Friday 27 October 2017

અછાંદસ

કવિતા 
રહેમદિલીથી ભોંકી દે છે 
જમૈયો 
તમારા જિગરમાં

કતલના હેતુ વિષે હોતી નથી કોઈને ખબર
મારનાર ઈસમ પણ નિશ્ચિતપણે બતાડી શકતો નથી કતલનું સ્થળ 

જ્યારે ઊલટતપાસ થાય છે ત્યારે ખબર પડે છે કે બધા જ ચશ્મદીદ ગવાહો 
ખરે વખતે મશગૂલ હતા આંખો મીંચીને સ્વપ્ન જોવામાં 
ને સ્વપ્નના વર્ણનમાં વ્યક્તિએ વ્યક્તિએ હોય છે પાઠફેર 

છેવટે જ્યારે જપ્ત કરવામાં આવે છે
કતલનું હથિયાર 
ત્યારે એ હોય છે
એકાદ પલાશનું ફૂલ, લોહીના લયથી ખરડાયેલું 

~ હરીશ મીનાશ્રુ

No comments:

Post a Comment