ખંતથી વર્ષો સુધી ખંડેર સાચવતા રહ્યા,
પાળિયા ખોડી પુરાણા વેર સાચવતા રહ્યા.
ટેરવેથી જીભનાં તો મધ સતત ટપક્યાં કર્યું,
તાળવામાં તોય કાતિલ ઝેર સાચવતા રહ્યા.
આપણી ઇચ્છા-અનિચ્છા આપણી જયાં ના રહી,
ગુપ્ત ઢાંકીને બધું , જાહેર સાચવતા રહ્યા.
આંખને એકાદ સુંદર દૃશ્ય જે જોવા મળ્યું,
કાળજામાં એનો કાળો કેર સાચવતા રહ્યા.
એ ક્ષણોને રાખવી જીવતી બીજી તો કઇ રીતે ?
લોહી બાળીને ય લીલા લ્હેર સાચવતા રહ્યા.
- બાબુલાલ ચાવડા 'આતુર '
No comments:
Post a Comment