશ દલાલ

Friday 22 February 2019

ગીત

ગુજરાત મારો બાગ છે.
------------------------------------
ગુજરાત મારો બાગ છે.હું ગુજરાતની થાતી છું.
શુરવીરતાને યાદ કરો તો,ખમીરવંતી છાતી છું.
               ગર્વ કરો ગુજરાતી છું.

તાપી અને સાબરમતી,નર્મદા કંઇ માત છે,
કંઈ ચોટીલો,કંઇ ઇડરીયો,ગિરનાર જેવો તાત છે,
ચોતરફ ઘૂઘવાટ છે,સાગરની હૈયાતિ છું.
             ગર્વ કરો ગુજરાતી છું.

કયાંક જોશી,કયાંક ઘાયલ,ક્યાંક નર્મદની વાત છે,
પન્નાલાલને ધૂમકેતુની,કંઇક ઊંચેરી જાત છે,
રંગ કસુંબલ વાત કરો તો,મેઘાણી નો નાતિ છું.
             ગર્વ કરો ગુજરાતી છું.

જલાબાપુની સેવા બોલે,નરસૈયોં તો ઘર ઘર ડોલે,
સંત -  ફકીરો  ફરતાં -ફરતાં,અંતરમનના તાળા ખોલે,
દયા દાન ને હૈયે ધરતી,માનવતાની જાતિ છું.
          ગર્વ કરો ગુજરાતી છું......

મંદીરોની ધજા ફરકતી,ધોધ તણો પછડાટ છે,
પક્ષીઓનાં કલરવ વચ્ચે,મોર તણો થનગાટ છે,
સુંદરતાની વાત કરો તો,ખુશ્બુ કંઇ મદમાતી છું.
            ગર્વ કરો ગુજરાતી છું...

                     -- દેવેન્દ્ર ધમલ

ગઝલ

હોય છે શબ્દો ય ફાટ્યા ઢોલ જેવા!
સતત ખોડંગાય લોલંલોલ જેવા!
સાંભળી ને ઘાસ પણ મુરઝાય એવા !
ઝીલવામાં હોય પડતા બોલ જેવા!
હો સ્વજન તો હો વજન વહાલપ છલકતું!
જો નહીં તો ત્રાજવે નમતોલ જેવા!
અર્થ સાથે હોય નાભિનાળ તો પણ!
હોય હર સંજોગ માં સમતોલ જેવા!
જીભ થી બોલાય એવું માનવું નહીં!
ઈશારે પરખાય પોલંપોલ જેવા!
જો ભળે હેતુ અલગ"રશ્મિ"ઈરાદે!
સાવ સુક્કાં ઘાસ માં પણ મોલ જેવા!
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ".

ગઝલ

કોઈને સીમ તો કોઈને ખેતર બોલાવે છે,
અમને તો રોજ અમારું રૂડું ઘર બોલાવે છે.

સાલું બહું લાગી આવે છે જ્યારે કોઈ છોકરું,
જીવતા બાપને ડેડ કે ફાધર બોલાવે છે.

એટલે નતમસ્તક ઊભા છીએ, કાયર ના સમજો,
દુશ્મન નહીં દોસ્તોના હાથે ખંજર બોલાવે છે.

પથ્થરને પણ ત્યારે પાંખો ફૂટી જાતી હોય,
જ્યારે ઉડવા માટે આખું અંબર બોલાવે છે.

એ જોઈ વૃક્ષોએ ખંખેરી દીધા સૌ પર્ણો,
કે ખુદ પંખી સામે ચાલી પીંજર બોલાવે છે.

વરસોથી ઈન્તેઝાર આંખે આંજી એ ગામ,
નીચી નજરુની શેરી ને પાદર બોલાવે છે.

ક્યારેક તો તું આંટો દેવા આવજે હો દીકરી,
કે આંસુ સારી તને ઘરનો ઊંબર બોલાવે છે.

શૈલેષ પંડ્યા....
નિશેષ

ગીત

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

– ઉમાશંકર જોષી

ગીત

મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
ને મંદિરની બહાર ભભુક્યા કરતી,
આ જઠરોની જ્વાળા,
કોઇ ન ઠારે? કોઇ ન ઠારે?   

સોનાના હિંડોળા હો, કે હો મખમલના ગાદીતકિયા,
પત્થરની આંખોને તે કંઇ નીંદર આવે?
અરે જુઓ આ મખમલ જેવા બાળકને,
પાષાણ પથારીમાંયે કેવાં
જાતજાતનાં સપનાં આવે?
ભલે પછી એ દોડ્યે રાખે,
આખું જીવતર આ ખાંડાની ધારે ધારે.
એવે ટાણે પુષ્પોના નાજુક સથવારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?

લજ્જા શેરી વચ્ચે આવી સ્વયં વસ્ત્રની ખોજ કરે છે,
ને વસ્ત્રોના હરનારા બેઠાબેઠા કેવી મોજ કરે છે.
અને કાળ પણ આ ઘટનાનું પુનરાવર્તન રોજ કરે છે.
એવે ટાણે લીલાંપીળાં, લાલગુલાબી,
વસ્ત્રોની જૂઠી ભરમારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?

જ્યાં બાળક પહેલા સ્તનપાને, દૂધ નહીં પણ દુઃખ પીએ છે,
જ્યાં જીવન ડગલે ને પગલે,
મધમાખીશા ડંખ જીવે છે,
અને વલોવી ઇચ્છાઓને,
બાળી બાળી જાત સીવે છે.
એવે ટાણે પંચામૃતની મીઠી ધારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
*– કૃષ્ણ દવે*

Saturday 2 February 2019

ગઝલ

ગઝલ-વલ્કલ વસંતી પહેરીને ...

ડાળ પરના ફૂલ કેવા ડોલે છે?
કે વસંતી  વાયરાને તોલે  છે.

કેસરી વલ્કલ  વસંતી   પહેરીને ,
આ કણેકણમાં જગત  આંદોલે છે.

ખેતરોની   ક્યારીમાં   રૂપ   ઉઘડે,
સાંજ   કેસરયાળુ    કેસર ઘોલે છે.

એકડો   ઘૂંટે  પ્રણયની જ્યાં વસંત
દ્વાર આ "દિલીપ" ક્ષણ ના  ખોલે છે.

દિલીપ  વી. ઘાસવાલા (સુરત)

Friday 1 February 2019

ગઝલ

ઈશ્વરનું સર્જન ખાસ છે જીવન.
ને મેઘધનુષ્યનો ભાસ છે જીવન.

પ્રક્રુતિની મનભાવન મ્હેક બની,
ભરતી ઓટનો અવકાશ છે જીવન.

છે સપ્તરંગી સ્વપ્નાંઓ ગુલાબી,
ને અગોચર આવાસ છે જીવન.

છે સુખ અને દુઃખનો સથવારો,
મધુરો ને કડવો વાસ છે જીવન.

સમજી લે સતધર્મનો સાર,
ચારેકોર એનો ઉજાશ છે જીવન.

ચાલવાનું ફૂલ કંટકની કેડીએ,
એનો અનોખો પાશ છે જીવન.

મોંઘો છે અલબેલો આનંદ એ,
મળે ન મળે અનાયાસ છે જીવન.

પ્રીતિબા ગઢવી