Sunday 30 October 2016

ગઝલ

વિકસતા વ્હાલ જેવું વિશ્વમાં વ્હાણું નથી જોયું,
શરમની લાલી જેવું રંગનું લ્હાણું નથી જોયું.

પ્રિયાના નેન જેવું કોઈ ઠકરાણું નથી જોયું,
ઊભરતા આત્મ જેવું ઉચ્ચ નજરાણું નથી જોયું.

નથી સૌંદર્ય દેખાતું તો એ છે દોષ દૃષ્ટિનો,
તમે શું સ્નેહથી સૌંદર્ય સરજાણું નથી જોયું ?

મહકતાં ગુલ, ચહકતી બુલબુલો, બહેલી બહકતાં દિલ,
ઉષા લાવી છે એવું અન્યનું આણું નથી જોયું.

નથી જોયું જીવનમાં જોયા જેવું એમ માની લે,
યદિ તેં જીવ દેવા જોગ ઠેકાણું નથી જોયું.

રહે અદૃશ્ય પણ એની હવા યે પ્રાણ પૂરે છે,
વધારે આથી મીઠું કોઈ ઉપરાણું નથી જોયું.

ભલે ગાફિલ કહી સંગીતકારો સહુ કરે અળગો,
ગઝલ જેવું હૃદયના રંગનું ગાણું નથી જોયું.

-મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

No comments:

Post a Comment