Saturday 29 October 2016

ગઝલ

ઉજાસના આ પર્વમાં સૌ ને નોખું - અનોખું અજવાળું સાંપડે એ જ શુભકામના.
________________________________

થોડા-ઘણા તનાવથી અજવાળું થાય છે.
ખુદને કરેલી રાવથી અજવાળું થાય છે.

જ્યાં મીણ કે બરફ થઈ ખુદને મળી શકો,
એવા બધા બનાવથી અજવાળું થાય છે.

સૂરજને ખોટું લાગશે,  આ એક વાતથી,
અહિં ભાવ ને અભાવથી અજવાળું થાય છે.

છે શબ્દના કે મૌનના, નહિ તારવી શકો,
દેખાય નહિ એ ઘાવથી અજવાળું થાય છે.

સહમત બધી ય વાતમાં ના થઇ શકાય પણ,
ના કે હા ના પ્રભાવથી અજવાળું થાય છે.

આ દર્દ, પીડા, વેદના જોતા રહી ગયા,
ખુશીઓની આવજાવથી અજવાળું થાય છે.

નડતા નથી સવાલ મને કાલના હવે,
આ આજના લગાવથી અજવાળું થાય છે.

------- લક્ષ્મી ડોબરિયા.

No comments:

Post a Comment