કંગાલિયત - ગીત
ફૂત્કારા દેતી ઓલી કાળઝાળ દૂબળાઈ ભીંસી રહી છે આ કાયા,
કાંચળીની જેમ હવે આયખાના ઓરતાની ઉતરી ગઈ વળગેલી માયા .
પેટમાં પથરાઈ ઊંડી કાળમુખી ખીણો ને
માથા પર કાળમીંઢ ડુંગરા,
સરવરના જળ સાવ છલી વહ્યાં ને પછી
તબકે છે કોરાં છીપરાં,
કોઠી હારે ધાનનાં બંધાયા વેર, થયા ચૂલાના દેવતા પરાયા.
કાંચળીની જેમ હવે આયખાના ઓરતાની ઉતરી ગઈ વળગેલી માયા .
અધપધ આ ખોરડાંને ઢાંક્યું છે આભ
ત્યાં ક્યાંથી હોય શીળી છાંયડી !!
પાઘડીમાં વલખે છે લાચારી બાપની ને
ખોળો લઈ વલખે છે માવડી,
આબરુની માને પૈણી ગ્યો શેઠ પછી દીકરીના આણાં ઠેલાયાં.
ફૂત્કારા દેતી ઓલી કાળઝાળ દૂબળાઈ ભીંસી રહી છે આ કાયા,
- મુકેશ દવે
અમરેલી
No comments:
Post a Comment