Wednesday 31 May 2017

૮ ગઝલ

હવાને કહોને હવાધર્મ પાળે
ભલે બારણાં, બારણાધર્મ પાળે

કદી બ્હાર આવે, કદી જાય ભીતર
આ વૈરાગ પણ કાચબાધર્મ પાળે

બધાં જળને પોતાનું થાનક ગણે છે
ઘણાં એ રીતે માછલાધર્મ પાળે

એ બોલ્યું જો બદલે, નવાઈ ન પામો
ઊંચા માણસો તો ધજાધર્મ પાળે

ન આદત છૂટે ડંખવાની કદાપી
ભલે માણસો કંઈ વડાધર્મ પાળે

પીડાને એ પટરાણી માની નવાજે
કલમ પણ વધુ શું કલાધર્મ પાળે !

– સ્નેહી પરમાર

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

– સ્નેહી પરમાર

તું સાચો છે કહેવા ખુદ તું ઊઠે છે !
ઘી પણ સાચું હોય, તો ખુશબૂ ઊઠે છે.

બાકી સઘળે ઊઠે છે તે બજવાળું
અજવાળું તો એની ફરતે ઊઠે છે

ઊઠીને તેં શું ઉમેર્યું પૃથ્વીમાં ?
રોજ સવારે અમથું અમથું ઊઠે છે.

ક્યાં ઊઠે છે કોઈ તમારા આદરમાં !
ગજવાને ભાળીને ગજવું ઊઠે છે.

ત્યારે થાતું ‘બેસી રહેવું છે અહિયા’
જ્યારે કોઈ બાળક ભણતું ઊઠે છે.

– સ્નેહી પરમાર

એકનાં બે ન થાય એવાં છે.
તોય મોહી પડાય એવાં છે.

હાથ ઝાલે તો એના આધારે,
ઊંચે ઊડી શકાય એવાં છે.

ખૂબ ટૂંકો પનો છે ચાદરનો,
તોય એમાં સમાય એવાં છે.

માર્ગ કેવા છે એની ઝુલ્ફોના ?
હાથ સોનાના થાય એવા છે.

એની સાથેના અણબનાવો પણ
એક તોરણ ગુંથાય એવાં છે.

– સ્નેહી પરમાર

ઇચ્છાઓની હડિયાપાટી સ્વીકારું
વાહન રાખ્યું છે, ઘુરર્રાટી સ્વીકારું

આડાંઅવળાં દૃશ્યો ના દેખાડું સૌને
માટી ખાધી છે તો માટી સ્વીકારું

ઉપર હળદર જેવું ચમકે છે તન, કિન્તુ
અંદર છે એક હલદીઘાટી, સ્વીકારું

પાણી હો જેનામાં એ દેખાડી દે
કોઈ કહે કે ‘તું છે માટી’, સ્વીકારું

જન્મ છે ઉત્સવ તો મૃત્યુ મહોત્સવ છે
જેમ સ્વીકારું ત્વચા, રૂંવાટી સ્વીકારું

– સ્નેહી પરમાર

ખાઈ રોટી ને પ્યાજ ઊંઘે છે,
એક રાજાધિરાજ ઊંઘે છે.

વીજળીનાં જીવંત વાયર પર,
એક આખ્ખો સમાજ ઊંઘે છે.

હોઠ પર છે ધજા બગાવતની,
ફેફસાંમાં અવાજ ઊંઘે છે.

ભૂખ જાગ્યા કરે પથારીમાં,
આમ બંદાનવાજ ઊંઘે છે.

પિંડ ટંગાય દૂર ખીંટી પર,
કોઈ પહેરીને તાજ ઊંઘે છે.

આંખ અંગત બનાવ ભૂલીને,
એકબીજાને કાજ ઊંઘે છે.

– સ્નેહી પરમાર

વાત અસલ, કાગળમાં આવે
શબ્દો ત્યાં તો વચમાં આવે

એનાથી મોટો શો વૈભવ !
તડકો સીધો ઘરમાં આવે

ભીતર ભીનું સંકેલો ત્યાં
આંખોમાંથી પડમાં આવે

સાર બધા ગ્રંથોનો એક જ
પાથરીએ તે પગમાં આવે

તો માથે મૂકીને નાચું
ઘટ-ઘટમાં તે ઘટમાં આવે

પકડ્યો છે પડછાયો સાધુ !
અજવાળું શું બથમાં આવે.

– સ્નેહી પરમાર

સારું નરસું એવું શું ગજવે ભરવાનું ?
ફરવા આવ્યા છો અહીંયા તો બસ ફરવાનું !

તોય હવા ને હોવા વચ્ચે ભેદ ન સમજ્યો
કામ કરે છે કાયમ જે ફુગ્ગા ભરવાનું !

પિંજરને ટિંગાડી રાખો તોયે રહેશે
પંખી તો પંથી છે, ચીલો ચાતરવાનું.

દોરી છૂટે, દોરી ખૂટે ત્યાં લગ સાથી !
ઊંચે ઊડવાનું ને ઊંડે ફરફરવાનું.

એક જ પળ માટે સામેની બારી ખૂલે
એના માટે આખ્ખો દા’ડો તપ કરવાનું ?

– ‘સ્નેહી’ પરમાર

No comments:

Post a Comment