ઝાકળનાં ટીપાંએ ડોરબેલ મારી ને, કળીઓએ બારણાં ઉઘાડયાં રે લોલ;
આછા અજવાસમાં રંગો સુગંધોએ, દોડીને પગલાંઓ પાડયાં રે લોલ!
દૂર દૂર સ્ક્રીન ઉપર ઉપસી રહી છે સ્હેજ ઉષાની લાલ લાલ લાલી રે લોલ
લીમડાની લીફ્ટમાંથી નીચે ઉતરીને બે’ક ખિસકોલી વોક લેવા ચાલી રે લોલ
બુલબુલના સ્ટેશનથી રીલે કર્યું છે એક નરસિંહ મ્હેતાનું પરભાતિયું રે લોલ
લીલાં ને સૂક્કા બે તરણામાં સુઘરીએ કેટલુંયે જીણું જીણું કાંતિયું રે લોલ
ચાલુ ફ્લાઇટમાંથી ભમરાએ કોણ જાણે કેટલાયે મોબાઈલ કીધા રે લોલ
એવું લાગે છે જાણે આખ્ખીયે ન્યાતને ફૂલોનાં સરનામાં દીધાં રે લોલ
ડાળી પર ટહુકાનાં તોરણ લટકાવીને વૃક્ષોએ આંગણાં સજાવ્યાં રે લોલ
પાંખો પર લોડ કરી રંગોનું સૉફ્ટવેર રમવા પતંગિયાઓ આવ્યાં રે લોલ
કૃષ્ણ દવે .
Monday, 31 October 2016
ગીત
Labels:
કૃષ્ણ દવે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment