Friday 22 February 2019

ગઝલ

કોઈને સીમ તો કોઈને ખેતર બોલાવે છે,
અમને તો રોજ અમારું રૂડું ઘર બોલાવે છે.

સાલું બહું લાગી આવે છે જ્યારે કોઈ છોકરું,
જીવતા બાપને ડેડ કે ફાધર બોલાવે છે.

એટલે નતમસ્તક ઊભા છીએ, કાયર ના સમજો,
દુશ્મન નહીં દોસ્તોના હાથે ખંજર બોલાવે છે.

પથ્થરને પણ ત્યારે પાંખો ફૂટી જાતી હોય,
જ્યારે ઉડવા માટે આખું અંબર બોલાવે છે.

એ જોઈ વૃક્ષોએ ખંખેરી દીધા સૌ પર્ણો,
કે ખુદ પંખી સામે ચાલી પીંજર બોલાવે છે.

વરસોથી ઈન્તેઝાર આંખે આંજી એ ગામ,
નીચી નજરુની શેરી ને પાદર બોલાવે છે.

ક્યારેક તો તું આંટો દેવા આવજે હો દીકરી,
કે આંસુ સારી તને ઘરનો ઊંબર બોલાવે છે.

શૈલેષ પંડ્યા....
નિશેષ

No comments:

Post a Comment