Monday 31 October 2016

ગીત

મન, હું કેમ તને સમજાવું...??
સહેલું ક્યાં છે ગીત હ્રદયનું સાવ સહજ થઇ ગાવું..?

કહેવાનું તડકે મૂકી ને કાન મેં સરવા રાખ્યા,
હોવું હાથ ની બહાર હતું તો થાવાના ફળ ચાખ્યા,
હોય પલાખા સંબંધોમાં એમાં ક્યાંથી ફાવું...?
મન, હું કેમ તને સમજાવું..??

ક્ષણની ઉપર ક્ષણની ઝીણી છાપ સતત અંકાતી,
જાત સમયના નિભાડે એમ સોનલવરણી થાતી,
આમ તરોતાજા રહેવા અહિં રોજ પડે કરમાવું...
મન, હું કેમ તને સમજાવું..??

તું તો સપના જોવા કાજે સોળ સજે શણગાર,
મારા કાંડા રોજ કપાતા કરવા એ સાકાર,
તારી સાથે સહમત થઇ ને અઘરું સાચા થાવું...
મન, હું કેમ તને સમજાવું..??

------ લક્ષ્મી ડોબરિયા.

ગઝલ

આ મોહબ્બતની રાહ લાગે છે,
ત્યાગમાં પણ ગુનાહ લાગે છે.

પ્રેમપંથે શિખામણો છે ગલત,
એજ સાચી સલાહ લાગે છે.

એમ લાગે છે સૌ જુએછે તને,
સૌમાં મારી નિગાહ લાગે છે.

આંખ તારી ઉપર ઠરી ના શકી,
દિલમાં ભરપૂર ચાહ લાગે છે.

તેથી અપનાવી મેં ફકીરીને,
તું ફકત બાદશાહ લાગે છે.

આશરો સાચો છે બીજો શાયદ,
સૌ અધૂરી પનાહ લાગે છે.

કેમ કાંઠો નઝર પડેછે ‘મરીઝ’?
કાંઈક ઊલટો પ્રવાહ લાગે છે.

– મરીઝ

ગીત

ઝાકળનાં ટીપાંએ ડોરબેલ મારી ને, કળીઓએ બારણાં ઉઘાડયાં રે લોલ;
આછા અજવાસમાં રંગો સુગંધોએ, દોડીને પગલાંઓ પાડયાં રે લોલ!

દૂર દૂર સ્ક્રીન ઉપર ઉપસી રહી છે સ્હેજ ઉષાની લાલ લાલ લાલી રે લોલ
લીમડાની લીફ્ટમાંથી નીચે ઉતરીને બે’ક ખિસકોલી વોક લેવા ચાલી રે લોલ

બુલબુલના સ્ટેશનથી રીલે કર્યું છે એક નરસિંહ મ્હેતાનું પરભાતિયું રે લોલ
લીલાં ને સૂક્કા બે તરણામાં સુઘરીએ કેટલુંયે જીણું જીણું કાંતિયું રે લોલ

ચાલુ ફ્લાઇટમાંથી ભમરાએ કોણ જાણે કેટલાયે મોબાઈલ કીધા રે લોલ
એવું લાગે છે જાણે આખ્ખીયે ન્યાતને ફૂલોનાં સરનામાં દીધાં રે લોલ

ડાળી પર ટહુકાનાં તોરણ લટકાવીને વૃક્ષોએ આંગણાં સજાવ્યાં રે લોલ
પાંખો પર લોડ કરી રંગોનું સૉફ્ટવેર રમવા પતંગિયાઓ આવ્યાં રે લોલ
                                 કૃષ્ણ દવે .

ગીત

મને આપો ઉછીનું સુખ થોડું
હજીય એ ના દે થઇ ગયું મોડું

અમને આપી છે એવી બાવળની ડાળ
કે ફૂલ કદી ખીલ્યા નહી,
અમને સબંધો વળી આપ્યા રેતાળ
કે નીર કદી ઝીલ્યાં નહી,
હું તો હરણાની પ્યાસ લઈ દોડું
મને આપો ઉછીનું સુખ થોડું.

ટહુકા આપ્યા ને પાછાં પીછાં આપ્યા
ને પછી સામે આ ખડકી દિવાલ,
ઉડે છે ધૂળનાં રે વાદળ ને
આસપાસ પારધીએ પાથરી છે જાળ,
બંધ આંખે ઉજાગરાને ઓઢું
મને આપો ઉછીનું સુખ થોડું.

- જગદીશ જોષી

ગઝલ

નયનથી અજાણે શરારત થવાની,
નજર એક દીવસ ઈબાદત થવાની.

હતો રાહમાં હું બગીચો સજાવી
કળીઓ હૃદયની અમાનત થવાની.

અધીરી હથેળી ભરી કંકુ ચોખા
હવે જિંદગીમાં નજાકત થવાની.

દરદને ભગાવી બન્યો છું છબીલો,
હઠીલી પિડાની મરામત થવાની.

લખે છે લખાણો હરખનાં નઝૂમી
'કજલ'ના કરમની કરામત થવાની.

કશ્યપ લંગાળિયા "કજલ"

Sunday 30 October 2016

ગઝલ

વિકસતા વ્હાલ જેવું વિશ્વમાં વ્હાણું નથી જોયું,
શરમની લાલી જેવું રંગનું લ્હાણું નથી જોયું.

પ્રિયાના નેન જેવું કોઈ ઠકરાણું નથી જોયું,
ઊભરતા આત્મ જેવું ઉચ્ચ નજરાણું નથી જોયું.

નથી સૌંદર્ય દેખાતું તો એ છે દોષ દૃષ્ટિનો,
તમે શું સ્નેહથી સૌંદર્ય સરજાણું નથી જોયું ?

મહકતાં ગુલ, ચહકતી બુલબુલો, બહેલી બહકતાં દિલ,
ઉષા લાવી છે એવું અન્યનું આણું નથી જોયું.

નથી જોયું જીવનમાં જોયા જેવું એમ માની લે,
યદિ તેં જીવ દેવા જોગ ઠેકાણું નથી જોયું.

રહે અદૃશ્ય પણ એની હવા યે પ્રાણ પૂરે છે,
વધારે આથી મીઠું કોઈ ઉપરાણું નથી જોયું.

ભલે ગાફિલ કહી સંગીતકારો સહુ કરે અળગો,
ગઝલ જેવું હૃદયના રંગનું ગાણું નથી જોયું.

-મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

અછાંદસ

એક દીવો છાતી કાઢીને
છડેચોક ઝળહળે,
તો એ અંધારાના
સઘળા અહંકારને દળે.
હરેક ચીજને એ આપે સૌ સૌનું
મૂળ સ્વરૂપ
આવું મોટું દાન કરે
તો પણ એ રહેતો ચૂપ
પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય
કાજ બસ બળે !
અંધકાર સામે લડવાની વિદ્યા ક્યાંથી મળી ?
કિયા ગુરુની કૃપા થકી
આ રીત તપસ્યા ફળી ?
હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે …

– રમેશ પારેખ

ગઝલ

અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.

તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.

છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જતના સમજાવ મને,
માથે આખો સૂરજ લઇ ને સાંજ બપોરે ગાળી છે.

કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલિલ’,
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.

- ખલિલ ધનતેજવી

છંદ

છંદ

તેજના તાંતણે

तेजना तांतणे

आ तरफ सांढणीओ झूकेली हती
हा,हती केडीओ पण खूटेली हती

ऊर्फ आ तेजना तांतणे तांतणे
बत्तीओ मीणमां ओगलेली हती

सढ फफडता फफडता फरकता हता
होडीओ  होडमां  उतरेली  हती

ऐक पंडित बनी ना शक्यो झाडवुं
पोथीओ  चोतरफ  वींटलेली  हती

मूलथी झाड उखडी पडे ऐ रीते
आपणी आ समज उखडेली हती

                भरत भट्ट

ગઝલ

ગા ગા લ x2 લ
##ગઝલ##

તું  એટલે  જ  ગઝલ ,
હું   એટલે  જ  ગઝલ.

અંતર   તણું   ધૂમ    જ,
બૂ   એટલે   જ  ગઝલ.

કલ્પના  તણો   સાગર,
શું ? એટલે  જ  ગઝલ.

નાજુક નમણુ  કવન જ ,
રૂ  એટલે   જ   ગઝલ.

શબ્દની  નદી   નું   જળ,
ભૂ , એટલે   જ   ગઝલ.

સંદીપ ભાટીયા

અછાંદસ

મારા ગામની
કૂણી કાકડી જેવી કેડીઓની સરખામણી
આ મસમોટા અજગર જેવા હાઈ-વે સાથે
ન હોય
મારા બાપ !
પણ
સવાલ હતો ગામ લોકોના વટનો
એટલે સહકાર તો આપવો પડે
બધાએ !
ખૂણે -ખાંચરેથી,
સીમ-ખેતરેથી
કેડીઓ બધી ભેગી થઈ
મનિયા નામે વાણિયાને ત્રાજવે તોલાવા !
ગીતો ગાયાં ગામની સ્ત્રીઓેએ
કેડીઓને પોરસ ચઢાવવા
અને
કવિઓએ લખી કવિતાઓ જોશ ભરેલી !
પણ તોય
બાપડી કેડીઓ ઈ કેડીઓ જ
હાય-વે પાસે એનું કેટલું ગજું?
બહુ ખરાબ રીતે
હારવાની તૈયારીમાં જ હતી બાપડી,
ત્યાં જ પાછળ સંતાઈને
તમાશો જોઈ રહેલી ચંદલીઅે
પોતાના ઝાંઝરનું એક રૂમઝૂમ
કાઢીને મૂકી દીધું કેડીવાળા પલ્લામાં
હળવેકથી !
અને તરત જ નમી ગયું કેડીનું પલ્લું.
બિચારા હાઈ-વેને આની કાંઈ
ખબર પડી નહિ .
પછી તો બોલી ગઈ રમઝટ રાસગરબાની
આખા ગામમાં
એક બાજુ વિજયના ઉલ્લાસમાં
ગાંડીતુર ચંદલી, ગામ અને કેડી ,
બીજી તરફ નરમ ઘેંશ જેવો હાઈવે
અને વચ્ચે ખાલી ત્રાજવાં ખખડાવત
બબૂચક મનિયો શું કરે બિચારો?

-મનસુખ લાખાણી

ગઝસ

ગઝલ

અમારે આંગણે પણ  આજ દિવાળી કરો,
તમે આવી અમારી રાત અજવાળી કરો!

અમે તો ઊંબરે  કૈં લાભ-શુભનેચીતર્યાં,
હવેસાર્થક તમેએ વિઘ્ન સૌ ટાળી કરો!

અહીં તો દર્દો-ગમની રેત ઊડેછેસતત,
હસી  થોડું  તમે  વસ્તી હરિયાળી કરો!

અમેશણગારી તો છેજાત, દુનિયા, જિંદગી;
તમેસ્પર્શી  બધી  બાજુથી રૂપાળી કરો!

અમેછીએ સ્વયં બરછટ બહુસાચું 'સુધીર',
તમેઓઢી  ઘડીભર  જાત સુંવાળી કરો!

---- સુધીર પટેલ

ગીત

કોણ વરસાદનું કદ જુએ છે ? કોણ છાંટાનાનિરખે ઠઠારા ?
કોણ જુએ છે રેલાની દાનત ? કોણ   જાણે  છે ઝીણા મૂંઝારા ?

આ તે ચોમાસું છે કે જુલમ છે ? અમને વાગે છે  ઘોંઘાટ વસમો ,
પડતો વરસાદ દાંડીની પેઠે : થઇ જતા સર્વ   માણસ  નગારાં !

એક   વરસાદના   અર્થ   થાતાં   છાપરે   છાપરે  સાવ   નોખા,
ક્યાંક કહેવાય  એને  અડપલાં  ક્યાંક   કહેવાય એને  તિખારા .

હોત  એવી  ખબર  કે  છે આ તો માત્ર છાંટા, નથી કોઈ નાણું,
તો તો  વરસાદથી આવી  રીતે વ્યર્થ ભરીએ શું કરવા પટારા ?

આવે  છાંટા  બુકાનીઓ  બાંધી, આવે  વાછંટ તલવાર લઈને
છે  કયો  દલ્લો  મારી  કને  કે  ધાડ   પાડ્યા   કરે   છે  લૂંટારા ?

મારી  રોકડ  મૂડીમાં  તો કેવળ એક ‘ર’ છે, ને ‘મેં’ છે, ને ‘શ’ છે,
બાકી વરસાદના  નામે  લખીએ  આમ હૂંડી, ને કરીએ ગુજારા

– રમેશ પારેખ

ગઝલ

એક દીવો હાથમાં લઇ આવ તું,
તે પછી તોફાનને બોલાવ તું.

આંખ છે કે જ્યોત સમજાતું નથી,
સહેજ તો દીવો નજીક લઇ આવ તું.

આભ એ અજવાળી શકવાનો નથી,
એના કરતાં દીવો ઘરમાં લઇ આવ તું.

હોય જ્યાં હૈયું જ ઝળહળતું સદા,
ત્યાં અમસ્તો ના દીવો સળગાવ તું.

ને તને શ્ર્ધ્ધા જ હો કે નહીં ડૂબે,
તો ભલે જળમાં દીવો સરકાવ તું.

કે હવે ક્યાંથી સળગશે જ્યોત થઇ?
થઇ ચૂકી અંધારમાં ગરકાવ તું.

એટલાથી જાત કૈં પરખાય ના -
સેંકડો દીવા ભલે સળગાવ તું.

એ ભલેને હોય મૃત્યુ, શું થયું?
માર્ગમાં એને દીવો બતલાવ તું.
– રવીન્દ્ર પારેખ

ગઝલ

સાધુવેશ—સંજુ  વાળા

એક તાંતણે પૂણ્ય પરોવ્યાં, બીજે અગણિત ગુના,
ભડભડ સળગ્યાં એક તિખારે,  બન્ને ઢગલા રૂ-ના

જે નિહાળે એજ ખેલતા ચોર સિપાહી રમત
જેને  જેનો  નિષેધ બાંધે, તેને તેની મમત
એમ  પરસ્પર  ઓતપ્રોત  થઈ  ઘા સંકોરે  જુના

લયના સૌ  લાગા ચુકવતાં વાણીના વાણોતર
જાચકની ઝોળીને કઈ ના, આગોતર પાછોતર
રાચંતા  નાચંતા  રગરગ  ભરતા   ભાવ અધૂના

થૈ-માંથી  થડકાર  ગ્રહી લે,  રે આલાપી  રજસ
ભ્રમણવ્રત લઇ ભમતા રમતા ભોગવતાં સૌ રસ
રંગ-ગોચરી   રળવા  ચાલ્યા  વેશ  ધરી  સાધુના

ગઝલ

ધેન એવું આંખને  ઘેરી વળે,
ઝાલરો વાગે પછી ડેરી તળે!

હું ઉદાસીને હવે શોધુ બધે,
સાવ ખોટા હાસ્ય નીચે ટળવળે!

લોકશાહીનો અરથ છે એટલો,
બોલવાનું,બાફવાનું તક મળે!

કૈંક સાધુ જોઉં છું ટીવી ઉપર,
ને હિમાલય ભર શિયાળે ઓગળે!

આ ગરીબીના હજી મેળા ભરાય,
ને અમીરી મંચ પર ટોળેવળે!

-શિવમ રાજપુત

ગઝલ

ગઝલ

સ્મરણ નીર તારું નયન થી ઝરે છે,
દરદ પીગળીને સરીતા સરે છે.

અઢેલી હતી પીઠ થી પીઠ એની,
પરાયો ગણીને હવે એ ફરે છે.

બળે મીણ માફક, વળે ફીણ માફક,
ઉથલપાથલો લાગણીઓ કરે છે.

હઠીલા હતા પીઠ ઉપર ઘણા ઘા,
ખણીને ફરી એ હકીમો ભરે છે.

જુઓ મોત આવે  તમાશો  બનીને,
'કજલ'ની કબર પણ હવામાં તરે છે.

કશ્યપ લંગાળિયા "કજલ"

ગઝલ

"પછી પૂછજો."

હાથમાં હાથ આપો પછી પૂછજો.
આંગણે છાપ છાપો પછી પૂછજો.

ખોળજે લાગણી તું અહીં હૃદયે,
ભીંતરે વે'ણ માપો પછી પૂછજો.

અગન આ પ્રીતની ના જણાઈ તને,
ખુદ અંગાર ચાંપો પછી પૂછજો.

વેદનાની કિમત હીર થૈ ઝીલવા,
પ્રેમનાં જાપ જાપો પછી પૂછજો.

પાસ બેઠાં મને નીરખી છે ક્યારે,
"શગ"બની સાથ તાપો પછી પૂછજો.

-શીતલ ગઢવી "શગ"

ગઝલ

કાનમાં   તારાં   કહેવાને    વધેલી   હામ  છે,
એક સુખનાં સ્પર્શની ઇચ્છા જ ખુલ્લેઆમ છે.

આમ  અઢળક  કલ્પનાં ને  પાંખ સ્ફૂરે છે હવે,
તોય  લાગે  છે  હજી આ  જિંદગી બેનામ છે.

આપણો  સોદો  ભલે નાં  હોય  કોઈ  પ્યારનો,
એક  પળ વીતાવ મારી  પાસ  મોંઘો  દામ છે.

હા   કબૂલી  છે  નરી  ભૂલો,  ગુનેગારી  કરી,
એ  જ વાતે  નામ  મારું  લોકમાં બદનામ છે.

છે  ઘણાં  પ્રસંગનાં  તાજાં જ  અંજામો ખરું,
એક  બારી  ઊઘડે તો , ખીલતો  આરામ  છે.

હોય છે સુખ-દુઃખ કવનમાં એ  તહેવારો  સમું,
ઊજવું  છું , જિંદગીનો   એ સુગંધી  જામ છે.

છે અધીરી આજ 'જ્ન્નત' પામવા સઘળું ભલે,
કે  હવે  સમજાય છે, બસ  એક તારું કામ છે.

-જ્ન્નત
પિનલ સતાપરા

Saturday 29 October 2016

ગઝલ

વાત જાણે જરા જુદી લાગી,
તેં દીધી તો દુઆ  ,જુદી લાગી.

બસ ગઝલમાં પરોવી લીધી તો ,
જિંદગીની વ્યથા , જુદી લાગી.

છેવટે બે - ગુનાહ થયો સાબિત,
તે છતાં પણ , સજા જુદી લાગી.

નીક્ળયો છું અને ઘણું ચાલ્યો  ,
તે પછી આ દિશા .,જુદી લાગી !

એ  ના  એ  તો  હ્તા , બધાં  ''નીરવ'' ,
કેમ આબોહવા  , જુદી લાગી ?

---નિરવ વ્યાસ.

ગઝલ

ઉજાસના આ પર્વમાં સૌ ને નોખું - અનોખું અજવાળું સાંપડે એ જ શુભકામના.
________________________________

થોડા-ઘણા તનાવથી અજવાળું થાય છે.
ખુદને કરેલી રાવથી અજવાળું થાય છે.

જ્યાં મીણ કે બરફ થઈ ખુદને મળી શકો,
એવા બધા બનાવથી અજવાળું થાય છે.

સૂરજને ખોટું લાગશે,  આ એક વાતથી,
અહિં ભાવ ને અભાવથી અજવાળું થાય છે.

છે શબ્દના કે મૌનના, નહિ તારવી શકો,
દેખાય નહિ એ ઘાવથી અજવાળું થાય છે.

સહમત બધી ય વાતમાં ના થઇ શકાય પણ,
ના કે હા ના પ્રભાવથી અજવાળું થાય છે.

આ દર્દ, પીડા, વેદના જોતા રહી ગયા,
ખુશીઓની આવજાવથી અજવાળું થાય છે.

નડતા નથી સવાલ મને કાલના હવે,
આ આજના લગાવથી અજવાળું થાય છે.

------- લક્ષ્મી ડોબરિયા.

ગીત

અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….

– માધવ રામાનુજ

ગઝલ

દર્દ સામે કસ લગાવી બીડી ફૂંકો,
દુ:ખ ધુમાડા પર ચડાવી બીડી ફૂંકો!

ધર્મની ધૂણી ધખાવી આંગણામાં,
જાતની પંગત જમાવી બીડી ફૂંકો!

ફૂંકવા લાગે કવેળાનો પવન તો,
હાથનો પાવો બનાવી બીડી ફૂંકો!

ડુંગરે ડેરી મથાળે સાધુ બેઠો,
કાળને પણ કચકચાવી બીડી ફૂંકો!

જો જગાડે યાદ મધરાતે શિવમ તો,
ઠુંઠકે બીડી જલાવી બીડી ફૂંકો!

-શિવમ રાજપુત

સર્વ કાઢે છે બળાપો આજકાલ,
થાય છે મોંઘા બજારો આજકાલ!

શ્વાસના હપ્તે અમે જીવી ગયા,
જેમ જીવે છે હજારો આજકાલ!

સાવ છૂટી ધારથી વરસે છે ક્યાં,
મેઘને ડૂમો ભરાણો આજકાલ!

મેં સ્વપ્નો પણ ફિક્સ રાખ્યા પાંચ વર્ષ,
જેમ ચાલે છે પગારો આજકાલ!

સ્વર્ગમાં સુતા  શહીદો જાગશે!
બંધ રાખો આ લવારો આજકાલ!

-શિવમ રાજપુત

ફુલ જેવું મ્હેકવું સારું નહીં,
સાવ ખુલ્લું જીવવું સારું નહીં !

ઠીક છે વિશ્વાસ રાખો પણ,બધે-
આંધળા થઇ કૂદવું સારું નહીં !

ખ્વાબ થાઓ કોઇના તો આફતાબ,
તારા જેવું તૂટવું સારું નહીં !

ચાહવાનું એકને રાખો તમે,
દિલ બધાનું તોડવું સારું નહીં !

વાતથી પણ ગૂંચ ઉકેલી શકાય,
આમ તારું રૂઠવું સારું નહીં.

-શિવમ રાજપુત

સાંજના ઉતર્યા છે ઓળા,ચાલ પાછો ઘર તરફ!
દ્વાર બોલાવે છે ખુલ્લા,ચાલ પાછો ઘર તરફ!

ભીડ તો ભરખી શકી નહિ આ શહેરોની તને,
મારશે આ માર્ગ પ્હોળા,ચાલ પાછો ઘર તરફ!

થાંભલીની આડશે આંખો ઉભી ભીની બની,
બોલતા કાજળના રેલા,ચાલ પાછો ઘર તરફ!

એક બાળક ધૂળ ખાતું જોઈ હું ભૂલો પડ્યો,
ધૂળને ફૂટી છે વાચા,ચાલ પાછો ઘર તરફ!

આ ભરમનો ભાર વેઠી ક્યાં જશો? કોની તરફ?
દંભના છોડી ઉચાળા,ચાલ પાછો ઘર તરફ!

-શિવમ રાજપુત

गजल

અભિનવ સા. સભા દ્વારા गीत - गझल स्पर्धा: 1

☘ गीत-गझल स्पर्धा -१ ☘

मित्रो,
"अभिनव साहित्य सभा" वेबसाइट द्वारा "गीत अने गझल स्पर्धा" नुं आयोजन करवामां आवेल छे. जेमां नीचे मुजब नियमोने अनुसरवाना रहेशे.

👉गीत के गझल बेमाथी अेक ज स्पर्धामां भाग लइ शकाशे. गुजराती भाषामां रचना होवी जोईए.

👉भावनिरुपण अने स्वरुपसिद्धिने ध्याने लेवामां आवशे. छंद, भाषा, लय वि. ध्याने लेवामां आवशे.

👉कृति मौलिक/स्वरचित होवी जोइए. अन्य कोई माध्यमथी प्रकाशित थयेली न होवी जोईए. तरही के अन्य कविनी रचनाना पडघारुपे लखायेल कृति न मोकलवी

👉 निर्णायकनो निर्णय आखरी रहेशे.

👉 1 थी 3 नंबर प्रप्त करनार विजेता सर्जकोने शिल्ड, प्रमाणपत्र, रोकड पुरस्कार अने शाल ओढाडीने सन्मानीत करवामां आवशे.4 थी 10 ने प्रमाणपत्र अने ग्रंथो भेटरुपे आपवामां आवशे

👉जे कृति स्पर्धा माटे मोकलवी होय तेनी नीचे स्पस्ट लखवुं: "आ कृति स्पर्धा माटे छे." नीचे कोन्टेक नंबर लखवो.

👉 कृतिनी सोफ्ट कोपी मोकलवा माटे वोटसेप नंबर: 98798 35717 छे.

👉 वोटसेपनी व्यवस्था न होय तो हार्ड कोपी त्रण नकलमां नीचेना सरनामे मोकलवी.
           डॉ. भावेश जेतपरिया
           205, तक्षशिला एपार्ट.
           कन्या छात्रालय पासे,
   शनाळा रोड, मोरबी.पीन 363641

👉कृतिनी ता.14-11-16 (देवदिवाळी) सुधीमां मोकली आपवी. त्यार पछी आवनार कृतिने ध्याने नहि लेवाय.

            ☘ संयोजक ☘
          डॉ. भावेश जेतपरिया

        ☘विशेष सलाहकार☘
                  भरत भट्ट
                मंथन डिसाकर
                
           ☘विशेष सहकार☘
       मोरबी जिल्ला साहित्य वर्तुळ
        मोरबी जिल्ला सारस्वत ग्रुप
           अभिनव साहित्य संगम
              
               ☘आयोजक:☘
            अभिनव साहित्य सभा

               ☘स्पोन्सर:☘
               स्वरांगन,मोरबी.

             ☘युवा टीम☘
   रवि डांगर,कवि प्रेम,जनार्दन,गौतम,धनेश

नम्र विनंती: आ पोस्टर अन्य ग्रुपमां मोकलशो. कविमित्रोने व्यकितगत जाण करशोजी.....

ગઝલ

નીંદને લૂંટી જવાનાં કારણો આપો,
સ્વપ્નને ઝૂટી જવાનાં કારણો આપો..

સળવળી રે'તાં સતત જે સ્વપ્ન આંખોમાં,
લ્યો પલક ચૂંટી જવાના કારણો આપો..

જીંદગી ઊભી વળાંકો પર અનોખા ત્યાં,
રાહબર છૂટી જવાનાં કારણો આપો..

બાગનાં ફૂલોની વાતો પણ સુગંધીદાર
બાતમી ફૂટી જવાનાં કારણો આપો..

આ છે વિહ્વળતા "તૃષા"ની રણ મહીં મૃગ સમ
અશ્રુઓ ખૂટી જવાનાં કારણો આપો

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

ગઝલ

હા, કમાણી ઉમ્રભરની ફક્ત પથ્થર હોય છે;
બાંધણી સૌની કબરની ફક્ત પથ્થર હોય છે.

કંકુથાપો સ્હેજ ભૂંસાતાં રુએ છે એ ઘણું,
આમ છો દીવાલ ઘરની ફક્ત પથ્થર હોય છે.

કાચ જેવા આ હૃદયને તું કહે હું ક્યાં મૂકું?
ચીજ સૌ તારા નગરની ફક્ત પથ્થર હોય છે.

સાવ સૂની આંખમાં પડઘા પડે છે યાદના,
યાદ જ્યારે હમસફરની ફક્ત પથ્થર હોય છે.

માથું પટકે તોય 'બેદિલ' પ્રાર્થના નિષ્ફળ જશે,
મૂર્તિઓ શ્રદ્ધા વગરની ફક્ત પથ્થર હોય છે!

~અશોક ચાવડા 'બેદિલ'

ગઝલ

== ગઝલ યુગ્મ ==

પૂર્વાર્ધ

જાગતા ઊંઘી જવાના કારણો આપો
આંખથી ચૂમી જવાના કારણો આપો

કોકડું  વાળીને  મૂકી  દીધું રસ્તાનું
મંઝીલો ધૂતી જવાના કારણો આપો

મેં હજુ થાળી જ પીરસી ને તરત બોલ્યા
કોળીયા ખૂટી જવાના કારણો આપો

રંગ ભીના વાદળા પડકારવા પડશે
આંસુઓ લૂટી જવાના કારણો આપો

શોખ 'મંથન'ને ઘણો મુશાયરાનો છે
મંચથી ઊઠી જવાના કારણો આપો

ઉત્તરાર્ધ

જાગતા ઊંઘી જવાનું એજ કારણ છે
ઊંઘને ભૂલી જવાનું એજ કારણ છે

કોકડું વાળીને મૂકી દીધું રસ્તાનું
મંઝીલો ધૂતી જવાનું એજ કારણ છે

મેં હજુ થાળી જ પીરસી ને તરત બોલ્યા
કોળીયા ખૂટી જવાનું એજ કારણ છે

રંગ ભીના વાદળા પડકારવા લાગ્યો
આંસુઓ લૂટી જવાનું એજ કારણ છે

શોખ 'મંથન'ને થયો મુશાયરાનો પણ
મંચથી ઊઠી જવાનું એજ કારણ છે

== મંથન ડીસાકર (સુરત)

ગઝલ

લખી પ્રેમ ની જ્યારે  જ્યારે કહાની,
દિવાલો  રડી છે પછી છાની માની.

ખબર છે ફરી એ નથી  આવવાની,
ધરાઈને   જીવી   લઇએ   જવાની

ઘણીવાર અડધેથી પાછો વળ્યો છું,
ઉતાવળ નથી મંઝિલે પહોંચવાની.

અમારા ઝખમ જોઇ તલવાર બોલી,
અહીં  યાર  તકરાર કાયમ થવાની.

દીવો તારો ઝળહળ થશે આપમેળે,
જરી  લેરખી  આવશે   જો  હવાની.

ચહેરો  બતાવી  શકે ના એ  ખોટો,
અરીસામાં  છે   એટલી  ખાનદાની

મેહુલ ગઢવી 'મેઘ'

ગઝલ

ચાલ હવે,ભેદ ભાવ ભુલી થોડુ સહચયીઁ એ.
આજ હવે,બધુ ભુલી એક નવો પંથ કંડારી એ.

ચાલ હવે,થોડી થોડી નવી ઓળખાણ કરી એ.
આજ હવે,રસ્તા જયાં પુરા થાય ત્યાંથી શરુ કરી એ.

ચાલ હવે, સમય ના થર ની ધુળ ને ખંખેરી એ.
આજ હવે, જુની વાતો ને નવુ રુપ આપી એ.

ચાલ હવે, ચાહત નો ઉત્સવ મનાવી એ.
આજ હવે,ફુલો ની ફોરમ થી જીવન મહેંકાવી એ.

ચાલ હવે,'કાજલ' નવા સાજ- શણગાર સજી એ.
આજ હવે,આ તહેવાર ને મનભરી મનાવી એ.

__ કિરણ શાહ

ગઝલ

સાથ ખોયો બેખબર કોને ખબર,
પૂર્ણ થાશે ક્યાં સફર કોને ખબર.

વિખરી માળા પડી છે એકલી,
જીવશે મોતી વગર કોને ખબર.

તોરણો ની આંખ છલકી છે જરા,
દર્દ મારું ઘર ઉપર કોને ખબર.

ઠેઠ આરે નાવ આવી ને ડુબી  ,
એક આ તારા વગર કોને ખબર  .

આ 'કજલ' ની રાહ ભૂંસી નાંખવા
વાયરે ચડયું નગર કોને ખબર

કશ્યપ લંગાળિયા -"કજલ"

ગઝલ

જાગતા ઊંઘી જવાના કારણો આપો
આંખથી ચૂમી જવાના કારણો આપો

કોકડું વાળીને મૂકી દીધું રસ્તાનું
મંઝીલો ધૂતી જવાના કારણો આપો

મેં હજુ થાળી જ પીરસી ને તરત બોલ્યા
કોળીયા ખૂટી જવાના કારણો આપો

રંગ ભીના વાદળા પડકારવા પડશે
આંસુઓ લૂટી જવાના કારણો આપો

શોખ 'મંથન'ને ઘણો મુશાયરાનો છે
મંચથી ઊઠી જવાના કારણો આપો

== મંથન ડીસાકર (સુરત)

ગઝલ

बिंबना छूटी जवाना कारणो  आपो
आयनो फूटी जवाना कारणो आपो

आपी शकशो कारणो दावा दलीलोथी
तर्कना  तूटी  जवाना  कारणो  आपो

काव्यनी  देवी  बधाने  पूछती-रडती
छाती आ कूटी जवाना कारणो आपो

मारी अंदर हुं ऊभो रही जाउं छुं ऐमज
मार्ग सहु खूटी जवाना कारणो  आपो

आ अटूला ऐकला ऐवा स्थले आव्या
काफलो लूंटी जवाना कारणो आपो

            भरत भट्ट

ગીત

ગીત

શોધું, અટકાવું કે શું કરવું,
સજન અશ્રુ ટપકાવી મોતી માંગે.

હાથ ઝાલું તો છે ધગધગતો લાવા
તારી સિવાય મારે જગા ક્યાં છે જાવા
દીવી જેમ પવન સામે તાગે,
સજન અશ્રુ ટપકાવી મોતી માંગે.

અજબ અનુભવાતી મઘમઘતી માયા
મને છોડી શકશો સાવ હે પડછાયા ?
આંખો મીંચું ત્યાં શમણાઓ જાગે,
સજન અશ્રુ ટપકાવી મોતી માંગે.

          --- ધર્મેશ ઉનાગર

કાવ્ય


ગીત

પ્રભુ દયો દર્શન અમને સુખ શાંતિ મળે મનને
ન તાપ નળે તનને અમે ન ભૂલીએ તમને

લોકો સર્વ માને ધનને ક્યાથી શાંતિ મળે મનને
અમે સર્વ માની તમને એવુ વરદાન દ્યો અમને

કહીશું અમે જગને કે તે યાદ કરે તમને
ન તાપ નળે તનને અમે ના ભૂલીએ તમને

પ્રભુ જે કરે તે સારુ કરે એવો નિશ્ચય જેને થશે
પલ પલ પ્રભુને સ્મરે એની નૌકા નક્કી તરે

ઘડી-ઘડીએ ભૂલ કરે કેવી રીતે એ સ્વર્ગ જશે
કંઇક સારુ કદી એ કરે તો મારગ સાચા ફરે

કહીશું કોશીશ એ કરે વધુ નહી પણ થોડું કરે
પલ પલ પ્રભુને સ્મરે એની નૌકા નક્કી તરે

તમે શુધ્ધ બનો મનથી ન ગર્વ કરો તનથી
એવી ભક્તિ કરો મનથી પ્રભૂ દૂર નથી તમથી

મહાન બને ધનથી ધનિયો કહેવાય ધનજી
ન વિચારે કંઇ જ મનથી ન કરે એ કશું સમજી

સમજાવીશું એને પ્રેમથી કહીશું જગ પૂજે એમથી
એવી ભક્તિ કરો મનથી પ્રભૂ દૂર નથી તમથી.

કુશલ મુલિયા