Friday, 27 October 2017

ગઝલ

વરસ    કેવાં     વીતાવ્યાં છે, અમારો જીવ જાણે છે,
જખમ ક્યાં ક્યાં છુપાવ્યા છે, અમારો જીવ જાણે છે.

મચક   ના   આપતા   મનને   પછી  તો  ઠાર  મારીને,
અમે      કોને    ભુલાવ્યાં છે, અમારો જીવ જાણે છે.

કદી   એકાંતમાં   આવી  સ્મરણના   મત્ત   ટોળાએ,
ઉધામા    જે    મચાવ્યા છે, અમારો જીવ જાણે છે.

મહામહેનતથી   પાંપણમાં   ઉમટતાં   પૂર   ખાળીને,
સતત એ  કયાં સમાવ્યાં છે, અમારો જીવ જાણે છે.

ગઝલનું   નામ  આપીને   તમે  જે  મોજથી  માણ્યા,
એ શબ્દો ક્યાંથી આવ્યા છે, અમારો જીવ જાણે છે.

                               - બાબુલાલ ચાવડા 'આતુર'

No comments:

Post a Comment