Saturday 28 October 2017

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

અફવા

અેક બારીમાં છીછકારો હોય તોય
અવાજો થ્યા એવું અફવાનું કહેવું.
ના લેવું કે દેવું તોય શીશીમાં ભરવાના
અખતરા હોય એમ અફવાનું રહેવું.
લોક આની ન માને પણ અફવાની માને.

મૃગજળમાં હળ હાંકે ડચકારા દઈ
એવી આમ વાત વાવી કે ફલવતી થઈ;
હજું બારણાંમાં રમતી'તી રાજ  ને
પછી દરિયાની પાર પૂગી વણથંભી ગઈ.
માણસનાં ટોળાંમાં વાહનમાં આમ
તેમ ફજેતમાં ગોળ ગોળ ફરવામાં રહેવું.
એક બારીમાં છીછકારો હોય તોય.....

ગર્ભેલી વાત કાને સડેડાટ જાય વાયુ વેગે
એની ફૂંકોમાં વાતોની લીંબોળી પાકે;
કાનેથી,આંખેથી વધતી એ જાય બહુ
શેરીને ચોક પછી ઓટલે  જઈ થાકે.
અંધારી રાત જેમ જામરતી જાય
એમ ચમકતી થાય આ અફવાનું એવું.
એક બારીમાં છીછકારો હોય તોય...

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Friday 27 October 2017

અછાંદસ

*સ્મરણ:*

આ ક્ષણો ને મઢી છે
સ્મરણોના
અઢળક કાફલા સાથે,
વીતેલી જિંદગીની
કેટકેટલી યાદો, ફરિયાદો,
સંવાદો ને વિવાદો,
હૈયાનાં હિંડોળા પર
ઝૂલતી રહે છે
અવિસ્મરણીય યાદો
ને ઝૂરતી રહે છે
મારામાં એકલતા.
આશ લઈ બેઠો છું કે
યાદોની અવધિ
પૂરી થતાં  સાકાર થશે
એ મધુર મેળાપનું
સ્વપન..?

*મનુ.વી.ઠાકોર 'મનન'*

ગઝલ

સઘળી ઇચ્છાઓને ખૂબ જ સિફતપૂર્વક ટાળી છે ,
સપનાઓની નાત અમે તો ભડભડ ભડકે બાળી છે.

વાટ જુએ છે એ કુંપળની ,એને જઈ સમજાવે કોણ ?
સઘળાં રસ-કસ સૂકાયા છે ,એ  તો સૂક્કી ડાળી છે.

એનાં માટે  મથવું  સાવે નક્કામું છે , છોડી  દે ,
એ ના થાશે ઉજળો, એનાં મનની ભીંતો કાળી છે

એ ખેંચાતી જાય અવિરત ; આશય બસ એને મળવું
ધસમસતી નદીઓ સાગર કાંઠેથી પાછી વાળી  છે

રાત -દિવસનો નાતો છે એ છોડી અમને જાશે ના ,
પીડાઓને પંપાળીને એવી રીતે પાળી છે !

~શબનમ

ગઝલ

🌻

હાથ જોડી હાથ લાગે ખાનદાની હોય છે
ભાવ થોડો ભાવ સાથે રાજધાની હોય છે

આથમી ગઈ રાત સાથે ચાંદની આકાશમાં
આભ તારી ધાક!ક્ષણ-ક્ષણ માનહાની હોય છે

સ્થિર થાતો સૌરગણ રંગીન થૈ અવની તટે!
વૈભવી અવતાર ગંગા નીવ નાની હોય છે

જળ તળે લીટા કરે મોટી ગજાની માછલી
શેર ને માથે સવા શૈરી સલા'ની હોય છે

તાવ દેતા સામટા ગુનીજનો બેઠા હશે
ખોટ, સાગર ખેડતા એકતાની હોય છે

જાગૃતિ મારુ  મહુવા "જાગુ"
તા-27-10-2017
સમય:-દિવસ-2:20

ગઝલ

આ જીંદગી તો દોસ્તો કપાઇ તે પતંગ છે.
મુકામ એનો જોઇલો હવાની સંગ સંગ છે.

અતુલ્ય એનાં સ્પર્શ નો બહુ અતુલ્ય ઢંગ છે.
શરીર ની દરેક રગમાં વાગે જલતરંગ છે.

જરૂરતોનો એમને શું ડર બતાવશો તમે.
ફિકર કરે જે ભૂખની તે ક્યાં ભલા મલંગ છે?

દુખે કોઈનું દિલ કદી તો અશ્રુ ભીના ગાલ હો.
શું દિલથી આ નજર સુધી છુપી કોઈ સુરંગ છે.

બહુ અજબ છે દોસતો સમયની રીતભાત પણ,
શરીર નાં જહાજ ઉપર આ મૌત નું અલંગ છે!

મહેબૂબ સોનાલિયા

અછાંદસ

રહી શકાશે નહીં કાયમ જાણી શક્યો છુ
કામ સઘળાં આજ આરંભી શક્યો છુ.
મંજિલે પહોચીશ કે નહીં ખબર ના
રસ્તા પર કદમ આજ માંડી શક્યો છુ.
ડૂબે નાવ કિનારે જરા જામ્યું નહીં
મધદરીયે તેથી જ આજ તરી શક્યો છુ.
મંદિરે મંદિરે ખૂબ ભટ્કયો ખૂબ જગે
છતાં  અંતરે એક ઈશ્વર ખોળી શક્યો છુ.
પથ્થરો જ પથ્થરો મળ્યા જગે ઘણાં
પણ ઉગશે એક કૂંપણ હજી એ આશ જાળવી શક્યો છુ.
આમ તો જગે બહુ ઓછા મળે માણસ
છતાં"નીલ " બની ખૂદ માણસ માણસને શોધવા નીકળી શક્યો છુ.

   રચના:નિલેશ બગથરિયા
                 "નીલ "

ગઝલ

વ્યથાઓ એ રીતે એણે કવનમાં કૈદ રાખી છે.
કે જાણે મૌત ની આંખો કફનમાં કૈદ રાખી છે.

જે કબ્રસ્તાન છે તેને બગીચો કઇ રીતે કહેવો.
હજારો દુઃખ ભરી ઘટના નયનમાં કૈદ રાખી છે.

સદા ઘર ના સદસ્યોની બધી ઇચ્છા પુરી કરવા.
બધી ઈચ્છાઓ એણે, એના મન માં કૈદ રાખી છે.

લુટાવું છું હમેશા એટલે સદભાવના મારી
કદી  ફૂલોએ ક્યાં ખુશ્બુ ચમન માં કૈદ રાખી છે.

વિદેશે જઇ વસેલા લાલને ઝંખે છે 'મા' મહેબૂબ,
છતાં માટીની મમતાએ વતનમાં કૈદ રાખી છે.

મહેબૂબ સોનાલિયા

અછાંદસ

દગો થઈ ગયો!
મારી સાથે દગો થઈ ગયો!
વાવી હતી મેં બોરડી
ત્યાં રાતોરાત આંબો થઈ ગયો!
ગજબ થઈ ગયો!
અજબ થઈ ગયો!
કાગડો આવી એના પર બેઠો,
આંબો આખો કાળો થઈ ગયો,
કોણે કર્યો દગો આવો!
આંબા નીચે દેવ ઉભો થઇ ગયો,
આંબાના કાળા કાળા પાન પર
તડકો પડ્યો ને ભડકો થઈ ગયો,
આમ પણ આસુંના દરિયા આંખોમાં ઉછળતા
એનો વરસાદ થઈ ગયો,
બોરડી આંબો બની ,
આંબો પીપળો થઈ ગયો,
જોત જોતામાં એ કાગળ થઈ ગયો,
સાચે જ ગજબ થઈ ગયો,
બોરડી.. .આંબો .. કાગળ ..
દગો છે દગો આ?!
દગો થઈ ગયો!

-સંદિપ આર. ભાટીયા

ગઝલ

શબ્દની ચકમક મળી’તી, ગીત હું જાતે શીખ્યો
કંઈ મળી એવી અધૂરપ, પ્રીત હું જાતે શીખ્યો

જન્મ વેળા તેં રૂદન દઈ મોકલ્યો’તો હે પ્રભુ
એક-બે મહિના રહીને, સ્મિત હું જાતે શીખ્યો 

'કેમ જીવન જીવવું'ના દાખલા પુષ્કળ હતા.
પણ રકમ પામ્યો અલગ, તો રીત હું જાતે શીખ્યો

જાણ થઈ, આનંદ ને આક્રંદ બન્ને શોર છે!
લયને શોધ્યો મધ્યમાં, સંગીત હું જાતે શીખ્યો 

બર્ફ ને અગ્નિ મળ્યા, બસ રૂપ બદલીને સદા
સ્પર્શથી.. શું ઉષ્ણ, શું છે શીત..! હું જાતે શીખ્યો

સંતુલન પ્રારબ્ધ ને પુરુષાર્થનું કેવું રહ્યું!
હાર શીખવી તેં, સમય! ને જીત હું જાતે શીખ્યો. 

રઈશ મનીઆર

ગઝલ

એક પંક્તિમાં તું આવી જાય છે,
બીજી લીટી ક્યાં પછી સર્જાય છે ?!

માવઠાને કોણ સમજાવે હવે ?!
બ્હાર મારાં સપનાં પણ સુકાય છે.

હું ઊભી છું રણમાં ને મારું આ મન,
સામે દરિયા પાર પહોંચી જાય છે.

રાતરાણી હોય કે સૂરજમુખી,
પ્રેમના નામે સમર્પિત થાય છે.

મોત સામે આ તે કેવી જંગ છે ?
માણસોની જિંદગી ખર્ચાય છે.

– મેગી આસનાની

ગઝલ

મજા આવે....

બધા ધર્મો જગત થી નાશ પામે તો મજા આવે,
ગગન માં પણ ભયંકર આગ લાગે તો મજા આવે.

ખુદા જેવા ખુદા નું તંત્ર ક્યાં તારીફ ને લાયક છે,
એ શાસનનો ય જલદી અંત આવે તો મજા આવે.

કયામતમાં ખુદા જોવા તો મળશે એ જ લાલચથી,
કયામત કાલે શાને?આજ આવે તો મજા આવે.

કો'ઠારે તો મળે રાહત 'જલન' આ આગ હૈયાની,
અગર એમાં જરી થોડી વધારે તો મજા આવે.
           
              - જલન માતરી

ગઝલ

તલબગારી જતાવે છે પરંતુ ભાવ ઓછા છે,
સમજદારી બતાવે છે પરંતુ ભાવ ઓછા છે.

અમે આદર વધું દીધાં છતાં એ ચાહની ખાતર,
ઇરાદાઓ જગાવે છે પરંતુ ભાવ ઓછા છે.

નભાવ્યા મન તણાં સ્નેહો વફાની આરજુ રાખી,
લગાવો પણ જણાવે છે પરંતુ ભાવ ઓછા છે.

ધરી જાણી સમય સાથે હ્રદયની લાગણી કિંતૂ,
પ્રણય ભાવો ધરાવે છે પરંતુ ભાવ ઓછા છે.

નવા દાવે નવા રુત્બા નવા જજ્બા જગાવી ને,
નવા તોરણ સજાવે છે પરંતુ ભાવ ઓછા છે.

ચલો શારું થયું માસૂમ તમે સમજી ગયા બાબત,
સનમ નજરો મળાવે છે પરંતુ ભાવ ઓછા છે.

                માસૂમ મોડાસવી

ગઝલ

ગઝલ  ગાલગાગા3

રાગ  સાચો કાઢવાનું રાખ જીવા.
જાતને પણ જીતવાનું રાખ જીવા.

દુ;ખ તારાં આવશે ભવ સુખ લઈને,
મનભરીને માણવાનું  રાખ જીવા.

આવશે મુશ્કેલ ક્ષણ બસ સામનો કર,
ના કદી તું થાકવાનું રાખ જીવા.

હોય દુશ્મન  આપણા  મળવા જવાનું,
ના કદીયે ભાગવાનું રાખ જીવા.

સો ટકા ઈશ્વર મદદમાં આવશે બસ
ભાવ ગાંઠે બાંધવાનું રાખ જીવા.

                 - પરમ પાલનપુરી

ગઝલ

ઉગવું  આથમવું  તારું  રોજ,
જગ લાગે અમને પ્યારું રોજ.

જીવન  તડકા  છાયાની સોળ,
ઇશ ખોળે  આતમ ઠારું રોજ.

તેની  લીલા  તો  તેજ  જાણે,
કારણ ક્યાં?કોનું? આપું રોજ.

સર્જન  તારું તો અદ્ભુત  છે,
હું   ક્યાંથી  એવું  લાવું  રોજ.

આમ "ફિઝા" ઝાખે   ઈશ્વરને,
હૈયે  રાખી  પ્રણ  જાગું  રોજ.

*કાજલ કાંજિયા "ફિઝા"*
*27/10/2017*

ગઝલ

ઉગવું  આથમવું  તારું  રોજ,
તારી   પાસે   શું  માગું  રોજ.

જીવન  તડકા  છાયાની સોળ,
ઇશ ખોળે  આતમ ઠારું રોજ.

તેની  લીલા  તો  તેજ  જાણે,
કારણ ક્યાં?કોનું? આપું રોજ.

સર્જન  તારું તો અદ્ભુત  છે,
હું   ક્યાંથી  એવું  લાવું  રોજ.

આમ "ફિઝા" ઝાખે   ઈશ્વરને,
હૈયે  રાખી  પ્રણ  જાગું  રોજ.

*કાજલ કાંજિયા "ફિઝા"*
*27/10/2017*

ગઝલ

*ગઝલ - વાર છે...*

શ્વાસ છો ને અલ્પ છે, પણ હારવાની વાર છે;
ઓ નાસમજુ, ના સમજ કે જીતવાની વાર છે ?

છે તને ઇચ્છા ઘણી કે સ્વર્ગ જેવું સુખ મળે ;
ઝાંઝવા જેવી ડગરને આંબવાની વાર છે.

તોડશે દિલ આ જગત યુગો પુરાણી રીતથી ;
ને કહો છો દિલને દિલથી સાંધવાની વાર છે ?

કાળમીંઢા પથ્થરોમાં શિલ્પ છુપાયેલું છે ;
ઘા ખમી લેજો તમે, કંડારવાની વાર છે.

આ કદમ સાથે કદમ મિલાવી કેડી કંડારો ;
ફુલ સાથે કંટકોને લાવવાની વાર છે.

*દિલીપ વી ઘાસવાળા*

ગઝલ

ગઝલ
---------

સહેજ ઝીણી ઝીણી ઝરમર થાય છે, ને વારતા લંબાય છે
એક કોરી લટ જરી ભીંજાય છે, ને વારતા લંબાય છે

એક દિવસ નખને ઝાકળબૂંદથી એ રંગવા બેઠાં હતાં
ટેરવેથી સૂર્ય જ્યાં ઢોળાય છે, ને વારતા લંબાય છે

એક આંબો, એક મોસમ, એક કોયલ, એક ટહુકો કે પછી
એક એવી બાદબાકી થાય છે, ને વારતા લંબાય છે

રોજ આંસુની સવારી સાથ આટોપાઈ જાવાની પ્રથા
લાગણીની નસ કદી રૂંધાય છે, ને વારતા લંબાય છે

એમના પગલા પછી પગલા પછી પગલું ઝીલાતું જાય છે
ઘાસ ધીમે ધીમે લીલું થાય છે, ને વારતા લંબાય છે

.. સુરેન્દ્ર કડિયા

અછાંદસ

કવિતા 
રહેમદિલીથી ભોંકી દે છે 
જમૈયો 
તમારા જિગરમાં

કતલના હેતુ વિષે હોતી નથી કોઈને ખબર
મારનાર ઈસમ પણ નિશ્ચિતપણે બતાડી શકતો નથી કતલનું સ્થળ 

જ્યારે ઊલટતપાસ થાય છે ત્યારે ખબર પડે છે કે બધા જ ચશ્મદીદ ગવાહો 
ખરે વખતે મશગૂલ હતા આંખો મીંચીને સ્વપ્ન જોવામાં 
ને સ્વપ્નના વર્ણનમાં વ્યક્તિએ વ્યક્તિએ હોય છે પાઠફેર 

છેવટે જ્યારે જપ્ત કરવામાં આવે છે
કતલનું હથિયાર 
ત્યારે એ હોય છે
એકાદ પલાશનું ફૂલ, લોહીના લયથી ખરડાયેલું 

~ હરીશ મીનાશ્રુ

ગઝલ

જિંદગી મજાની છે ભાઈ જીવી લો
પ્રભુની પ્રસાદી છે ભાઈ જીવી લો

આ તક એકવાર મળી છે આપણને
અંતે નનામી છે , ભાઈ જીવી લો !

જે થવાનું છે એ તો  થઈ ને રહેશે
એક  કહાની છે ભાઈ જીવી લો

પશુ , પંખી , વનસ્પતિ જીવે બધાં ,
જિંદગી ટૂંકાવી છે ? ભાઈ  જીવી લો

""અંશ  " જિંદગી ને ચાહવાની  છે
પ્રેમ , જવાની છે , ભાઈ જીવી લો

અંશ ખીંમતવી

ગઝલ

ગઝલ.

આંખોના  કિસ્સામાં  રાખ્યો ,
મનગમતા હિસ્સામાં  રાખ્યો .

ખરબચડે  ખરડાવા  દીધો ,
ત્યાર પછી લીસ્સામાં રાખ્યો .

હાથવગો  હંમેશાં  રહેશે ,
સમજીને ખિસ્સામાં રાખ્યો .

એ ઊડી ગઈ ઓસ્ટ્રેલિયામાં,
મુજને ઓરિસ્સામાં  રાખ્યો  .

   - 'શિલ્પી'  બુરેઠા (કચ્છ )
       26-10-2017

ગીત

બાંધ્યો છે સંબંધ જખ્મો સાથે
પછી વેદનાથી અજાણ કેમ રહીએ?
આંખોમાં વસ્યું છે આશાનું ઘર
પછી સપનાથી અજાણ કેમ રહિએ?

રણમાં હું એકલો દોડી રહ્યો
હૈયે હરણાંની પ્યાસ લઇને;
મળશે એક બુંદ પાણી એવી
રડતી હાંફેલી આશ લઇને.

જનમોજનમથી તરસ્યું છે હૈયું
પછી ઝાંઝવાથી અજાણ કેમ રહીએ?

પછી વેદનાથી અજાણ કેમ રહીએ?

મારા આકાશના ચાંદ અને તારા
મધરાતે આકાશમાં ખોવાઈ ગયા;
ધડકતા હૈયાના ધડકતા અરમાનો
જાણે છેલ્લા શ્વાસમાં ખોવાઈ ગયા.

જિંદગીને જાણી લીધી છે અમે
હવે મરવાથી અજાણ કેમ રહીએ?

પછી વેદનાથી અજાણ કેમ રહીએ?

-------------
------રાજેન્દ્ગ મહેરા 'રાજ '

ગઝલ

એ સ્પર્શથી જ સંકોચાઈ જશે
આ લાગણી તો લજામણી છે

સઘળું જોવા છતાંય તમે જુવો
આ પ્રીતની આંખ આંધળી છે

ગોવર્ધન પર્વતને તો પૂછી જુવો
કપરી કાળિયાની આંગળી છે

બસ એ હમણાં જ આવશે હો
એક સાચી અફવા સાંભળી છે

વીંધાયા પછી જ તો સૂર પ્રગટે
જિંદગી પણ એક વાંસળી છે

ભલે ગમે એવી હોય"પરમ"પ્રીત
એક"પાગલ"પન વગર પાંગળી છે

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

ગઝલ

*તાજી ગઝલ:*

ફરક કર્યો જો ગમોમાં અને ખુશાલી માં
તો આંખ ડૂબી ગઇ આંસુઓ ની પ્યાલી માં.

બધાય દ્વાર દુઆઓના બંધ થૈ જાશે
કે જે ઘડીએ જગત છોડી અને ચાલી 'માં'

એ દિકરીને ભલા દૂધ પીતી કોણ કરે.
કે મધ ની ધારા વહે એની બોલી કાલી માં

તમાચા ખાઈ તે રાખે છે ગાલ ને રાતા.
બધાય મોહી જશે તોય એની લાલી માં.

અમે જો સાખી ભજન ની ઉમેરીએ 'મહેબૂબ'
ગઝબનો કૈફ ચડે આજની કવાલીમાં

*મહેબૂબ સોનાલીયા*

ગઝલ

*હઝલ*

મોઢું    લાગે    ચંદા    જેવું,
મેકઅપ   વગર   વંદા  જેવું,

દૂધ   લેવા    નીકળે    ત્યારે,
હાવભાવથી    ખંધા    જેવું,

હસતી   ત્યારે  પાપડ  લાગે,
પેકિંગ     ઉત્તરસંડા     જેવું,

સાડીનો   પાલવ   લાગે  છે,
ફરકતું    કંઈ    ઝંડા   જેવું,

ડગ  માંડતા  સાંજ  પાડી દે,
આળસ  કાશ્મિર  ઠંડા જેવું,

પેન્સિલ હીલ ને જીન્સ પ્હેરે,
લાગે    રોપ્યા   દંડા    જેવું,

જાનમ   તને   દેખી  લાગતું,
હાસ્યનાં   કોઈ   ફંડા  જેવું.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

ગઝલ

દાયકાઓ બાદ આજે જાત ધોઈ છે,
સાફ સુથરી આજ મારી જાત જોઈ છે.

જામ ઢોળાઈ ગયો પીતા પહેલા તો,
રાત બાકી એ વિચારે જાત ખોઈ છે.

મોહ આગળ કાઈ ના ચાલ્યું અમારું તો,
હાથ માથે મૂકી ને આ જાત રોઈ છે.

છેક ઉપર જાય જો આધાર હો સારો,
જિંદગી ની આપણી આ જાત પોઈ છે.

એટલા ના સાચવો 'આભાસ' શ્વાસો ને,
છેવટે તો મારી તારી જાત લોઈ છે.

-આભાસ

અછાંદસ

પિતા જ્યારે હોતા નથી
અને મા વધારે વૃદ્ધ થતી જાય છે
ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરી છે :
'આ પુત્ર મને સાચવશે ખરો ?'
પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો.

આ એ જ મા
જેણે મને ફૂલની જેમ સાચવ્યો,
જે મારાં પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી -
હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં સુધી,

આ એ જ મા
જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ સૂતી,
આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જગી ઊઠે છે -
પણ બોલતી નથી.
એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે
કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?

હું એને ટેકો આપી શકે એવું ક્શું જ કહી નથી શકતો.
ફક્ત
મને મારા હાથ
કાપી નાખવાનું મન થાય છે.

વિપીન પરીખ

અછાંદસ

એક વખત અમે એકમેકને ખૂબ પ્રેમ કરતાં.
હું ઓફિસે જતો ને એનું મોં ઢીલું થઈ જતું.
હું પાછો ફરતો ત્યારે લઈ આવતો ગજરો, વેણી ફૂલ …
એનું ગમતું મને કબૂલ.

ને પગારને દિવસે હું એને રેશમથી વીંટીં દેતો.
સાંજ પડે કે
એનો જીવ બાલ્કનીને વળગી પડતો.
મને મોડું થઈ જતું તો એ વ્યાકુળ થતી.
ને ચિંતાથી સજળ એની આંખો મને ઠપકો દેતી.
હું અપરાધી… વ્યથિત થતો…
હવે
સાંજને ટાણે મારગ ઉપર એની નજર
પથરાઈ રહેતી નથી,
હુ
ઓફિસેથી વહેલો આવતો નથી
-વિપિન પરીખ

અછાંદસ

“માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?”

“યાદ આવે છે:
પહેલી વાર સ્મશાને ગયો તે પછી
કેટલીય રાત જંપીને સૂઈ ન’તો શક્યો,
પણ હવે તો
મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે.”

“સફળ માણસો કવિતા નથી લખતા.’

“રાવણના રાજ્યમાં જીવવાની
મને જડીબુટ્ટી જડી ગઈ છે.
મને રોજ રાતે
રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે.”

વિપીન પરીખ

ગઝલ

જાણીબૂઝી આગમાં લગભગ મૂકું
લે, હું  ધગતી  રેત  ઉપર  પગ  મૂકું

કેટલા  શબ્દોથી  તું  રીઝી  શકે ?
કાગળોના  કેટલાં  હું  ઢગ  મૂકું ?

કૈં વખત દોરી ઉપર ચાલ્યા કરુ
કૈં વખત પોતાને હું ડગમગ મૂકું

એક  આખા  જીવમાં  પ્રોવું  તને
તારે ચરણે એક દુખતી રગ મૂકું ?

હર શબદ પર થાય કે,પ્હોંચી ગયો
તો, પછી હું કઈ રીતે મારગ મૂકું ?

        ભરત ભટ્ટ

ગઝલ

*હઝલ*

જયારથી મને ભટકાયો છે નફ્ફટ જેવો,
ઠળીયા સમો ખટકાયો છે નફ્ફટ જેવો,

કેવાં દા'ડે મુલાકાત થૈ તારી સાથે!
પૂંછડું બની લટકાયો છે નફ્ફટ જેવો,

ના કીધી'તી મારી પાછળ પડીશ નહિ તું,
પબ્લિક દ્વારા પટકાયો છે નફ્ફટ જેવો,

માર ખાઈને ભૂત બન્યો છે એવો પાછો!
બૈરી જેવો મટકાયો છે નફ્ફટ જેવો,

હેન્ડસમ હીરો બનીને એ આવ્યો રાજા,
ચીંથરે હાલ બટકાયો છે નફ્ફટ જેવો.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

ગઝલ

હજી કરતાલ વાગે છે ભલા દાતારમાં,
કોઈ અવધૂત જાગે છે ભલા દાતારમાં.

હવે થંભી ગઈ છે રાસલીલાઓ છતા,
સળગતો હાથ લાગે છે ભલા દાતારમાં.

ન ઈશ્વર કોઈ, ના અલ્લાહ પણ ક્યા છે અલગ,
પરોવ્યા એક ધાગે છે ભલા દાતારમાં.

શુ હોઈ ઘેલછા આથી વધારે ભક્તની,
નયન નરસિંહના તાગે છે ભલા દાતારમાં.

કદી એ આરતીમાં આવે છે ગિરધર બની,
કદી મુલ્લાની બાંગે છે ભલા દાતારમાં.

ઈબાદત જો મળે કરવા ઘડીભર થાનકે ,
વધારે મન શું માગે છે ભલા દાતારમાં.

પ્રગટશે રોમમાં એ સૂર ઝળહળતો થઈ,
અલખના એ જ રાગે છે ભલા દાતારમાં..

શૈલેષ પંડ્યા..... નિશેષ

ગીત

આમ તેમ, આમ તેમ મારે આંટા!
સીધા પગ ને ચાલે રાંટા

ફેશનના ટેશનોમાં અટવાયો
ડગલે  પગલે છે કાંટા કાંટા,
પાછો! પહેરે એતો બુટ બાટા!
સીધા પગ ને ચાલે રાંટા.

આંગળીથી ઉલેછે આંસુઓનો દરિયો,
મરી મરીને પડે ઈચ્છાઓની પરીઓ,
કોલેજ સ્કૂલની પાસે  મારે આંટા
સીધા પગ ને ચાલે રાંટા

વિશ્વાસનું વહાણ લાંગરવું રેતના દરિયે,
ઝાંઝવાના જળમાં જઈને ડૂબવું તળિયે,
મળે ન  તો  ફળ છે ખાટ.
સીધા પગ ને ચાલે રાંટા..

આમ તેમ, આમ તેમ મારે આંટા!
સીધા પગ ને ચાલે રાંટા

-સંદીપ આર.ભાટીયા

ગઝલ

ગઝલ 

રાગ  સાચો કાઢવાનું રાખ જીવા.
જાતને પણ જીતવાનું રાખ જીવા.

દુ;ખ તારાં આવશે ભવ સુખ લઈને,
મનભરીને માણવાનું  રાખ જીવા.

આવશે મુશ્કેલ ક્ષણ બસ સામનો કર,
ના કદી તું થાકવાનું રાખ જીવા.

હોય દુશ્મન  આપણા  મળવા જવાનું,
ના કદીયે ભાગવાનું રાખ જીવા.

સો ટકા ઈશ્વર મદદમાં આવશે બસ
ભાવ ગાંઠે બાંધવાનું રાખ જીવા.

                 - પરમ પાલનપુરી

ગઝલ

ફેંકી  દીધો  ભારો  જીવા..
લ્યો  ગાડું  હંકારો  જીવા.

ક્યાંથી આવે આરો જીવા ?
રોજ  નવો જન્મારો જીવા.

ફરી ફરીને એ જ થવાનું..
અહીંયા એવો ધારો જીવા.

તારા પર વરસાદ પડે તો..
ધૂળ   થવાની  ગારો   જીવા.

તારા  ખેવટીયા  ના   કોઈ..
પોતે   પાર    ઉતારો  જીવા.

સાંખીને    સંભાળી    લેજે..
દેજે   મા   વર્તારો    જીવા.

માથે લઈને ક્યાં લગ ફરશું ?
મૂકો  બધો   પથારો    જીવા.

– મિલિન્દ ગઢવી

ગીત

મસ્ત સભર લહેરાય સમંદર..
મસ્ત સભર લહેરાય સમંદર...

હર એક ભરતી મતવાલી,
ભરતીને ઓટ આવે ને જાય,
અલ્હા, ઈશ્વર કહેવા ખાલી,
કંઠીમાળા, લોક ફરતા જાય.

કોઇ જીવે અહીં છીપની લકીર..!
કોઇ જીવે અહીં નશીબની લકીર..!

કોઇ ભમે વંટોળની ભીડ,
લહર લહર ની આવન જાવન
છે પરપોટા સમ જીવનની મીટ,
કોઈના ભીંતરે જીવ વડવાનલ

અંત સમયનો સાથી મારું જીવન..!
અંતે રહી જશે સાથી મારું શરણ..!

મળે અહીં મન વરસતી છાંયડી,
ઊભડક વહેતી ફરકતી લાગણી,
તોય મોહ કહે મારી જીંદગી,
છે મોજા સમ અહીં વાણી,

મસ્ત સભર લહેરાય સમંદર..!
મસ્ત સભર લહેરાય સમંદર...!
પલ્લુ....

ગઝલ

કરીશું ગમોને વહન ક્યાં લગી,
નભાવો હ્રદયની જલન ક્યાં લગી.

મળ્યા વારસામાં ખયાલો બધાં,
હજું લગ કરીયે મનન ક્યાં લગી.

અગર જો દિલાસા નહીં સાંપડે,
કહો વેઠવાના દમન ક્યાં લગી.

ભરીશું સમયને સદા બાથમાં,
જફાને કરીશું સહન કયાં લગી.

વિચારે ભરીને ફરે ભ્રમણાં,
સમજશે નહીં તે કથન ક્યાં લગી.

હકીકત જણાવી ખરીતે છતાં,
કરાવો વધારે જતન ક્યાં લગી.

ખરી વાત સાચી નથી માનતા,
ચરિત્રે કરીશું પતન ક્યાં લગી.

થમેલા સમયની બદલવા ગતી,
પ્રતિકુળ થાશે પવન ક્યાં લગી.

ચલો આજ માસૂમ નવી રાહ પર,
સહીશું ગમોના વજન ક્યાં લગી.

                માસૂમ મોડાસવી

ગઝલ

જળની તરસનું ગીત

આજ પાણીને તરસ્યું લાગી રે...
જળ જીવે છે ઝાકળ પાસે ટીંપું માગી રે..

જળના ઝીણા કંઠમાં પડ્યો શોષ આષાઢી, બાઈ !
કે આજ એનાથી હરફ એકે બોલ્યો રે નવ જાય

સામટી સૂતી તરસ આળસ મરડી જાગી રે...

કોક પાણીની હાંફતી છાતી પર સરોવર ચિતરો મારાં ભાઈ
જળનાં અંગેઅંગ તડકાં ભાલા જેવું તીખું રે ભોંકાય

લોલ ચોમાસે જળની ક‍ાં નહીં તરસ્યું તાગી રે...

             - અનિલ વાળા

ગીત

દરિયો તો ચપટીમાં માપી લેવાય
અરે,દરિયું -દરિયું તે વળી કેવડું?
એક પાણીની લંબાઈ જેવડું....

અરે, મારા અધ્ધધ ગામમાં પડી છે એવી દરિયા કરતાંય રાત લાંબી
સોળ સોળ મોસમથી તરવા પડી છું છતાં પાણી લગીય નથી આંબી
એમાં ઉમેરો બે લોચનની વાત અને ફાગણનું પૂર ગણો બેવડું
દરિયું-દરિયું તે વળી કેવડું?

નીરખો તો પ્હોળું ને હલ્લેસાં મારીએ તો પાણી થઈ જાય સાવ ટૂંકું
પાસેનું હોય એ પરાયું દેખાય, અહીં અંધારું એટલું બળુકું
સૂરજમાં ત્રાટક્યો ઉજાસનો દુકાળ, શૂળ એવડું ગણો તો હવે એવડું
દરિયું-દરિયું તે વળી કેવડું
           

ર. પા.

ગઝલ

વરસ    કેવાં     વીતાવ્યાં છે, અમારો જીવ જાણે છે,
જખમ ક્યાં ક્યાં છુપાવ્યા છે, અમારો જીવ જાણે છે.

મચક   ના   આપતા   મનને   પછી  તો  ઠાર  મારીને,
અમે      કોને    ભુલાવ્યાં છે, અમારો જીવ જાણે છે.

કદી   એકાંતમાં   આવી  સ્મરણના   મત્ત   ટોળાએ,
ઉધામા    જે    મચાવ્યા છે, અમારો જીવ જાણે છે.

મહામહેનતથી   પાંપણમાં   ઉમટતાં   પૂર   ખાળીને,
સતત એ  કયાં સમાવ્યાં છે, અમારો જીવ જાણે છે.

ગઝલનું   નામ  આપીને   તમે  જે  મોજથી  માણ્યા,
એ શબ્દો ક્યાંથી આવ્યા છે, અમારો જીવ જાણે છે.

                               - બાબુલાલ ચાવડા 'આતુર'

ગઝલ

સ્વાતિબુંદોની તરસ હોવી ઘટે;
ભાવસ્પંદોની અસર હોવી ઘટે !

તો કવિતા થાય બિલકુલ રુબરું--
પળવિપળ આરત અસલ હોવી ઘટે !

છો પ્રતીક્ષાની પળો લંબાય પણ--
શબ્દની ચોખ્ખી જણસ હોવી ઘટે !

સાદગી છે ચીજ સૂફીની અમૂલ--
ભીતરે ભીની કસક હોવી ઘટે !

લોક સમજે લાગણીને પોતીકી--
છમ્મલીલી ને  સકળ હોવી ઘટે !

કોઈને લખવું ભલું લાગ્યું;લખે---
જાણવું;ઝળહળ જલન હોવી ઘટે !

કાર્ય ભાગે આવ્યું તો કરવું રહ્યું--
એટલી ચોખ્ખી સમજ હોવી ઘટે !
23:21     -------ગુણવંત ઉપાધ્યાય
25102017

ગઝલ

ખસી પડ્યું

ઝરણું  ખળખળ  હસી પડ્યું! #
મારા    મનમાં    વસી   પડ્યું!

સોનું     હડસેલી     દીધું    ને
કથીર    કોઈ    કસી    પડ્યું!

આંખોમાં  વાદળ  ઉમટ્યા  ને
આખુંયે   નભ   ધસી   પડ્યું!

પગ  કુંડાળામાં  મૂક્યો   જ્યાં
ફેણાળું   કાંઈ   ડંસી    પડ્યું!

ખસતાં ખસતાં પડ્યો ખાઈમાં
તો  ત્યાં  તળિયું  ખસી પડ્યું!

- હરિ શુક્લ
  ૨૫-૧૦-૨૦૧૭/૨૬-૧૦-૨૦૧૭

# સંદર્ભ : ગુજરાતી સિરિયલ સાવજ