Thursday 29 June 2017

રાધા- કાન ગીત

સંવાદ  -  કાવ્ય 

કાનજી  : ---

તારા  અત્તર   ભીની   સુગંધનાં   છાંટા  વાગે  રે  લોલ ,
તારા  કામણગારા  કાતીલ  રૂપનાં  કાંટા  વાગે  રે  લોલ

રાધા  : ---

તારી    આંટાળી   પાઘડીનાં    આંટા   વાગે  રે  લોલ ,
તારી   કડિયાળી   ડાંગનાં   સુસવાટા   વાગે  રે  લોલ .

શરમની  મારી  મારી  ચુંદડી થઇ  જાય  લાલમલાલ ,
મારી   છાતીની  ભીતર   ચાલે  રોજ   કશી   ધમાલ ,
એના  એક  એક  ધબકારે   ઊભરાય  કોઇનું  વહાલ ,
તારી  વાંકલડી મુછોને  'લ્યા આટલો  ના  વળ આલ ,
તારી  આંખોનાં    ઊલાળા   અમને   વાગે   રે  લોલ ,
તારી   કડિયાળી   ડાંગનાં   સુસવાટા   વાગે  રે  લોલ .
તારી    આંટાળી   પાઘડીનાં    આંટા   વાગે  રે  લોલ ,

જુએ   રોજ   દૂરથી  પણ   પાસ  કદી  ના  આવતો ,
ખબર  ન  પડે  એમ ચોરી  છૂપીથી  રોજ નિહાળતો , 
કહીએ   મળવાનું   તો  ખોટા  બહાનાં એ  બતાવતો  ,
સપનામાં  આવીને  અમથા  અમથા  લાડ   લડાવતો ,
તારા   આવા  ચેનચાળા  હવે  અમને  વાગે  રે  લોલ ,
તારી   કડિયાળી  ડાંગનાં   સુસવાટા    વાગે  રે  લોલ .
તારી    આંટાળી   પાઘડીનાં    આંટા    વાગે  રે  લોલ ,

કાનજી : ---

ગયો  છું   થાકી   હવે   તારા   નખરાંથી   નીતનવા ,
લાવું  ક્યાંથી હવે  એવા  મેઘધનુષિ   રંગો  અવનવા ,
ગયાં  છે  હવ ખુટી  શબ્દો  'જશ'  તને  અભિનંદવા ,
તારા  રૂસણાનાં   અબોલા  અમને   વાગે   રે   લોલ .
તારા   અત્તર   ભીની  સુગંધનાં   છાંટા  વાગે  રે  લોલ ,
તારા  કામણગારા  કાતીલ  રૂપનાં  કાંટા  વાગે  રે  લોલ

રાધા : ---

તારી   આંટાળી    પાઘડીનાં   આંટા   વાગે  રે  લોલ ,
તારી   કડિયાળી   ડાંગનાં   સુસવાટા   વાગે  રે  લોલ .

કાનજી : ---

તારા  અત્તર   ભીની   સુગંધનાં   છાંટા  વાગે  રે  લોલ ,
તારા  કામણગારા  કાતીલ  રૂપનાં  કાંટા  વાગે  રે  લોલ

                         જશુ  પટેલ
                      ૨૯-૦૬-૨૦૧૭
                    બોસ્ટન , અમેરીકા

No comments:

Post a Comment