Thursday 29 June 2017

૬, ગઝલ

ગઝલ

ચિત્તને ચાનક ચડી કે આપણે પણ સાંઈ થાવું.
આપણે પણ આભલાને આંબતી ઊંચાઈ થાવું.

ગંજ ખડકી ને થયા પર્વત તો તેમાં શી નવાઈ,
છે મજાનું વાટકી વ્યવહારની આ રાઈ થાવું.

એમ ભીતરમાં જઈને હું બન્યો છું જીવ તારો,
પણ બહુ મુશ્કેલ છે આ બ્હારથી પરછાંઈ થાવું.

ને સુગંધો એ રીતે ભળતી ગઈ સોના મહીં,
આ પીડાની પોઠ વચ્ચે આપણું શરણાઈ થાવું.

તું કહે તો હુંય રામાયણ લખું તુલસી બનીને,
શે'ર તો જાણે જ છે કેવી રીતે ચોપાઈ થાવું !

- સ્નેહલ જોષી

*અભાવ ( ગઝલ )*

તારા  વિરહમાં સાંજને જીરવી ગયો છું હું.
તારા  વિરહમાં એક પળ અટકી ગયો છું હું.

તારા  વિરહમાં શ્વાસને આવી છે તીવ્રતા,
તારા  વિરહમાં જિંદગી સમજી ગયો છું હું.

તારા  વિરહમાં યાદ નથી હું મને રહ્યો,
તારા  વિરહમાં કેટલું ભૂલી ગયો છું હું.

તારા  વિરહમાં સૂર્ય બન્યો છું સવારથી,
તારા  વિરહમાં ડૂબતા શીખી ગયો છું હું.

તારા  વિરહમાં શબ્દ અહીં બોલતા નથી.
તારા  વિરહમાં શાયરી પામી ગયો છું હું.

- સ્નેહલ જોષી

ગઝલ

આમ તું પ્યારમાં ન છોડી જા.
સાવ મઝધારમાં ન છોડી જા.

પુષ્પ કરતાય સાવ હળવો છું,
તું  મને  ભારમાં  ન  છોડી જા.

જ્યાં ગુમાવ્યું હતું હ્રદય આખું,
એજ  વિસ્તારમાં ન છોડી જા.

સ્હેજ  પણ  દૂર થાઉં તારાથી,
એવા વ્યવહારમાં ન છોડી જા.

ને  પડી  જાઉં  આંખથી એવા,
કોઈ  અધિકારમાં ન છોડી જા.

સ્પષ્ટ કર આપણા આ સંબંધો,
આમ અણસારમાં ન છોડી જા.

ખુબ  ગહેરાઈથી જ જીવ્યો છું,
ખીણની  ધારમાં  ન  છોડી  જા.

- સ્નેહલ જોષી

વરસાદ ( ગઝલ )

ભલે ને ગામમાં ચારે તરફ ગારો કરી ગયો
મને વરસાદ આજે દિલથી તમારો કરી ગયો !

બીજું તો શું કરીને જાય તમારા શ્હેરમાં મિત્રો,
ક્ષણોમાં જિંદગીનો પૂર્ણ સથવારો કરી ગયો.

નર્યા અમૃત નિતરતા છાંટણા વરસ્યા છે ખેતરમાં
ઉગેલો પાક શમણાંનો બહુ સારો કરી ગયો.

મળી'તી ચાર આંખો પ્રેમપૂર્વક ઝીણી ઝરમરમાં
ભરી ભરપુર ભીતર ભીનો મુંઝારો કરી ગયો.

હ્રદયના સાવ ભીના ભાવ સાથે ખુબ ઝીલ્યો છે
વધારે શું, સફળ આખોય જન્મારો કરી ગયો.

- સ્નેહલ જોષી

ગઝલ

એક તારી યાદમાં સઘળું ગુમાવ્યું છે અમે,
જિંદગીભર તોય ક્યાં તુજને બતાવ્યું છે અમે ?

પર્વતોના પર્વતો ઊંચકી લીધા પાંપણ ઉપર,
એક પાંપણ શું નમી, મસ્તક ઝુકાવ્યું છે અમે.

ગાલ ઉપર જે કદીયે પહોંચવા પામ્યું નથી,
આંખમાંથી એક આંસુ એમ સાર્યું છે અમે.

ખૂબ ઊંડે સાચવી છે, વાસ્તવિકતાની મહેક,
સાવ ઉપર સત્યનું અત્તર લગાવ્યું છે અમે.

સામસામે કાચ જેવું ગોઠવી દીધા પછી,
જાત એમાં શોધવા માટે વિચાર્યું છે અમે.

- સ્નેહલ જોષી

આંખો ( ગઝલ )

નજર સ્હેજ મળતા નમી જાય આંખો.
અને એક પળમાં ગમી જાય આંખો !

નિતરતી,નિખાલસ અને સાદગી આ;
રહસ્યો ઘણાયે કહી જાય આંખો !

સતત જાતનું પણ સમર્પણ કરીને;
હ્રદયના બધા દર્દ પી જાય આંખો !

છતા લાગણીઓ જો વરસી પડે તો;
બધા બંધ તોડી છલી જાય આંખો !

રહ્યા સાવ નિષ્ફળ બધા પૂર્વજન્મો;
હવે આ જનમમાં મળી જાય આંખો ?!

- સ્નેહલ જોષી

No comments:

Post a Comment