Friday 27 October 2017

ગઝલ

શબ્દની ચકમક મળી’તી, ગીત હું જાતે શીખ્યો
કંઈ મળી એવી અધૂરપ, પ્રીત હું જાતે શીખ્યો

જન્મ વેળા તેં રૂદન દઈ મોકલ્યો’તો હે પ્રભુ
એક-બે મહિના રહીને, સ્મિત હું જાતે શીખ્યો 

'કેમ જીવન જીવવું'ના દાખલા પુષ્કળ હતા.
પણ રકમ પામ્યો અલગ, તો રીત હું જાતે શીખ્યો

જાણ થઈ, આનંદ ને આક્રંદ બન્ને શોર છે!
લયને શોધ્યો મધ્યમાં, સંગીત હું જાતે શીખ્યો 

બર્ફ ને અગ્નિ મળ્યા, બસ રૂપ બદલીને સદા
સ્પર્શથી.. શું ઉષ્ણ, શું છે શીત..! હું જાતે શીખ્યો

સંતુલન પ્રારબ્ધ ને પુરુષાર્થનું કેવું રહ્યું!
હાર શીખવી તેં, સમય! ને જીત હું જાતે શીખ્યો. 

રઈશ મનીઆર

No comments:

Post a Comment