Friday 27 October 2017

અછાંદસ

“માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?”

“યાદ આવે છે:
પહેલી વાર સ્મશાને ગયો તે પછી
કેટલીય રાત જંપીને સૂઈ ન’તો શક્યો,
પણ હવે તો
મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે.”

“સફળ માણસો કવિતા નથી લખતા.’

“રાવણના રાજ્યમાં જીવવાની
મને જડીબુટ્ટી જડી ગઈ છે.
મને રોજ રાતે
રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે.”

વિપીન પરીખ

No comments:

Post a Comment