Friday, 27 October 2017

ગઝલ

ગઝલ
---------

સહેજ ઝીણી ઝીણી ઝરમર થાય છે, ને વારતા લંબાય છે
એક કોરી લટ જરી ભીંજાય છે, ને વારતા લંબાય છે

એક દિવસ નખને ઝાકળબૂંદથી એ રંગવા બેઠાં હતાં
ટેરવેથી સૂર્ય જ્યાં ઢોળાય છે, ને વારતા લંબાય છે

એક આંબો, એક મોસમ, એક કોયલ, એક ટહુકો કે પછી
એક એવી બાદબાકી થાય છે, ને વારતા લંબાય છે

રોજ આંસુની સવારી સાથ આટોપાઈ જાવાની પ્રથા
લાગણીની નસ કદી રૂંધાય છે, ને વારતા લંબાય છે

એમના પગલા પછી પગલા પછી પગલું ઝીલાતું જાય છે
ઘાસ ધીમે ધીમે લીલું થાય છે, ને વારતા લંબાય છે

.. સુરેન્દ્ર કડિયા

No comments:

Post a Comment