Saturday 29 October 2016

ગઝલ

દર્દ સામે કસ લગાવી બીડી ફૂંકો,
દુ:ખ ધુમાડા પર ચડાવી બીડી ફૂંકો!

ધર્મની ધૂણી ધખાવી આંગણામાં,
જાતની પંગત જમાવી બીડી ફૂંકો!

ફૂંકવા લાગે કવેળાનો પવન તો,
હાથનો પાવો બનાવી બીડી ફૂંકો!

ડુંગરે ડેરી મથાળે સાધુ બેઠો,
કાળને પણ કચકચાવી બીડી ફૂંકો!

જો જગાડે યાદ મધરાતે શિવમ તો,
ઠુંઠકે બીડી જલાવી બીડી ફૂંકો!

-શિવમ રાજપુત

સર્વ કાઢે છે બળાપો આજકાલ,
થાય છે મોંઘા બજારો આજકાલ!

શ્વાસના હપ્તે અમે જીવી ગયા,
જેમ જીવે છે હજારો આજકાલ!

સાવ છૂટી ધારથી વરસે છે ક્યાં,
મેઘને ડૂમો ભરાણો આજકાલ!

મેં સ્વપ્નો પણ ફિક્સ રાખ્યા પાંચ વર્ષ,
જેમ ચાલે છે પગારો આજકાલ!

સ્વર્ગમાં સુતા  શહીદો જાગશે!
બંધ રાખો આ લવારો આજકાલ!

-શિવમ રાજપુત

ફુલ જેવું મ્હેકવું સારું નહીં,
સાવ ખુલ્લું જીવવું સારું નહીં !

ઠીક છે વિશ્વાસ રાખો પણ,બધે-
આંધળા થઇ કૂદવું સારું નહીં !

ખ્વાબ થાઓ કોઇના તો આફતાબ,
તારા જેવું તૂટવું સારું નહીં !

ચાહવાનું એકને રાખો તમે,
દિલ બધાનું તોડવું સારું નહીં !

વાતથી પણ ગૂંચ ઉકેલી શકાય,
આમ તારું રૂઠવું સારું નહીં.

-શિવમ રાજપુત

સાંજના ઉતર્યા છે ઓળા,ચાલ પાછો ઘર તરફ!
દ્વાર બોલાવે છે ખુલ્લા,ચાલ પાછો ઘર તરફ!

ભીડ તો ભરખી શકી નહિ આ શહેરોની તને,
મારશે આ માર્ગ પ્હોળા,ચાલ પાછો ઘર તરફ!

થાંભલીની આડશે આંખો ઉભી ભીની બની,
બોલતા કાજળના રેલા,ચાલ પાછો ઘર તરફ!

એક બાળક ધૂળ ખાતું જોઈ હું ભૂલો પડ્યો,
ધૂળને ફૂટી છે વાચા,ચાલ પાછો ઘર તરફ!

આ ભરમનો ભાર વેઠી ક્યાં જશો? કોની તરફ?
દંભના છોડી ઉચાળા,ચાલ પાછો ઘર તરફ!

-શિવમ રાજપુત

No comments:

Post a Comment