Saturday 28 October 2017

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

અફવા

અેક બારીમાં છીછકારો હોય તોય
અવાજો થ્યા એવું અફવાનું કહેવું.
ના લેવું કે દેવું તોય શીશીમાં ભરવાના
અખતરા હોય એમ અફવાનું રહેવું.
લોક આની ન માને પણ અફવાની માને.

મૃગજળમાં હળ હાંકે ડચકારા દઈ
એવી આમ વાત વાવી કે ફલવતી થઈ;
હજું બારણાંમાં રમતી'તી રાજ  ને
પછી દરિયાની પાર પૂગી વણથંભી ગઈ.
માણસનાં ટોળાંમાં વાહનમાં આમ
તેમ ફજેતમાં ગોળ ગોળ ફરવામાં રહેવું.
એક બારીમાં છીછકારો હોય તોય.....

ગર્ભેલી વાત કાને સડેડાટ જાય વાયુ વેગે
એની ફૂંકોમાં વાતોની લીંબોળી પાકે;
કાનેથી,આંખેથી વધતી એ જાય બહુ
શેરીને ચોક પછી ઓટલે  જઈ થાકે.
અંધારી રાત જેમ જામરતી જાય
એમ ચમકતી થાય આ અફવાનું એવું.
એક બારીમાં છીછકારો હોય તોય...

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment