Friday, 1 September 2017

ગઝલ

લાગણીને સ્વજન મળે ના મળે ફેર શું પડે!
આંસુઓને નયન મળે ના મળે ફેર શું પડે!

શ્વાસને કારણે ફકત લાગું જીવિત હું પણ અહીં,
જિંદગીને જીવન મળે ના મળે ફેર શું પડે!

બાળતો મનને હું રહ્યો જિંદગી આખી તો હવે,
એક તનને દહન મળે ના મળે ફેર શું પડે!

ઝંખના તૃપ્ત ક્યાંય આ જિંદગીની તો થઇ નથી,
લાશને પણ કફન મળે ના મળે ફેર શું પડે!

ચાલ 'સર્જક' હું ઊંચકી જાઉં સમશાનમાં તને,
અર્થીને કોઈ જન મળે ના મળે ફેર શું પડે!

-સર્જક

No comments:

Post a Comment