Monday, 31 October 2016

ગીત

મને આપો ઉછીનું સુખ થોડું
હજીય એ ના દે થઇ ગયું મોડું

અમને આપી છે એવી બાવળની ડાળ
કે ફૂલ કદી ખીલ્યા નહી,
અમને સબંધો વળી આપ્યા રેતાળ
કે નીર કદી ઝીલ્યાં નહી,
હું તો હરણાની પ્યાસ લઈ દોડું
મને આપો ઉછીનું સુખ થોડું.

ટહુકા આપ્યા ને પાછાં પીછાં આપ્યા
ને પછી સામે આ ખડકી દિવાલ,
ઉડે છે ધૂળનાં રે વાદળ ને
આસપાસ પારધીએ પાથરી છે જાળ,
બંધ આંખે ઉજાગરાને ઓઢું
મને આપો ઉછીનું સુખ થોડું.

- જગદીશ જોષી

No comments:

Post a Comment