Wednesday 31 May 2017

ગઝલ

સમંદરના પાણીને માપવા ગજ હોતા નથી,
સૌંદર્યભીના નયનમાં પ્રેમના સરનામાં હોતા નથી.

અણીયારી આંખો'તો ભલે શ્યામ હોય,
વાસંતી વાયરામાં યૌવનની પાંખો હોતી નથી.

એકાગ્ર ચિત્તવૃત્તિ રાખું તોય રસ્તા જડતા નથી,
મૌસમની મહેક માણવા વર્ષાને અંબર જડતું નથી.

આનંદીતતામાં પ્રેમોત્સવનો અવસર આંગણે આવે,
અનરાધાર સ્નેહની સરિતાનું ઝરણું જડતું નથી.

અભૂતપૂર્વ વાત્સલ્ય વાટિકા બનાવીને રાખી,
"અઝીઝ"ને વનરાઈની લીલી ચાદર જડતી નથી.

ભાટી એન "અઝીઝ"

અછાંદસ

અડોઅડ જિંદગી ઉંમરલાયક થઇ છે
કઈ કેટલાય કકળાટ પછીએ હસતી રહી છે.
સુખ દુઃખની ધૂપછાંવ વચ્ચે
સાથ સાથ મોજથી જીવતી રહી છે.
સવાર સુંદર પછી તપતો બપોર ને
સંધ્યા ટાણે હજીએ રોજ રોજ સવરતી રહી છે.
આજ બાજુ મળ્યા ઘણા પથ્થરો
છતાં આ યુગ્મ જિંદગી કાયમ ખીલતી રહી છે.
લગભગ પુરા થઇ ગયેલા નાટકે
આખરી સંવાદ ભજવવા એકદમ જોશથી તૈયાર રહી છે.
એક હાથ લાકડી બીજા હાથે હાથોમાં હાથ
ડગુમગુ જાહલ છતાં "નીલ" જબરજસ્ત live લગોલગ આ યુગ્મ જિંદગી રહી છે.
     રચના: નિલેશ બગથરીયા
             "નીલ"

ગઝલ

ભાવ ઉલજનના ધરીને જીવવું મારે નથી,
જાત સાથે છળ કરીને જીવવું મારે નથી.

મન વગરનાં માન મોભા.મેળવો શા કામના,
લાગણીને અવગણીને જીવવું મારે નથી.

વળ ચડેલી વાત સામે છાપ ખોટી ઝાંખતી,
ચોર મનને છાવરી ને જીવવું મારે નથી.

સાવ ખોટી સાવ પોકળ રીત રસ્મો ફાલતી,
લાભ દેતી કળ ધરીને જીવવુ મારે નથી.

આસ્માની પંખ ધારી ખોજ વાને આ ધરા,
સાત કોઠા ચાતરીને જીવવું મારે નથી.

રંગ બદલી ૠત માસૂમ આંખ સામે રાચતી,
પાનખરમાં સરવળીને જીવવું મારે નથી.

                માસૂમ મોડાસવી

ગઝલ

*== ડોબો સાલો ==*
એને જોઈ જોઈ ચંદ્ર બળી મરતો, ડોબો સાલો.
ઉપરથી એ માને કે હું છું ડોબો, ડોબો સાલો.

દીવો માને છે કે અંધારુ એણે કાઢી મૂક્યું,
પોતાના પગની નીચે જ નથી જોતો, ડોબો સાલો.

સંધ્યા-ઊષા બે સરખી રૂપાળી રૂપસુંદરીઓ છે,
સુરજ શું કરવા બેની વચ્ચે ડૂબતો? ડોબો સાલો.

પાણી પાણીમાં ડૂબે એ ઘટનાથી હું ડરતો’તો
હું રોતો’તો ત્યાં મેઘો વરસી પડ્યો, ડોબો સાલો

ધારી ધારી જોયો રસ્તો, રસ્તાને પૂછી જોયું,
આવે છે કે જાય છે સાફ નથી કે’તો, ડોબો સાલો.

હિંમત આપી મોકલ્યો કે લટ પસવારી આવી જા.
તોય પવન પાછો આવ્યો રોતો રોતો, ડોબો સાલો.

કૂવાનો મેઢક “મંથન” બ્હારે નીકળવા ઈચ્છે છે.
તો કૂવાની ભીતે નાખે દરવાજો, ડોબો સાલો.
== મંથન ડીસાકર (સુરત)

ગીત

એક આણાતનું ગીત – સ્નેહી પરમાર

અજવાળી આઠમને તેડે આવજો

રાત પડે કે રોંઢો, તમ વિણ જરાય ગોઠતું નથ્ય
અંગે ઢંક્યું વસ્તર, અંગે જરાય શોભતું નથ્ય
ટૂંકામાં ટૂંકેરા કેડે આવજો

બાને નડશે મુરત, બાપુજીને સામી ઝાળ
કે’જો સામી ઝાળથી ઝાઝી અંદર છે વિકરાળ
વળતાના ખોટીપા વેડે આવજો

સહિયર, હાથે મેંદી ભેળાં મેણાં-ટોણાં ચિતરે
રાત પડ્યે ખખડે છે શોક્યું જેવી સાંકળ ભીતરે
આવો ત્યારે સીધા મેડે આવજો.

૨ ગઝલ

[6/1, 1:45 AM] Vipul Borisa: कवि श्री को जन्मदिन की ढेर सारी  बधाईया
જીદ નથી કે આ પિંજરમાં આંટોફેરો કરતાં રહેજો
પણ માંહેના અજરામરમાં આંટોફેરો કરતાં રહેજો

સુજ્ઞ જીવજી ! ગોકુળ જાજો, મથુરા જાજો, પણ એ સાથે
જત લખવાનું કે : ભીતરમાં આંટોફેરો કરતાં રહેજો

રોકાવાની ફુરસદ ના હો , તો ઝાઝું ના રોકાશો પણ
શ્વાસોની આ અવરજવરમાં આંટોફેરો કરતાં રહેજો

આજુબાજુની શેરીમાં અજવાળું અજવાળું કરતાં
સપનાંઓ ! મારા બિસ્તરમાં આંટોફેરો કરતાં રહેજો

હોય અધૂરા, પૂરા કરજો ; પૂરા હોય તો પરગટ કરજો
" સ્નેહી " ના અર્ધા અક્ષરમાં આંટોફેરો કરતાં રહેજો
     ©સ્નેહી પરમાર

એને ખુદની દિશા જડેલી છે
એ પરત કાંઠેથી વળેલી છે

ઠારવાની છે આગ કોઈની
એ જ કારણથી એ તપેલી છે

આગ કરતાંય ભૂખ વસમી છે
એટલું શાસ્ત્ર એ ભણેલી છે

ઠામ ઘસનાર બાઈની સાથે
રોજ છાનું-છૂપું રડેલી છે

ઊંઘતા જોઈ ઘરના સભ્યોને
સાવ ખાલી, છતાં ભરેલી છે

જેમ ચડ્યું’તું કોઈ સૂળી પર
એમ ચૂલા ઉપર ચડેલી છે

– સ્નેહી પરમાર

૮ ગઝલ

હવાને કહોને હવાધર્મ પાળે
ભલે બારણાં, બારણાધર્મ પાળે

કદી બ્હાર આવે, કદી જાય ભીતર
આ વૈરાગ પણ કાચબાધર્મ પાળે

બધાં જળને પોતાનું થાનક ગણે છે
ઘણાં એ રીતે માછલાધર્મ પાળે

એ બોલ્યું જો બદલે, નવાઈ ન પામો
ઊંચા માણસો તો ધજાધર્મ પાળે

ન આદત છૂટે ડંખવાની કદાપી
ભલે માણસો કંઈ વડાધર્મ પાળે

પીડાને એ પટરાણી માની નવાજે
કલમ પણ વધુ શું કલાધર્મ પાળે !

– સ્નેહી પરમાર

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

– સ્નેહી પરમાર

તું સાચો છે કહેવા ખુદ તું ઊઠે છે !
ઘી પણ સાચું હોય, તો ખુશબૂ ઊઠે છે.

બાકી સઘળે ઊઠે છે તે બજવાળું
અજવાળું તો એની ફરતે ઊઠે છે

ઊઠીને તેં શું ઉમેર્યું પૃથ્વીમાં ?
રોજ સવારે અમથું અમથું ઊઠે છે.

ક્યાં ઊઠે છે કોઈ તમારા આદરમાં !
ગજવાને ભાળીને ગજવું ઊઠે છે.

ત્યારે થાતું ‘બેસી રહેવું છે અહિયા’
જ્યારે કોઈ બાળક ભણતું ઊઠે છે.

– સ્નેહી પરમાર

એકનાં બે ન થાય એવાં છે.
તોય મોહી પડાય એવાં છે.

હાથ ઝાલે તો એના આધારે,
ઊંચે ઊડી શકાય એવાં છે.

ખૂબ ટૂંકો પનો છે ચાદરનો,
તોય એમાં સમાય એવાં છે.

માર્ગ કેવા છે એની ઝુલ્ફોના ?
હાથ સોનાના થાય એવા છે.

એની સાથેના અણબનાવો પણ
એક તોરણ ગુંથાય એવાં છે.

– સ્નેહી પરમાર

ઇચ્છાઓની હડિયાપાટી સ્વીકારું
વાહન રાખ્યું છે, ઘુરર્રાટી સ્વીકારું

આડાંઅવળાં દૃશ્યો ના દેખાડું સૌને
માટી ખાધી છે તો માટી સ્વીકારું

ઉપર હળદર જેવું ચમકે છે તન, કિન્તુ
અંદર છે એક હલદીઘાટી, સ્વીકારું

પાણી હો જેનામાં એ દેખાડી દે
કોઈ કહે કે ‘તું છે માટી’, સ્વીકારું

જન્મ છે ઉત્સવ તો મૃત્યુ મહોત્સવ છે
જેમ સ્વીકારું ત્વચા, રૂંવાટી સ્વીકારું

– સ્નેહી પરમાર

ખાઈ રોટી ને પ્યાજ ઊંઘે છે,
એક રાજાધિરાજ ઊંઘે છે.

વીજળીનાં જીવંત વાયર પર,
એક આખ્ખો સમાજ ઊંઘે છે.

હોઠ પર છે ધજા બગાવતની,
ફેફસાંમાં અવાજ ઊંઘે છે.

ભૂખ જાગ્યા કરે પથારીમાં,
આમ બંદાનવાજ ઊંઘે છે.

પિંડ ટંગાય દૂર ખીંટી પર,
કોઈ પહેરીને તાજ ઊંઘે છે.

આંખ અંગત બનાવ ભૂલીને,
એકબીજાને કાજ ઊંઘે છે.

– સ્નેહી પરમાર

વાત અસલ, કાગળમાં આવે
શબ્દો ત્યાં તો વચમાં આવે

એનાથી મોટો શો વૈભવ !
તડકો સીધો ઘરમાં આવે

ભીતર ભીનું સંકેલો ત્યાં
આંખોમાંથી પડમાં આવે

સાર બધા ગ્રંથોનો એક જ
પાથરીએ તે પગમાં આવે

તો માથે મૂકીને નાચું
ઘટ-ઘટમાં તે ઘટમાં આવે

પકડ્યો છે પડછાયો સાધુ !
અજવાળું શું બથમાં આવે.

– સ્નેહી પરમાર

સારું નરસું એવું શું ગજવે ભરવાનું ?
ફરવા આવ્યા છો અહીંયા તો બસ ફરવાનું !

તોય હવા ને હોવા વચ્ચે ભેદ ન સમજ્યો
કામ કરે છે કાયમ જે ફુગ્ગા ભરવાનું !

પિંજરને ટિંગાડી રાખો તોયે રહેશે
પંખી તો પંથી છે, ચીલો ચાતરવાનું.

દોરી છૂટે, દોરી ખૂટે ત્યાં લગ સાથી !
ઊંચે ઊડવાનું ને ઊંડે ફરફરવાનું.

એક જ પળ માટે સામેની બારી ખૂલે
એના માટે આખ્ખો દા’ડો તપ કરવાનું ?

– ‘સ્નેહી’ પરમાર

ગઝલ

હું શું જાણું..?? ગઝલ...

મને ક્યાં એ ખબર મારે ભટકવું છે..
હવે તું બોલ આજે ક્યાં અટકવું છે...

બનાવી પારકો ક્યાં ચાલવાનું છે..!
ખુદને તારો ગણાવીને ભટકવું છે...

બની વેણી લટોને કેદ કરવી છે..
કમર પર રોમની સાથે લટકવું છે...

વસે છે આંખમાં કાજળ ને એ સુરમો..
નયને તારા મને પણ એમ ખટકવું છે

જગતની જાણ તો જગદીશને પણ છે..
નથી જાણી શક્યો હું.. ક્યાં છટકવું છે...jn

ગઝલ

જિંદગીની  મજા
આ વૃક્ષો, આ વાતાવરણ ની પણ એક મજા હોય છે
કોણે કહ્યું કે જિંદગી એક સજા હોય  છે

કોઈક વાર ખુલ્લા આકાશ નીચે ઊભા તો રહો
તારલાઓ અને ચંદ્રની પણ વિવિધ કળા હોય છે

જંગલમાં જઈને જુઓ તો પ્રાણીઓ વિવિધ મળે
નદીકિનારે પતંગિયા ઘણાં હોય છે

રણમાં ચારેકોર રવિ જ દેખાય છે
મૃગજળ તણી  પાણીની ભ્રમણા હોય છે

જીવનના રસ્તે મળે છે લોકો અનેક
મદદ કરતા માણસો પ્રભુ તણા  હોય છે

સુખ આપવાથી સુખ મળે, દુઃખ આપવાથી દુઃખ મળે
પ્રભુ પાસેથી મળતા પ્રતિસાદ હંમેશા બમણા હોય છે

                -ઉપાધ્યાય જીજ્ઞા

અછાંદસ

*પ્રતીક્ષા*

સાંજ એટલે મારા માટે......
તારા આગમન ની પ્રતીક્ષા એ સ્થંભિત,
થીજેલા રક્ત માં આવતો તારા સ્પંદન નો ગરમાવો.
મારા શ્ર્વાસો માં ગુંજતો તારા નામ નો ટહુકો,
અંગ અંગ માં જાગૃત થતી ઉમીઁ નો ઉછાળો.
શબ્દો થી કેમ સમજાવુ?
નિરખ્યા કરુ .તુજ મિલન ના સપના સજાવ્યા કરુ
સપના .... મારી ઇચ્છાઓ ના મારી...ઝંખના ના.
તને હૈયે ચાંપુ ,વેલ જેમ વીટળાઇ જઉ.
તારા શ્ર્વાસો ભળી જઉ?
પ્રિય! ..તારી પ્રિયા બની જઉ?
શબ્દો  કયાં થી શોધુ ?
આ વ્યકત કરવા?
બસ ! એક ભાવ મારો તુજ હ્રદય સુધી પહોંચવા નો.
સ્પશેઁ તને  મારી લાગણી?
તારી તારી જ પ્રતિક્ષા માં......
તારી દીવાની....

"કાજલ"
કિરણ પિયુષ શાહ
23/11/16

દોહા

*દોહા-સપ્તક*

મુગટ  શોભે  મોરપીંછ,  હોય  મોરલી હાથ  ||
શ્યામ વર્ણનાં શ્યામળા, સખી ગોપ  સંગાથ ||૧||

રમતાં  વનમાં  રાસને,   ધમાલ  બંસી  ધૂન  ||
તલ્લીન  ગોપી   તાનમાં,   સૂર  વહેતાં  સૂન ||૨||

કાન્હા  નાના  કાળિયા,  જંગલમાં  એ જાય ||
સખા  રાખતાં  સંગમાં,   ગોકુળ  ચારે  ગાય ||૩||

વિષ  ફેલાવે  વિષફણી,  નાગ  કાલિયા નામ ||
ન  જાય  કો' યમના નદી,  દેવા  જીવન દામ ||૪||

નાંખી    પડતું    નીરમાં,   લલકારીને   લાલ ||
ભીડી  બાથ  ભૂજામાં,   ખેંચી   નાંખે  ખાલ ||૫||

બંધુ  સંગ  બલરામનાં,  ધસતાં  કરવા ધ્વંસ ||
મથુરા   ગામ   મોસાળે,   કચડે   મામા  કંસ ||૬||

જન્મયાં થૈ લક્ષ્મણ જે, બન્યાં મોટા બલરામ||
ભવનું  તો  શું  ભાખવું,  સેવક  થઈને  શ્યામ||૭||

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

ગઝલ

દૂર સાગરમાં અવશ સરતા, સખી !
પત્રનાં તરણે અમે તરતા, સખી !

આમ તો ખાલી બધું તારા વિના,
પત્રથી પળને અમે ભરતા, સખી !

હર સવારે ફૂલ ખીલે જે કશાં,
પત્ર ના’વે તો તરત ખરતા, સખી !

જાગતી રાતે જગત ઊંઘે તદા –
પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી !

પત્રને આધાર ટકતો પ્રાણ આ,
પત્રમાં પાછો તને ધરતા, સખી !

– રાજેન્દ્ર શુક્લ

ગઝલ

એ જ ઈચ્છા એક ક્ષણ આપો મને !
હો મુસીબત  એક હલ આપો મને !

ચાહું  સૌને  એક  હક આપો  મને !
ત્યાં  સમજને એક હદ  આપો મને !

એક તો સાલસ હ્રદય, એમાં ય તું !
સહેજ ભીતર  એક ઘર આપો મને !

કેટલા  મોહાંધ આ  સગપણ અહીં,
માપસરનું એક  મન  આપો મને !

છે  ભવાઈ  રોજની  માણસ થઈ,
રોટલા પર એક  દળ આપો મને !

ના   કશું યે  હાથ  લાગ્યું  આખરે, 
મારું  થાએ એક જણ આપો મને !

મોરપીંછું,   વાંસળી   ને  ગોપિકા,
એમ વ્યાપી એક લત આપો મને !
Dt : 30/5/2017      નિશિ સિંહ

ગઝલ

તમે આપો

दिल ,दिलने दिलधडक आपो तमे
चाहवानी ऐक  झलक  आपो  तमे

तेज लिसोटो  करी गायब थउं
वीजली जेवी चमक आपो मने

આપ ગજદળ,અશ્વદળ રાખો અને
કાળી   કીડીનુ   કટક  આપો  મને

હે,  અલકનંદા !  તમે  સંકેતથી
આપની આ લટ -અલક આપો મને

રાજહંસો  કઈ તરફ બેઠાં હશે
બાતમી એની બતક આપો મને

              ભરત ભટ્ટ

ગઝલ

તમે આપો

दिल ,दिलने दिलधडक आपो मने
चाहवानी ऐक  झलक  आपो  मने

तेज लिसोटो  करी गायब थउं
वीजली जेवी चमक आपो मने

આપ ગજદળ,અશ્વદળ રાખો અને
કાળી   કીડીનુ   કટક  આપો  મને

હે,  અલકનંદા !  તમે  સંકેતથી
આપની આ લટ -અલક આપો મને

રાજહંસો  કઈ તરફ બેઠાં હશે
બાતમી એની બતક આપો મને

              ભરત ભટ્ટ

ગઝલ

*એક ભૌતિકતાની ગઝલ*

ફ્રીઝમાં મૂક્યે ન લાગણી તાજી રહી શકે,
હીટરથી હૂંફ શબ્દમાં આવી નહીં શકે.

હા ! સૂર્ય-ચંદ્ર હોય નહીં એ બની શકે;
TV વગરનાં રાત-દિવસ ના ઉગી શકે.

ઠંડા ને શુષ્ક આજના સંબંધ બાબતે,
A.C.  બિચારું કારણો ક્યાંથી કહી શકે?

મા-બાપ,ભાઈ-બેન,પતિ-પત્ની ઠીક છે;
વિયોગ smart phoneનો કોઈ સહી શકે!

ત્રણ બેડવાળો બંગલો સરહદ છે સ્વપ્નની;
ને Carથી વિચાર ન આગળ વધી શકે.

અહીં LED-NEONથી ચમકે છે સ્વાર્થ બસ,
અજવાસની મજાલ કે અમને અડી શકે !

       ~ડૉ.મનોજ જોશી"મન"
                (જામનગર)

ગઝલ

ખૂબ સુંદર સનમ તારું રૂપ છે.
આજ ઘૂંઘટ ના  હટાવો ધૂપ છે.

કોણ બદનામી વહોરે; ડર હશે,
દિલ તણાં અપરાધ નૈતો ખૂબ છે.

બાગને તો બીક ભ્રમરની હશે,
પ્રેમમાં નિજ ; ફૂલ ગાળાડૂબ છે.

આજ ખુલ્લેઆમ હું બદનામ છું,
માનવા લાગ્યા બધા મુજ ભૂલ છે.

આપણી સૌ વાત હજુ પણ ગુપ્ત છે,
કેમકે આ ભીત ઘરની  ચૂપ છે.

-સંદિપ ભાટીયા"કવિ"

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
नोबेल पुरस्कार विजेता स्पेनिश कवि पाब्लो नेरुदा की कविता  "You  Start  Dying  Slowly" का हिन्दी अनुवाद...

1) आप धीरे-धीरे मरने लगते हैं, अगर आप :
- करते नहीं कोई यात्रा,
- पढ़ते नहीं कोई किताब,
- सुनते नहीं जीवन की ध्वनियाँ,
- करते नहीं किसी की तारीफ़।

2) आप धीरे-धीरे मरने लगते हैं, जब आप :
- मार डालते हैं अपना स्वाभिमान,
- नहीं करने देते मदद अपनी और न ही करते हैं मदद दूसरों की।

3) आप धीरे-धीरे मरने लगते हैं, अगर आप :
- बन जाते हैं गुलाम अपनी आदतों के,
- चलते हैं रोज़ उन्हीं रोज़ वाले रास्तों पे,
- नहीं बदलते हैं अपना दैनिक नियम व्यवहार,
- नहीं पहनते हैं अलग-अलग रंग, या
- आप नहीं बात करते उनसे जो हैं अजनबी अनजान।

4) आप धीरे-धीरे मरने लगते हैं, अगर आप :
- नहीं महसूस करना चाहते आवेगों को, और उनसे जुड़ी अशांत भावनाओं को, वे जिनसे नम होती हों आपकी आँखें, और करती हों तेज़ आपकी धड़कनों को।

5) आप धीरे-धीरे मरने लगते हैं, अगर आप :
- नहीं बदल सकते हों अपनी ज़िन्दगी को, जब हों आप असंतुष्ट अपने काम और परिणाम से,
- अग़र आप अनिश्चित के लिए नहीं छोड़ सकते हों निश्चित को,
- अगर आप नहीं करते हों पीछा किसी स्वप्न का,
- अगर आप नहीं देते हों इजाज़त खुद को, अपने जीवन में कम से कम एक बार, किसी समझदार सलाह से दूर भाग जाने की...।
*तब आप धीरे-धीरे मरने लगते हैं...!!!*

पाब्लो नेरुदानी मने गमती कविता परथी मने आवुं गीत लखवानी ईच्छा थई आवी.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ધીરે ધીરે ખરતા રહેવું

બીજું શું ?
ધીરે ધીરે મરતા રહેવું
પલપલ થઈને ખરતા રહેવું
એવું લાગે કે ન લાગે તોયે
ટાણે ફેર નથી પડવાનો, સમજ્યા કે ન સમજ્યા ?

આશા ફૂગ્ગો ફટ્ સાવ મૂંગા ઢગલે પડતા,
થડિયું થઈને એકલવાયું સડવા લાગે;
ના રેલાની જેમ સળવળ વહેતા પગલાં,
લૈ લથડિયાં ખાબોચિયામાં પડવા લાગે;
આંખે નૂરો ઠંડા અરમા રાખ થૈને ઊડે,
લીલાં પાને જંતુ વચ્ચે ખદબદ રહેવું.
બીજું શું ?  ધીરે ધીરે મરતા રહેવુું.....

જીવનને ધબકારે આશા વાસ બનીને ચરકે,
પડખે લીલાં ખેતર સીધા ડંખે ફરકી;
ચાહત સરિતા સૂની ને ભાવ ઝરણનું એવું;
ખાવા ધાતી ધડકન રહકી ડહકી;
ના તોષ કે અડગ મનનો  કેફ,
ના સ્વપ્ન બનતાં અશ્વો,ના વિસ્તારતા રહેવું.
બીજું શું ? ધીમે ધીમે મરતા રહેવું....

ના પડતા પાસા હાથે, ના ખૂદ બૂલંદી બનતા,
મરજીવાને મારગ ડૂબવું થરકે;
સગપણ ગળપણ રગરગ લવકે
વાંકા દરમાં નાગ બનીને સીધા સરકે.
સમજદારીને કાને ધાકું,ના બદલતાં પીંછાં,
ના નકકી  કર્યું પગલું ભરવું કે વાતાવાતા વહેતાં વહેવું.
બીજું શું ? ધીમે ધીમે મરતા રહેવું......

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

દીર્ધ કાવ્ય

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ગામ ગયાનું થાય
                ડૉ. ભાવેશ જેતપરિયા

બારસાંખ પર
તોરણિયાની હાર લઈને
ભીની નજરે વાવડિયા થઈ
જોતી હમરી વાટ ઉંબરમાં,
એ સપનું થઈને ગામ ગયું વિલાય....

બા નીતરતી રેલે,
દૂધમલિયાં રણઝણવું કરવા,
દો'તી ગમાણ જોતી,
ગાય બંધાતી ખીલે,
તળાવ પહેરી પાણી ઘટમાં ઘટક ઘટક
એ પગલાનો જલરવ થંભે નળમાં,
ઘંટીનાં પડને મલોખાં સમ ફેરવતી
લયમાં  પ્રભાતિયાં પરગટ હલેસે,
ભારોભાર કલરવ માળામાં
અમે ચાંદલિયાનું શમણું થૈને
ફળિયા વચ્ચે કરતા ઝીકોરા જાણે
ગયા સાપ અને લિસોટા હરફરમાં.....

નજરે જોયું તો-
જળ જંપી ગયા છે,
સરિતાનાં પેટાળો કંપી ગયા છે,
તટ પરના વૃક્ષો મૂળસોતા ઢળી ગયા છે
છટકતા જોશ, લટકતા કોશને લકવો,
બોર બની ગ્યો બહુ તળ તોડી,
ડંકી ડચકા લેતી હળવે,
લગરીક ચોમાસામાં ટચકા રહકી ગ્યા છે;
ધોરીને પાણી પીવા બરકતી જીભનો પરસેવો લાળમાં ઠસરડાતો જાય ને
કાને કોડી હસી હસીને ખરી પડે ખળામાં,
ગમાણ ઓઢી ગાંગરતા ખીલાની સાંકળની કડિયું રખડે
કડબના સડી ગયેલાં રાડાંના કણકણમાં...

સિમેન્ટની શેરીમાં ઊભો ઊભો
પૂંછડીને પટપટ કરતો શ્વાન
કહિયાગરા હાઉ હાઉ અવાજ કરતો,
ગોઠવણને અભેરાઈ પરથી ઉતારી
ઉલળી ઉલળીને ઓળખનું ખોલે પોટલું,
ગણી ગણીને કાઢે કારજ,
પડતર પ્રેતના દાંતેથી પકડાવીને કરડાવે,
કાગ મોભારે માગે વાયસાના અવાજ,
પિતૃ પડખે બેસી કરે તરસ્યા,
વાત ભૂખમાં નાખે મંડપ મધ્યે,
રાત ઉજાગરા કરી ડમરિયું ચડે.

જીવલીએ નજર ન ખોડી એટલે
ચડી વંટોળે ડાકણ જાહેર કરવા,
કોઠીમાં મોં સંતાડી ભૂવો
માતાના મઢે મંડાય;
ડાકલાં ડમડમ સજજડ સજજડ
શીખા ખોલી ખમ્મા ખમ્મા !
વેણ વચનમાં બોલી ખમ્મા ખમ્મા !
અવસરિયાની લૂલી ખમ્મા ખમ્મા !
વરણાગી થૈ ડૂલી ખમ્મા ખમ્મા !
ડાકલિયાળો બોલે:'હાલો જઈશું,હાલો જઈશું...
કલબલિયું કૂદે: કુનકુન જઈશું,કુનકુન જઈશું...'
અઢાર વરણને બાંધી હૂડૂડૂડૂ ટોળું ડોલે
ડાક દાંડી રણકે સવાર પહેરી ચાચર કેરા ચોકે...

જો, સાંભળ !
અવાજ આવે રડતર
કરે હાડોહાડ કળતર
સગપણના શ્વાસો થૈ ગ્યા પડતર,
લીમડે બૂલડોઝરિયું દાંત ભરાવી
બૂકડો કરવા જડબું ખોલે,
તરુવર મૂળસોતું ડફ્ દઈને પડે !
વડનાં થડમાં ચામાચિડિયું તરફડે,
છાયો નભને નીરખું લઈને બેઠો,
પછી શું બોલે ?
કોતર ખોતરતાં સ્મરણ ભાવઠ
નીકળે લફરે લફરા બારા ભાવઠ
રસ્તા કરી ધરી પરબારા ભાવઠ
ડામર ઝંખતા ઉબડ ખાબડ
ડમરી દેતા ધૂળ ધૂળ ઉજાણી
ચોપડે ચડી જાય આખો રસ્તો કપટના ઝપટમાં...

છૂટ્યા 'હું'નાં સગપણ
ખૂટ્યા 'તું' નાં તળ લગ
લૂંટ્યા કરમ ઘરમનાં તરપણ
કપાળ રહ રહ કૂટ્યાં,
વૈ જાતા વાવળિયા ચૂક્યા,
દોરા વણીને થાકી આંગળી
કયાંંથી લાગી ફૂંક કે-
કોરા કાગજ ભેળો 'હું' પાકી ગ્યો,
તીર ખૂંપેલાં ગણીને થાકી ગ્યો.

મૂછોના મહારાજ અંગ મરડે
થરથર થતું કાળોતરું કરડે
પૂછ્યા કરે મન જોયું:
'ચશ્મા ગળી જાય છાપું. '
એને ઉતર એમ કરીને આપું?
સામે ધૂરકે,ધમકાવે,રમકાવે,લે !
અવસર હંબોહંબો આવે જાય,
બીજું મોટું ગજબ મોટા નામે મીંડું
આકાશ અંદર પડ્યું છીંડું;
રાગતાલ હંબો હંબો
ખૂંદીગૂંદીને હંબો હંબો
પાર્ટીપ્લોટે હંબો હંબો
પહેરો ભરે
ચારેકોરે ચહેરા તરે
આ બધું આલિપામાં ખાલિપાના ફણગા,
ચૂલો ધબ્બો નારણ જોતો રૈ ગ્યો !
રાખ જડેલી કથરોટ બબડે:
'આ જો, આગ ઘૂસી ગઈ ઘરમાં....'

થઈ ગ્યા માટી પગા માણસ
આવતું જાતું ફાનસ
માંડ મળેલું ચાનસ,
લીંપેલા રેઢિયાળ ઘરમાં વીંછી રખડે,
ઘૂવડ બોલે ઘોળા દિવસે
કાળો બિલાડો અદલ મારે આંટા,
તુલસી ઊગી ગયા બાવળ બાવળ
શૂળ ભોંકાય ભીતરવી,
તમરા તમતમતા રણકી હાલે
ભગલાના સગલા જેવા,
બાજની ખાલ પહેરી
અંદર ફફડે તેતર અવઢવમાં...

આ રોકડ ખનનન દિવસો,
તમે કહો : 'કેમ જીવશો ? '
બસ, એમ જ જીવી લેવાય,
પણ આ, જુઓ:
ખખડે ખાલી શીશી જેવા,
ભાંગતી વાત ખોલતી બારી બરકે
બેચાર ઓટો પહેરીને બેસી છલકે
બહુ બહુ જૂના જણ તરવરતા,
લોકના અવસર ખોલે
આઘી પાછી આંખે મુખડું કચકચ બોલે,
ઉલાળી વળ દઈ કાને ઝીલતીને ખીલતી ઓલી ગામની ઊભી બજાર:
આ નજરાઈ ગયેલો ઝાંપો સૂનો
ને આ પૂર્વજ વડલો સૂકો,
આ છૂટક તૂટક બ્હાર બગીચો,
ને આ અર્ધો ભીનો ઝાંપો,
આ ઉભો વગડો મબલખ
આ જૂની ગંધી બંધી વાવ શિલાલેખ,
આ કૂવા તળિયા ઝાટક ડૂબ્યાં,
તૂટી ડોલની આશા સાથે,
સીંચણિયાથી સીંચે રગરગ જાલી,તાણી,ખેંચી...
લોહી માંસ ચૂંથી દોરડું લઈ કરમાં...

ઉપર ઘુમ્મસ ધુમ્મસ
નીચે ધુમ્મસ ધુમ્મસ
કોથળો ભરીને સાંધેલાં સપનાં વળગે,
કોઠાની કાંધીમાં બેસી સળગે,
પટારો સડવા બેઠો બંધ થાપણ બાંધી,
ખળા વિના ખબરું પડી નજરે,
માણસ મળે નહિ જોવા સામે
જણસ જેવા ભટકે  સામે,
પણ થાય શું ?
જો, એમાં કંઈ ન થાય !
પણ, જો, હા, થાય તો-
પકડી પાડો આ કોનો
હાથ વીંઝાય છે ખેતરમાં....!?

નજર ચકકર ચકકર બબડી કે-
માળા કરતા પિતાજી
પદ્માસન વાળીને બેઠાં તસ્વીરે,
ફૂલહાર લટકે તસ્વીરે
ટીલાં ટપકાં તસ્વીરે,
બા પણ ગયા હમણા
હાથમાં ફરતી માળા તસ્વીરે,
ચીપકી ગ્યું બધુ પૂર્વજ થઈને તસ્વીરે,
હોમ હવનને અગરબત્તીના આટાપાટા
દૂમાડા સમ ચિતરે ચહેરા,
સાથે સધળાં મોટા લઈ ગયા,
ઘણું ગયું વાંભ ભરીને ભેળું
હરરાજીનો માલ થઈને,
ઘણા સાથે હું પણ અને તું પણ જાય છે,
કંઈક આઉ આઉ થાય છે.
પડ્યા મૂંજાય છે,લ્યો !
આવ્યા મૂંજાય છે, લ્યો !
ધીમેક રહીને આવી જાય તંતરમાં..

ધણજોકમાં સાત-આઠ ડોબાં
શીંગડામાં સરપ રાખીને
પૂંછડે ફૂંફૂં કરતાં ફરે,
કાળી ભગરી તગડી ભેંસ ચરે મોજથી
ગાયો ગામ બજારું કૂદે,
રેઢિયાળી હંભા હંભા
વઢિયારી હંબા હંબા
કોયલી હંભા હંભા
પંજકલ્યાણી ગીર લઈને
વહતાભાઈ નીકળતા નથી હવે,
આંખો તાણતા અમરસંગ નથી હવે
ગોવો ગોવાળ નથી કે-
પૂરે ઝાંપલી ખોલીને
સાંકળનાં બંઘ અંકોડા લઈ પીંજરમાં.....

હોઠ લંબાવી ફરે ફૂલેકાં
ઉગતી પૂગતી પેઢીને બોલાવી
ડી. જે. તાલે ચકકર ચકકર
ડિસ્કો અંતર મંતર જંતર
ઘના ધતૂડી પતૂડીનું પૂઉઉઉ...બોલો !
ડોશી કાબરિયો લેવા ઉભડક દોડે,બોલો !
સાડલો પગમાં ભરાય તોય,
ઘેર ઘમ્મર તમ્મર ચડે:
રત્ના ઢોલીનો ત્રાંબા વરણો ઢોલ
ખીંટીએ સડેલાં છાણાં જેવો
ઘડીંગ તીક ધીન ઈનબીનતીન કરતો હસે દિવાલે ચૂનો ખેરવતો દાંડી કૂટે,
છાતી છાજિયાભેર કૂટાય, ગૂડાય,બૂડાય,લૂંટાય,ચૂંથાય,રીબાય,
ટીચાય ચવાય,ચગળાય, આ જો ખરવું છતું ગામ;
ડોશીની ઠાંઠડીના ઠેબે જોતરાય,
આંચકા આવે કાંધે પલેપલના તોય,
સાથે ચાલ્યા જવાનું સૌએ હલબલમાં...

હા, આ એ જીવલી
જે ઘેરા ઘમ્મર લેતી ફરતી
સાતમ-આઠમને સળેખમ કરતી
દિવસ પછી રાતને ભારેખમ કરતી
રાસડા ગાતી લચક લેતી,
નજર દોડાવે સાવ લગોલગ
મદ ભરેલી લ્હાય લગોલગ,
રતુંબડા હોઠેથી છલકે પ્યાલી,
યુવાન રોમાંચોમાં છાનું ધરુજે કહેણ,
આ કેડી પરથી વહી ગયું વેળામાં,
એનો કાળો સાડલો ગામ ઓઢે,
સફેદ વાળની લટથી ગામ પોઢે,
લાકડીના ટેકે રસ્તો ઉકેલે મુઠીભરી,
ખેંચેલું મોહીને ગત સમયનું ચાંદું સડેલું
પરુ ભરચક શૂળ ભરીને લવકે,
પલળવું મૂકીને કાવડ ખેંચે છાતીમાં....

રાયણ રોતી સીમ ભરીને,
આંબલી કડડડ ટ...ઈ...ઈ..ડ...ટ...ઈ..ડ
હમણા પડી
આશ વાસ થઈ ખાસ લઈ,
ખાંભી ખૂંપી ધૂળથી લથબથ
મૂળિયાં સમય સમયનાં જૂદાં:
સડી ગયા ધામ નામ હવે,
ભૂલે બિસરે કામ હવે,
નાનો મોટો પડછાયો બની
દટાયેલા પાળિયાના પડકારા,
છાના વાર પરબે હીંગળુકિયા રંગ ધરે,
પછી સીમ સામટી ગળાને બાંધી,
આંખો ફૂટે સ્મરણમાં.....

આ મંદિરમાં બેસીને પુજારી
પાન-તમાકુ- ગુટખા ચાવીને મશળે મનસૂબાઓ,
બેઠાં બેઠાં પીચકારી મારે બારી બહાર પૂ...પૂ....થૂં....થૂં
પગથિયાં પર બકરી બેંબેં કરે,
ઈલેકટ્રીક આરતી સવાર-સાંજ રણઝણતી જપે ડોનરનાં નામ,
ચોકમાં પાવૈયો નાચે પાવલી માટે
તરગાળાના ગળા બેસી ગયા એટલે,
ભૂંગળ કટાયેલ માળિયું ચાટતી પડી નોધારી એટલે
ખૂણામાં વેશ ઊતરતા જાય દિવાલ સોંસરવા એટલે
મંદિરની સામે ઓટો ઈંટને ખેરવતો
કોઈના બેસવાની રાહ જુવે છે.
સાતમ-આઠમનો જુગાર કૂદે
રાસનો હાશકારો ચતોપાટ પડ્યો સ્મરણ ઘેલો,
માતાનો માંડવો ઊડે ધજા સમ
નવરાત્રીમાં છાની જલસી છાતી કૂટે,
દિવાળીમાં લાઈટનું ડીંડવાણું ચમકે,
રડીખડી દૂકાનમાં ચારપાંચ ડબલાંમાં
ખખડે આંબિલા,ભૂતડો ભારી
પડિકાં શહેરનાં ઊડતાંક આવે ખાલી ખાલી ગલ્લાં સુધી.
બે કાળા સાડલા માળા કરે સાવ ઢળવા મથતી રાતે,
જમરાજાની રાહ જોઈને મણકા ફરે,
સ્મશાનની છાપરીનું પતરું ઉડતુક ચોકમાં પડે,
રાખ કણ કણ થઈ ઉંબરે ઉઘરાણું કરે,

કોયલનો કલરવ કેસટમાં કેદ
બગીચાના મોરલા ઊડી હાલ્યા
હવે નથી કુંજલડીની હાર અવકાશે,
કયારેક ઘરરર વિમાન ગાજે
કાનને કરડે ક્ષણભર,
ચાલ્યું જાય સરહદને જોઈ
આંખ આડા કાન કરીને પારેવું મંતર ભણે,
જટાળો જોગી નથી આવતો
ચલમ ચિપિયો લઈને,
આાવળ બાવળ બધું ગાડું ગાડું
મદારી સીટીના રોડ પર ભંગાર વેચતા
માંકડું ઝૂમાં ઓશિયાળું બેસે લપાઈને માંદલું,
ઉડતી ધૂળમાં પાણીપુરી જમે સીટીમાં
પંજાબી ચાઈનીઝ આઈટમ સીટીમાં
ગાય, ભેંસ,બકરી,ઘેટી એક સાથે પાઉચમાં દૂજે,
મોભારે મીંદડો બોલે મ્યાઉ.....
હમણા આવશે.....હમણા આવશે
પણ આવે નહિ કોઈ એવું લાગે....

ધીસલાં ગયાં કીચૂડ....કીચૂડ...
ગામ ભરીને ગાડાં ગયાં ઉથડક થડક
શેળ કઢેલા શેઢા ઊભા આડા,
વાડ સડેલી દેખાય વાડા
ખેતર પેંતર રહરહ રેઢા,
છીંડાં ચારે કોરે છીંડાં છીંડા
જીવતર જીવતર મીડાં લીંડાં લીડાં
ગણી ગણીને હાંફે સોંસરવું હૈયું;
કયાંક ટ્રેકટરનાં ટાયર મોટાં ફેરવી
ટ્રોલીમાં ઊગતા સૂરજને ભરી,
સવારે સૂરજનો ડંગોરો ડચકારા કરે,
સાંજે પાશેર ઘણની પાછળ
હવામાં ડાંગ ઉંચેરો થાક લઈ
અંદર જંતુ જીવતાં મરે અને ઉતરે પાકમાં,
ખનખનિયાં ખખડે આશા બાંધી,
ખંજવાળે ઘયડ્ ઘયડ્ ઘયડ્ અધારું,
વાછરડું ડોબાંને ધાવે ને પાડું પરબારું
અધ કચરું આવે ઉંબરમાં....

સવાર પડે પછી
બપોર પડે પછી
સાંજ પડે પછી
રાત પડે પછી
પથારિયુંમાં ચાંદો વણસે,
બંધ બારણે રેશમિયાં ઓશિકે,
હાડકાં ચામડિયુંને ખૂંચે,
જળબંબોળ દુ:ખે રુપને બદલી,
ધાબા પર રમે ચંદરવી રાત
ભેર ભૂંગળ પ્રભાતિયાં વિના એકલી ચમકી
સવાર પાકલ ફળ જેવી
લવલવતી નીકળી જાય રઘવાઈ,
આ મૂળાં મોગરી કાંદા બનીને,
આ લચકી ગયેલા ફાંદા બનીને,
તમરાં વંદા ગંદા ખૂણાંમાં બબડે એમ
ગઈઢાં-બૂઢિયાં આડા આવે;
શહેરની મોટર નીકળે કે-
ઘરરર ઘટ્ કરતાંક બોલવું કરે :
'આ નીકળ્યો સવાનો છોકરો,
ટીઈટ...ટી...ઈ....ટ ફરરર...અરરર..લે..જો..'!

આંબો ફળિયું ખાવા માગે, હાય હોય રે !
લીંમડી થડિયું લઈને ભાગે,હાય હોય રે !
ખીજડો મશાળે જળ માગે,હાય હોય રે!
લાડવો ઘડો ઘડો તળ તાગે, હાય હોય રે !
ગોળ ઘટમટ ખોલાવી આગે, હાય હોય રે !
ચાર જણની કાંઘે રાખીને....
તુલસી ક્યારો માંજર ખેરવતો,
તાંબાજળનો લોટો લઈ ખખડતો,
અધ્ધરતાલનું તાળું લટકતું પૂછે કે-
નીકળી ગ્યા બારા ?
ત્યારે અેવું લાગે કે-
સૌની સાથે સિંદૂરિયો થઈ જાઉં
ખરાવાડના ખૂણે
પણ
આ લીંમડાની ડાળે
હીંચકો ઝૂલવું માગે....... !?

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀