Monday 10 February 2020

ગીત

☘☘☘☘☘☘☘☘☘☘☘

હથેળિયુંમાં કૂક

પછી એને હોંશભેર પૂછવાનું થાય કે તારી વાંસળીમાં સૂર થઈ ફૂંકાતી જાઉ, સાવ કોરી હથેળી લાવ.

અવળ સવળ ગૂંથી હસ્તરેખની વેલ નસનસ જો સીધી સટ દેખાય અમને, એનું શું ?
વળતા જવાબ ઝીલવા રાહી બનતો કાન સૂણે ને આંખો તાકે તગતગ તમને, એનું શું ?
સ્મરણ દોડી જાય પલપલ હાર, મીઠું હું મુંઝાઉ તોય લ્હેર મ્હેર મલકાતી થાઉં.
સાવ કોરી હથેળી લાવ.
પછી એને હોંશભેર પૂછવાનું થાય.....

સપ્ત ઉમંગ સપ્ત રંગી સૂરે સળવળ ગીતડું સરવા લાગે ને રગરગ છલકી જાય ભીંતડું.
રાહ જોઈને ઊભું આંખો ઢાળી ઉંબર બારસાંખે ઉછળી અથરું થઈ ગ્યું ચિતડું.
શ્વાસોના સગપણ વધારી આવન જાવન સપ્ત સૂરની હેલી ઉમટે ને મન ભરીને ગાઉ.
સાવ કોરી હથેળી લાવ.
પછી એને હોશભેર પૂછવાનું થાય.....

ડૉ. ભાવેશ જેતપરિયા

☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘

આ રંગ જુદા છે

નવરંગી નવતાલ લઈને ડોલન લેતાં ફૂલડે રંગત ફાગ પણ આ ફાગ જુદાં  છે !
સપ્તધનુના સરગમ રેલ્યા તાલ ચાલમાં વ્હેંતા રાગ પણ આ રાગ જુદાં  છે !

પરપોટે ઝીલ્યો સૂરજ ભાર સાર લઈ ફરતા રેલમછેલ છલના દોડે;
કણ કણ રેતી ચમકે ધમકે પવન પૂર ગોટમ ગોટ બદરા સાથે જોડે.
ઉછળે કાંઠાભેર સમંદર તળીએ મોતી આંખે દળતાં જળ પણ આ જળ જુદાં છે !
નવરંગી નવતાલ લઈને.....

રગરગ દોડે જોડે ફૂલડાંનો મલ્હાર વાટમાં વેલો ઝુલણ ઝુલતો જાય;
પગલાંને પંપાળી પંથ લંબાતા સપનાં કેરી લીલી પાંખ ફફડતી થાય.
કરવું શું વળી કથવું શું ? ફકત મથવું એ ભાગ જુદા અને આ તાગ જુદા છે.
નવરંગી નવતાલ લઈને.....

ડૉ. ભાવેશ જેતપરિયા

☘☘☘☘☘☘☘☘☘☘☘

No comments:

Post a Comment