Sunday 30 October 2016

અછાંદસ

મારા ગામની
કૂણી કાકડી જેવી કેડીઓની સરખામણી
આ મસમોટા અજગર જેવા હાઈ-વે સાથે
ન હોય
મારા બાપ !
પણ
સવાલ હતો ગામ લોકોના વટનો
એટલે સહકાર તો આપવો પડે
બધાએ !
ખૂણે -ખાંચરેથી,
સીમ-ખેતરેથી
કેડીઓ બધી ભેગી થઈ
મનિયા નામે વાણિયાને ત્રાજવે તોલાવા !
ગીતો ગાયાં ગામની સ્ત્રીઓેએ
કેડીઓને પોરસ ચઢાવવા
અને
કવિઓએ લખી કવિતાઓ જોશ ભરેલી !
પણ તોય
બાપડી કેડીઓ ઈ કેડીઓ જ
હાય-વે પાસે એનું કેટલું ગજું?
બહુ ખરાબ રીતે
હારવાની તૈયારીમાં જ હતી બાપડી,
ત્યાં જ પાછળ સંતાઈને
તમાશો જોઈ રહેલી ચંદલીઅે
પોતાના ઝાંઝરનું એક રૂમઝૂમ
કાઢીને મૂકી દીધું કેડીવાળા પલ્લામાં
હળવેકથી !
અને તરત જ નમી ગયું કેડીનું પલ્લું.
બિચારા હાઈ-વેને આની કાંઈ
ખબર પડી નહિ .
પછી તો બોલી ગઈ રમઝટ રાસગરબાની
આખા ગામમાં
એક બાજુ વિજયના ઉલ્લાસમાં
ગાંડીતુર ચંદલી, ગામ અને કેડી ,
બીજી તરફ નરમ ઘેંશ જેવો હાઈવે
અને વચ્ચે ખાલી ત્રાજવાં ખખડાવત
બબૂચક મનિયો શું કરે બિચારો?

-મનસુખ લાખાણી

No comments:

Post a Comment