Sunday 24 June 2018

ગઝલ

કેટલા દર્દો સહું છું એકલો,
ભીડમાં પણ હું ફરું છું એકલો.

ભૂલમાં પણ કોઈનું દિલ ના દુઃખે,
એટલે બસ હું રહું છું એકલો.

કોઈને ફુરસદ નથી તો શું થયું!
વાત સૌ ખુદને કહું છું એકલો.

આયના સામે હસી લઉં છું કદી,
ને કદી એમજ રડું છું એકલો.

એમના સપને કદી આવી ચડું,
એમ હું રાતે ફરું છું એકલો.

બે કદમ આ જીંદગી પાછળ કરે,
બે કદમ આગળ વધું છું એકલો.

લાગણી ને દર્દ પ્હોંચે દિલ સુધી,
શું ગઝલ એવી કહું છું એકલો!!

ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'

No comments:

Post a Comment