Sunday, 24 June 2018

૩, ગઝલ

ભરોસો   હો   ભરપૂર  શું   માપવાનું?
ચલે   જા   ફકીરા,   ધપે    રાખવાનું

દરદ   મીઠ્ઠડું  છે  જે   મમળાવવાનું,
નથી   કોઇને  પણ   એ   પરખાવવાનું.

છે  મનસા  પ્રભૂ  બસ  તને  ઝાંખવાની,
જરી   દૂરથી    જોઇને    પામવાનું

કે  મનડું  છે  મર્કટ  સમું  જો  ન  માને,
ધરી    ધીરતા   એને   સમજાવવાનું

ને  અણસાર એકાદ  દેજે   અબુધને,
ગતાગમ  નથી  કાંઇ,  શું   માનવાનું!

બિછાવ્યાં  નયન  એક  ઝપકી ન લીધી,
ચઢી   ચાનકી   છે   તને  જાપવાનું!

-----------હેમા ઠક્કર "મસ્ત "

લગનમાં  મગન  થઇને  આરાધવાનું
ટકોરા   એ   દેશે   હરિ,    જાગવાનું

જુઓ  કંટકોમાં   સુમન   પાંગરે   છે
સુકર્મી     સુવાસે   સદા   વ્યાપવાનું

જરી   સૂર્યને  પણ  ભનક  દે  ન  વાદળ
અચાનક   ગગનફાડ   વરસી  જવાનું

મનોહર  સ્વરૂપો  ધરેલી  છે  કુદરત
ભરી   આંખમાં,   શ્વાસમાં,   જીવવાનું

અલખઓટલો   લાગે  સંસાર  આખ્ખો ,
ગમે   હર  જનમમાં   અહીં   આવવાનું

-----------હેમા ઠક્કર "મસ્ત "

અહીં   ગાન   છેડીને   આલાપવાનું
પછી   મુક્ત  મનથી   જરા  નાચવાનું

ફકીરી,  અમીરી,  બધું  એકરસ છે
નથી  જેને  પરવા   કે   શું  પામવાનું

કરમરેખને   પણ  ફરાવી   શકો   છો
ખડેપગ   રહી   હીરને    તાગવાનું

વહેતી  મુકો   સૌ   વ્યથાઓ, જથાઓ
હરિનામમાં   રત  થઇ    ફાગવાનું

સદા  ભૂખ  મટશે   બધા  ભોગની,  હા
ભભૂતિને   ચપટીક   લઇ   ફાકવાનું

-------------------હેમા ઠક્કર "મસ્ત"

No comments:

Post a Comment