Monday, 17 April 2017

ગઝલ

સગપણ વગર, સંબંધના વિવરણ વગર મળી
સદભાગ્યે પીડા અમને પળોજણ વગર મળી .

લોકોની આંખમાં મને દેખાયો બસ, અભાવ ...
મારી છબી, જુઓ , મને દર્પણ વગર મળી .

અંતે તો જીવવાનું એ કારણ બની ગઈ
આ વેદના અપાર જે કારણ વગર મળી .

દુલ્હન મળે અપ્રિય પતિને, હા, જે રીતે ...
આ જિંદગી મનેય સમર્પણ વગર મળી .

સન્માનથી, તમામ ખિતાબોથી છે વિશેષ
નાનકડી એક ખુશી જે મથામણ વગર મળી .

અંતે તો દર્દ સાથે ઘરોબો થયો અતૂટ
રાહત મળી તો દર્દ નિવારણ વગર મળી .

- રઇશ મનીઆર

No comments:

Post a Comment