Wednesday, 21 November 2018

ગઝલ

ન રસ્તાઓ જડે છે શહેરની અંદર,
હરણ ભૂલા પડે છે શહેરની અંદર.

તમારા લગ નજર પહોંચી શકે ક્યાંથી?
મને ભીંતો નડે છે શહેરની અંદર !

ચપોચપ ચાલવાનું હોય છે કિન્તુ,
ઘણા લોકો દડે છે શહેેરની અંદર.

રૂપાંતર થાય છે વૃક્ષો મકાનોમાં,
કબૂતર ફડફડે છે શહેરની અંદર.

સૂતો છે ખાટલો ઢાળી અને માણસ,
બિમારીથી લડે છે શહેરની અંદર.

તમારા નામની કંકોતરી વાંચી,
ગઝલ ડૂસકે ચડે છે શહેરની અંદર.
                                -જિજ્ઞેશ વાળા

No comments:

Post a Comment